Monday, April 14, 2025
More

    કોલમ્બિયા યુનિવર્સિટીની ભારતીય વિદ્યાર્થિની થઈ ‘સેલ્ફ ડિપોર્ટ’, હમાસનું સમર્થન કરવા બદલ અમેરિકાએ રદ કરી દીધા હતા વિઝા

    અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું કે એક ભારતીય વિદ્યાર્થિનીએ ‘સેલ્ફ ડિપોર્ટ’ વિકલ્પનો ઉપયોગ કરીને પોતાની જાતે જ દેશ છોડી દીધો છે. 

    કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આ ભારતીય વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસનના વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા. તેનું કારણ હતું હમાસને સમર્થન. અભ્યાસના બહાને ગયેલી વિદ્યાર્થિનીએ ત્યાં જઈને પ્રો-પેલેસ્ટાઇન પ્રદર્શનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને ઇઝરાયેલ સામે લડતા આતંકવાદી સંગઠન હમાસના સમર્થનમાં ગતિવિધિઓ શરૂ કરી હતી. ત્યારબાદ તેના વિઝા રદ કરી દેવામાં આવ્યા. 

    સુરક્ષા કારણોસર ગત 5 માર્ચના રોજ રંજનીના વિઝા રદ કરવામાં આવ્યા બાદ 11 માર્ચના રોજ તે CBP હોમ એપનો ઉપયોગ કરીને સેલ્ફ ડિપોર્ટ થઈ ગઈ. 

    HBSનાં સેક્રેટરી ક્રિસ્ટી નોએમે X પર એક વિડીયો ફૂટેજ, જેમાં રંજની એરપોર્ટ પર જતી જોવા મળે છે, પોસ્ટ કરીને લખ્યું, ‘અમેરિકામાં રહેવા અને અભ્યાસ કરવા માટે વિઝા મળવા એ એક લાભ છે. પરંતુ જ્યારે તમે હિંસા અને આતંકવાદનું સમર્થન કરો તો આ લાભ પરત લઈ લેવામાં આવવા જોઈએ અને તમે આ દેશમાં રહેવા માટે લાયક ન હોવા જોઈએ. કોલમ્બિયા યુનિવર્સિટીના આતંકવાદી સમર્થકો CBP હોમ એપનો ઉપયોગ કરીને સેલ્ફ ડિપોર્ટ થઈ રહ્યા છે એ જાણીને આનંદ થયો.’

    ઉલ્લેખનીય છે કે સેલ્ફ ડિપોર્ટનો અર્થ એ થાય કે દેશમાં ગેરકાયદેસર રહેતી વ્યક્તિને નિયમો અનુસાર કાઢી મૂકવામાં આવે તે પહેલાં તે જાતે જ, પોતાની રીતે, સ્વેચ્છાએ રવાના થઈ જાય. આ માટે ટ્રમ્પ સરકારે CBP હોમ એપ પણ લૉન્ચ કરી છે, જેની મદદથી સેલ્ફ ડિપોર્ટ થવાની ઈચ્છા ધરાવનારાઓ જાણ કરી શકે છે.