
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કફ સિરપના વેચાણના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે આ દવાઓને ‘શેડ્યૂલ K’ની યાદીમાંથી બહાર કરી દીધી છે. આ યાદીમાં સામેલ દવાઓ ડૉક્ટરની ચબરખી વગર ખરીદી શકાતી હતી, પરંતુ હવે કોઈપણ કફ સિરપ ખરીદવા માટે રજિસ્ટર્ડ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવવું કાયદાકીય રીતે ફરજિયાત બનશે. જોકે ઉધરસ માટેની ગોળીઓ આ યાદીમાં યથાવત રહેશે.
આ નિર્ણય પાછળ તાજેતરમાં બનેલી ગંભીર ઘટનાઓ જવાબદાર છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં દૂષિત કફ સિરપ પીવાના કારણે ઓછામાં ઓછા 22 બાળકોનાં મોત થયાં હતાં. આ સિવાય રાજસ્થાનમાં પણ બાળકોનાં મોતના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડ્રાફ્ટ ગાઈડલાઈન બહાર પાડીને સંબંધિત લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા અને હવે આ નવો નિયમ લાગુ કરી દેવાયો છે.
નવા નિયમો બાદ હવે કોઈપણ વ્યક્તિ સીધી મેડિકલ સ્ટોર પર જઈને ઓવર-ધ-કાઉન્ટર કફ સિરપ ખરીદી શકશે નહીં. આ આદેશ તમામ પ્રકારની સિરપને લાગુ પડશે, જેમાં કોડીન જેવી નશાકારક અને બંધાણી બનાવી દેતી દવાઓ પણ સામેલ છે. આ નિર્ણયથી બાળકોને ‘ડેક્સ્ટ્રોમેથોર્ફન’ જેવી ભારે દવાઓ આપવાથી બચાવી શકાશે, જે 4થી 6 વર્ષથી નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
મધ્ય પ્રદેશની ઘટના બાદ લેવાયો નિર્ણય
ડ્રગ કન્સલ્ટેટિવ કમિટીની બેઠકમાં ચર્ચા બાદ આ ફેરફારને મંજૂરી અપાઈ હતી. કમિટીએ નોંધ્યું હતું કે કફ સિરપ બનાવવામાં વપરાતા કેમિકલ્સમાં ઇથિલિન ગ્લાયકોલ (EG) અને ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) જેવા ઝેરી તત્વો ભળી જવાનું જોખમ રહે છે. મધ્ય પ્રદેશની ઘટનામાં જે સિરપથી બાળકોનાં મોત થયાં હતાં, તેમાં ઝેરી તત્વનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા (0.1%) કરતાં ઘણું વધારે એટલે કે 48.6% જોવા મળ્યું હતું.
ભારતમાં કફ સિરપના કારણે બાળકોનાં મોતના કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં દૂષિત સિરપના કારણે 17 બાળકોનાં અને 1998માં ગુરુગ્રામમાં 33 બાળકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત, વર્ષ 2022માં ભારતીય કંપનીઓ દ્વારા નિકાસ કરાયેલી કફ સિરપ પીવાથી ગેમ્બિયામાં 70 અને ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોનાં મોત થતાં વૈશ્વિક સ્તરે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO) દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
સરકારે અગાઉ નિકાસ થતી તમામ કફ સિરપની બેચનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ ફરજિયાત કર્યું હતું, પરંતુ દેશની અંદર વેચાતી દવાઓમાં દૂષિતતાની સમસ્યા યથાવત રહેતા આ નવો કાયદો લાવવો પડ્યો છે. નિષ્ણાતોના મતે આ પ્રતિબંધથી સામાન્ય લોકોને થોડી તકલીફ ચોક્કસ પડશે, પરંતુ દેશના બાળકોના સ્વાસ્થ્ય અને જીવની સુરક્ષા માટે આ એક અત્યંત પ્રશંસનીય અને જરૂરી પગલું છે.

