
21 જૂન 2026ના રોજ યોજાનારી NEET (UG) પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર અસ્થાયી પ્રતિબંધો લગાવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ પગલાંનો મુખ્ય હેતુ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને છેતરપિંડી અને ખોટી અફવાઓથી બચાવવાનો છે.
આઇટી એક્ટની કલમ 69(A) હેઠળ સરકારે 22 જૂન 2026 સુધી ભારતમાં ટેલિગ્રામના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળો પરીક્ષાના દિવસ અને તેના તરત પછીના સમયને આવરી લે છે. આ કડક નિર્ણય પરીક્ષાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
બીજા આદેશ મુજબ ટેલિગ્રામને ભારતમાં 30 જૂન 2026 સુધી તેનું ‘મેસેજ એડિટિંગ’ ફીચર બંધ કરવા કહેવાયું છે. કેટલાક લોકો પરીક્ષા પૂરી થયા પછી જૂના મેસેજ સુધારીને તેમાં પેપર અપલોડ કરી દેતા હતા. આનાથી એવો ખોટો પુરાવો ઊભો થતો હતો કે પેપર પરીક્ષા પહેલાં લીક થયું હતું. આ ફીચર બંધ થવાથી આવી પ્રવૃત્તિ અટકશે.
Telegram access restricted in India for re- NEET following recommendations of NTA
— ANI (@ANI) June 16, 2026
"Ministry of Electronics and Information Technology has issued notification a direction under Section 69 A of the Information Technology Act, 2000, restricting access to the Telegram platform in… pic.twitter.com/3TzJepOoej
છેલ્લા થોડા દિવસોથી ટેલિગ્રામ પર ‘PAPER LEAKED NEET’ અને ‘Re-NEET 2026’ જેવા નામોથી નકલી ચેનલો ચાલી રહી હતી. આ ચેનલો પરીક્ષાનું પેપર આપવાના બહાને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી હજારો-લાખો રૂપિયા માંગતી હતી. NTAએ સ્પષ્ટ કર્યું છે કે આવું કોઈ પેપર બહાર ઉપલબ્ધ નથી અને આ માત્ર એક છેતરપિંડી છે.
આ નકલી ચેનલો અને ગેંગ સામે ગૃહ મંત્રાલયની સાયબર ક્રાઇમ એજન્સી મુખ્ય કામગીરી કરી રહી છે. NTA અને બિહાર, ગુજરાત તેમજ રાજસ્થાન પોલીસની માહિતીના આધારે આવી અસંખ્ય ટેલિગ્રામ ચેનલો અને ગ્રુપ્સને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા છે.
NTAએ જણાવ્યું છે કે સામાન્ય યુઝર્સને આનાથી થોડી અગવડતા પડશે, પણ પરીક્ષાની સુરક્ષા માટે આ જરૂરી હતું. 21 જૂનની પરીક્ષા તેના નક્કી કરેલા સમયે જ લેવાશે. વિદ્યાર્થીઓને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા જણાવાયું છે.

