Friday, June 20, 2025
More

    હરિયાણાની યુટ્યુબરની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ: 2023માં કરી હતી પાડોશી દેશની યાત્રા, પાક.ની સકારાત્મક છબી રજૂ કરવાનું સોંપાયું હતું કામ

    હરિયાણાની એક યુટ્યુબરની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ જ્યોતિ મલ્હોત્રા તરીકે થઈ છે. તે ટ્રાવેલ વ્લોગિંગની ચેનલ ચલાવે છે અને થોડા સમય પહેલાં પાકિસ્તાન પણ ફરી આવી હતી. 

    આરોપ છે કે તે પાકિસ્તાન હાઈકમિશનના માધ્યમથી વિઝા લઈને 2023માં પાકિસ્તાનની યાત્રાએ ગઈ હતી. ત્યાં તે અમુક અધિકારીઓના સંપર્કમાં આવી. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના હેન્ડલરોએ તેને ભારતના ઑડિયન્સમાં પાકિસ્તાનની સારી છબી રજૂ કરવાનું કામ સોંપ્યું હતું. ઉપરાંત તેણે ભારત વિશે પણ હેન્ડલરોને સારી એવી માહિતી આપી હોવાનો આરોપ છે.

    જ્યોતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પાકિસ્તાનની યાત્રાની અનેક રીલ પોસ્ટ કરી છે. જેના માધ્યમથી તેણે ત્યાંની બાબતોને સકારાત્મક રીતે રજૂ કરવાના પ્રયાસ કર્યા. તેની ઉપર સોશિયલ મીડિયા રીચનો ઉપયોગ કરીને પાકિસ્તાની પ્રોપગેન્ડા ભારતમાં ચલાવવામાં મદદ કરવાનો આરોપ છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 13 મે, 2025ના રોજ ભારત સરકારે પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા અહેસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશને પર્સોના નોન ગ્રાટા ઘોષિત કરીને દેશ છોડી દેવા માટે આદેશ આપ્યો હતો. આ જ્યોતિ અને તેના જેવા અમુક આ દાનિશના જ સંપર્કમાં હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. 

    મલ્હોત્રા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 અને અન્ય સુસંગત ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.