ગુજરાત યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે નાણાંકીય ગેરરીતિનો વધુ એક આરોપ, ₹32 કરોડનાં કામોની મંજૂરી પર પ્રશ્નાર્થ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન ₹32 કરોડથી વધુનાં વિવિધ કામોની મંજૂરી આપવા બાબતે નવો વિવાદ ઊભો થયો છે. એવો આરોપ છે કે આ કામો યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ સમક્ષ પૂરતી ચર્ચા કર્યા વિના જ પાસ કરી દેવામાં આવ્યાં હતાં અને એજન્ડામાં અમુક કામોની વિગતો છુપાવવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, 2 મે, 2025ના રોજ ₹32.31 કરોડના કામોનો એક પ્રસ્તાવ તૈયાર કરાયો હતો, જેને જુલાઈ 2025માં મંજૂરી આપી દેવાઈ. આરોપ છે કે યુનિવર્સિટીના સભ્યો સાથે આ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. સભ્યોને જે કામોનું લિસ્ટ મોકલાયું હતું તેમાં જાણીજોઈને 40 નંબરના કામની વિગત છુપાવી દેવાઈ હતી એટલે કે લિસ્ટમાં 39 નંબર પછી સીધો 41 નંબર જ બતાવાયો હતો. આ કરોડોના કામો ‘જેપી સ્ટ્રક્ચર્સ’ અને ‘ઓક્ટર્સ’ નામની કંપનીઓને આપી દેવાયાં હતાં.

બેઠકની મિનિટ્સ અંગે સવાલો

બીજો મુદ્દો 20 મે, 2025ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકની મિનિટ્સ સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે બેઠક દરમિયાન માત્ર 7 મુદ્દા પર ચર્ચા થઈ હતી, પરંતુ જ્યારે મિનિટ્સ અપલોડ કરવામાં આવી ત્યારે તેમાં ચર્ચા ન થઈ હોય તેવા અન્ય બે મુદ્દાઓ સભ્યોની મંજૂરી વિના ઉમેરી દેવામાં આવ્યા હતા.

જ્યારે આ બેઠક યોજાઈ ત્યારે પરેશ પ્રજાપતિ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત હતા. પરંતુ જ્યારે મિનિટ્સ ઓનલાઇન ચડાવવામાં આવી ત્યારે પીયૂષ પટેલ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે સેવા આપી રહ્યા હતા અને દસ્તાવેજો પર તેમની સહીઓ જોવા મળી હતી. આ પ્રક્રિયાને લઈને પણ યુનિવર્સિટી પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના નેતા અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીના નીતિવિષયક અને નાણાકીય નિર્ણયો લેતી સિન્ડિકેટ બેઠકને અંધારામાં રાખીને કરોડના કામો સોંપવામાં આવ્યાં છે. તેમણે સેનેટ અને સિન્ડિકેટના વિસર્જન બાદ સરકારી સભ્યોની નીતિ સામે વિરોધ નોંધાવી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ અંગે સ્પષ્ટતા આપતા ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના નાણાકીય વ્યવહારોમાં કેટલીક ખામીઓ અને અનિયમિતતાઓ સામે આવી છે. તેમણે સ્વીકાર્યું હતું કે એજન્ડામાં ક્રમ નંબર ગાયબ હોવાનું ધ્યાને આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ કોઈ ભૂલ છે કે અન્ય કોઈ ગંભીર બાબત તેની તપાસ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ નીરજા ગુપ્તા વિરુદ્ધ નાણાંકીય ગેરરીતિના આરોપ લાગી ચૂક્યા છે જે મામલે તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટ જજના નેતૃત્વમાં એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી છેલ્લા 22 દિવસથી દસ્તાવેજો અને અગાઉના અહેવાલોની તપાસ કરી રહી છે. બે મહિનાની અંદર તપાસ સમિતિ પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ જ સમગ્ર સત્ય બહાર આવશે તેમ યુનિવર્સિટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.