Tuesday, March 4, 2025
More

    ‘ઇન્ડિયન સ્ટેટ સાથેની લડાઈ’વાળા નિવેદનને લઈને ઓડિશામાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR, IGએ ઑપઇન્ડિયાને જણાવ્યું – ફટકારીશું નોટિસ

    ઓડિશામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ હિંદુ સંગઠનોએ FIR નોંધાવી છે. રાહુલ ગાંધી પર આરોપ છે કે, તેઓ જાણીજોઈને સતત દેશવિરોધી નિવેદનો આપી રહ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ FIR ઓડિશાના ઝારસુગુડાના એક પૂજારી રામ હરિએ નોંધાવી છે.

    FIRમાં કહેવાયું છે કે, રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશની એકતા અને અખંડિતતા જોખમમાં છે. તથા રાહુલ ગાંધીએ ‘ભારત રાજ્ય સામે લડાઈ’નું એલાન કરીને બળવાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. આ સિવાય રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે.

    આ અંગે ભાજપ અને હિંદુ સંગઠનોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે નવા કોંગ્રેસ મુખ્યાલયના ઉદ્ઘાટન દરમિયાન રાહુલ ગાંધીએ આપેલ નિવેદન અંગે કાર્યવાહીની માંગ કરી હતી. નોંધનીય છે કે, ફરિયાદ અંગે, આઈજી રેન્જ સંબલપુર હિમાંશુ લાલે FIR નોંધવા સૂચના આપી હતી.

    આ મામલે, ઑપઇન્ડિયાએ સંબલપુર રેન્જના આઈજી હિમાંશુ લાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બજરંગ દળ, RSS સહિત કેટલાક હિંદુ સંગઠનોએ રાહુલ ગાંધીના નિવેદન અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પર, પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપો સાચા જણાયા છે. મેં આ સંદર્ભમાં FIRનો આદેશ આપ્યો છે.”

    તેમણે વધુમાં કહ્યું, “આ મામલે BNSની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અમે તેની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. નિયમો મુજબ, આ સંદર્ભમાં નેતા રાહુલ ગાંધીને પણ નોટિસ મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમનો પક્ષ પણ લેવામાં આવશે.”

    ઑપઇન્ડિયાએ આ મામલે ઝારસુગુડાના એસપી સ્મિત પરમાર સાથે પણ વાત કરી, જેમણે પુષ્ટિ કરી કે FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 152 અને 197(1)(D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ છે.

    ઉલ્લેખનીય છે કે, કોટલા રોડ પર બનેલા કોંગ્રેસના નવા કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં આ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસની લડાઈ ભાજપ સાથે નથી, પરંતુ હવે ‘ઇન્ડિયન સ્ટેટ’ સાથે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને RSSએ દેશની દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે.