અખબાર ‘ગુજરાત સમાચાર’ની ટીવી ચેનલ GSTVની ઑફિસે બુધવારે (14 મે) ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 36 કલાક બાદ ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. બીજી તરફ સંસ્થામાં કામ કરતા પત્રકારોનો દાવો છે કે EDની ટીમ હવે ત્રાટકી છે.
આ સંદર્ભે GSTV તરફથી કે ઇનકમ ટેક્સ વિભાગ અથવા ED તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી. જે કાંઈ છે એ સોશિયલ મીડિયા પર ચર્ચા પૂરતું સીમિત છે.
બીજી તરફ GSTVમાં કામ કરતા પત્રકારોએ પ્રેસ સ્વતંત્રતા અને મીડિયા પર હુમલાની વાતો વહેતી મૂકવા માંડી છે.
GSTV ડિજિટલ હેડ તુષાર દવેએ ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “આ મીડિયા પર હુમલો છે. માનસિક હેરાનગતિનો પ્રયાસ છે. 5.35 વાગ્યે 36 કલાકની તપાસ બાદ આઇટીની ટીમ જીએસટીવી કેમ્પસની બહાર નીકળી અને 5.40એ ઈડીની ટીમ ત્રાટકી. સેમ (?) ઓન યુ સરકાર.”
વાચકોને જાણ થાય કે અહીં વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો ‘શેમ ઓન યુ’ આવવું જોઈએ. અંગ્રેજીનો જાણીતો શબ્દસમૂહ છે, જેનો અર્થ થાય– તમને શરમ આવવી જોઈએ. ‘સેમ’નો (અંગ્રેજીમાં– Same) અર્થ ‘સરખું’ થાય. વધારે પડતી ઉતાવળમાં કે હડબડાહટમાં ભૂલ થઈ હોવી જોઈએ.
લોકો જોકે કૉમેન્ટ બોક્સમાં તેમને કહી રહ્યા છે કે કંઈ ખોટું ન કર્યું હોય અને હિસાબ-કિતાબ ચોખ્ખા હોય તો ગભરાવાની જરૂર નથી.
હાલ હવે એજન્સીઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે.