Tuesday, June 24, 2025
More

    સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરનું નામ વાંચીને કોંગ્રેસને વાંધો પડ્યો, કહ્યું– અમે જે ચાર નામ મોકલ્યાં એ છે જ નહીં, થરૂરે કહ્યું– રાષ્ટ્રસેવા માટે તૈયાર

    પાકિસ્તાનની આતંકવાદી કરતૂતો અને આતંકવાદ વિરુદ્ધ ભારતની ઝીરો ટોલરન્સની નીતિને દુનિયા સુધી પહોંચાડવા માટે ભારત સરકારે જુદા-જુદા દેશોમાં કુલ સાત પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય કર્યો અને તેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને સોંપવામાં આવ્યું તેમાં પણ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને બળતરા થઈ છે. 

    કોંગ્રેસનું કહેવું છે કે તેમણે કેન્દ્ર સરકારને જે ચાર સાંસદોનાં નામ મોકલ્યાં હતાં, તેમની પસંદગી ન કરીને સરકારે શશિ થરૂરને મોકલવાનો નિર્ણય કર્યો, જેમનું નામ પાર્ટીએ મોકલેલી યાદીમાં હતું જ નહીં! મજાની વાત એ છે કે થરૂર પણ પાર્ટીના જ નેતા અને સાંસદ છે. 

    પાર્ટી નેતા જયરામ રમેશે સરકારને અપ્રમાણિક પણ ગણાવી દીધી છે. તેમણે કહ્યું કે, અમને નામો પૂછવામાં આવ્યાં હતાં અને અમે આપ્યાં પણ. અમને હતું કે પાર્ટીએ જે નામો આપ્યાં હતાં તેમનો સમાવેશ કરવામાં આવશે, પણ અમે PIBની પ્રેસ રિલીઝ જોઈ તો આશ્ચર્ય થયું. હવે શું થશે એ ન કહી શકું. ચાર નામો પૂછવાં, ચાર નામ મંગાવવાં અને ત્યારબાદ બીજું નામ જાહેર કરવું એ સરકારની અપ્રમાણિકતા દર્શાવે છે.”

    તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુને લખેલા પત્રમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાડ અને નાસિર હુસૈનનાં નામ મોકલ્યાં હતાં. પરંતુ સરકારે શશિ થરૂરનું નામ જાહેર કરી દીધું. 

    બીજી તરફ શશિ થરૂરે સરકારનો આ નિર્ણય સ્વીકારી લીધો છે. તેમણે એક પોસ્ટ કરીને કહ્યું કે, દેશની વાત પહોંચાડવા માટે તેમની પસંદગી કરવામાં આવી એ તેમના માટે ગર્વનો વિષય છે. સાથે કહ્યું કે, રાષ્ટ્રને જ્યારે-જ્યારે તેમની સેવાઓની જરૂર પડશે ત્યારે તેઓ પાછળ નહીં રહે.