ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) સંભલ (Sambhal) બાદ હવે બદાયુંની (Budaun) જામા મસ્જિદ (Jama Masjid) પણ વિવાદમાં આવી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે, બદાયુંની જામા મસ્જિદ પર હિંદુ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે. હિંદુ પક્ષે દાવો કર્યો છે કે, જામા મસ્જિદ વાસ્તવમાં નીલકંઠ મહાદેવનું મંદિર (Neelkanth Mahadev Mandir) છે. મંગળવારે (3 ડિસેમ્બર) જિલ્લા કોર્ટમાં હિંદુ પક્ષે સરવેની માંગણી કરી હતી.
સરવેની માંગણી બાદ મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ માત્ર માહોલ ખરાબ કરવાના પ્રયાસો છે. જોકે, તેના જવાબમાં હિંદુ પક્ષે પણ પ્રશ્ન કર્યો હતો. હિંદુ પક્ષે કહ્યું હતું કે, તેઓ (મુસ્લિમ પક્ષ) સરવેથી શા માટે ડરી રહ્યા છે? આ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ થવા જઈ રહી છે.
નોંધવા જેવું છે કે, બદાયુંની જામા મસ્જિદ/નીલકંઠ મંદિરનો કેસ 2 સપ્ટેમ્બર 2022થી કોર્ટમાં છે. આ દિવસે બદાયું સિવિલ કોર્ટમાં હિંદુ પક્ષ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી અને બદાયુંની જામા મસ્જિદના સ્થાને નીલકંઠ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદથી આ કેસ ચાલ્યો આવે છે.