બિહાર: જમુઈના વાયરલ વિડીયો મામલે એનકાઉન્ટર બાદ મુખ્ય આરોપીની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી; કુલ પાંચ પકડાયા

સાંકેતિક તસવીર (AI)

બિહારના જમુઈ જિલ્લામાં ધોરણ 10માં ભણતી એક સગીરા અને તેના મિત્ર સાથે થયેલી છેડતી અને હુમલાની ઘટનાનો એક ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી નંદન યાદવ પોલીસ સાથેના એનકાઉન્ટર બાદ પકડાયો હતો. અન્ય એક આરોપીને પગમાં ગોળી વાગી છે. અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. બીજી તરફ બિહાર પોલીસ સાયબર શાખાએ 120 સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ સામે સગીરાની ઓળખ જાહેર કરવા બદલ FIR દાખલ કરી છે.

આ ઘટના જમુઈ-લખીસરાય રોડ નજીક આવેલી ટેકરીઓ પાસેથી પરત ફરી રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે બની હતી. બંને મિત્રો ટ્યુશન બાદ બાઇક પર ફરવા ગયાં હતાં, જ્યાં સ્થાનિકોના એક ગ્રુપે તેમનો રસ્તો રોકી, ગાળો આપી, મારપીટ કરી હતી અને સગીરા સાથે શારીરિક અડપલાં કરી દુર્વ્યવહાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

પોલીસે આ કેસમાં કુલ સાત આરોપીઓની ઓળખ કરી હતી. સોમવારે (21 સપ્ટેમ્બર) ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ નંદન સહિત બેની ધરપકડ થઈ. હજુ બે ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. નંદન યાદવને પોલીસે પગમાં ગોળી મારી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અન્ય એક આરોપીને પગમાં ઈજા થઈ હોવાનું કહેવાય રહ્યું છે. તે સગીર હોવાનું પણ જણાવાય રહ્યું છે. હાલ પોલીસ તરફથી વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.

સાયબર પોલીસે 120 સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ સામે FIR નોંધી

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમુઈ પોલીસે મહિલા સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) દીપ્તિ મોનાલીના નેતૃત્વમાં SITની રચના કરી છે. જમુઈના SP વિશ્વજીત દયાલે જણાવ્યું હતું કે પીડિત સગીરાની ઓળખ છતી થાય તેવો વિડીયો વાયરલ કરવો એ અત્યંત ગંભીર ગુનો છે. પોલીસે પોક્સો એક્ટ, આઇટી એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વિડીયો શેર કરનારા 120 અકાઉન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી છે તેમજ વિડીયો ઇન્ટરનેટ પરથી હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.

બનાવ બની ગયાના બે દિવસ સુધી ડરના માર્યા પીડિત કિશોર-કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી. જોકે, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ પોલીસે વિડીયોમાં દેખાતા વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે પીડિતોને શોધી કાઢ્યા અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે POCSO એક્ટની કલમ 23 હેઠળ કોઈપણ સગીર પીડિતની ઓળખ, ચહેરો કે નામ જાહેર કરવા પર સખત મનાઈ છે. આ કાયદાનો ભંગ કરવા બદલ 6 મહિનાથી 1 વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે આ વિડીયો આગળ શેર કરવામાં ન આવે.