Monday, April 7, 2025
More

    અંદમાનના સેંટિનલ ટાપુમાં ગેરકાયદે ઘૂસી ગયેલા અમેરિકી યુટ્યુબરની ધરપકડ: પ્રતિબંધિત દ્વીપ પર છોડી આવ્યો કોલાની બોટલ, ત્યાં રહે છે દુનિયાથી અલિપ્ત જનજાતિ

    અંદમાનના (Andaman) સેંટિનલ (Sentinel Island) ટાપુ પર આદિકાળથી રહસ્યમય અને ખતરનાક જનજાતિ રહે છે. તે જનજાતિને પણ સેંટિનલ જનજાતિ કહેવામાં આવે છે. તે દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત છે. બહારી દુનિયા સાથે તેનો કોઈ સંબંધ નથી. પરંતુ હાલમાં જ ત્યાં એક અમેરિકી યુટ્યુબરે જવાનો પ્રયાસ કર્યા બાદ વિવાદ વધ્યો છે. એક અમેરિકી યુટ્યુબરે ગેરકાયદેસર રીતે તે પ્રતિબંધિત ટાપુ પર જવાના પ્રયાસો કર્યા હતા. જોકે, તાત્કાલિક તે યુટ્યુબરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    અમેરિકી યુટ્યુબર મિખાઈલો વિક્ટોરોવિચે તે દ્વીપ પર ગેરકાયદે ઘૂસવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ હવે ફરી જનજાતિની સુરક્ષા અને અધિકારો પર ચર્ચા તેજ બની છે. યુટ્યુબરે સેંટિનલી જનજાતિને મળવા માટે પ્રયાસો કર્યા હતા અને લગભગ 9 કલાક નાવમાં યાત્રા કરીને 25 મિલનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તેણે ત્યાંનાં લોકોને જોવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે સમયે જનજાતિ જોવા મળી શકી નહોતી.

    તટ પર કોઈ નહીં જોવા મળતા તે ત્યાં ઉતરી ગયો હતો અને ત્યાં કિનારા પર ડાઈટ કોક અને નારિયેળ પાણી છોડીને પરત આવી ગયો હતો. જોકે, આ કોકની બોટલ તે જનજાતિના અસ્તિત્વ પર એક જોખમ હોય શકે છે. કારણ કે, જનજાતિ હંમેશાથી દુનિયાથી અલગ રહી છે. તે જનજાતિ હાલના દુનિયાના રોગો અને બીમારીઓને જીરવી શકશે નહીં, તેથી કોક બોટલ તેમના માટે જોખમ હોય શકે છે. અધિકારીઓએ હાલ તો અમેરિકી યુટ્યુબરની ધરપકડ કરી છે અને કોલાની બોટલને લઈને પણ ચિંતા વ્યકત કરી છે.

    નોંધનીય છે કે, વર્ષ 2018માં એક અમેરિકી મિશનરી તે ટાપુ પર ખ્રિસ્તી પંથનો પ્રચાર કરવા પહોંચી ગયો હતો. ત્યાંની જનજાતિ વસ્તીએ તેની હત્યા કરી નાખી હતી અને આજ સુધી તે યુટ્યુબરનો મૃતદેહ પણ દુનિયાને જોઈ શક્યો નથી.