તાજેતરમાં જ એક મામલે સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) ધર્માંતરણ (Conversion) મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. આ મામલો હિંદુ નામ ધારણ કરીને એક યુવતી સાથે શારીરિક સંબંધો બનાવવા મામલે જોડાયેલો છે. કોર્ટે નિકાહના નામે બળાત્કાર (Rape) કરનાર આરોપીને રાહત આપવાનો નકાર કરી દીધો હતો.
આ મામલે જસ્ટિસ મંજુ રાની ચૌહાણની બેન્ચે સુનાવણી કરી હતી. દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, “ઇસ્લામમાં ધર્મ પરિવર્તન ત્યારે જ સાચું માની શકાય જ્યારે કોઈ પુખ્ત વ્યક્તિ શુદ્ધ હૃદય અને પોતાની ઇચ્છાથી પયગંબર હઝરત મુહમ્મદ પર વિશ્વાસ કરે અને ઇસ્લામના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈને, તેમનું હૃદય ખરેખર બદલાયું હોય.”
આ દલીલોના આધારે, કોર્ટે નિકાહના નામે ખોટું બોલીને અને બળાત્કાર કરીને ધર્મ પરિવર્તન કરાવવાના આરોપીને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આને ગંભીર ગુનો ગણાવ્યો અને કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે સ્ત્રીનું શરીર તેનું મંદિર છે અને પવિત્રતા તેનો પાયો છે. જેને સહેજ પણ હલાવી શકાતો નથી. કોર્ટે કહ્યું કે બળાત્કારની ઘટનાઓ જીવનના શ્વાસને દબાવી દે છે. હાઈકોર્ટે કહ્યું છે કે ધર્માંતરણ ફક્ત હૃદય પરિવર્તન અને શ્રદ્ધા દ્વારા જ થઈ શકે છે. છેતરપિંડી અને દબાણ હેઠળ કરવામાં આવેલું ધર્માંતરણ ગેરકાયદેસર અને ગંભીર ગુનો છે. આવા કિસ્સાઓમાં, બંને પક્ષો વચ્ચેના સમાધાનના આધારે કેસ રદ કરી શકાતો નથી.
શું હતો મામલો
આ મામલો 2021નો છે. 7 જૂન 2021ના રોજ રામપુર સ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કાર અને ધર્માંતરણ મામલે FIR નોંધાઈ હતી. જેમાં અયાન નામક યુવકે રાહુલ નામથી સોશિયલ મીડિયા પર ID બનાવીને હિંદુ યુવતીને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. બાદમાં તેનું નામ રાહુલ નહીં પણ આયન હોવાનું ખુલ્યું હતું.
આ મામલામાં અયાનનો જીજો તૌફીક પણ સામેલ હતો. બંને વિરુદ્ધ FIR નોંધાઈ હતી. તૌફિકે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. નોંધનીય છે કે યુવતી આરોપીઓ સાથે સમાધાન કરી ચૂકી છે પરંતુ કોર્ટે આ મામલાને ગંભીર ગણાવ્યો અને સમાધાન છતાં કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.