દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યુરોપિયન મેગેઝિન ધ ઇકોનોમિસ્ટ (The Economist) એક ‘કન્ટ્રી ઑફ ધ યર’ પુરસ્કારની ઘોષણા કરે છે. મેગેઝિનનો દાવો છે કે આ એવોર્ડ કોઈ દેશની સમૃદ્ધિ કરતાં જે-તે દેશ દ્વારા શું મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે. આ વર્ષે આ સન્માન મળ્યું છે પાડોશી દેશ બાંગ્લાદેશને (Bangladesh).
‘ધ ઇકોનોમિસ્ટ’નું કહેવું છે કે બાંગ્લાદેશે કથિત તાનાશાહી શાસન સમાપ્ત કર્યું એટલે તેને આ પુરસ્કાર મળી રહ્યો છે. નોંધવા જેવી બાબત એ છે કે મેગેઝિને બાંગ્લાદેશમાં હિંદુઓ પર જે અત્યાચાર થયા તેને સંપૂર્ણપણે અવગણી દીધા છે. જાણે કે કશું બન્યું જ ન હોય.
Every year The Economist picks what we consider to be the most improved nation, for its “country of the year” award. This year the winner is Bangladesh. Our foreign editor, Patrick Foulis, congratulated its interim leader, Muhammad Yunus https://t.co/ACI7hA1vQi pic.twitter.com/gPILLk2Eym
— The Economist (@TheEconomist) December 20, 2024
‘ધ ઇકોનોમિસ્ટ’ અનુસાર, આ એવોર્ડ એ દેશોમાં આપવામાં આવે છે, જેમણે વર્ષ દરમિયાન પ્રગતિ કરી હોય. કારણ આપતાં જણાવવામાં આવ્યું કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર હટાવીને વચગાળાની સરકાર સ્થાપિત કરવામાં આવી છે, જેની આગેવાની નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે. ઉપરાંત, તથાકથિત વિદ્યાર્થી આંદોલનની પણ પ્રશંસા કરવામાં આવી, જેની આડમાં જ સત્તાપલટો થયો હતો.
મેગેઝિનનો દાવો છે કે શેખ હસીનાની સરકાર ભંગ થયા બાદ દેશમાં વ્યવસ્થાઓ ફરી બહાલ થવા માંડી છે અને આર્થિક સ્થિરતા પણ આવી છે. પણ પ્રશ્ન એ છે કે ખરેખર એવું થયું છે?
નોંધવું જોઈએ કે બાંગ્લાદેશે હાલમાં જ ભારત પાસે 50 હજાર ટન ચોખાની માંગ કરી છે. ત્યાં ટેક્સટાઇલ ઉદ્યોગ પણ સંકટનો સામનો કરી રહ્યો છે. અદાણી જૂથનું વીજળીનું પણ બહુ મોટું બિલ બાકી બોલે છે. આ પરિસ્થિતિમાં યુરોપિયન મેગેઝિન કઈ આર્થિક સ્થિરતાની વાત કરી રહ્યું છે એ સમજવું કઠિન છે.
હિંદુવિરોધી હિંસાને સદંતર અવગણવામાં આવી
ચિંતાનો વિષય એક એ પણ છે કે ‘ધ ઇકોનોમિસ્ટ’એ બાંગ્લાદેશમાં સતત ચાલતી હિંદુવિરોધી હિંસા અને લઘુમતીઓના થતા ઉત્પીડન તરફ બિલકુલ ધ્યાન આપ્યું નથી. શેખ હસીનાની સરકાર પડી ભાંગી અને માત્ર બે-ત્રણ દિવસમાં હિંદુ મંદિરો, વ્યવસાયો અને તેમનાં ઘરો પર 200થી વધુ હુમલા થયા હતા. ઑપઇન્ડિયાએ આ ઘટનાઓનું દસ્તાવેજીકરણ કર્યું અને ઑગસ્ટ, 2024માં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચાર વિશે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હતો.
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારોનું એક મોટું ઉદાહરણ ચટગાંવમાં ભગવાન ગણેશજીની પ્રતિમા સાથે કરવામાં આવેલી તોડફોડ પણ છે. આ જ રીતે પબના અને કિશોરગંજ જિલ્લાઓમાં માતા દુર્ગાની મૂર્તિઓ નષ્ટ કરવામાં આવી. આ ઘટનાઓ બાંગ્લાદેશમાં ધાર્મિક અસહિષ્ણુતા કઈ હદ સુધી વધતી જાય છે એ દર્શાવે છે, પણ ધ ઇકોનોમિસ્ટના મતે આવું કશું થયું જ નથી.
પ્રશ્ન એ ઉઠે છે કે જ્યાં લઘુમતી સમુદાય વિરુદ્ધ આટલા મોટા પ્રમાણમાં હિંસા થઈ રહી હોય ત્યાં કોઈ દેશ ‘સુધારો’ કઈ રીતે કરી શકે? ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલાની સ્નાખ્ય છેલ્લાં 3 વર્ષોથી વધી છે. 2022માં હિંદુઓ પર 47 હુમલાઓ નોંધાયા હતા. 2023માં આ સંખ્યા 302 થઈ ગઈ, જે 2022ની સરખામણીએ 545% વધુ હતી. બીજી તરફ, 2024 આવતાં સુધીમાં આ સંખ્યા 2200 પર પહોંચી ગઈ, જે 2023 કરતાં 628% વધુ અને 2022ની સરખામણીએ 4580% વધુ હતી. આ આંકડાઓ સાબિતી આપતા હોવા છતાં ‘ધ ઇકોનોમિસ્ટ’એ આ ઘટનાઓ પર મૌન સેવી લીધું છે, જેનાથી તેમની પ્રગતિની પરિભાષા પર પણ પ્રશ્ન ઉઠે છે.
હિંદુવિરોધી હિંસા અવગણવી એ ગ્લોબલ ઈકોસિસ્ટમની ‘સમસ્યા’
હિંદુઓ પર થતા અત્યાચારો પર આંખ આડા કાન કરવા એ કોઈ એક-બે વિદશી સંસ્થાઓની ‘સમસ્યા’ નથી પણ આ એક ગ્લોબલ ઈકોસિસ્ટમની સમસ્યા છે. સામાન્ય હિંદુ નાગરિકોથી માંડીને ઈસ્કોન જેવાં સંગઠનો અને તેના સંતો ઉપર પણ બાંગ્લાદેશમાં હુમલાઓ થઈ રહ્યા છે, તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ બધું એક નિશ્ચિત રણનીતિ હેઠળ થઈ રહ્યું છે. ક્યારેક ઈશનિંદાનો આરોપ લગાવીને હુમલો કરવામાં આવે છે, જે પેટર્ન પાકિસ્તાનમાં પણ જોવા મળી છે.
પશ્ચિમી દેશોનો આ ઘટનાઓ પ્રત્યે કાયમ ‘સિલેક્ટિવ એપ્રોચ’ રહ્યો છે. એક તરફ ઘટનાઓ વધતી જાય છે તેમ છતાં વિદેશી મીડિયા સંસ્થાઓ તેને અવગણતી રહે છે. અહીં સુધી કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયને પણ આ હેટ ક્રાઈમને લગતા દસ્તાવેજો વાંચવામાં રસ નથી અને તેમણે તેને ‘રિલિજિયસ હેટ ક્રાઈમ’ ગણવાની સદંતર ના પાડી દીધી છે.
બીજી તરફ, ભારતમાં પણ અમુક મીડિયા સંસ્થાઓ એવી છે, જે આ જ કામમાં લાગેલી છે. ‘ધ વાયર’ પર બાંગ્લાદેશમાં હિંદુઓના થતા ઉત્પીડનની ગંભીરતા ઓછી કરવાના પ્રયાસ થતા રહ્યા છે. તાજેતરમાં જ સામે આવ્યું કે પોર્ટલે આ નરસંહારને રાજનૈતિક રૂપથી પ્રેરિત ગણાવવાના પ્રયાસ કર્યા હતા, જેનાથી દોષ ઇસ્લામી કટ્ટરપંથીઓ પર નહીં નાખવામાં આવે. આ પ્રકારનું રિપોર્ટિંગ વાચકોને ગેરમાર્ગે દોરે એટલું જ નહીં, હિંદુઓ પર થતી હિંસાની ગંભીરતા પણ ઘટાડી દે છે.
બીબીસીએ પણ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થતી હિંસાનું જે રિપોર્ટિંગ કર્યું તેના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો છે. ઑપઇન્ડિયાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે BBCએ હિંદુઓ વિરુદ્ધ ટાર્ગેટેડ હિંસા અને હુમલાઓને ‘રાજનીતિક’ કારણ આપીને રજૂ કર્યા હતા.
પશ્ચિમી મીડિયાનું આવું વલણ બહુ લાંબા સમયથી રહ્યું છે. વામપંથી પોર્ટલો કાયમ હિંદુઓ વિરુદ્ધ થતા અત્યાચારો અને હિંસાની ગંભીરતા ઓછી કરવામાં જ લાગેલાં રહે છે અને ઘટનાઓ એ રીતે રજૂ કરે છે, જેમાંથી ધાર્મિક એન્ગલ ગાયબ થઈ જાય.
‘ધ ઇકોનોમિસ્ટ’નું ભારત-હિંદુત્વ પ્રત્યે પક્ષપાતી વલણ
બીજી તરફ, ‘ધ ઇકોનોમિસ્ટ’ની વાત કરવામાં આવે તો હિંદુઓ, હિંદુત્વ અને ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પક્ષપાતી વલણ રાખતું આવ્યું છે. ‘હિંદુ રાષ્ટ્રવાદ’ને એક ચરમપંથી ચળવળ તરીકે રજૂ કરવામાં આ મેગેઝિનને ઘણો રસ છે. એક લેખ ભૂતકાળમાં પ્રકાશિત કર્યો હતો, જેનું શીર્ષક છે- ‘વૉટ ઇઝ હિંદુત્વ, ધ આઇડિયોલોજી ઑફ ઇન્ડિયાઝ રૂલિંગ પાર્ટી (ગુજરાતીમાં- હિંદુત્વ, જે ભારતના સત્તાપક્ષની વિચારધારા છે, શું છે?) આ લેખમાં મેગેઝિને હિંદુત્વને લઘુમતીઓએ હાંસિયામાં ધકેલી દેનાર વિચારધારા તરીકે દર્શાવ્યું હતું.
મોદી સરકારના નાગરિકતા સંશોધન કાયદા (CAA) વખતે પણ ગ્લોબલ મીડિયાની સાથે ઇકોનોમિસ્ટે પણ બહુ અપ્રચાર ફેલાવ્યો હતો અને કાયદાને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવવામાં આવ્યો હતો, જ્યારે તેનો મૂળ ઉદ્દેશ્ય ક્યારેય જણાવવામાં આવ્યો નહીં. ઉપરાંત, મેગેઝિન મોદી સરકાર પર પણ લઘુમતીઓ વિરુદ્ધ ભીડ હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી ચૂક્યું છે, જ્યારે હકીકત તદ્દન વિપરીત છે.
વાસ્તવમાં જોવા જઈએ તો ઇકોનોમિસ્ટનું હિંદુવિરોધી અને પક્ષપાતી વલણ ભારતીય રાજકારણ સુધી જ સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર હિંદુવિરોધી વિચારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાયમ રિપોર્ટિંગ એ જ દિશામાં થાય છે, જેમાં હિંદુઓની ધાર્મિક ઓળખને નિશાન બનાવતી વિચારધારાનું સમર્થન કરવામાં આવે અને હિંદુઓ પર જ આખરે કટ્ટરપંથના આરોપો લગાવી દેવામાં આવે.