Monday, March 30, 2026
More
    હોમપેજગુજરાતજગદીશ મહેતા સામે FIR થઈ વ્યાવસાયિક કારણોસર, પણ સરકાર વિરુદ્ધ બોલવાના કારણે...

    જગદીશ મહેતા સામે FIR થઈ વ્યાવસાયિક કારણોસર, પણ સરકાર વિરુદ્ધ બોલવાના કારણે કાર્યવાહી થઈ હોવાનો નરેટિવ ગોઠવી રહી છે યુટ્યુબરોની ટોળકી

    ગુજરાતમાં અમુક યુટ્યુબ ચેનલો પર જઈને ગુજરાતના એક નાના ગામના પ્રશ્નથી લઈને દેશ અને દુનિયાના કોઈ પણ વિષય પર જ્ઞાન આપવાની ક્ષમતા ધરાવનારા કથિત પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક FIR નોંધ્યા બાદ ગુજરાતના અમુક પત્રકારોની ઇકોસિસ્ટમે બૂમાબૂમ શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    શેરીમાં રખડવા શ્વાનોને પકડવા માટે પાલિકાની ગાડી આવીને ઊભી રહે એટલે આસપાસના શ્વાનો ભસવાનું, બૂમાબૂમ કરવાનું શરૂ કરી દે છે. આવું આપણે ત્યાંની લેફ્ટ ઈકોસિસ્ટમનું છે. તેમનામાંથી કોઈની સામે પણ લાકડી ઉગામવામાં આવે એટલે સાચા-ખોટાની માથાકૂટમાં પડ્યા વગર આખી ટોળકી બૂમો પાડવાનું, હોબાળો મચાવવાનું શરૂ કરી દે છે.

    ગુજરાતમાં વૈચારિક રીતે ‘લેફ્ટિસ્ટ’ કહેવાય એવા પત્રકારો કરતાં હવે તેમને જોઈને કે તેમના જેવા અમુક રાષ્ટ્રીય સ્તરના પત્રકારોને જોઈને ક્રાંતિ કરવાના, સત્તા સામે પડવાના અને સમાજ બદલી નાખવાના ફાંકા લઈને બોલપેન ઘસનારા સ્વઘોષિત પત્રકારોની વસ્તી વધતી જાય છે. પહેલાં મેઈનસ્ટ્રીમ મીડિયામાં જ હતા, હવે યુટ્યુબ અને સોશિયલ મીડિયા આવ્યા બાદ અહીં પણ તેમની સંખ્યા ઝાઝી થતી જાય છે.

    ગુજરાતમાં આવી જ અમુક યુટ્યુબ ચેનલો પર જઈને ગુજરાતના એક નાના ગામના પ્રશ્નથી લઈને દેશ અને દુનિયાના કોઈ પણ વિષય પર જ્ઞાન આપવાની ક્ષમતા ધરાવનારા કથિત પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક FIR નોંધ્યા બાદ ગુજરાતના અમુક પત્રકારોની ઇકોસિસ્ટમે બૂમાબૂમ શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    જગદીશ મહેતા સરકાર વિરુદ્ધ બોલતા હતા એટલે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, તેમને ચૂપ કરાવવા માટે કરવામાં આવ્યું કે આ પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે– આવી ગપ્પાબાજી આ ગેંગે શરૂ કરી છે. બધા એક જ સૂરમાં વિડીયો બનાવી-બનાવીને ચેનલો ભરી રહ્યા છે. કોઈ વાતના મૂળ વિષયમાં જઈ રહ્યું નથી અને એક જ મુદ્દો પકડી રાખવામાં આવ્યો છે.

    હકીકત એ છે કે જગદીશ મહેતા અને તેઓ જ્યાં કામ કરતા હતા ત્યાંના માલિક વિરુદ્ધ લૉગોના દુરુપયોગ બદલ FIR દાખલ કરવામાં આવી છે. તેમાં ફરિયાદી પોલીસ નથી પણ ત્રીજી વ્યક્તિ છે. કોઈ ફરિયાદ નોંધાવે પછી ગુનો દાખલ કરવાનું કામ પોલીસનું છે, પોલીસ એ કરે છે. હવે આરોપોની તપાસ થશે. પરંતુ મીડિયામાં જગદીશ મહેતાએ કોઈ સ્ટોરી કરી હોય અને તેમની વિરુદ્ધ પોલીસે ફરિયાદી બનીને FIR નોંધી હોય તેવું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે.

    પત્રકાર હોય એટલે તેની વિરુદ્ધ બીજા કોઈ ગુના મામલે ફરિયાદ ન થઈ શકે એમ ન હોય. આરોપો લાગ્યા હોય તો તેની તપાસ થાય અને જો નિર્દોષ હોય તો માણસ છૂટી જાય. આમ સામાન્ય રીતે મીડિયા કોઈની ઉપર આરોપો લાગ્યા હોય એટલે તરત ટ્રાયલ પર ઉતરી પડે છે, પણ હવે આ કેસમાં આરોપો પર પણ ચર્ચા કરવામાં કોઈને રસ નથી અને વાતને સદંતર અવળે પાટે ચડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

    અલકમલકની વાતો કરીને સરકારને કઠેડામાં ઊભી કરી રહ્યા છે પ્રશાંત દયાળ

    Screenshot

    વર્ષો સુધી મેઈનસ્ટ્રીમ મીડિયામાં કામ કરી ચૂકેલા પ્રશાંત દયાળ હવે ‘નવજીવન ન્યૂઝ’ નામની ચેનલ ચલાવે છે. આ ચેનલ પર એક વિડીયો પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેનું શીર્ષક છે– ‘પત્રકાર જગદીશ મહેતા સામે કેમ ફરિયાદ નોંધાઈ, જાણો પ્રશાંત દયાળ પાસેથી.’

    વિડીયોમાં પ્રશાંત દયાળ અને અન્ય એક પત્રકાર ચર્ચા કરતા જોવા મળે છે. શરૂઆત જ પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાની દલીલો સાથે થાય છે અને પ્રશ્ન કરનાર પ્રશ્નો પણ એ જ રીતે પૂછે છે. પ્રશાંત દયાળ તેમની અને તેમના જેવાઓની ઘસાઈ ગયેલી ‘સરકાર સામે અવાજ ઉઠાવવા એટલે તલવારની ધાર પર ચાલવા જેવું છે’ અને ફલાણા-ઢીંકણાની વાતો કરીને પછી જગદીશ મહેતા સામે કેસ કેમ થયો તેનું કારણ જણાવતાં અમુક અલકમલકની વાતો કરે છે.

    દયાળનું કહેવું છે કે 31 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયા ખાતેના કાર્યક્રમની જગદીશ મહેતાએ ટીકા કરી એ સરકારને પસંદ આવ્યું ન હતું. તેઓ દાવો કરે છે કે જગદીશ મહેતાને એક IGP દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ આવી સ્ટોરીઓ બંધ કરી દે કારણ કે કથિત રીતે સરકારને ગમ્યું નથી. ત્યારબાદ મહેતાના અખબારના માલિક વિરુદ્ધ અને આખરે તેમની વિરુદ્ધ કથિત રીતે જૂની અરજીઓ કાઢીને ફરિયાદ નોંધવામાં આવી છે તેવી વાર્તા પ્રશાંત દયાળે બનાવી છે.

    અહીં ક્યાંય IGPનું નામ આપવામાં આવ્યું નથી. આગળ વધીને એવું પણ કહી દેવાયું કે બની શકે કે મોદી પણ નારાજ થયા હોય! મોદી વડાપ્રધાન છે. વડાપ્રધાન કક્ષાની વ્યક્તિને આવી નાની વાતો ધ્યાનમાં પણ નહીં આવી હોય. પણ પ્રશાંતને આવી કલ્પનાઓમાં રમ્યા કરવાની જૂની આદત છે. તેમને પોતાને પણ એવો ભ્રમ છે કે મોદી અને શાહ પણ તેમનાથી નારાજ રહે છે.

    આગળ તેઓ સરકાર અમુક ચેનલોના માલિકોને ધમકાવે છે, તેમને જાહેર ખબર આપનારાઓને ધમકાવે છે એવી ઘણી વાતો કહે છે, પણ ક્યાંય ચેનલ, વેપારી, અખબાર, સરકારના કોઈ નેતા, હોદ્દેદાર– કોઈનું કોઈ નામ આપતા નથી. આગળ સરકાર તેની વિરુદ્ધ બોલતા પત્રકારોને ડરાવવાના પ્રયાસ કરે છે જેવી વાતો પણ થાય છે. જે એવી વાતો છે જે ગમે ત્યારે ગમે ત્યાં સેટ થઈ શકે, સંદર્ભોની જરૂર પડતી નથી.

    કોંગ્રેસને ચાલાકીપૂર્વક ક્લીનચિટ આપવાનો પણ પ્રયાસ

    અહીં બંને કથિત પત્રકારો કોંગ્રેસને આડકતરી રીતે ક્લીનચિટ આપવાનું બિલકુલ ચૂકતા નથી. પ્રશાંતને પ્રશ્ન પૂછનાર કહે છે કે કોંગ્રેસનો સમય હતો ત્યારે બહુ મોટો મુદ્દો હોય ત્યારે જ પત્રકારોને સંકજામાં લેવામાં આવતા, પણ હવે ટ્રેન્ડ ચાલુ થયો છે કે અમુક શબ્દો બોલવાથી પણ FIR થઈ જાય છે. આગળ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઈશારે અહીંના નેતાઓ આ બધું કરતા હોવાનું પણ ઘૂસાડી દે છે.

    કેટલી ચાલાકીથી અહીં કોંગ્રેસને ક્લીનચિટ આપી દેવામાં આવી! જ્યારે હકીકત એ છે કે આજે પણ અનેક કોંગ્રેસશાસિત રાજ્યોમાં પત્રકારો પર FIR થાય છે અને એ આ રીતે અન્ય કોઈ વ્યાવસાયિક કારણોસર નહીં પણ પત્રકારોએ કરેલા રિપોર્ટિંગ પર જ થાય છે. પણ પ્રશાંત કે તેમની ટોળકીના પત્રકારો ક્યારેય આ વાત પર હોહા કરતા જોવા નહીં મળે. રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામીની જ્યારે ધરપકડ થઈ હતી ત્યારે ખિખિયાટા કરતા પત્રકારો ગુજરાતમાં પણ હતા જ.

    અનેક વિપક્ષીશાસિત રાજ્યોમાં, કોંગ્રેસશાસિત રાજ્યોમાં પત્રકારો પર તેમના રિપોર્ટિંગના કારણે FIR થઈ હોવા છતાં આપણે ત્યાંના આ બંને હોંશિયાર પત્રકારો આપણને શીખવી રહ્યા છે કે કોંગ્રેસના સમયમાં તો બહુ મોટો મુદ્દો હોય તો જ કાર્યવાહી થતી, પણ ભાજપનામાં સહિષ્ણુતા નથી. જ્યારે ભાજપના શાસનમાં જે જગદીશ મહેતા સામે FIR થઈ છે તેનો વિષય વ્યાવસાયિક છે, રિપોર્ટિંગ નથી.

    આગળ વાતચીતમાં જગદીશ મહેતા પર વ્યારામાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ નોંધાયેલી ફરિયાદનો મુદ્દો પણ આવે છે, પણ ત્યાં પણ પ્રશાંત દયાળ કોંગ્રેસને ક્લીનચિટ આપતાં અને સરકારને વચ્ચે ઘસડી લાવતાં કહે છે કે સરકાર જ્યાં સુધી ન કહે ત્યાં સુધી કાર્યવાહી ન થઈ શકે એટલે તેમાં પણ સરકારની ભૂમિકા હશે.

    એક વાત એ પણ નોંધવા જેવી છે કે વ્યારામાં જ્યારે જગદીશ મહેતા પર કોંગ્રેસ નેતાએ ફરિયાદ કરી હતી ત્યારે આ ગેંગે આટલી બૂમો પાડી ન હતી. કારણ તો તેઓ જ જાણે!

    એ જ પેટર્ન પર દેવાંશી જોશીએ પણ દલીલ કરી

    Screenshot

    આવી જ બીજી એક ચેનલ ‘જમાવટ’ છે, જે ન્યૂઝ કરતાં ફેક ન્યૂઝના કારણે વધારે જાણીતી છે. ‘જમાવટ’ ચલાવતાં દેવાંશી જોશીએ એક વિડીયોમાં જગદીશ મહેતાને સરકાર ટાર્ગેટ કરતી હોવાની વાતો આગળ ધપાવી છે.  

    ‘સરકારનો ઉદ્દેશ્ય શું છે’ તેવા ભારેભરખમ પ્રશ્નો કર્યા બાદ દેવાંશી કહે છે કે ખંડણીના આરોપો હોય તો ફરિયાદ થવી જોઈએ પરંતુ અરજીઓ વર્ષ સુધી કેમ રાખી મૂકવામાં આવી? આ એ જ લાઇન છે, જે પ્રશાંત દયાળે પણ પકડી હતી. પરંતુ આમાંથી કોઈએ FIR વાંચી નહીં હોય. તેમાં સમયરેખા ફરિયાદીએ પોતે આપી છે. તો પછી વર્ષ પહેલાં ફરિયાદ કઈ રીતે થઈ શકે? FIRની જાણકારી અહીંથી મળી શકશે.

    એક તરફ આ ટોળકી કહી રહી છે કે આરોપો હોય તો ફરિયાદ અને તપાસ થવી જોઈએ, પણ પોલીસ હવે એ જ કરી રહી છે ત્યારે બીજા-બીજા પ્રશ્નો ઊભા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આમ કાયમ FIRને જ આધાર બનાવીને મીડિયા સમાચારો ચલાવવાનું શરૂ કરી દેતું હોય છે અને એ જ પ્રેક્ટિસ છે, પણ હવે આ કેસમાં આ તમામ યુટ્યુબરો FIR બાજુ પર મૂકીને બીજા-બીજા રવાડે ચડી જતા જોવા મળે છે.

    અહીં દેવાંશી જોશીએ પણ IG કક્ષાના અધિકારીએ જગદીશ મહેતાને બોલાવ્યા હોવાનો અને અમુક નેતાઓનાં નામો ન લેવાની સૂચના આપી હોવાનો દાવો કર્યો છે. પણ તેમણે પણ કોઈ નામ જણાવ્યાં નથી. આવી અલકમલકની વાતો કોઈ પણ ઊભી કરી શકે તેમ છે. જો તથ્ય હોય તો આ સૌએ નામસહિત સામે મૂકવાં જોઈએ, અન્યથા ચૂપ રહે એ જ સારું છે, કારણ કે આવી ઢંગધડા વગરની વાતોનો કોઈ અર્થ નીકળતો હોતો નથી.

    આગળ દેવાંશી જોશી લોકતંત્રનો આધાર ટીકા છે અને ગુજરાતમાં કથિત રીતે સમાજનું કલ્યાણ કરવા માગનારાઓને હેરાન કરવાની એક પેટર્ન બની રહી હોવાની વાતો કરીને કહે છે કે સરકાર જો કટુતા રાખતી હોય તો તેનું કોઈ નિરાકરણ નથી.

    પહેલેથી ગોખી રાખેલી આ વાતોનો આમ તો કોઈ અર્થ નીકળતો નથી, જેમ આ બેનના બાકીના મોટાભાગના વિડીયોનાં ભાષણોનો કોઈ અર્થ નીકળતો હોતો નથી. પરંતુ તેમનો મૂળ આશય એ નરેટિવ ગોઠવવાનો છે કે જગદીશ મહેતા ક્રાંતિકારી માણસ છે અને તેમણે સરકાર વિરુદ્ધ બોલવાની કિંમત ચૂકવવી પડી રહી છે.

    ગોપી ઘાંઘરે હાસ્યાસ્પદ વાતો કરીને જગદીશ મહેતાનો બચાવ કર્યો

    Screenshot

    બીજી એક યુટ્યુબ ચેનલ છે– નિર્ભય ન્યૂઝ. આ ચેનલ ચલાવતાં બહેન ગોપી મણિયાર ઘાંઘર સીધાં લોકશાહીની વાતોએ ચડી ગયાં અને કહ્યું કે જો ન બોલ્યા તો લોકશાહી જીવિત નહીં રહે.

    ગોપી ઘાંઘર હાસ્યાસ્પદ વાતો કરવામાં અગાઉના બંને પત્રકારોથી એક ડગલું આગળ વધી ગયાં છે. તેમણે જગદીશ મહેતાને ‘બેબાકપણે બોલનારા’ અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અને લોકપ્રિય બનતા જતા હોવાનું ગણાવીને કહી દીધું કે તેનાથી ‘ક્યાંક ને ક્યાંક’ સરકારને તકલીફ થતી હોય તેમ લાગી રહ્યું છે.

    આગળ તેઓ કહે છે કે, જો ખંડણીનો ખરેખર મામલો હોય તો વાંધો નથી પણ જગદીશ મહેતા બેબાક રીતે બોલી રહ્યા છે એટલે FIR કરવામાં આવી હોય તો લોકશાહી માટે આ શરમજનક ઘટના છે અને સરકાર માટે પણ શરમજનક ઘટના છે! જો સીધી રીતે બોલવામાં આવે તો સરકારને પસંદ નથી આવતું અને સરકારને લાગે છે કે તેઓ વિરોધી છે અને FIR કરવામાં આવે છે.

    અત્યંત હાસ્યાસ્પદ દલીલ થઈ ગઈ. ખંડણીનો મામલો હોય તો એમ ન કહેવાય કારણ કે એ જ મામલો છે અને FIR એટલે જ થઈ છે. સરકાર વિરુદ્ધ કથિત રીતે બેબાક બોલવાવાળી વાતો આ યુટ્યુબરોએ શોધી કાઢી છે, FIRમાં ક્યાંય કોઈ રિપોર્ટિંગ બદલ કાર્યવાહીનું કારણ આપવામાં આવ્યું નથી.

    આગળ ગોપી એ જ બધી વાતો કરે છે જે આપણે આ બધા પાસેથી સાંભળતા આવ્યા છીએ. લોકશાહીની, પત્રકારત્વની વાતો આ બધાને ત્યારે જ યાદ આવે છે જ્યારે તેમની ટોળકીમાંથી કોઈક ક્યાંક કોઈ કારસ્તાન બદલ ફસાય જાય છે. ત્યારે કારસ્તાનો ઢાંકવા માટે આવી બધી દલીલો રજૂ કરી દેવામાં આવે છે. પણ લોકો બધું જોતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં