અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) જાણીતા અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ‘ (NYT) સામે દાવો કરવાની જાહેરાત કરી છે. તેમણે સોમવારે (15 સપ્ટેમ્બર) જણાવ્યું છે કે તેઓ ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ વિરુદ્ધ માનહાનિ અને બદનામીનો 15 બિલિયન ડોલરનો દાવો દાખલ કરશે. ટ્રમ્પનો આરોપ છે કે ન્યૂ યોર્ક ટાઈમ્સ દાયકાઓથી તેમના વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે અને ખોટું રિપોર્ટિંગ કરી રહ્યું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ વિશેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, આ કેસ ફ્લોરિડાની એક કોર્ટમાં દાખલ કરવામાં આવશે અને તેમાં અહબારના ઘણા પત્રકારો અને સંપાદકોનાં નામ પણ સામેલ કરવામાં આવશે. ટ્રમ્પનો આરોપ છે કે અખબારે દાયકાઓથી તેમના, તેમના પરિવાર અને ધંધાકીય બાબતોને લઈને ખોટું અને ભ્રામક રિપોર્ટિંગ કર્યું છે.
Today, I have the Great Honor of bringing a $15 Billion Dollar Defamation and Libel Lawsuit against The New York Times, one of the worst and most degenerate newspapers in the History of our Country, becoming a virtual “mouthpiece” for the Radical Left Democrat Party. I view it as…
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) September 16, 2025
ટ્રમ્પે દાવો કર્યો છે કે ન્યૂયોર્ક ટાઈમ્સે ન માત્ર તેમની છબીને નુકસાન પહોંચાડ્યું છે, પણ રિપબ્લિકન વિચારધારા, ‘અમેરિકા ફર્સ્ટ આંદોલન’ અને ‘MAGA’ સમર્થકોને બદનામ કરવાના પ્રયાસો પણ કર્યા છે. દાવામાં ખાસ કરીને તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘લકી લૂઝર: હાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ક્વૉન્ડર્ડ હિઝ ફાધર્સ ફૉર્ચ્યુન એન્ડ ક્રિએટેડ ધ ઈલ્યુઝન ઑફ સક્સેસ‘નો ઉલ્લેખ છે, જેમાં ટાઈમ્સના રિપોર્ટરોએ યોગદાન આપ્યું હતું. ટ્રમ્પના જણાવ્યા મુજબ આ પુસ્તક અને તેની સાથે જોડાયેલા સમાચાર ‘ખોટા અને ભ્રામક’ હતા અને તેમના વ્યાપારિક રેકોર્ડને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાના ઉદ્દેશ્યથી લખાયા હતા.
આ ઉપરાંત તેમણે ન્યૂ યોર્ક ટાઈમ્સને દેશનું સૌથી વધુ ખરાબ અને વાહિયાત અખબાર ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું છે કે આ અખબાર કટ્ટર વામપંથી પાર્ટી ડેમોક્રેટનું ‘મુખપત્ર’ બની ગયું છે. તેમણે કમલા હેરિસ પર નિશાન સાધતાં કહ્યું કે અખબારે કમલા હેરિસનું ખુલ્લું સમર્થન કરીને તેને ફ્રન્ટ પેજ પર જગ્યા પણ આપી હતી, જે પહેલાં ક્યારેય થયું નહોતું. તેમણે અખબાર પર ‘પક્ષપાતી કવરેજ’નો આરોપ પણ લગાવ્યો છે.
એપ્સ્ટાઇન રિપોર્ટિંગ અને અન્ય આરોપો
ટ્રમ્પનો મુખ્ય આરોપ NYTના તાજેતરના રિપોર્ટિંગ પર છે, જેમાં તેમના અને જેફ્રી એપ્સ્ટાઇન વચ્ચેના 1990ના દાયકાના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NYTના એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે એપ્સ્ટાઇનના 50મા જન્મદિવસ (2003) નિમિત્તે એક કાર્ડ મોકલ્યું હતું, જેમાં સેક્સ્યુઅલી સજેસ્ટિવ ડ્રોઇંગ અને ‘સિક્રેટ્સ વી શેર’ જેવા શબ્દો હતા. આ કાર્ડનો ફોટો વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) દ્વારા પણ પ્રકાશિત થયો હતો, જેના પર ટ્રમ્પે ‘ફેક’ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે આ રિપોર્ટિંગ ‘જાણીજોઈને ખોટું અને બદનામ કરનારું’ છે. તેમણે દાવો કર્યો છે કે NYTએ ટ્રમ્પની છબીને નુકસાન પહોંચાડવા માટે ‘મેલિશિયસ ફેબ્રિકેશન’નો ઉપયોગ કર્યો છે. જોકે, ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી આ વિશેનું કોઈ આધિકારિક નિવેદન સામે નથી આવ્યું.


