છાપાં જેટલાં જૂનાં છે એટલો જ તેમનો છબરડા વાળવાનો ઇતિહાસ પણ જૂનો છે. આમ તો સમાચારનું સંપાદન જવાબદારીપૂર્વકનું કામ છે પરંતુ તેમ છતાં અમુક વખત એવી ‘ભૂલો’ થઈ જાય છે, જેના કારણે હાંસીપાત્ર ઠરવાનું આવે છે. ડિજિટલ મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ફાયદો એ છે કે ‘ભૂલો’ સુધારી શકાય છે. પ્રિન્ટ મીડિયામાં આ ‘સુવિધા’ મળતી નથી. ત્યાં એક વખત કાગળ પર અક્ષર છપાય ગયો એટલે તેનું કશું થઈ શકતું નથી અને બીજા દિવસે ચોખવટ જ કરવી પડે છે.
છબરડા પહેલાં ધ્યાનબહાર રહી જતા પરંતુ સોશિયલ મીડિયાના સમયમાં હવે આ બધું છૂપું રહી શકતું નથી. તાજો દાખલો આપણી મરજીના અખબાર દિવ્ય ભાસ્કરનો છે. ભાસ્કરે એક સમાચાર છાપવામાં આંકડામાં ગોટાળો વાળ્યો, જેના કારણે હવે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
બન્યું એવું કે બુધવારે (5 માર્ચ) ઉત્તર પ્રદેશના લખનૌની એક કોર્ટે માનહાનિના એક કેસની સુનાવણી કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દંડ ફટકાર્યો. કારણ એ કે કોર્ટે તેમને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓ હાજર ન રહ્યા. કેસ વિનાયક સાવરકર પર રાહુલે કરેલી ટિપ્પણીઓ મામલેનો છે. રાહુલ ગાંધી હાજર ન રહ્યા પરંતુ તેમના વકીલે કોર્ટને કહ્યું કે વિપક્ષ નેતા અન્ય અમુક બેઠકોમાં વ્યસ્ત હોવાના કારણે આવી નથી શક્યા. કોર્ટે આ બાબતે કડક વલણ દાખવ્યું અને રાહુલ ગાંધી ઉપર દંડ લગાવ્યો- રૂપિયા બસોનો.

આ સમાચાર પછીથી મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા અને ઑપઇન્ડિયાએ પણ કવર કર્યા હતા. કવર તો દિવ્ય ભાસ્કરે પણ કર્યા, પણ રકમ સીધી વધારીને કરી દીધી 200 કરોડ.
ભાસ્કરની 6 માર્ચ, 2025ની આવૃત્તિના 17મા પાને પ્રકાશિત સમાચારની હેડલાઇન છે- ‘વીર સાવરકર પર ટિપ્પણી બદલ રાહુલને રૂપિયા 200 કરોડનો દંડ.’ એટલે જે દંડ 200 રૂપિયાનો હતો એ અખબારે 200 કરોડનો કરી દીધો.
આટલું જ નહીં મેટરમાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે, ‘લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પર 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.’ આમ તો આ વાક્યરચના પણ ખોટી છે. આ રીતે વાક્ય લખવા જઈએ તો કોણે દંડ ફટકાર્યો એ પણ કહેવું પડે. જોકે આવું શોધવા બેસીએ તો પાને-પાને સામગ્રી મળી રહેશે.
સોશિયલ મીડિયા યુઝરો હવે આ સમાચારનું કટિંગ ફેરવીને પૂછી રહ્યા છે કે આખરે સમાચાર કયા સાચા છે. 200 રૂપિયાવાળા કે 200 કરોડવાળા. હકીકતે દંડ 200 રૂપિયાનો ફટકારવામાં આવ્યો છે. એ દેખીતી વાત છે કે સમન્સ પર હાજર રહેવા પર કોઈ કોર્ટ 200 કરોડનો દંડ ફટકારે નહીં. અહીં દિવ્ય ભાસ્કરથી ભૂલ થઈ છે.