કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખનૌની એક કોર્ટે દંડ ફટકાર્યો છે. જે રકમ છે ₹200. કારણ એ છે કે વારંવાર સમન્સ મોકલવા છતાં રાહુલ ગાંધી હાજર થઈ રહ્યા ન હતા.
આ કેસ વીર વિનાયક સાવરકર પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીઓ મામલેનો છે. લખનૌ કોર્ટમાં રાહુલ ગાંધી સામે સાવરકરનું અપમાન કરવાનો અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના આરોપસર દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણી અપર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ કરી રહી છે.
આ મામલે સુનાવણી કરી રહેલી કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા માટે સમન્સ મોકલ્યું હતું. પરંતુ તેઓ હાજર ન થયા અને તેના સ્થાને તેમના વકીલે એક અરજી દાખલ કરી, જેમાં જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી વિપક્ષ નેતા હોવાથી અમુક અતિથિઓ સાથે તેમની બેઠકો અગાઉથી નક્કી હતી અને તેના કારણે કોર્ટની કાર્યવાહીમાં ભાગ લેવા માટે આવી શક્યા નથી. વકીલે તેમની ઉપસ્થિતિમાંથી મુક્તિની માંગ કરી હતી.
જોકે કોર્ટે એ દલીલો ગ્રાહ્ય ન રાખી અને હજાર ન થવા બદલ ₹200નો દંડ ફટકાર્યો. કોર્ટે આગળની સુનાવણીની તારીખ 14 એપ્રિલ નક્કી કરી છે અને રાહુલ ગાંધીને કોઈ પણ બહાના વગર હજાર થવા માટે જણાવવામાં આવ્યું છે.