24 નવેમ્બર, 2025ના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દિલ્હીમાં આયોજિત ‘સિંધી સમાજ સંમલેન’માં એક ઐતિહાસિક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે સિંધ ભૌગોલિક પરિબળોના કારણે ભારતનો ભાગ નથી, પરંતુ સભ્યતાગત રીતે તે હમેંશા ભારતનો જ ભાગ રહેશે. ભૂરાજકીય સરહદો બદલાતી રહે છે, કાલે કદાચ સિંધ ફરીથી ભારતનો ભાગ બની શકે છે. રાજનાથ સિંઘનું આ નિવેદન માત્ર એક રાજકીય નિવેદન નથી, પરંતુ સિંધુદેશના વિશાળ ઇતિહાસના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે. સિંધ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, તે ભારતીય સભ્યતાના જન્મસ્થાન પૈકીનું એક છે, જ્યાંથી વૈદિક પરંપરાઓ, હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક વારસાનું વિસ્તરણ શરૂ થયું હતું.
રાજનાથ સિંઘનું આ નિવેદન પાકિસ્તાનમાં વિરોધનું કારણ પણ બન્યું છે. ઘણા પાકિસ્તાની નેતાઓએ તેનો વિરોધ કર્યો છે અને સિંધને પાકિસ્તાનનો એક ભાગ ગણાવ્યો છે. ત્યાં સુધી કે પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે પણ બાદમાં રાજનાથ સિંઘનાં નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. એમ જોવા જઈએ તો પાકિસ્તાનની પોતાની પણ કોઈ સભ્યતા નથી. ન તો તેમની ભાષા તેમની પોતાની ઉપજ છે અને ન તો તેમની જીવનશૈલી. તે તમામ બાબતો ભારતની સભ્યતાનાં તત્ત્વો છે અને તેનું મૂળ સિંધ પ્રદેશમાં રહેલું છે.
સિંધ શબ્દ અને સિંધુ નદી
સિંધનું નામ મૂળરૂપે સંસ્કૃત શબ્દ ‘સિંધુ’ પરથી આવ્યું છે. ‘સિંધુ’ શબ્દ ત્યાં વહેતી વિશાળ અને મોટી નદીના આધારે આવ્યો હતો, આજે પણ તે નદીને સિંધુ નદી કહેવામાં આવે છે અને તે જે વિસ્તારમાંથી વહે છે તેને સિંધ કહેવામાં આવે છે. અગાઉ તે વિસ્તારને ‘સિંધુદેશ’ કહેવામાં આવતો હતો. પછીથી અપભ્રંશ થઈને સિંધ થઈ ગયો. આજે જ્યાં ભારત-પાકિસ્તાનની સરહદ છે, ત્યાં પ્રાચીનકાળમાં સિંધુ ખીણની મહાન સભ્યતા વિકસિત થઈ હતી, જે મૂળરૂપે હિંદુઓની સભ્યતા હતી તેમાં કોઈ બેમત નથી.
આ તે જ સભ્યતા હતી જેને આપણી ભારતીય સંસ્કૃતિનું મૂળ માનવામાં આવે છે. કૃષિ, નગર-યોજના, કલા, વેપારથી લઈને ઉદ્યોગ અને સભ્યતાગત જીવનની શરૂઆત પણ ત્યાંથી જ થઈ હતી. સિંધ પર આરબ આક્રાંતા મુહમ્મદ ઇબ્ન કાસિમે હુમલો કર્યો ત્યારે ત્યાં હિંદુ-બ્રાહ્મણ રાજાશાહી હતી, તે સમય સુધી સિંધ હિંદુઓના અધિકાર હેઠળ હતું. આરબ ઇતિહાસકારોએ પોતે લખ્યું છે કે તેઓ એક ઉન્નત હિંદુ સભ્યતા પર હુમલો કરવા જઈ રહ્યા છે.
સિંધ: ભારતીય સભ્યતાનું ઉદ્ગમબિન્દુ
ભારતીય ઇતિહાસ અને સંશોધનો સિંધને ભારતીય સભ્યતાના કેન્દ્રમાં મૂકે છે. મહાભારતથી લઈને ઋગ્વેદની સુધીના ગ્રંથોમાં સિંધને ‘સિંધુ-સૌવીર’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇતિહાસકાર જ્હોન માર્શલ અને અસ્કો પાર્પોલાનાં સંશોધન અનુસાર સિંધુ ખીણની મૂળ સંસ્કૃતિ હિંદુઓની સભ્યતાગત સંસ્કૃતિ હતી. મોહેંજો-દારો જેવા સ્થળો પણ સિંધમાં આવેલાં છે અને તેમાં માતૃદેવીની મૂર્તિઓ, પશુપતિ (શિવનું પ્રારંભિક સ્વરૂપ) અને વૃક્ષ-આરાધનાના ઘણા પુરાવા પણ મળ્યા છે, જેને પાછળથી હિંદુ સભ્યતાનો એક ભાગ ગણવામાં આવ્યા હતા.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવસારીની ગાર્ડા કોલેજના ઇતિહાસ વિભાગના હેડ પ્રોફેસર ડૉ. અંબુ પટેલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિંધુ ખીણમાંથી જ વૈદિક સંસ્કૃતિ અને યુગની શરૂઆત થઈ હતી. ઋગ્વેદમાં ‘સિંધ’ને ‘સપ્તસિંધુ’ (સાત નદીઓનો પ્રદેશ) કહેવામાં આવ્યો છે. આ યુગમાં હિંદુ રાજવંશો જેમ કે રાય અને સમ્મા વંશે સિંધ પર પોતાનું શાસન પણ ચલાવ્યું હતું. ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય હેઠળ સિંધમાં કલા અને સંસ્કૃતિએ ડગલાં માંડ્યાં હતાં. મિરપુરખાસમાંથી મળેલી બ્રહ્મદેવની મૂર્તિ તેનો પુરાવો છે.
સિંધુ ખીણમાં પાંગરેલી સભ્યતા મૂળે હિંદુઓની પ્રારંભિક સભ્યતા હતી. જોકે, તેમાં ઘણાં મિથક પણ જોવા મળે છે કે આર્યો ભારત આવ્યા અને સિંધુ ખીણની સભ્યતાને નષ્ટ કરી. પણ સમજવા જોગ વાત એ છે કે આર્યો જ હિંદુઓ હતા અને આ સભ્યતા જ હિંદુઓની સભ્યતા હતી. એટલે આર્યો આવ્યા એ એક મિથક જ છે. કારણ કે આર્યો ક્યાંયથી આવ્યા નહોતા, તેમનું મૂળ જ ભારત છે. પ્રાચીન ધર્મશાસ્ત્રો, ત્યાં સુધી કે ઋગ્વેદમાં પણ ‘આર્ય શબ્દ’ને પવિત્ર ગણવામાં આવ્યો છે.
બાદમાં વામપંથી ઇતિહાસકારોએ વિભાજનકારી નીતિ અપનાવી અને હિંદુ સમાજને બે ભાગમાં વહેચી દીધો. ઉત્તર ભારતના આર્યો અને દક્ષિણના દ્રવિડો. બાદમાં DNAની વૈજ્ઞાનિક પ્રોસેસમાં બંને સ્થળોના લોકોના પૂર્વજો એક જ નીકળ્યા હતા. મૂળ વાત એ છે કે સિંધુ ખીણમાં પાંગરેલી સંસ્કૃતિ મૂળરૂપે હિંદુઓની પોતાની વિકસિત સભ્યતા હતી.
સિંધ પર વિદેશી આક્રમણોના સમયે (આરબ આક્રમણ, 711 CE) પણ ત્યાંના હિંદુ સમુદાયે તેની મૂળ સંસ્કૃતિ જાળવી રાખી હતી. એક સિદ્ધાંત ઇતિહાસમાં કાયમ કહેવાતો આવ્યો છે કે સભ્યતા કાળચક્રથી પરે છે. કોઈપણ દેશની સભ્યતા ભૌગોલિક સરહદો કરતાં વધુ ગહન છે. એટલે તેને માત્ર એક સીમાડા કે બોર્ડર સાથે જોડવી મૂર્ખામી છે. આજે જે પાકિસ્તાન કૂદાકૂદ કરી રહ્યું છે, તેણે પણ એ સમજવાની જરૂર છે કે તેની પોતાની સભ્યતા હિંદુઓની દેન છે. તેથી રાજનાથ સિંઘનું નિવેદન કે સિંધ સભ્યતાગત રીતે ભારતનો ભાગ છે, તે સનાતન સિદ્ધાંત છે અને તેને કોઈપણ કાળે ટાળી શકાય એમ નથી.
સિંધુ નદી અને તેની સાથેનો હિંદુઓનો સંબંધ
સિંધમાં ખળખળ વહેતી સિંધુ નદી આજે પણ પ્રાચીન હિંદુ સભ્યતાની યાદ અપાવે છે. સિંધુને પ્રાચીન ભારતની સૌથી પવિત્ર નદી ગણવામાં આવતી હતી. ગંગાની સરખામણી તેની સાથે થતી હતી. તેનું મૂળ કારણ જ એ છે કે હિંદુઓની વૈદિક સભ્યતાનો જન્મ જ આ નદીના કાંઠે થયો હતો. જે નદી કોઈ એક સભ્યતાને જન્મ આપે છે, તેને ભારતીય સંસ્કૃતિમાં માનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ જ કારણ હતું કે પ્રાચીન ગ્રંથોમાં સિંધુને સિંધુ મૈયા કે માતા સિંધુ કહેવાઈ છે. આજે પણ આપણાં મોટાભાગના ધર્મગ્રંથોના શ્લોકોમાં પવિત્ર નદીઓમાં સિંધુ નદીનું નામ અચૂક આવે છે.
સિંધુ નદી માત્ર એક ભૌગોલિક નદી નથી, તે હિંદુ સભ્યતાનો પ્રાણ છે, તેનું સૌથી પ્રાચીન નામ છે અને તેની સૌથી પવિત્ર નદી છે. સિંધુ નદી અને હિંદુ ઓળખ એકબીજાથી અભિન્ન છે. ઋગ્વેદમાં સિંધુ નદીનું સ્થાન સર્વોચ્ચ છે. તેને 45થી વધુ વખત ઉલ્લેખવામાં આવી છે અને તેને ‘સર્વોત્તમા નદી’ (નદીઓની રાણી) કહેવામાં આવી છે.
यदद्रिवः सिन्धौ अप्सु आ गहि तिष्ठन्तम् अत्र वह्नयो धुरि । (ઋગ્વેદ 10.75.1)
“હે સિંધુ! તું નદીઓમાં સૌથી શ્રેષ્ઠ છે, તું સમુદ્ર તરફ ધસી જાય છે.”
ઋગ્વેદના નદીસૂક્તમાં (10.75) સાત પવિત્ર નદીઓનું વર્ણન છે, ગંગા, યમુના, સરસ્વતી, શુતુદ્રી (સતલજ), પરુષ્ણી (રાવી), વિતસ્તા (બિયાસ) અને સિંધુ. તેમાં સિંધુને સૌથી પહેલું અને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ સૂક્ત આજે પણ દરરોજ સવારે સંધ્યાવંદનામાં ગવાય છે. તે સિવાય નિત્ય સ્નાન કરતી વેળાએ બોલાતા મંત્રમાં પણ સિંધુ નદીને સ્થાન અપાયું છે.
गङ्गे च यमुने चैव गोदावरी सरस्वति ।
नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ॥
અહીં ‘સિંધુ’ શબ્દ આજે પણ ઉચ્ચારાય છે, ભલે તે ભારતની સરહદમાં ન હોય. આ એક સાંસ્કૃતિક બાબત છે કે સિંધુ હિંદુઓ માટે હજુ પણ જીવંત પવિત્ર નદી છે.
મહાભારતમાં પણ સિંધુ નદીને ‘દેવનિર્મિતા’ (દેવતાઓએ બનાવેલી) કહેવામાં આવી છે (મહાભારત, વનપર્વ 85.8). બ્રહ્મપુરાણ અને વિષ્ણુપુરાણમાં તેને ‘સપ્ત સિંધવ’નું કેન્દ્ર ગણવામાં આવી છે. વાલ્મીકિ રામાયણમાં ભરતે સિંધુ નદીના કાંઠે રામની પાદુકાઓ સાથે નંદિગ્રામમાં રાજ કર્યું હતું.
સિંધી હિંદુઓના ઇષ્ટદેવ ઝુલેલાલે (જેને વરુણ દેવ પણ કહેવાય છે) પણ સિંધુ નદીના જ અવતાર ધારણ કર્યો હતો. ચેટીચાંદના તહેવારમાં સિંધીઓ ‘જય ઝુલેલાલ’ કહીને સિંધુ નદીની આરતી ઉતારે છે અને પાણીને પવિત્ર માને છે. આ પરંપરા આજે પણ ભારતમાં રહેતા સિંધીઓ અને પાકિસ્તાનના સિંધમાં રહેતા હિંદુઓ બંને ઉજવે છે.
આજે સિંધુ નદીનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે, પણ ભારતના લદ્દાખમાં તેનું ઉદ્ગમસ્થાન છે, જ્યાં હજારો હિંદુ યાત્રાળુઓ દર વર્ષે દર્શન કરવા આવે છે. ભારત સરકારે પણ ત્યાં ‘સિંધુ દર્શન યાત્રા’ શરૂ કરી છે, જે દર્શાવે છે કે સરકારી સ્તરે પણ સિંધુને હિંદુ સભ્યતાની પવિત્ર નદી તરીકે માનવામાં આવે છે.
સિંધુ નદી એ સિંધ પ્રદેશ અને હિંદુ ઓળખ વચ્ચેનો જીવંત સેતુ છે. જ્યાં સુધી હિંદુ સંધ્યાવંદનામાં ‘સિંધુ’ શબ્દ ઉચ્ચારશે, જ્યાં સુધી સિંધુનો જળપ્રવાહ અવિરત રહેશે, જ્યાં સુધી લદ્દાખમાં સિંધુ દર્શન થશે, ત્યાં સુધી સિંધ સભ્યતાગત રીતે હંમેશા ભારતનો જ ભાગ રહેશે.
સિંધમાં હિંદુઓનો જીવંત વારસો
1947નાં વિભાજન પછી મોટા પ્રમાણમાં સિંધી હિંદુઓ ભારત તરફ સ્થળાંતરિત થયા, પરંતુ સિંધમાં આજે પણ મોટાભાગની હિંદુ વસ્તી છે. 2023ની પાકિસ્તાની વસ્તીગણતરી અનુસાર, સિંધમાં 4.9 મિલિયન હિંદુઓ રહે છે, જે પ્રાંતની વસ્તીના 8.8% છે, પાકિસ્તાનના તમામ હિંદુઓમાંથી 93%. ઉમરકોટ (54.7% હિંદુ) અને થરપારકર (810,000 હિંદુઓ) જેવા જિલ્લાઓમાં તેઓ બહુમતીમાં છે.
આ વસ્તી લોહાણા, અમીલ અને ભૈબંડ જેવી જાતિઓમાં વહેંચાયેલી છે, જે વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલી છે. તેઓ ચેટીચાંદ (ઝુલેલાલજીનો જન્મદિવસ) અને દિવાળી જેવા તહેવારો ઉજવે છે, જે સિંધુ નદીની પવિત્રતા પર આધારિત છે. જોકે, મજહબી હિંસા અને આર્થિક મુશ્કેલીઓને કારણે કેટલાક સ્થળાંતરિત થઈ રહ્યા છે, તેમ છતાં હિંદુઓની હાજરી સિંધને હિંદુ-ભારતીય વારસાનું જીવંત પ્રતીક બનાવે છે. રાજનાથ સિંઘે પણ તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે સિંધીઓ ‘બીજા દરજ્જાના નાગરિક’ નથી, તે ભારતના પોતાના પુત્રો છે.
ભારતનાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’માં (રવિન્દ્રનાથ ટાગોર, 1911) ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા’નો ઉલ્લેખ તેની સભ્યતાગત અભિન્નતાનો પુરાવો છે. વિભાજન પછી પણ સુપ્રીમ કોર્ટના 2005ના ચુકાદાએ ‘સિંધ’ શબ્દને જાળવી રાખ્યો હતો, કારણ કે તે સ્થળને નહીં, પરંતુ સિંધી સમુદાય અને સભ્યતાને રજૂ કરે છે. આ ઉલ્લેખ રાજનાથ સિંઘના નિવેદનને મજબૂત કરે છે કે ભૌગોલિક સરહદો બદલાતી રહે છે, પરંતુ સાંસ્કૃતિક બંધન અટલ છે.
ભારત અને સિંધનો સંબંધ ભૂરાજકારણ નહીં, પણ સભ્યતા નક્કી કરે છે. સભ્યતાગત સંબંધો ન તો સમય તોડી શકે છે અને ન તો સરહદો. ભારતના રાષ્ટ્રગાનથી લઈને સિંધુ સભ્યતાની ઉત્પત્તિ સુધી, તમામ જગ્યાએ સિંધ જીવંત છે. તેથી એવું કહેવું કે સિંધ સભ્યતાગત રીતે ભારતનો ભાગ છે, તે કોઈપણ રીતે ખોટું નથી.


