નવરાત્રિના છ નોરતા પૂર્ણ થયા છે અને તે સાથે પૂર્ણ થયા છે શ્રી દુર્ગા સપ્તશતીના 6 લેખો. (અહીં ક્લિક કરીને નીચેથી ક્રમાનુસાર તમામ અધ્યાયો વાંચી શકાશે.) આ 6 લેખોમાં વિવિધ 10 અધ્યાયોને સમાવી લેવામાં આવ્યા છે. જેમાં ચંડ-મુંડના વધથી લઈને દૈત્યરાજ શુંભ-નિશુંભના વધ સુધીની કથાઓ આવરી લેવામાં આવી છે. હવે અમે આ લેખનમાળાનો સાતમો લેખ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ.
અગાઉના લેખોમાં આપણે વાંચ્યું છે કે દૈત્યરાજ શુંભ-નિશુંભના અત્યાચારોના કારણે દેવતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા અને દેવીની આરાધના કરવા લાગ્યા. જે બાદ શુંભ અને નિશુંભે એક-એક કરીને બધા રાક્ષસોને મોકલી દેવીનો વધ કરવા કહ્યું, પણ દેવીએ તમામ દૈત્યોનો સંહાર કર્યો. અંતે આ બંને દૈત્યરાજ પણ દેવીના હાથે યમલોક પહોંચ્યા. ત્યારબાદ શું ઘટના ઘટી, વાંચો 11મા અધ્યાયમાં.
શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-11 (દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ)
ઋષિએ કહ્યું કે મહાદૈત્યપતિ શુંભનો વધ થતાં ઇન્દ્ર સહિત દેવતાઓ અગ્નિને આગળ કરીને કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તેમની ઇચ્છાની પૂર્તિ થતાં તેમના મુખકમળો દીપ્ત થયા અને તેમના પ્રકાશથી દિશાઓ જગમગી ઉઠી. દેવતાઓએ કહ્યું, “શરણાગતની પીડા દૂર કરનારા દેવી! અમારા પર પ્રસન્ન થાઓ. જગદંબા! પ્રસન્ન થાઓ. વિશ્વેશ્વરી! વિશ્વની રક્ષા કરો. તમે જ ચરાચર જગતના અધીશ્વરી છો.”
તેમણે દેવીને પૃથ્વીરૂપે જગતનો આધાર, જલરૂપે જગતને તૃપ્ત કરનાર, અનંત બળસંપન્ન વૈષ્ણવી શક્તિ, પરા માયા અને મોક્ષદાયિની ગણાવ્યા. દેવતાઓએ કહ્યું, “સમસ્ત વિદ્યાઓ, સ્ત્રીઓ અને જગત તમારી જ મૂર્તિઓ છે. તમે જગતને વ્યાપી રહ્યા છો, તમારી સ્તુતિ શબ્દોની મર્યાદા ઓળંગે છે, કેમ કે તમે સર્વસ્વરૂપા અને વાણીથી પરે છો.”
નારાયણીના રૂપોની સ્તુતિ
દેવતાઓએ દેવીને નારાયણી તરીકે સંબોધીને બુદ્ધિરૂપે હૃદયમાં વિરાજમાન, સ્વર્ગ-મોક્ષદાયિની, કલા-કાષ્ઠારૂપે જગતનો ઉપસંહાર કરનાર, મંગલમયી, શિવા, શરણાગતવત્સલા, ત્રિનેત્રી અને ગૌરી તરીકે નમન કર્યું. તેમણે દેવીને સૃષ્ટિ, પાલન અને સંહારની શક્તિ, સનાતની, ગુણોનો આધાર અને સર્વગુણમયી ગણાવ્યા. દેવતાઓએ દેવીના વિવિધ રૂપોની સ્તુતિ કરી. બ્રહ્માણીરૂપે હંસયુક્ત વિમાન પર કુશમિશ્રિત જળ છાંટનાર. માહેશ્વરીરૂપે ત્રિશૂળ, ચંદ્ર અને સર્પ ધારણ કરી વૃષભ પર વિરાજમાન. કૌમારીરૂપે મયૂર અને મહાશક્તિ સાથે.
વૈષ્ણવીરૂપે શંખ, ચક્ર, ગદા અને શાર્ઙ્ગધનુષ ધારણ કરનાર. વારાહીરૂપે મહાચક્ર અને દાંતથી પૃથ્વી ઉપાડનાર. નારસિંહીરૂપે દૈત્યોનો વધ કરનાર. ઇંદ્રાણીરૂપે સહસ્ર નેત્રો અને વજ્ર સાથે વૃત્રાસુરનો નાશ કરનાર. શિવદૂતીરૂપે ભયંકર ગર્જના કરી અસુરસેનાનો સંહાર કરનાર અને ચામુંડારૂપે મુંડમાળાથી શોભતી, ચંડ-મુંડનો વધ કરનાર. દેવતાઓએ દેવીને લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહાઅવિદ્યા, મેધા, સરસ્વતી, વરા, ભૂતિ, ભાભ્રવી, તામસી, નિયતા અને ઈશારૂપે નમન કર્યું.
દેવીની રક્ષાશક્તિની સ્તુતિ
દેવતાઓએ દેવીને સર્વસ્વરૂપા, સર્વેશ્વરી અને સર્વશક્તિમયી ગણાવ્યા, ભયથી રક્ષણ માટે પ્રાર્થના કરી. તેમણે દેવીના સૌમ્ય મુખ, ભયંકર ત્રિશૂળ, ઘંટનાદ અને રક્ત-ચર્બીથી ચર્ચિત ખડ્ગને નમન કરી તેમની રક્ષણશક્તિની સ્તુતિ કરી. દેવી પ્રસન્ન થતાં રોગો નષ્ટ કરે છે, કુપિત થતાં કામનાઓનો નાશ કરે છે અને શરણાગતો પર વિપત્તિ આવવા દેતા નથી.
દેવતાઓએ કહ્યું, “અંબિકે! તમે વિવિધ રૂપો ધારણ કરી ધર્મદ્રોહી અસુરોનો સંહાર કર્યો, એવું બીજું કોણ કરી શકે? વિદ્યાઓ, શાસ્ત્રો અને વેદોમાં તમારું જ વર્ણન છે. તમે રાક્ષસો, સર્પો, શત્રુઓ, લૂંટારાઓ, દાવાનળ અને સમુદ્રની વચ્ચે પણ વિશ્વની રક્ષા કરો છો.” દેવતાઓએ દેવીને વિશ્વનું પાલન કરનાર, વિશ્વરૂપા, વિશ્વનાથની વંદનીયા અને ભક્તોને આશ્રય આપનાર ગણાવ્યા અને પાપો, ઉપદ્રવો અને મહામારીઓથી રક્ષણ માટે પ્રાર્થના કરી.
દેવીનું વરદાન અને ભવિષ્યવાણી
દેવતાઓની આ સ્તુતિથી દેવી અત્યંત પ્રસન્ન થયા અને દેવતાઓને કહ્યું, “હું વર આપવા તૈયાર છું. તમારા મનમાં જે ઇચ્છા હોય તે માંગો, હું સંસારના હિત માટે તે આપીશ.” દેવતાઓએ વિનંતિ કરી કે, “સર્વેશ્વરી! તમે ત્રણે લોકોની બાધાઓ શાંત કરો અને અમારા શત્રુઓનો નાશ કરો.” દેવીએ જવાબ આપ્યો, “વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમા યુગમાં શુંભ અને નિશુંભ નામના બે મહાદૈત્યો ઉદ્ભવશે. હું નંદગોપના ઘરે યશોદાના ગર્ભથી અવતરીને વિંધ્યાચલમાં રહી તેમનો નાશ કરીશ. પછી ભયંકરરૂપે અવતરી વૈપ્રચિત્ત દાનવોનો વધ કરીશ અને મારા દાંત અનારના ફૂલ જેવા લાલ થશે, જેથી દેવતા અને મનુષ્યો મને ‘રક્તદંતિકા’ કહેશે.”
દેવીએ આગળ કહ્યું, “જ્યારે પૃથ્વી પર સો વર્ષ સુધી વરસાદ નહીં પડે ત્યારે મુનિઓની સ્તુતિથી હું અયોનિજા રૂપે પ્રગટીને સો નેત્રોથી મુનિઓને જોઈશ અને ‘શતાક્ષી’ નામે જાણીતી થઈશ. મારા શરીરથી ઉત્પન્ન શાકો દ્વારા જગતનું ભરણપોષણ કરીશ અને ‘શાકંભરી’ નામે પ્રસિદ્ધ થઈશ. તે જ અવતારમાં દુર્ગમ દૈત્યનો વધ કરીને ‘દુર્ગાદેવી’ નામે જાણીતી થઈશ. પછી ભીમરૂપે હિમાલય પર રાક્ષસોનો નાશ કરીને ‘ભીમાદેવી’ નામે વિખ્યાત થઈશ. જ્યારે અરુણ દૈત્ય ત્રણે લોકોમાં ઉપદ્રવ મચાવશે, ત્યારે હું છ પગવાળા અસંખ્ય ભમરોનું રૂપ ધારણ કરી તેનો વધ કરીશ અને ‘ભ્રામરી’ નામે સ્તુત થઈશ. આમ, જ્યારે-જ્યારે દાનવી બાધા ઉદ્ભવશે, ત્યારે-ત્યારે હું અવતાર લઈ શત્રુઓનો સંહાર કરીશ.”
આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો એકાદશ (11મો) અધ્યાય પૂર્ણ થાય છે.
દુર્ગા સપ્તશતીનો 11મો અધ્યાય દેવીના સર્વસ્વરૂપા, વિશ્વેશ્વરી અને શરણાગતવત્સલા સ્વરૂપને દર્શાવે છે, જે દેવતાઓની સ્તુતિ અને ભવિષ્યના અવતારો દ્વારા જગતની રક્ષા, પાપોનો નાશ અને ધર્મની સ્થાપનાનો સંદેશ આપે છે. આવનારા લેખમાં આપણે અધ્યાય-12 (દેવી-ચરિત્રના પાઠનું માહાત્મ્ય) વિશે વાત કરીશું.


