આજથી લગભગ 72 વર્ષ પહેલાં 1953માં, આજના જ દિવસે દેશના સૌથી કદાવર નેતાઓ પૈકીના એક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr Syama Prasad Mookerjee) રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરની (Jammu And Kashmir) તત્કાલીન સરકારની કસ્ટડીમાં હતા અને ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. કહેવાયું હતું કે, તેમને હાર્ટઅટેક આવ્યો હતો. જોકે, આજ સુધી તે વિશેની કોઈ વિશ્વસનીય માહિતી સામે નથી આવી. આ તે જ નેતા હતા, જેમણે કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે પોતાના જીવનને બલિદાન કર્યું હતું.
डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर कोटि-कोटि नमन। उन्होंने देश की अखंडता को अक्षुण्ण रखने के लिए अतुलनीय साहस और पुरुषार्थ का परिचय दिया। राष्ट्र निर्माण में उनका अमूल्य योगदान हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा।
— Narendra Modi (@narendramodi) June 23, 2025
સમયના ચક્ર સાથે આગળ વધતાં 5 ઑગસ્ટ, 2019ના ઐતિહાસિક દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂર્ણ થયું હતું. આ જ દિવસે કાશ્મીરમાંથી કલમ 370ને (Article- 370) કાયમી માટે હટાવીને મોદી સરકારે શ્યામાપ્રસાદ મુખર્જીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કલમ 370 હટ્યાના 6 વર્ષ બાદ આજે કાશ્મીર હરણફાળ ભરીને આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રોમાં તેના વિકાસની વાતો વળગીને આંખે આવી રહી છે. પરંતુ દેશને અખંડ રાખવા અને મા ભારતીના અસ્તિત્વને અમર રાખવા પોતાના જીવ અર્પણ કરનારા આવા બલિદાનીઓને યાદ રાખવા પણ એટલા જ જરૂરી છે.
કાશ્મીરના એકીકરણ માટે ઉઠાવ્યો હતો પહેલો અવાજ
અવિભાજીત બંગાળના પૂર્વ મંત્રી અને બાદમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા ડૉ. મુખર્જી એક મુખ્ય વિપક્ષી નેતા હતા અને નેહરુ તથા તેમની કથિત સેક્યુલર રાજનીતિના આલોચક પણ હતા. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપક હતા, જે આગળ જતાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરીકે વિકસી હતી. તેમની વિચારધારા પણ સ્પષ્ટ હિંદુ રાષ્ટ્રવાદની હતી. આ જ કારણ હતું કે, તેઓ નેહરુ જેવા ‘લિબરલ-સેક્યુલર’ નેતાઓના નિશાન પર આવી ગયા હતા.
શ્યામાપ્રસાદ મુખર્જી જમ્મુ-કાશ્મીરના પૂર્ણ એકીકરણની માંગણી કરનારા પ્રથમ વ્યક્તિ હતા. આ માટે તેમણે આંદોલન પણ શરૂ કર્યું હતું. તેમણે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને લઈને નેહરુ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવ્યું હતું. હિંદુ રાષ્ટ્રવાદની સાથે દેશની અખંડિતતા પર ભાર આપતા આ નેતા દેશના અન્ય સેક્યુલર નેતાઓને કણની જેમ આંખમાં ખૂંચી રહ્યા હતા.
કાશ્મીર સુધીની યાત્રા, ગેરકાયદેસર ધરપકડ અને મૃત્યુ
8 મે, 1953ના રોજ સવારે 6:30 કલાકે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી દિલ્હી રેલવે સ્ટેશન પરથી કાશ્મીર યાત્રા માટે નીકળ્યા હતા. તેમની સાથે તેમના સહયોગી ગુરુ દત્ત વૈદ્ય, અટલ બિહારી વાજપેયી, ટેકચંદ, બલરાજ માધોક અને કેટલાક પત્રકારો પણ કાશ્મીર માટે નીકળ્યા હતા. તેમનો હેતુ એ હતો કે, ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સ્થિર થવાથી રોકતા કાયદાનો વિરોધ કરવો અને કાશ્મીર જઈને ભૂખ હડતાલ કરવી. નેહરુ દ્વારા જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જા અનુસાર, ભારતના રાષ્ટ્રપતિ સહિત કોઈપણ વ્યક્તિ ‘કાશ્મીરના વડાપ્રધાન’ની પરવાનગી વગર કાશ્મીરમાં પ્રવેશી શકે નહીં.
સ્પષ્ટપણે ભારતીયોને પોતાના જ દેશના એક ભાગમાં જવા માટે અટકાવવામાં આવતા હતા અને રાજ્યની અંદર જવા માટે તેમણે ફરજિયાતપણે પરમિટ કાર્ડ લેવું પડતું હતું. આ સિસ્ટમનો વિરોધ કરવા માટે મુખર્જીએ 1953માં કાશ્મીરનો પ્રવાસ કરીને આ ભેદભાવપૂર્ણ જોગવાઈઓને રદ કરવા માટેની માંગણી સાથે ભૂખ હડતાલ કરવાનો નિર્ણય કર્યો હતો. ડૉ. મુખર્જીએ પરમિટ વગર જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરીને કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે કોંગ્રેસના તે નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં કાશ્મીરને વિશેષ દરજ્જો આપવો, અલગ ઝંડો અને વડાપ્રધાન આપવાની વાત કરવામાં આવી હતી. નેહરુની નીતિનો તેમણે ભરપૂર વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ શેખ અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકારે 11 મેના રોજ વોરંટ વગર જ શ્યામાપ્રસાદ મુખર્જીની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ તેમને ખસ્તાહાલ ઘરમાં નજરકેદ કરી દીધા હતા. તેમને શ્રીનગરથી ઘણે દૂર એક ઝૂંપડીમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્યામાપ્રાસાદ મુખર્જી ઘણા લાંબા સમયથી ડ્રાય પ્લ્યુરીસી અને અન્ય કોરોનરી સમસ્યા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમ છતાં શેખ અબ્દુલ્લાની સરકારે તેમની સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જમ્મુ-કાશ્મીર સરકારે તેમને એવી જગ્યા પર રાખ્યા હતા કે જ્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.
જનસંઘના નેતાના જીવનચરિત્ર ‘શ્યામાપ્રસાદ મુખર્જી: હિઝ લાઇફ એન્ડ ટાઈમ્સ’માં તથાગત રૉયે જણાવ્યું છે કે, જૂનની શરૂઆતમાં ડૉ. મુખર્જીની તબિયત શંકાસ્પદ રીતે બગડી ગઈ હતી. તેમને એવી દવાઓ આપવામાં આવી હતી કે, જેનાથી તેમને એલર્જી હતી. વધુમાં તેમને દિવસમાં બે વખત પાવડર ખાવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું. કસ્ટડી દરમિયાન પણ તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી હતી. ડૉ. મોહમ્મદે તેમને જે દવાઓ આપી હતી, તેના કારણે તેમને ગંભીર તાવ આવી ગયો હતો અને ત્યારબાદ તેમને નર્સિંગમાં લઈ જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી માંગવામાં આવી હતી.
ત્યારબાદ મુખર્જીને નર્સિંગ હોમની જગ્યાએ 10 મીલ દૂર એક હૉસ્પિટલના સ્ત્રીરોગ વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. 23 જૂન, 1963ના રોજ પોલીસ અધિક્ષકે દત્ત અને ચાંદને જણાવ્યું હતું કે, મુખર્જીની સ્થિતિ ગંભીર છે. તે પછી બંને સહયોગીઓ વહેલી સવારે 4 વાગ્યે હૉસ્પિટલ પહોંચી ગયા હતા. હૉસ્પિટલ પહોંચતા જ અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે, ડૉ. મુખર્જીએ 3:40 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેમના દેહાંતના સમાચાર પણ શંકાસ્પદ લાગતાં હતા.
તેમના મૃત્યુ બાદ પણ સરકારે નિયમોને નેવે મૂકીને તેમનું પોસ્ટમોર્ટમ સુદ્ધાં નહોતું કરાવ્યું. નેહરુની ગેરહાજરીમાં કાર્યવાહક વડાપ્રધાન મૌલાના આઝાદે મૃતદેહને દિલ્હી લાવવા માટેની પરવાનગી પણ નહોતી આપી. તેની જગ્યાએ મૃતદેહને સીધા કોલકાતા લઈ જવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડીમાં મુખર્જીનું અચાનક મૃત્યુ થવાથી આખા દેશના મનમાં શંકા ઊભી થવા લાગી હતી.
મુખર્જીની હત્યા નેહરુ અને અબ્દુલ્લા સરકારનું ષડ્યંત્ર- અટલ બિહારી વાયપેયી
ઘણા લોકો માને છે કે મુખર્જીના મૃત્યુ પાછળ કોઈ કાવતરું હતું. તેમના મૃત્યુના સંજોગો રહસ્યમય હતા અને ઘણા પ્રશ્નો ઉભા થયા હોવા છતાં તત્કાલીન રાજકીય સત્તાઓએ ક્યારેય તેમના મૃત્યુની વિગતવાર, નિષ્પક્ષ તપાસ શરૂ કરી ન હતી. મુખર્જીના દેહાંતના દાયકાઓ પછી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરોપ લગાવ્યો હતો કે જનસંઘના સ્થાપકનું મૃત્યુ સ્વાસ્થ્ય સમસ્યાઓથી નહોતું થયું, પરંતુ તત્કાલીન જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર સરકાર વચ્ચેના કાવતરાના ભાગરૂપે તેમની હત્યા કરવામાં આવી હતી.
2004માં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું મૃત્યુ તત્કાલીન દિલ્હી અને કાશ્મીર સરકાર દ્વારા રચવામાં આવેલા એક મોટા કાવતરાનું ભાગ હતું. ડૉ. મુખર્જી સાથેના તેમના જોડાણ વિશે વાત કરતા વાજપેયીએ યાદ કર્યું હતું કે, કેવી રીતે તેમના પ્રયત્નો અને બલિદાનથી સરહદી રાજ્ય દેશથી અલગ ન થયું.
‘એક દેશ મે દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’ના ઐતિહાસિક નારાના જનક
શ્યામાપ્રસાદ મુખર્જી જે સમયે આંદોલન કરી રહ્યા હતા, તે સમયે હિંદુ મહાસભા અને જનસંઘ જેવા સંગઠનો રાજકીય દૃષ્ટિકોણથી એટલા પ્રભાવશાળી નહોતા, પરંતુ તેમનું એક સ્વપ્ન ચોક્કસ હતું. આ એવો સમય હતો જ્યારે વિરોધમાં ન તો પ્રતિષ્ઠા હતી કે ન તો પૈસા. મીડિયાના ચીયરલીડર્સ વિરોધના અવાજને ટેકો આપવા તૈયાર નહોતા. કોઈ શાહી સ્વાગત કે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર નહોતો. તેઓ પોતાની મરજીથી આ ક્ષેત્રમાં આવ્યા હતા અને તેમનું લક્ષ્ય ફક્ત બલિદાન હતું, તેમણે અંત સુધી ફક્ત આ જ કર્યું.
ડૉ. મુખર્જીએ પોતાના સ્વપ્ન માટે દરેક સરકારનો સામનો કર્યો. આ માટે તેમણે શ્રીનગર સુધીની યાત્રા કરી અને ત્યાં જ પોતાનો જીવ પણ આપ્યો. ત્યાંથી જ એક નારો પણ નીકળીને આવ્યો, એક એવો નારો જે દશકો સુધી લોકોના હ્રદયમાં ગુંજતો રહ્યો. નારો હતો– ‘એક દેશ મે દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે.’ આ નારો મુખર્જીએ કાશ્મીરીના વિશેષ દરજ્જાના વિરોધ અભિયાન દરમિયાન આપ્યો હતો અને આગળ જતાં આ જ નારો ભારતનું ભવિષ્ય પણ બન્યો હતો.
જોકે, મહત્વની વાત એ છે કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મૃત્યુનું કારણ શું હતું તે કોઈ જાણતું નથી અને કદાચ ક્યારેય જાણી શકાશે પણ નહીં. જોકે, આજે દરેક ભારતીયના હૃદયમાં સંતોષની લાગણી એ છે કે, જમ્મુ અને કાશ્મીરને ભારતીય ક્ષેત્રમાં જોડવા માટે ડૉ. મુખર્જીનું બલિદાન વ્યર્થ નથી ગયું.
ડૉ. મુખર્જીનું બલિદાન દાયકાઓથી લોકોના હૃદયમાં જીવંત છે અને હજુ પણ રહેશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે જે સ્વપ્ન જોયું હતું તે આખરે 5 ઑગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું, જ્યારે તેમણે વિવાદાસ્પદ કલમ 370 રદ કરીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કરી દીધો.
આ ઐતિહાસિક નિર્ણય પછી જમ્મુ અને કાશ્મીર ભારત સાથે સંપૂર્ણ એકીકરણના માર્ગે આગળ વધી રહ્યું છે અને કોઈપણ ભારતીય હવે ડૉ. મુખર્જીએ કલ્પના કરી હતી તેમ, જમ્મુ અને કાશ્મીરમાં મુક્તપણે યાત્રા કરી શકે છે અને ત્યાં રહી પણ શકે છે.