Wednesday, December 4, 2024
More
    હોમપેજઇન્ડોલોજી5 હજાર ભીલ યોદ્ધાઓ, ગુરિલ્લા યુદ્ધ અને 80 હજાર મુઘલ સૈનિકોનો સફાયો…મહારાણા...

    5 હજાર ભીલ યોદ્ધાઓ, ગુરિલ્લા યુદ્ધ અને 80 હજાર મુઘલ સૈનિકોનો સફાયો…મહારાણા પ્રતાપે જેમને આપ્યું હતું ‘રાણા’નું બિરુદ, એ પૂંજા ભીલ વિશે વાંચો

    ઇ.સ 1576માં હલ્દીઘાટી યુદ્ધ એ મહારાણા પ્રતાપ અને મુઘલ આક્રમણખોર અકબર વચ્ચે લડાયેલું ઐતિહાસિક યુદ્ધ હતું. આ યુદ્ધમાં રાણા પૂંજા ભીલે 5000 ભીલ યોદ્ધાઓ સાથે મહારાણા પ્રતાપને ટેકો આપ્યો હતો. ગુરિલ્લા યુદ્ધની તેમની અનન્ય વ્યૂહરચનાને કારણે તેમણે મુઘલ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું.

    - Advertisement -

    16મી સદીના યોદ્ધા રાણા પૂંજા ભીલને હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપને તેમણે આપેલા સમર્થન માટે યાદ કરવામાં આવે છે. તેમની વીરતા અને બહાદૂરીએ ન માત્ર મુઘલ સત્તાને ઝકઝોળી પરંતુ તેમને ભારતીય ઇતિહાસમાં એક વિશેષ સ્થાન પણ અપાવ્યું. આદિવાસીઓની બહાદૂરી અને સંઘર્ષની આ ગાથામાં રાણા પૂંજા ભીલનું યોગદાન અમૂલ્ય છે. એ અલગ વાત છે કે તેમના બલિદાનની ચર્ચા મોટાભાગના અભ્યાસક્રમમાંથી ગાયબ થઈ ગઈ છે અને રાજસ્થાનની બહાર બહુ ઓછા લોકો તેમના વિશે જાણે છે, પણ ઇતિહાસના મૂળમાં જઈએ તો રાણા પૂંજા નામના યોદ્ધાનું પ્રભુત્વ સાંભળવા મળશે. દરેક જગ્યાએ, ખાસ કરીને મુઘલો સામેના સંઘર્ષમાં. આજે હલ્દીઘાટીના યુદ્ધનાં પરિણામો મહારાણા પ્રતાપ તરફી દેખાય તો તેની પાછળ રાણા પૂંજા જેવા વીરોનું અતુલ્ય યોગદાન છે.

    રાણા પૂંજાનો જન્મ 1540માં હાલના રાજસ્થાનના કુંભલગઢ વિસ્તારમાં થયો હતો. તેમના પિતાનું નામ દુદા સોલંકી અને માતાનું નામ કેરીબાઈ હતું. ભીલ જાતિનું વર્ચસ્વ ધરાવતો આ વિસ્તાર અગાઉ યદુવંશી રાજાઓ દ્વારા નિયંત્રિત હતો, પરંતુ ગુજરાતમાંથી આવેલા ચાલુક્ય વંશના સોલંકીઓએ પાનરવાને તેમની કર્મભૂમિ બનાવી. રાણા પૂંજાનું જીવન બાળપણથી જ સાહસ અને સંકલ્પનું પ્રતીક હતું. 15 વર્ષની વયે તેમના પિતાના અવસાન બાદ તેમને પાનરવાના મુખિયા બનાવવામાં આવ્યા હતા. બાળપણથી જ તેઓ તીરંદાજી અને ગુરિલ્લા યુદ્ધમાં નિપુણ હતા, જેના કારણે તેમની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાઈ ગઈ હતી.

    હલ્દીઘાટી યુદ્ધમાં યોગદાન

    ઇ.સ 1576માં હલ્દીઘાટી યુદ્ધ એ મહારાણા પ્રતાપ અને મુઘલ આક્રમણખોર અકબર વચ્ચે લડાયેલું ઐતિહાસિક યુદ્ધ હતું. આ યુદ્ધમાં રાણા પૂંજા ભીલે 5000 ભીલ યોદ્ધાઓ સાથે મહારાણા પ્રતાપને ટેકો આપ્યો હતો. ગુરિલ્લા યુદ્ધની તેમની અનન્ય વ્યૂહરચનાને કારણે તેમણે મુઘલ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું. પૂંજાની સેનાએ પહાડી માર્ગો અને ગાઢ જંગલોમાં ગેરિલા વ્યૂહનો ઉપયોગ કરીને મુઘલોના પુરવઠા અને લશ્કરી સંદેશાવ્યવહારમાં મુશ્કેલીઓ ઉભી કરી.

    - Advertisement -

    રાણા પૂંજા ભીલ દ્વારા રચાયેલી વ્યૂહરચનાથી મુઘલોને ઘેરવામાં મદદ મળી, જેણે મહારાણા પ્રતાપની સેનાને નવી ઊર્જા અને તાકાત આપી. યુદ્ધની અનિર્ણાયકતામાં પૂંજાની બહાદુરી અને લશ્કરી કૌશલ્યએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હલ્દીઘાટીના યુદ્ધ પછી પણ રાણા પૂંજાએ મુઘલો સામે ગુરિલ્લા યુદ્ધ ચાલુ રાખ્યું અને મુઘલોને ક્યારેય આ વિસ્તારમાં કાયમી પગ જમાવવાની તક મળી નહીં. આ એ સમય હતો જ્યારે મુઠ્ઠીભર યોદ્ધાઓ વર્ષો સુધી હજારો મુઘલ સૈનિકોને અલગ-અલગ સ્થાનો પર થતી અથડામણોમાં હરાવતા હતા. મહારાણા પ્રતાપ અને રાણા પૂંજાની જુગલબંધીએ મુઘલોને સતત નુકસાન પહોંચાડવાનું કામ કર્યું.

    મહારાણા પ્રતાપ અને રાણા પૂંજા પાસે લગભગ 9000 સૈનિકો હતા, જેમાંથી 5000થી વધુ સૈનિકો માત્ર ભીલ હતા. તેમની પાસે એક માત્ર શસ્ત્રો એવા પરંપરાગત ધનુષ અને તીર હતાં. જ્યારે લગભગ 90 હજાર સૈનિકોની મુઘલ સેના પાસે દારૂગોળો જેવા વિનાશક શસ્ત્રો હતાં. પરંતુ ધનુષ અને તીર, તલવાર અને ભાલાના હુમલાથી મુઘલ સેના પર એવી રીતે હુમલો કરવામાં આવ્યો કે માત્ર 10- માત્ર 12 હજાર સૈનિકો બચ્યા હતા. તેઓ પણ માત્ર એટલા માટે બચી ગયા કારણ કે તેઓએ આત્મસમર્પણ કર્યું હતું. ખાસ વાત એ છે કે જ્યારે મહારાણા પ્રતાપ ઘાયલ થયા હતા ત્યારે રાણા પૂંજાએ મહારાણા પ્રતાપના પોશાકમાં મુઘલોનો સામનો કર્યો હતો અને તેમની યુદ્ધ કળાથી મુઘલોને પરત ફરવા મજબૂર કર્યા.

    હકીકતે હલ્દીઘાટીના યુદ્ધ પછી ભીલોએ રાજપૂતો સાથે મળીને ગોગુંડાને ઘેરીને ત્યાં તૈનાત મુઘલ સૈન્યને ઘેરી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક તરફ રાજપૂતો અને ભીલોની ટુકડીઓ ગુરિલ્લા વ્યૂહરચનાથી હુમલો કરીને મુઘલોને નુકસાન પહોંચાડ્યું તો બીજી તરફ, ગોગુંડાની ઘેરાબંધીએ મુઘલો સુધી કોઈ પણ પ્રકારની મદદ ન પહોંચવા દીધી. આવી સ્થિતિમાં મુઘલ સૈન્ય સંપૂર્ણપણે લાચાર બની ગયું.

    દંતકથાઓમાં કહેવાય છે કે જ્યારે મુઘલ સૈનિકો અકબરને મળ્યા ત્યારે તેમણે કહ્યું – “રાજા, ત્યાં વરસાદ પડી રહ્યો હતો.” કાળઝાળ ગરમીમાં વરસાદ વિશે સાંભળીને અકબરને આશ્ચર્ય થયું, પરંતુ તે સમજી ગયો કે સૈનિકો જે વરસાદની વાત કરી રહ્યા છે તે મહારાણા પ્રતાપ અને રાણા પૂંજાના યોદ્ધાઓના ધનુષ્યમાંથી નીકળેલાં તીર હતાં.

    આદિવાસી નેતા તરીકે તેમનો સંઘર્ષ ભીલોની સ્વાયત્તતા અને આદર માટે હતો. ભીલ યોદ્ધાઓએ મુઘલ કાફલાઓ પર ઘણી વખત હુમલો કર્યો અને તેમને સફળતાપૂર્વક હરાવી દીધા. રાણા પૂંજાની આ લડાયક ભાવનાએ મેવાડની સરહદોનું રક્ષણ સુનિશ્ચિત કર્યું અને તેમની નિર્ભયતાનું પ્રતીક બની ગયું.

    ઇતિહાસકારો માને છે કે રાણા પૂંજાને મહારાણા પ્રતાપ દ્વારા ‘રાણા’નું બિરુદ આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ તેમને પોતાનો ભાઈ માનતા હતા અને તેમણે મેવાડના સંરક્ષણમાં અનોખું યોગદાન આપ્યું હતું. રાણા પૂંજાનો ઉલ્લેખ મેવાડના રાજ્ય ચિહ્નમાં પણ છે, જે સ્પષ્ટ કરે છે કે તેમની ભૂમિકા ખૂબ આદરણીય હતી.

    ખાસ વાત એ છે કે રાણા પૂંજા પછી તેમના વંશજોએ પણ પેઢીઓ સુધી મુઘલોને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું. રાણા પુંજાના પુત્ર રાણા રામે મહારાણા અમર સિંહના શાસન દરમિયાન મુઘલ સેના પરના હુમલામાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે મુઘલ સેનાને લૂંટી હતી. (શ્યામલદાસ-ભાગ 2, 1987, પૃષ્ઠ 223). રાણા રામના વંશજ રાણા ચંદ્રભાને ઔરંગઝેબના મેવાડ પરના હુમલા દરમિયાન મહારાણા રાજ સિંહની સેવા કરી હતી.

    રાણા પૂંજાની બહાદુરીને આજે પણ રાજસ્થાન અને ભીલ સમુદાયમાં ગર્વ સાથે યાદ કરવામાં આવે છે. 1986 માં, રાજસ્થાન સરકારે તેમના સન્માનમાં ‘રાણા પૂંજા એવોર્ડ’ની સ્થાપના કરી, જે રાજ્યમાં વિશિષ્ટ યોગદાન આપનારાઓને આપવામાં આવે છે.

    રાણા પૂંજાની ઓળખ અંગે વિવાદ

    રાણા પુંજાની ઓળખને લઈને સમયાંતરે વિવાદો થતા રહ્યા છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે રાણા પૂંજા ભીલ રાજપૂત હતા, જ્યારે મોટાભાગના તેમને ભીલ સમુદાયના માને છે. તેમના વંશજો દાવો કરે છે કે તેઓ ભીલ નહોતા, પરંતુ એક રાજપૂત હતા જેમને ભીલોનો ટેકો હતો. તેણે ભીલોની લશ્કરી ટુકડી તૈયાર કરી અને મહારાણા પ્રતાપના દળોનું નેતૃત્વ કર્યું. તેમના પરિવારનું ભીલ જાતિ સાથેનું જોડાણ તેમના ભીલ હોવાનો પુરાવો હોવાનું કહેવાય છે.

    મહારાણા પ્રતાપ સાથે હલ્દીઘાટીના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાણા પૂંજાને ભીલ તરીકે સંબોધવા સામે વાંધો ઉઠાવતા મનોહરસિંહ સોલંકીએ ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટ અને ડુંગરપુર કલેક્ટર સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે પોતે રાણા પૂંજાની સોળમી પેઢીના વંશજ છે. તેઓ દાવો કરે છે કે સોલંકી વંશના રાણા પૂંજા ભીલોના સરદાર હતા, પરંતુ ઇતિહાસના તથ્યોની પરે, તેમને વારંવાર ભીલ જાતિ સાથે જોડવામાં છે. સોલંકીએ તેમના લેખિત વાંધામાં જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ બે જ્ઞાતિઓ વચ્ચેની સામાજિક સમરસતાને ડહોળવાનો પ્રયાસ છે.

    તેમણે દસ્તાવેજો સાથે દાવો કર્યો હતો કે મહારાણા ઉદયસિંહનાં લગ્ન પાનરવાના રાણા હરપાલની બહેન રતનબાઈ સોલંકીની સાથે થયાં હતાં. મહારાણા ભૂપાલ સિંહના સમયમાં સર સુખદીપ દ્વારા ઉલ્લેખિત મેવાડ 1935ના ગેઝેટમાં પાનરવા શાસકોને સોલંકી રાજપૂત અને રાણાનું બિરુદ આપવામાં આવ્યું છે.

    1989માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે પણ વિવાદ ઊભો થયો હતો. મેવાડના મહારાણા મહેન્દ્ર સિંહ સહિત ઘણા રાજપૂત વંશજોએ આનો વિરોધ કર્યો અને રાણા પૂંજાની ભીલ ઓળખને પડકારી હતી.

    રાણા પૂંજાનું યોગદાન: એક આદર્શ

    રાણા પૂંજાનું જીવન આજના સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમનો સંઘર્ષ દર્શાવે છે કે સાચી બહાદુરી અને દેશભક્તિ જાતિ કે પૃષ્ઠભૂમિ દ્વારા માપી શકાતી નથી. તેમણે સાબિત કર્યું કે સંજોગો ગમે તે હોય, દેશ અને સમાજ પ્રત્યે વફાદારી સર્વોપરી છે. તેમનું ચરિત્ર માત્ર રાજસ્થાન માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. હલ્દીઘાટીનું યુદ્ધ હોય કે એ પછીનો સંઘર્ષ હોય, રાણા પૂંજાનું સમર્પણ અને હિંમત અજોડ હતી.

    રાણા પૂંજા ભીલનું જીવન બલિદાન, વફાદારી અને દેશભક્તિનું પ્રતીક છે. તેમની બહાદુરીએ તેમને માત્ર મેવાડ જ નહીં પરંતુ સમગ્ર ભારતના મહાન નાયક બનાવ્યા. તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે અને આવનારી પેઢીઓ તેમની પાસેથી પ્રેરણા લેતી રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં