હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ32 વર્ષ, એક સંકલ્પ અને સનાતનનું પુનર્જાગરણ: શાસ્ત્રાર્થ, અદ્વૈત અને સંગઠનથી કેવી...

32 વર્ષ, એક સંકલ્પ અને સનાતનનું પુનર્જાગરણ: શાસ્ત્રાર્થ, અદ્વૈત અને સંગઠનથી કેવી રીતે આદિગુરુ શંકરાચાર્યે બદલી ભારતની આધ્યાત્મિક દિશા

આદિ શંકરાચાર્યનું જીવન એ વાત સ્પષ્ટ કરે છે કે 'પુનર્જીવન' માત્ર અતીતને ફરીથી સ્થાપિત કરવું નથી, પરંતુ તેને નવા સંદર્ભમાં સશક્ત અને પ્રસ્તુત બનાવવું છે. તેમણે સનાતન ધર્મને માત્ર બચાવ્યો જ નહીં, પરંતુ તેને નવી ઊર્જા, નવી દિશા અને એક સ્થાયી આધાર આપ્યો.

- Advertisement -

આજે આદિગુરુ શંકરાચાર્યની જયંતી માત્ર એક સંતની સ્મૃતિ નથી, પરંતુ તે એ પ્રશ્નનો જવાબ શોધવાનો દિવસ પણ છે કે આખરે કેવી રીતે એક બાળ સન્યાસીએ તે સમયના ભારતની આખી આધ્યાત્મિક દિશાને બદલી નાખી હતી. જ્યારે આપણે ‘સનાતન ધર્મના પુનર્જીવન’ની વાત કરીએ છીએ ત્યારે આ કોઈ સામાન્ય દાવો નથી. આ તે ઐતિહાસિક વાસ્તવિકતા તરફ સંકેત કરે છે જ્યારે ભારતની વૈચારિક અને આધ્યાત્મિક ઓળખ એક જટિલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. વિવિધ પંથ, દર્શન અને મત પોતપોતાના પ્રભાવમાં હતા, પરંતુ એક સમગ્ર દૃષ્ટિનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. 

આવા સમયમાં શંકરાચાર્યનો ઉદય માત્ર એક ધાર્મિક ઘટના નહોતી, પરંતુ એક વ્યાપક વૈચારિક પુનર્જાગરણની શરૂઆત હતી. એ સમજવું જરૂરી છે કે તેમણે માત્ર ‘ધર્મની રક્ષા’ જ નહોતી કરી, પરંતુ ધર્મને ફરીથી વ્યાખ્યાયિત કર્યો, તેને તાર્કિક આધાર આપ્યો અને તેને એવી સંરચના પ્રદાન કરી જે સમયની કસોટી પર ટકી શકે. આ જ કારણ છે કે તેમનું જીવન અને કાર્ય આજે પણ અભ્યાસ અને વિમર્શનો વિષય બની રહ્યું છે અને એ જ કારણ છે કે આજે પણ સનાતન ધર્મ ટકી શક્યો છે. આદિગુરુ શંકરાચાર્યને ભગવાન શિવના અંશાવતાર પણ માનવામાં આવે છે.

અસંગઠિતતા અને વૈચારિક ધુંધ: 8મી સદીનું ભારત

જો આપણે તે સમયના ભારતને સમજવાનો પ્રયાસ કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તે એક અત્યંત ગતિશીલ પરંતુ એટલો જ જટિલ બૌદ્ધિક પરિવેશ હતો. બૌદ્ધ અને જૈન દર્શનનો વ્યાપક પ્રભાવ હતો અને તેઓ માત્ર ધાર્મિક પંથ જ નહોતા, પરંતુ એક મજબૂત દાર્શનિક અને સામાજિક સંરચના તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. આ સાથે જ વિવિધ સ્થાનિક પરંપરાઓ અને સંપ્રદાયો પણ વિકસિત થઈ રહ્યા હતા, જેમની પોતપોતાની માન્યતાઓ અને પ્રથાઓ હતી. આ વિવિધતા ભારતની શક્તિ હતી, પરંતુ જ્યારે તે એક સામૂહિક વૈચારિક આધારથી હટવા લાગે છે ત્યારે તે ભ્રમ અને અસંગતિનું કારણ પણ બની જાય છે.

- Advertisement -

આવા સમયમાં વૈદિક પરંપરા, જે ભારતીય સભ્યતાની મૂળધારા છે, તે અનેક સ્તરે પડકારનો સામનો કરી રહી હતી. આ પડકાર માત્ર બાહ્ય જ નહોતો, પરંતુ આંતરિક પણ હતો. એટલે કે પરંપરાની અંદર પણ સ્પષ્ટતા અને એકરૂપતાનો અભાવ દેખાવા લાગ્યો હતો. સામાન્ય જનતા માટે એ સમજવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે આધ્યાત્મિક સત્ય શું છે અને કયો માર્ગ અપનાવવો જોઈએ. આ એ જ બિંદુ હતું જ્યાં એવા નેતૃત્વની જરૂર હતી જે માત્ર આસ્થાના સ્તરે નહીં, પરંતુ જ્ઞાન અને તર્કના સ્તરે પણ માર્ગદર્શન આપી શકે.

કલાડીથી પ્રારંભ થયેલી એક અસાધારણ યાત્રા

કેરળના કલાડીમાં જન્મેલા આદિગુરુ શંકરાચાર્યનું જીવન શરૂઆતથી જ અસાધારણ સંકેતો આપતું હતું. અલ્પ આયુમાં જ તેમણે વૈરાગ્યને સ્વીકાર્યું અને સન્યાસ ગ્રહણ કરી લીધો. આ નિર્ણય માત્ર વ્યક્તિગત આધ્યાત્મિક શોધનું પરિણામ નહોતો, પરંતુ તે એ વ્યાપક ઉદ્દેશ્યનો ભાગ હતો જે આગળ જતાં તેમના આખા જીવનને વ્યાખ્યાયિત કરવાનો હતો.

તેમની પ્રારંભિક શિક્ષા અને ગુરુ પાસેથી પ્રાપ્ત જ્ઞાને તેમને માત્ર શાસ્ત્રોના જ્ઞાતા જ ન બનાવ્યા, પરંતુ તેમને એવા વિચારક તરીકે તૈયાર કર્યા જે જટિલ દાર્શનિક પ્રશ્નોને સરળ અને તાર્કિકરૂપમાં પ્રસ્તુત કરી શકે. આ જ ક્ષમતા આગળ જતાં તેમના શાસ્ત્રાર્થો અને ભાષ્યોમાં દેખાઈ આવે છે. કલાડીથી પ્રારંભ થયેલી આ યાત્રા માત્ર ભૌગોલિક નહોતી, પરંતુ તે એક એવી વૈચારિક યાત્રા હતી જેણે આખા ભારતને પ્રભાવિત કર્યું. 

અદ્વૈત વેદાંત: માત્ર દર્શન જ નહીં, એક વૈચારિક ક્રાંતિ

આદિગુરુ શંકરાચાર્યનું સૌથી મોટું યોગદાન અદ્વૈત વેદાંતને એક સ્પષ્ટ, સંગઠિત અને પ્રભાવી દર્શન તરીકે પ્રસ્તુત કરવાનું હતું. ‘બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ સ્વયં બ્રહ્મ છે’- આ વાક્ય માત્ર આધ્યાત્મિક સિદ્ધાંત જ નહોતું, પરંતુ તે સમયના સામાજિક અને વૈચારિક અસંગઠિતતાનું સમાધાન પણ હતું. અદ્વૈત વેદાંતે એ વાત સ્થાપિત કરી કે સમસ્ત અસ્તિત્વનું મૂળ એક જ છે અને જે ભેદ આપણે જોઈએ છીએ તે માત્ર મિથક છે.

આ વિચાર પપોતામાં અત્યંત શક્તિશાળી હતો, કારણ કે તેણે બાહ્ય ભેદોને ગૌણ બનાવી દીધા અને આંતરિક એકતા પર ભાર મૂક્યો. જ્યારે સમાજ વિવિધ સ્તરે વિભાજિત હોય ત્યારે આવી વિચારધારા ન માત્ર આધ્યાત્મિક શાંતિ આપે, પરંતુ સામાજિક સમરસતાનો પણ આધાર બને છે. શંકરાચાર્યે અદ્વૈતને માત્ર એક દાર્શનિક અવધારણા તરીકે જ ન છોડ્યું, પરંતુ તેને એક જીવંત પરંપરા તરીકે સ્થાપિત કર્યું જેને સમજી શકાય, જીવી શકાય અને આગળ વધારી શકાય.

પંચાયતન પૂજા: મતભેદોને સમરસતામાં બદલવાની ક્રાંતિ

સનાતન પરંપરામાં એક મોટી વ્યાવહારિક સમસ્યા એ હતી કે વિવિધ સંપ્રદાયો પોતપોતાના આરાધ્યને સર્વોપરી માનતા હતા. ક્યાંક શિવની પ્રાધાન્યતા હતી, ક્યાંક વિષ્ણુની, ક્યાંક શક્તિની તો ક્યાંક સૂર્ય કે ગણપતિની. આ વિવિધતા સમૃદ્ધિનું પ્રતીક હતી, પરંતુ જ્યારે આ જ વિવિધતા પારસ્પરિક શ્રેષ્ઠતાના વિવાદમાં ફેરવાઈ જાય છે ત્યારે તે વિભાજનનું કારણ પણ બની જાય છે.

આ જ સંદર્ભમાં આદિગુરુ શંકરાચાર્યે ‘પંચાયતન પૂજા’ની પરંપરાને વ્યવસ્થિત અને લોકપ્રિય બનાવી. આ સિદ્ધાંત અનુસાર પાંચ મુખ્ય દેવતાઓ- શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણપતિની એકસાથે ઉપાસના કરવામાં આવે છે. તેનો મૂળ ઉદ્દેશ એ બતાવવાનો હતો કે આ બધા રૂપો અંતે એક જ પરમ સત્યના વિવિધ સ્વરૂપો છે.

આ માત્ર પૂજા પદ્ધતિમાં પરિવર્તન નહોતું, પરંતુ એક ગહન સામાજિક અને દાર્શનિક રણનીતિ હતી. તેના માધ્યમથી શંકરાચાર્યે એ વાત સ્પષ્ટ કરી કે ભિન્ન-ભિન્ન આરાધનાઓ અંતે એક જ સત્ય તરફ લઈ જાય છે અને તેથી તેમની વચ્ચે ટકરાવનું કોઈ ઔચિત્ય નથી.

આ રીતે પંચાયતન પૂજાએ સનાતન ધર્મની અંદરના આંતરિક વિભાજનોને ઘટાડ્યા અને એક સમન્વિત, સમરસ અને સંતુલિત ધાર્મિક દૃષ્ટિને સ્થાપિત કરી. આ શંકરાચાર્યના તે વ્યાપક પ્રયાસનો ભાગ હતો જેના માધ્યમથી તેમણે ન માત્ર દર્શનને સ્પષ્ટ કર્યું, પરંતુ વ્યવહારિક સ્તરે પણ એકતા સ્થાપિત કરી અને તેનું પરિણામ એ આવ્યું કે આજે ભારતભરના મંદિરોમાં પંચદેવ પૂજા થઈ રહી છે.

શાસ્ત્રાર્થ: જ્યારે વિચાર બન્યા શક્તિનું માધ્યમ

આદિગુરુ શંકરાચાર્યની કાર્યશૈલીનું એક અત્યંત મહત્વનું પાસું હતું શાસ્ત્રાર્થ. તેમણે પોતાના વિચારોને સ્થાપિત કરવા માટે સંવાદ અને તર્કનો માર્ગ પસંદ કર્યો. આખા ભારતમાં તેમણે વિવિધ વિદ્વાનો અને દાર્શનિકો સાથે શાસ્ત્રાર્થ કર્યા અને આ વિવાદોના માધ્યમથી તેમણે અદ્વૈત વેદાંતની શ્રેષ્ઠતાને સ્થાપિત કરી.

એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ શાસ્ત્રાર્થ માત્ર વ્યક્તિગત વિજય માટે નહોતા, પરંતુ તે એ સમયના બૌદ્ધિક વિમર્શને દિશા આપવાનું માધ્યમ હતા. શંકરાચાર્યે એ વાત દર્શાવી કે સનાતન ધર્મ માત્ર આસ્થાનો વિષય જ નથી, પરંતુ તે તર્ક, અનુભવ અને જ્ઞાન પર આધારિત એક સુસંગત દર્શન છે. આ રીતે તેમણે વૈદિક પરંપરાને બૌદ્ધિક સ્તરે પુનઃસ્થાપિત કરી.

સંગઠનની શક્તિ: જ્યારે વિચારને મળ્યું સ્થાયી માળખું

આદિગુરુ શંકરાચાર્યની દૂરદૃષ્ટિનો સૌથી મહત્વનું પાસું એ હતું કે તેમણે પોતાના વિચારોને માત્ર વ્યક્તિગત શિક્ષણ સુધી મર્યાદિત ન રાખ્યા, પરંતુ તેમને સંસ્થાગત સ્વરૂપ આપ્યું. તેમણે ભારતની ચારેય દિશામાં ચાર મઠોની સ્થાપના કરી- શૃંગેરી મઠ, દ્વારકા શારદા પીઠ, ગોવર્ધન મઠ પુરી અને જ્યોતિર્મઠ. આ મઠોએ ન માત્ર જ્ઞાનના કેન્દ્ર તરીકે કાર્ય કર્યું, પરંતુ તેમણે સનાતન ધર્મને એક સંગઠિત માળખું પ્રદાન કર્યું. આ સંગઠન જ એવો આધાર બન્યું જેણે આવનારી પેઢીઓ સુધી આ પરંપરાને જીવંત અને સક્રિય રાખી. 

ગ્રંથો પર ભાષ્ય: જ્ઞાનને જનમાનસ સુધી પહોંચાડવું

આદિગુરુ શંકરાચાર્યે ઉપનિષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર પર જે ભાષ્યો લખ્યાં, તેમણે ભારતીય દર્શનને નવી સ્પષ્ટતા આપી. તેમનાં ભાષ્યો માત્ર વિદ્વાનો માટે જ નહોતા, પરંતુ તેમણે જટિલ દાર્શનિક અવધારણાઓને એવી રીતે પ્રસ્તુત કરી કે તે વ્યાપક સમાજ માટે પણ સમજમાં આવી શકે. આ કાર્યે સનાતન ધર્મને ન માત્ર પરંપરા તરીકે સ્થાપિત કર્યો, પરંતુ તેને એક તાર્કિક અને સુસંગત વિચારધારા તરીકે પણ સ્થાપિત કર્યો.

ભારતની પરિક્રમા: એક સાંસ્કૃતિક રાષ્ટ્રની સ્થાપના

આદિગુરુ શંકરાચાર્યનું જીવન માત્ર સ્થિર સાધનાનું નહોતું, પરંતુ તે સતત યાત્રાનું હતું. તેમણે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો. દક્ષિણથી ઉત્તર, પૂર્વથી પશ્ચિમ સુધી. આ યાત્રા માત્ર તીર્થાટન નહોતી, પરંતુ એક વ્યાપક સાંસ્કૃતિક સંવાદ હતો, જેમાં તેમણે વિવિધ પરંપરાઓને સમજી અને તેમને એક સૂત્રમાં જોડવાનો પ્રયાસ કર્યો. આ રીતે તેમણે ભારતને માત્ર એક ભૌગોલિક એકમ તરીકે જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં કાર્ય કર્યું. 

પરંપરા અનુસાર શંકરાચાર્યે માત્ર 32 વર્ષની આયુમાં જ પોતાનું શરીર ત્યાગી દીધું. પરંતુ આ અલ્પ જીવનમાં તેમણે જે કાર્ય કર્યું તે અસાધારણ છે. તેમણે માત્ર એક દર્શન જ ન આપ્યું, પરંતુ એવું માળખું, એવી પરંપરા અને એવી વૈચારિક શક્તિ આપી જેણે સદીઓ સુધી સનાતન ધર્મને જીવંત અને સશક્ત બનાવી રાખ્યો.

આદિ શંકરાચાર્યનું જીવન એ વાત સ્પષ્ટ કરે છે કે ‘પુનર્જીવન’ માત્ર અતીતને ફરીથી સ્થાપિત કરવું નથી, પરંતુ તેને નવા સંદર્ભમાં સશક્ત અને પ્રસ્તુત બનાવવું છે. તેમણે સનાતન ધર્મને માત્ર બચાવ્યો જ નહીં, પરંતુ તેને નવી ઊર્જા, નવી દિશા અને એક સ્થાયી આધાર આપ્યો.

આજે જ્યારે આપણે તેમની જયંતી મનાવી રહ્યા છીએ ત્યારે આ માત્ર શ્રદ્ધાનો વિષય ન હોવો જોઈએ, પરંતુ એ વાત સમજવાનો અવસર પણ હોવો જોઈએ કે વિચાર, સંગઠન અને ઉદ્દેશ્યની શક્તિ કેટલી મોટી હોય છે. આદિગુરુ શંકરાચાર્યનું જીવન આપણને એ વાત શીખવે છે કે સ્પષ્ટ દૃષ્ટિ અને અટલ સંકલ્પ સાથે એક વ્યક્તિ પણ આખા યુગની દિશા બદલી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં