ભારતને બ્રિટીશ રાજના (British Rule) અમાનવીય અત્યાચારોમાંથી મુક્ત કરાવવા કેટલાય વીર સપૂતોએ પોતાનું સર્વસ્વ સોંપી દીધું. એવા જ એક માં ભારતીના વીર સપૂત એટલે સરદાર ઉધમ સિંઘ (Udham Singh). જે જલિયાંવાલા બાગ હત્યાકાંડના (Jallianwala Bagh Massacre) સાક્ષી હતા અને જનરલ ઑ’ડાયરના (General O’Dyer) ઈશારે થયેલ એ નરસંહારના બદલાની આગમાં 21 વર્ષ સુધી સતત સળગતા રહ્યા હતા. જ્યારે તેમને બ્રિટીશ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે ત્યાં પણ તેમણે કોર્ટ રૂમમાં હાજર દરેકને હચમાચવી મૂક્યા હતા. તેમણે કોર્ટ રૂમમાં આપેલ નિવેદનોનો એટલો પ્રભાવ પડ્યો હતો કે જજે હાજર મીડિયા કર્મીઓને ઉધમ સિંઘના નિવેદનો પ્રેસમાં ન છાપવાનું કહી દીધું હતું.
ભારત માતાના આ વીર સપૂતનો જન્મ પંજાબના સંગરુર જિલ્લાના સુનામ ગામમાં 26 ડિસેમ્બર 1899ના રોજ થયો હતો. ઉધમ સિંઘ માત્ર 2 વર્ષના હતા જ્યારે તેમની માતાનો દેહાંત થયો. જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું પણ અવસાન થયું હતું. માતા-પિતાની વિદાય પછી તેઓ મોટા ભાઈ સાથે અનાથાશ્રમમાં રહેવા લાગ્યા. પરંતુ 1917માં તેમના ભાઈનું પણ અવસાન થયું. ત્યારપછી વર્ષ 1919માં અનાથાશ્રમ છોડીને તેઓ ક્રાંતિકારીઓ સાથે જોડાયા અને સ્વતંત્રતાની ઈચ્છા લઈને લડતમાં કૂદી પડ્યા.
જલિયાંવાલા બાગ હત્યાકાંડના સાક્ષી હતા ઉધમ સિંઘ
આ જ દરમિયાન તે વખતના જાણીતા નેતાઓ ડૉ. સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં લોકોએ 13 એપ્રિલ 1919ના રોજ બૈસાખીના દિવસે જલિયાંવાલા બાગમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઉધમ સિંઘે સભામાં હાજર લોકોને પાણી વહેંચવાની જવાબદારી લીધી. વિરોધ દરમિયાન લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે તત્કાલીન બ્રિટીશ અધિકારી કોઈપણ રીતે આ સભાને પૂર્ણ થવા દેવા માંગતો નહોતો.
ત્યારે પંજાબના તત્કાલિન ગવર્નર માઈકલ ઑ’ડાયરના ઈશારે બ્રિગેડિયર જનરલ રેજિનલ્ડ ડાયરે જલિયાંવાલા બાગને ઘેરી લીધો. તથા અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. અચાનક થયેલા ફાયરિંગથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ઘણા લોકો એવા હતા જેમણે બચવા માટે જલિયાંવાલા બાગમાં આવેલ કૂવામાં કૂદકા માર્યા હતા. તેમ છતાં લોકો આ ગોળીબારથી અને ઘણા લોકો આ નાસભાગમાં મૃત્યુ પામ્યા હતા. ઉધમ સિંઘ બ્રિટીશરોએ કરેલ આ નરસંહારના સાક્ષી હતા. જોકે ઑ’ડાયરને કદાચ આ વખતે ખબર નહોતી કે આ ઘટનામાં જ તેણે તેના મૃત્યુને આમંત્રણ આપી દીધું હતું.
હજારો લોકોનો નરસંહાર
નરસંહાર પછી સામે આવેલ આંકડા અનુસાર 120 લોકોના શવ તો બાગમાં આવેલ કૂવામાંથી જ મળી આવ્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર 379 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે પંડિત મદન મોહન માલવિયાના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 1300 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સ્વામી શ્રદ્ધાનંદના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા 1500થી વધુ હતી. અમૃતસરના તત્કાલીન સિવિલ સર્જન ડૉ. સ્મિથના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 1800થી વધુ હતો. પરંતુ બ્રિટીશ રાજના કારણે વાસ્તવિક આંકડો ક્યારેય બહાર આવી શક્યો નથી.

આ ઘટનાએ ઉધમ સિંઘના માનસપટલ પર ઊંડી છાપ છોડી હતી. સમગ્ર ઘટના પછી ફરીથી ઉધમ સિંઘ જલિયાંવાલા બાગ ખાતે ગયા અને ત્યાંની માટી માથે લગાવીને જનરલ ઑ’ડાયરને મારવાની પ્રતિજ્ઞા લઇ લીધી હતી. તેમની આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેમણે ઘણી યુક્તિઓ કરી. તેઓ આફ્રિકા, નૈરોબી, બ્રાઝિલ અને અમેરિકા ગયા. 1923માં તેઓ આફ્રિકા થઈને બ્રિટન પહોંચ્યા. પરંતુ, 1928માં ભગત સિંહના કહેવાથી તેઓ ભારત પાછા ફર્યા અને શસ્ત્ર કાયદાના ઉલ્લંઘનના આરોપમાં લાહોરમાં તેમની ધરપકડ થઇ અને 4 વર્ષની સજા ફટકારવામાં આવી.
ઑ’ડાયરનું મૃત્યુ જ જીવનનું લક્ષ્ય
તેમણે ઑ’ડાયરના મૃત્યુને જ તેમના જીવનનું લક્ષ્ય બનાવી લીધું હતું અને તેના માટે તેમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું. તેમણે તેમનું નામ બદલીને મહોમ્મદ સિંઘ આઝાદ કરી લીધું હતું. તેઓ પોતાની સહી પણ આ જ નામથી કરતાં હતા. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તેઓ તેમના લક્ષ્યને પૂર્ણ કરવા માટે લાગી ગયા. વર્ષ 1934માં તેઓ ફરીથી લંડન પહોંચ્યા. ત્યાં તેમણે 9, એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવાનું શરૂ કર્યું. તથા મુસાફરી કરવા માટે એક કાર અને ઑ’ડાયરને મોતને ઘાટ ઉતારવા છ ગોળીઓવાળી રિવોલ્વર પણ ખરીદી.

ત્યારપછી માં ભારતીના આ સપૂતે માઈકલ ઑ’ડાયરને મારવા માટે યોગ્ય સમયની રાહ જોવાનું શરૂ કર્યું. જલિયાંવાલા બાગમાં બ્રિટીશરોએ કરેલ અમાનુષી અત્યાચારનો અને નરસંહારમાં પોતાનો જીવ ગુમાવનારા હજારો લોકોના મૃત્યુના બદલાની આગમાં તેઓ 14 વર્ષોથી સળગી રહ્યા હતા. પરંતુ હજીપણ તેમને રાહ જોવાની બાકી હતી. લંડન પહોંચ્યા પછી પણ ઉધમ સિંઘને 6 વર્ષ સુધી રાહ જોવી પડી. આખરે તેમને 6 વર્ષ પછી 13 માર્ચ 1940ના રોજ તેમને તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો અવસર મળ્યો.
21 વર્ષ સુધી કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની પ્રતીક્ષા
જલિયાંવાલા બાગ હત્યાકાંડના 21 વર્ષ પછી 13 માર્ચ 1940ના રોજ, રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની એક બેઠક કોક્સટન હોલ, લંડન ખાતે યોજાઈ હતી. જ્યાં માઈકલ ઑ’ડાયર પણ વક્તા તરીકે હાજર રહેવાનો હતો, ઉધમ સિંઘ પણ તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આ બેઠકમાં રિવોલ્વર લઈને પહોંચી ગયા. તેમણે બંદૂક સંતાડવા માટે પણ એક યુક્તિ કરી હતી. તેઓ આ બેઠકમાં તેમની સાથે એ જાડું પુસ્તક લઇ ગયા. આ પુસ્તકના પાનાને તેમણે રિવોલ્વર આકારમાં કાપી દીધા હતા અને પુસ્તકમાં બંદૂક છુપાવી દીધી હતી જેથી તેઓ સરળતાથી બેઠકના સ્થળ પર પ્રવેશ મેળવી શક્યા.
ઉધમ સિંઘ બેઠકમાં પહોંચીને તેઓ મંચની આસપાસ જ રહ્યા. આ બેઠકમાં પણ માઈકલ ઑ’ડાયરે મંચ પરથી ભારત વિરોધી ઝેર ઓંક્યુ. ઉધમ સિંઘ જલિયાંવાલા બાગ હત્યાકાંડના ખલનાયક ઑ’ડાયરને મોતને ઘાટ ઉતારવા તૈયાર જ બેઠા હતા. જ્યારે ડાયરનું ભાષણ પૂરું થયું કે તરત જ ઉધમ સિંઘે પુસ્તકમાંથી બંદૂક કાઢી અને 2 ગોળીઓ ડાયરના શરીરમાં ધરબી દીધી. ઑ’ડાયરે 2 જ ગોળીઓમાં દમ તોડી નાખ્યો. આ ઘટનામાં લોર્ડ ઝેટલેન્ડ ઘાયલ થયો હતો.

ગોળીબાર પછી મચેલી નાસભાગમાં ઉધમ સિંઘ પાસે પણ ભાગવાનો અવસર હતો પરંતુ તેઓ ભાગ્યા નહીં અને પોલીસના હાથે પકડાઈ ગયા. નોંધનીય છે કે ઑ’ડાયરને મારતા પહેલા તેમણે કહ્યું હતું કે,
“મને ફરક નથી પડતો કે મને મરવામાં પણ કોઈ સમસ્યા નથી. વૃદ્ધાવસ્થા સુધી રાહ જોવાનો અર્થ શું છે? તેનાથી કંઈ થશે નહીં. મરવું જ હોય તો યુવાનીમાં મરવું સારું. એટલા માટે સારું છે કારણ કે હું જાણું છું કે હું શું કરી રહ્યો છું! હું મારી માતૃભૂમિ માટે મરી રહ્યો છું.”
બ્રિટીશ ન્યાયાધીશ સમક્ષ કરેલ ઐતિહાસિક નિવેદન
ધરપકડ પછી જ્યારે ઉધમ સિંઘને કોર્ટમાં લઇ જવામાં આવ્યા ત્યારે ન્યાયાધીશ એટકિન્સને પૂછ્યું કે ‘શા માટે તમને કાયદા મુજબ સજા થવી જોઈએ?’ ત્યારે ઉધમ સિંઘે કહ્યું હતું કે,
“હું કહું છું કે બ્રિટિશ સામ્રાજ્યવાદનો નાશ થવો જોઈએ. તમે કહો છો કે ભારતમાં શાંતિ નથી! અમારા ભાગે માત્ર ગુલામી છે. તથાકથિત સભ્યાતાઓની પેઢી દર પેઢીએ અમારા પર ઘટિયા અને નીચ પ્રકારના અત્યાચારો કર્યા. તમે તમારા ઈતિહાસને વાંચી જુઓ. જો તમારામાં જરાક સરખી માનવતાનો પણ અંશ બાકી હોય તો તમારે શરમથી મરી જવું જોઈએ. ક્રૂરતા અને રક્તપિપાસુ પ્રવુત્તિના તથાકથિત બુદ્ધિજીવીઓ જે પોતાને સભ્યાતાઓના શાસક કહેતા ફરે છે તે બધા દંભી છે.”
આ દરમિયાન તેઓ તેમના હાથમાં એક કાગળ લઈને ઉભા હતા. તે વાંચતા તેમણે કહ્યું કે, હું એક “અંગ્રેજી જ્યુરી સમક્ષ છું. હું અંગ્રેજી કોર્ટમાં છું. તમે લોકો ભારત જાઓ છો અને જ્યારે તમે ત્યાંથી પાછા આવો છો ત્યારે તમને એવોર્ડ આપવામાં આવે છે અને હાઉસ ઓફ કોમન્સમાં નિયુક્ત કરવામાં આવે છે. જ્યારે અમે ઇંગ્લેન્ડ આવીએ છીએ ત્યારે અમને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે!
મૃત્યુ દંડની સજા અંગે તેમણે કહ્યું હતું કે, “હું આ પણ સ્વીકારીશ. મને તેના કોઈ ફરક નથી પડતો. પરંતુ જ્યારે તમારા જેવા નીચ કૂતરાઓ ભારતમાં આવશે ત્યારે એક સમય એવો આવશે જ્યારે તમારો ભારતમાંથી સફાયો થઈ જશે. તમારું સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યવાદ ચકનાચૂર કરી નાખવામાં આવશે.”
તેમણે બ્રિટીશ અદાલતમાં તેમનો જ ચહેરો ઉજાગર કરતા કહ્યું હતું કે “ ભારતના રસ્તાઓ પર મશીનગન હજારો ગરીબ મહિલાઓ અને બાળકોને મારી નાખે છે, જેથી તમારી કહેવાતી લોકશાહી અને ખ્રિસ્તી ધર્મનો ઝંડો લહેરાતો રહે.”
“તમારું વર્તન, તમારું વર્તન – હું બ્રિટિશ સરકારની વાત કરું છું. મને બ્રિટિશ લોકો પ્રત્યે કોઈ દ્વેષ નથી. ભારતમાં કરતાં અહીં મારા અંગ્રેજ મિત્રો વધુ છે. મને ઈંગ્લેન્ડના કામદારો પ્રત્યે સહાનુભૂતિ છે. હું આ સામ્રાજ્યવાદી સરકારની વિરુદ્ધ છું. તમે લોકો, જેઓ મજૂરો છો, તમે પોતે જ પીડિત છો. દરેક વ્યક્તિ આ નીચ કૂતરાઓથી પીડાય છે; આ પાગલ જનાવરો છે. ભારતમાં માત્ર ગુલામી છે. કત્લેઆમ, લાશોના ટુકડા કરવા, તબાહી ફેલાવવી – આ જ બ્રિટિશ સામ્રાજ્યવાદ છે. લોકો અખબારોમાં આ વસ્તુઓ વાંચતા નથી. માત્ર અમે જ જાણીએ છીએ કે ભારતમાં શું થઇ રહ્યું છે.”
જ્યારે જજ એટકિન્સને કહ્યું કે “હું આ નિવેદનનો એક પણ શબ્દ સાંભળવાનો નથી.” ત્યારે ઉધમ સિંઘે નીડરતા પૂર્વક જજને જવાબ આપી દીધો હતો કે, “તમે પૂછ્યું કે મારે બીજું શું કહેવું છે. એટલે હું કહી રહ્યો છું. કારણ કે તમે લોકો નીચ છો. તમે ભારતમાં શું કરી રહ્યા છો તે તમે સાંભળવા માંગતા નથી.”
જ્યારે ઉધમ સિંઘને લઇ જવામાં આવ્યા ત્યારે જજ એટકિન્સને પ્રેસના લોકોને કહ્યું કે, “હું પ્રેસને નિર્દેશ આપું છું કે આ નિવેદનનો કોઈપણ ભાગ રિપોર્ટ ન કરવામાં આવે જે અભિયુક્તે કહ્યું. શું તમે સમજી રહ્યા છો ને પ્રેસના સભ્યો?”
125મી જન્મજયંતી નિમિત્તે વંદન
અહીં ઉધમ સિંઘમાં રહેલ સાહસ, નીડરતા, તેજસ્વીતા અને શૌર્યના દર્શન થાય છે. જે બ્રિટીશરો ભારતમાં અત્યાચાર કરી રહ્યા હતા તેમની વિરુદ્ધ બ્રિટનની કોર્ટમાં જ બોલવું. તેમના આ નિવેદનોએ બ્રિટીશ સરકાર અને કોર્ટ રૂમમાં હાજર દરેકને અરીસો બતાવી દીધો હશે. તેમ છતાં આવા વીર સપૂતોના બલિદાન માત્ર અમુક વ્યક્તિઓને મોટા કરવા માટે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

તેમની વિરુદ્ધ ચાલી રહેલ કેસની અંતિમ સુનાવણી 4 જૂને થઇ અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પેન્ટન વિલે જેલમાં 31 જુલાઈ 1940ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. વર્તમાનમાં તેમના બલિદાનને 80 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં તેમના નામ માત્રથી હૃદયમાં દેશભક્તિની લાગણી ઉછાળા મારવા લાગે છે અને તેમની સમગ્ર જીવની અંગે વાંચતા રૂવાંડા ઉભા થાય છે. એવા ઉધમ સિંઘને તેમની 125મી જન્મજયંતી નિમિત્તે શત શત વંદન.