17 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સંસદમાં એક મામલે ભાષણ આપ્યું હતું. એ ભાષણના વિડીયોની 11 સેકન્ડની ક્લિપ કાપીને કોંગ્રેસ ઇકોસિસ્ટમે વાયરલ કરી અને ગૃહમંત્રી પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) અપમાનનો આરોપ લાગવવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસે (Congress) ભાજપ અને તેના નેતાઓ પર ડૉ. બી.આર. આંબેડકરના અપમાનનો આરોપ લાગાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી. કોંગેસ અવારનવાર ડૉ. આંબેડકરના નામે દલિતોને (Dalit Community) ભાજપ (BJP) તથા અન્ય હિંદુ સંગઠનો વિરુદ્ધ ઉશ્કેરતી હોય છે. તથા તેમના નામે વર્ષોથી દલિત વોટબેંક ચલાવી રહી છે. પણ તે ભૂલી ગઈ લાગે છે કે આ જ ડૉ. આંબેડકરે તત્કાલીન સરકારના મંત્રીમંડળમાંથી કોના કારણે રાજીનામું આપ્યું હતું!
આ બધું જોતા તો એવું લાગે છે જાણે દેશમાં ડૉ. બી.આર. આંબેડકરના સન્માનની ચિંતા એકમાત્ર કોંગ્રેસને જ છે, બીજા કોઈને નહીં. પરંતુ આવા નિવેદનો આપતાં પહેલાં કોંગ્રેસે એ યાદ કરવાની આવશ્યકતા છે કે જ્યારે બાબાસાહેબ આંબેડકર હયાત હતા ત્યારે કોંગી નેતાઓએ તેમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો. આ બાબતથી તો વર્તમાનની દલિત કોમ પણ અજાણ જ છે. જો દલિત સમુદાયને કોંગ્રેસની વાસ્તવિકતા ખબર પડે તો કદાચ કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ બંધ થઇ જાય. કદાચ એટલે જ સ્વતંત્રતાના 75 વર્ષ પછી પણ કોંગ્રેસ આ વાસ્તવિકતા બહાર આવવા દેતી નથી, અને જો કોઈ પત્રકાર, નેતા કે શિક્ષણવિદ આ વાસ્તવિકતા બહાર લાવવાનો પ્રયાસ કરતા તો એમને દલિત વિરોધી કે આંબેડકર વિરોધી સાબિત કરી દેવામાં આવે છે.
જે કોંગ્રેસ અત્યારે ‘દલિતોના મસીહા’ની કથિત ભૂમિકા ભજવી રહી છે એ કોંગ્રેસે યાદ કરવું જોઈએ કે કેમ એ સમયના સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ અને કાયદાવિદ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે વડાપ્રધાન નહેરુની (Pandit Jawaharlal Nehru) કેબિનેટમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. એવું શું થયું હશે જેના કારણે તેમણે 4 વર્ષ એ કેબિનેટમાં કામ કર્યું પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થાય એના એક વર્ષ પહેલાં જ રાજીનામું આપી દીધું. અહીં એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે આપણી સંસદીય કાર્યપ્રણાલી દરેક મંત્રીને રાજીનામું આપ્યા પહેલાં સદનમાં તેમનું નિવેદન આપવાનો અધિકાર આપે છે. જોકે આ સમયે બાબાસાહેબ આંબેડકર સદનમાં નિવેદન ન આપે એના માટે પૂરતા પ્રયાસ થયા હતા જેનો ઉલ્લેખ ડૉ. આંબેડકરે જ્યારે સદનમાં નિવેદન આપ્યું એ દરમિયાન કર્યો હતો.
સંસદમાં નિવેદન આપ્યા બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાજીનામું આપવાના કારણો અને પાછલાં વર્ષો તથા તેમના કાર્યકાળ દરમિયાન પંડિત નહેરુ અને તેમની કેબિનેટ સહિત કોંગ્રેસના નેતાઓએ તેમની સાથે કેવું વર્તન કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ ઉલ્લેખ પણ કર્યો હતો કે જાહેરમાં અનુસૂચિત જાતિના ઉદ્ધારની વાતો કરતા કોંગ્રેસના નેતાઓની દલિતો પ્રત્યેની વાસ્તવિક માનસિકતા શું છે. તેમણે રાજીનામું આપવાના 5 મહત્વપૂર્ણ કારણો જણાવ્યા હતા.
1. જવાહરલાલ નહેરુ દ્વારા પોતાની તથા પોતાના અનુભવ, અભ્યાસ, કુશળતાની એકધારી સતત અવગણના. નહેરુજી દ્વારા અપાયેલા વચનનો ભંગ.
2. અનુસુચિત જાતિના રક્ષણ માટે સરકારની અવગણના, તથા સંવિધાન સભાને આપેલાં વચનોનું ઉલ્લંઘન.
3. જવાહરલાલ નહેરુની નિષ્ફળ આદર્શવાદી અવાસ્તવિક વિદેશનીતિ
4. રાષ્ટ્ર ઘડતર માટે પાયારૂપ નીતિ નિર્ધારણમાં મંત્રીમંડળનાં સભ્યોને બદલે સમિતિઓનું આધિપત્ય.
5. જવાહરલાલ નહેરુની કથની અને કરણીમાં વિરોધાભાસ સ્વરૂપ હિંદુ કોડ બિલને પડતું મુકવાની જાહેરાત.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે પંડિત નહેરુને તેમનું રાજીનામું સોંપ્યા બાદ સદનમાં નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “સત્તાવાર રીતે નહીં, તો બિનસત્તાવાર રીતે મને ખાતરી છે કે ગૃહ જાણે છે કે હું કેબિનેટનો સભ્ય નથી. મેં ગુરુવાર, 27 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાનને મારું રાજીનામું સુપરત કર્યું અને તેમની સમક્ષ મને તાત્કાલિક રાહત આપવા વિનંતી કરી. વડાપ્રધાને બીજા જ દિવસે તેનો સ્વીકાર કર્યો. જો હું શુક્રવાર, 28મી તારીખ પછી પણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો, તો તેનું કારણ એ હતું કે વડા પ્રધાને મને સત્રના અંત સુધી પદ પર રહેવાની વિનંતી કરી હતી – એક એવી વિનંતી જેને સ્વીકારવા હું બંધારણીય પરંપરા અનુસાર બંધાયેલો હતો.”
તેમણે આ સદનમાં જ કહ્યું હતું કે તેમના સમયગાળા દરમિયાન જ ઘણા મંત્રીઓએ રાજીનામાં (Resignation) આપ્યા હતા. જોકે ઘણા મંત્રીઓએ નિવેદન આપ્યા અને ઘણાએ નહોતા આપ્યા, તેઓ પણ આ જ અસમંજસમાં હતા કે નિવેદન આપવું કે નહીં. આખરે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે સદનને મંત્રીઓ કેબિનેટમાં કેવું કામ કરે છે કોઈ સંઘર્ષ છે કે નહીં. જો સદનમાં કોઈ નિવેદન ન આપવામાં આવે તો વાસ્તવિકતા અંગે સદનને જાણ થઇ શકતી નથી. તેમણે કહ્યું કે, “તેથી સેવાનિવૃત્ત થઇ રહેલ દરેક મંત્રીની ફરજ છે કે તેઓ ગૃહમાં નિવેદન આપે કે તેઓ શા માટે જવા ઈચ્છે છે અને શા માટે તેઓ આગળ સંયુક્ત જવાબદારી લેવા તૈયાર નથી.”
તેમણે આ નિવેદન દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેમની પાસે પંડિત નહેરુની કેબિનેટમાં (Pandit Nehru’s Cabinet) સામેલ થવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે ખૂબ આશ્ચર્યચકિત હતા કારણ કે તેઓ વિરોધી જૂથમાં હતા. તથા જ્યારે 1946માં વચગાળાની સરકાર બની ત્યારે તેમને સહયોગ માટે અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના મનમાં ઘણી અસમંજસ અને સંદેહો ઉભા થયા હતા તેમ છતાં તેમણે પ્રસ્તાવ સ્વીકારવાનો નિર્ણય લીધો કારણ કે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કરવાનો આ શ્રેષ્ઠ અવસર હતો.
તેમણે સદનમાં કહ્યું હતું કે, “જ્યારે વડા પ્રધાને મને પ્રસ્તાવ આપ્યો ત્યારે મેં તેમને કહ્યું કે મારા શિક્ષણ અને અનુભવને કારણે, વકીલ હોવા ઉપરાંત, હું કોઈપણ વહીવટી વિભાગ ચલાવવા માટે સક્ષમ છું અને જૂની વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મારી પાસે બે વહીવટી વિભાગ હતા, શ્રમ અને CPWD. જ્યાં મેં ઘણા બધા આયોજન પ્રોજેક્ટ્સ સાથે કામ કર્યું છે અને હું કેટલાક વહીવટી વિભાગો સંભાળવા માંગુ છું. વડાપ્રધાને સંમતિ આપી અને કહ્યું કે કાયદા સિવાય તેઓ જે આયોજન વિભાગ બનાવવા માંગે છે તે પણ મને આપશે. કમનસીબે આયોજન વિભાગનું નિર્માણ ઘણું મોડું થયું અને જ્યારે થયું ત્યારે મને એમાં સામેલ ન કરવામાં આવ્યો.”
નહેરુએ કરી હતી ડૉ. બાબાસાહેબ આંબેડકરની અવગણના
રાજીનામું આપ્યા પછીના નિવેદનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે નહેરુ સરકારમાં તેમની અવગણના કરવામાં આવી હતી. આ સિવાય તેમણે આગળ પણ આ અવગણના અંગે ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઘણા મંત્રીઓ એવા હતાં જેમને 2-3 વિભાગ આપવામાં આવ્યા હતા અને તેમના પર ભારણ વધી ગયું હતું. તથા તેમના જેવા અન્ય મંત્રીઓ એવા પણ હતા જે કામ ઇચ્છતા હતા છતાં તેમને કોઈ અન્ય વિભાગ કે કોઈ મહત્વપૂર્ણ બાબતોની સમિતિ જેવી કે આર્થિક, વિદેશનીતિની કે આયોજન અંગેની કોઇ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા નહોતા.
તેમણે આગળ કહ્યું કે, “જ્યારે ઇકોનોમિક અફેર્સ કમિટીની રચના કરવામાં આવી ત્યારે મને આશા હતી કે આ કમિટીમાં મારી નિમણૂક કરવામાં આવશે કારણ કે હું મુખ્યત્વે અર્થશાસ્ત્ર અને નાણાનો વિદ્યાર્થી હતો. ત્યાં પણ મને સામેલ કરવામાં આવ્યો નહોતો. જ્યારે વડાપ્રધાન ઇંગ્લેન્ડ ગયા ત્યારે મારી નિમણુક થઇ પરંતુ તેઓ પરત આવ્યા કે તરત મંત્રી મંડળનું પુનર્ગઠન થયું જેમાં ફરીથી મને સામેલ કરવામાં આવ્યો નહોતો. જોકે પાછળથી મેં વિરોધ કર્યો ત્યારે મને આમાં સામેલ કરવામાં આવ્યો હતો.”
અનુસૂચિત જાતિના કાર્યો અંગે પણ નહેરુએ તોડ્યા હતા વચનો
આ નિવેદન દરમિયાન તેમણે કોંગ્રેસ અને પંડિત નહેરુના નેતૃત્વવાળી સરકારે અનુસુચિત જાતિ માટે કેટલાં કર્યો કર્યા તે પણ વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે, “હવે એ સંદર્ભે વાત કરું જેને કારણે મને સરકારથી અસંતોષ છે. એ છે અનુસૂચિત જાતિઓનાં રક્ષણ માટે જે મંજૂર કરવામાં આવ્યું હતું તે નથી થયું. મને એ કહેતાં દુઃખ થાય છે કે પછાત વર્ગોના રક્ષણ માટે રાષ્ટ્રપતિની ભલામણથી જે કમીશન સરકાર દ્વારા નિમવામાં આવવું જોઈએ તે હજુ થયું નથી. આપણે સંવિધાનનો સ્વીકાર કરે એક વર્ષથી વધુ સમય વીતી ચુક્યો છે પરંતુ સરકાર હજુ એ કમીશનની નિમણુંક કરવાનું વિચારતી સુદ્ધાં નથી.”
આ જ મામલે તેમણે આગળ કહ્યું હતું કે, “1946નું વર્ષ, જ્યારે હું મંત્રી નહોતો, તે વર્ષ મારાં માટે તથા અનુસૂચિતના સભ્યો માટે ખુબ જ ચિંતાજનક હતું. પછાત વર્ગોના રક્ષણ માટે બ્રિટીશ સરકારે સૂચન કર્યા હતા જે આ સરકારે ન માન્યા અને તેની ઉપેક્ષા કરી છે. આ ચિંતાજનક સ્થિતિમાં અનુસૂચિત જાતિની કરૂણ સ્થિતિ વિશે મેં એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે હું સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રસ્તુત કરવાનું વિચારતો હતો પરંતુ પ્રસ્તુત કર્યો નથી. મને લાગ્યું કે સંવિધાન સભા તથા ભવિષ્યની સરકાર આ મુદ્દે કંઈક કરવાની તક આપે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. સંવિધાનમાં અનુસૂચિત જાતિનાં રક્ષણ માટે જે પ્રાવધાન કરવામાં આવ્યા છે તે મારી દ્રષ્ટિએ સંતોષજનક નથી છતાં મેં એ આશાથી સ્વીકાર્યા હતાં કે સરકાર એને અસરકારક બનાવવા માટે નિર્ણય લેશે.”
તેમણે કહ્યું હતું કે સરકાર અનૂસુચિત જાતિના લોકો માટે કોઈ યોગ્ય પગલાં લઇ રહી નથી. તેમની સ્થિતિ જેવી હતી તેવી જ છે, ઉપરથી વધુ ખરાબ થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, “મને આશ્ચર્ય થાય છે કે શું ભારતના અનુસૂચિત જાતિના લોકો જેવી કફોડી હાલત વિશ્વના બીજા કોઈ દેશમાં કોઈની હશે ખરી? મને તો હજુ સુધી જોવા નથી મળી.” આ સિવાય વર્તમાનમાં ભાજપ કોંગ્રેસ પર મુસ્લિમો પર પ્રેમ વરસાવવાના જે દાવા કરે છે એ ભવિષ્યવાણી ડૉ. બાબા સાહેબ આંબેડકર એ સમયે જ કરી ચુક્યા હતા. તેમણે એમના ઘણા પુસ્તકોમાં પણ કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ ઉજાગર કરી છે.
‘અનુસૂચિત જાતિ-જનજાતિ કરતા નહેરુને મુસ્લિમોની વધુ ચિંતા’: ડૉ. બાબાસાહેબ આંબેડકર
આ નિવેદન દરમિયાન પણ તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “સરકારે મુસ્લિમોના રક્ષણ માટે જે ચિંતા દેખાડી છે એની તુલનામાં શા માટે હજુ અનુસૂચિત જાતિઓને રાહત નથી મળી. પ્રધાનમંત્રીનો સંપૂર્ણ સમય અને ધ્યાન મુસલમાનોના રક્ષણ માટે જ પસાર થાય છે. મુસ્લિમોને જેટલું જરૂરી હોય એટલું રક્ષણ મળવું જોઈએ એવું હું માનું છું પરંતુ હું એ જાણવા માગું છું કે શું મુસ્લિમોને એકલાને જ રક્ષણની જરૂર છે? શું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ભારતીય ખ્રિસ્તીઓને રક્ષણની જરૂર નથી? પ્રધાનમંત્રીએ આ સમુદાયો માટે કોઈ પ્રકારની ચિંતા દર્શાવી છે ખરાં? મારી જાણકારી છે ત્યાં સુધી નથી દર્શાવી, જરાક પણ નથી દર્શાવી. આ સમુદાયો એવાં છે જેમનાં પ્રત્યે મુસ્લિમો કરતાં ખુબ જ વધારે કાળજી અને ધ્યાન આપવાની જરૂર છે.”
તેમણે ભારતીય વિદેશનીતિને પણ ઘણું મોટું કારણ જણાવી હતી. તેમના મતે ભારતીય સરકાર સ્વતંત્રતા પછી એક પણ મિત્ર દેશ બનાવવામાં નિષ્ફળ રહી હતી. તેમના અનુસાર સરકારે માત્ર પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે જ ધ્યાન આપ્યું હતું જ્યારે પૂર્વ બંગાળમાં લોકોની પરિસ્થિતિ વધુ કફોડી હતી છતાં સરકાર એ તરફ ધ્યાન આપી રહી નહોતી. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે આપણે અવાસ્તવિક મુદ્દે લડી રહ્યા છીએ. આપણે મોટાભાગના સમયે એ મુદ્દા ઉપર લડીએ છીએ કે કોણ સાચું છે અને કોણ ખોટું છે, જ્યારે મારા માનવા મુજબ વાસ્તવિક મુદ્દો એ છે કે ‘શું સાચું’ છે?”
રાજીનામું આપવાનું મહત્વનું કારણ હતું ‘હિંદુ કોડ બિલ’ની અવગણના
પંડિત નહેરુની કેબિનેટમાંથી રાજીનામું આપવાના છેલ્લાં કારણ તરીકે તેમણે જણાવ્યું હતું કે, “હવે હું એ પાંચમો મુદ્દો જણાવું છું કે જેને કારણે અંતે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો અને એ છે હિંદુ કોડ બિલ મંજૂર કરતી વખતે જે વ્યવહાર કરવામાં આવ્યો તે. આ બિલ 11 એપ્રિલ 1947ના રોજ સદનમાં રજૂ કરવામાં આવ્યું. 4 વર્ષમાં 4 કલમો પારિત કરવામાં આવી અને બિલની હત્યા કરી દેવામાં આવી. આખું એક વર્ષ વીત્યા પાછી પણ સરકારને એ યાદ ન આવ્યું કે આ બિલ સિલેક્ટ કમિટીને મોકલવું જોઈએ. આખરે 9 એપ્રિલ 1948ના રોજ સિલેક્ટ સમિતિને આ બિલ મોકલવામાં આવ્યું.”
તેમના જણાવ્યા અનુસાર 12મી ઑગસ્ટ 1948ના દિવસે સદનમાં બિલનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ બિલને વિચારણા હેઠળ લાવવાનો પ્રસ્તાવ તેમણે 31મી ઑગસ્ટ 1948માં રજૂ કર્યો. આ પ્રસ્તાવ માત્ર એવું દર્શાવવા પુરતો રહી ગયો કે હિંદુ કોડ બિલ એજન્ડા હેઠળ છે. આમ તો 10 મહિના સુધી બિલ પર ચર્ચા ચાલી એવું કહેવાય છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જણાવ્યા અનુસાર આ બિલને 4 દિવસ ફેબ્રુઆરી માસમાં, 1 દિવસ માર્ચમાં, અને 2 દિવસ એપ્રિલ મહિનામાં ત્યારબાદ છેક ડિસેમ્બર 1949નો એક દિવસ ફાળવવામાં આવ્યો હતો.
આ પછી 5 ફેબ્રુઆરી 1950માં બિલ રજૂ થયું જેમાં બિલ પર ચર્ચા કરવા 5મી, 6ઠ્ઠી અને 7મી ફેબ્રુઆરી એમ માત્ર ત્રણ જ દિવસ આપવામાં આવ્યાં. બિલ પર ચર્ચા ચાલુ જ હતી દરમિયાન જ પંડિત નહેરુ એક નવો પ્રસ્તાવ લઇ આવ્યા જેમાં નહેરુએ કહ્યું “આપણી પાસે આખું બિલ પસાર માટે સમય ઓછો છે તેથી આખું બિલ પાસ કરવામાં સમય બગાડવા કરતાં એનાં આ અમુક ભાગોને કાયદાનું સ્વરૂપ આપવું યોગ્ય રહેશે.” ડૉ બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ સાંભળીને તેમની હાલત કફોડી થઇ ગઈ હતી જોકે ના મામા કરતા કાણો મામો સારો એમ વિચારીને તેમણે નહેરુનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
સતત અવગણના બાદ ‘હિંદુ કોડ બિલ’ને પણ નહેરુએ પડતું મૂક્યું
આ દરમિયાન નહેરુએ લગ્ન છૂટાછેડા વાળો ભાગ પસંદ કરીને પાસ કરવા જણાવ્યું અને 2-3 દિવસની ચર્ચા બાદ બિલ પડતું મુકવાનો પ્રસ્તાવ લઇ આવ્યા. નહેરુએ બિલ માટે સમય ન હોવાનું કારણ આપ્યું હતું. આ જ દરમિયાન સદનમાં બનારસ અને અલીગઢ યુનિવર્સીટીના બિલ પણ પાસ થયા હતા. જે એટલા મહત્વપૂર્ણ નહોતા. આ મામલે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, “આ બિલના સંબંધમાં મને ખૂબ માનસિક યાતનાઓ આપવામાં આવી છે.”
આ બિલ માટે નહેરુએ એવી દલીલ આપી હતી કે આ બિલનો વિરોધ છે. જોકે પાર્ટીના 120માંથી માત્ર 20 લોકો જ આ બિલના વિરોધમાં હતા. તેમણે કહ્યું હતું કે ભારતીય સદનમાં પાસ થયેલ કે પાસ થનાર કોઈ પણ બિલની તુલના હિંદુ કોડ બિલના મહત્વ સાથે કરી શકાય એમ નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમના નિવેદનના અંતમાં પંડિત નહેરુની કથની અને કરણીમાં જમીન-આકાશનું અંતર હતું એ સ્પષ્ટ થાય છે.
આજે આપણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના માત્ર એક જ નિવેદનની ચર્ચા કરી છે, જેમાં કોંગ્રેસ અને પંડિત નહેરુની ન માત્ર અનુસૂચિત જાતિ પરંતુ અનુસૂચિત જનજાતિ અને દેશના અન્ય સમુદાયો પ્રત્યેની માનસિકતા પણ છતી થઇ હતી. ડૉ. આંબેડકરે તેમના વિવિધ પુસ્તકોમાં પણ આ બાબતો અંગે ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસ અને પંડિત નહેરુનું મુસ્લિમો પ્રત્યેના કુણા વલણ અંગે તથા ભારતીય વિદેશનીતિ અને પાકિસ્તાન અંગે ના વિચારો તેમણે થોટ્સ ઓન પાકિસ્તાનમાં વિસ્તૃત રૂપે વર્ણવ્યા છે. આજે ન માત્ર કોંગ્રેસ પરંતુ વામપંથીઓ પણ ડૉ. આંબેડકરના ઠેકેદારો બનીને બેઠા છે, પરંતુ વાસ્તવિકતામાં ડૉ. આંબેડકરે હંમેશા કોંગ્રેસ અને વામપંથી બંનેની વાસ્તવિકતા ઉજાગર કરી છે.