હોમપેજગુજરાતઆશાવલથી કર્ણાવતી અને ત્યારબાદ અમદાવાદ: કર્ણદેવ સોલંકીના મહાન નગરનું અહમદ શાહે કેવી...

આશાવલથી કર્ણાવતી અને ત્યારબાદ અમદાવાદ: કર્ણદેવ સોલંકીના મહાન નગરનું અહમદ શાહે કેવી રીતે કર્યું ઇસ્લામીકરણ- ઇતિહાસ

અહમદ શાહના નામ પર ઠોકી બેસાડાયેલું અમદાવાદ આજે એક આધુનિક શહેર છે, પરંતુ તેની અંદર આશાવલ અને કર્ણાવતીની પરતો આજે પણ મોજૂદ છે. આ પરતો આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થતો નથી, તે માત્ર રૂપ બદલે છે અને સમય-સમય પર ફરીથી સામે આવે છે.

- Advertisement -

ગુજરાતના આર્થિક પાટનગર અને સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને મૂળ નામ ‘કર્ણાવતી’ કરવાની માંગ અવારનવાર ઉઠતી રહે છે. ભૂતકાળમાં પણ અનેક વખત શહેરનું નામ બદલવાની ચર્ચા ચાલી ચૂકી છે અને છાશવારે અભિયાનો પણ હાથ ધરવામાં આવ્યાં. હિંદુ સંગઠનો પણ સમયે-સમયે શહેરના નામને કર્ણાવતી કરવા માટેની માંગણી કરતા આવ્યાં છે. હવે આ જ માંગ ફરી એક વખત ઉઠી છે. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદે (VHP) અમદાવાદનું નામ તાત્કાલિક ધોરણે કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

ગુજરાત એકમના નેતા અશોક રાવલે શનિવારે (4 એપ્રિલ) એક વિડીયો નિવેદન દ્વારા આ માંગણી કરી છે. VHP કર્ણાવતી મહાનગરના ફેસબુક પરજ પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં તેમણે કહ્યું કે, “કર્ણાવતી નામ આપણા ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આ માત્ર એક નામ નહીં પરંતુ આપણા પૂર્વજોની ઓળખ અને પરંપરાનું પ્રતીક છે. આજનું અમદાવાદ શહેર સદીઓ સુધી કર્ણાવતી તરીકે ઓળખાતું આવ્યું છે. અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનમ્ર અપીલ કરીએ છીએ કે કરોડો નાગરિકોની ભાવનાઓનું સન્માન કરીને તાત્કાલિક ધોરણે શહેરનું મૂળ નામ ‘કર્ણાવતી’ કરવામાં આવે.”

સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત બાદ તરત જ આ નિવેદન સામે આવ્યું છે અને હિંદુ સંગઠનની માંગણીઓ પણ તીવ્ર બની છે. આ પરિદૃશ્યમાં શહેરના નામના ઇતિહાસને જાણવો ખૂબ જરૂરી બની રહે છે. કારણ કે આ શહેરને અગાઉ આશાવલ, કર્ણાવતી અને રાજનગર તરીકે ઓળખવામાં આવતું હતું. તેનું અંતિમ નામ કર્ણાવતી હતું, ઘણા જૈન ગ્રંથોમાં ‘રાજનગર’ કહેવાતું હતું. પરંતુ 14મી સદીથી હિંદુઓના આ ગૌરવશાળી શહેરનું ઇસ્લામીકરણ થવાનું શરૂ થયું અને આખરે કર્ણાવતીનું ‘એહમદ આબાદ- અમદાવાદ‘ થઈ ગયું. ઇતિહાસ તરફ ડોકિયું કરીએ.

આશાવલથી કર્ણાવતી નગરી

ભારતમાં કોઈપણ વિસ્તાર કે શહેરના ઇતિહાસને વૈદિક યુગથી જોવામાં આવે છે. પરંતુ વૈદિક યુગમાં હાલ જ્યાં અમદાવાદ છે તે વિસ્તારનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી. એટલે કે પહેલાંના સમયમાં ત્યાં કોઈ શહેર કે અન્ય વસાહત હોવાની શક્યતા નહિવત છે. જોકે તે સમગ્ર વિસ્તારને અનર્ત ક્ષેત્ર કહેવાતો હતો, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોનો સમાવેશ થતો હતો. સાબરમતી નદીનો ઉલ્લેખ પણ પછીથી પુરાણ પરંપરામાં થયો હતો પણ તેનું નામ પણ ‘શ્વભ્રવતી’ તરીકે છે. એટલે કે પૌરાણિક યુગ સુધી આ વિસ્તારમાં કોઈ સભ્ય નગર કે શહેર હોવાનું પ્રતીત થતું નથી. 

- Advertisement -

બાદમાં અર્વાચીન યુગમાં આ વિસ્તારમાં શહેર સ્થપાયું હતું જેને આશાવલ તરીકે ઓળખ આપવામાં આવે છે. આજનું અમદાવાદ, જેને આધુનિક ભારત એક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મહાનગર તરીકે ઓળખે છે, તેનાં ઐતિહાસિક મૂળ તે સમય સુધી જાય છે જ્યારે આ ભૂભાગને ‘આશાવલ’ અથવા ‘આશાપલ્લી’ના નામથી ઓળખવામાં આવતો હતો. આ માત્ર એક નામ નહોતું, પરંતુ તે સમયની સામાજિક રચના, સ્થાનિક સત્તા અને પ્રાકૃતિક ભૂગોળનો દર્પણ હતો. સાબરમતી નદીના કિનારે આવેલી આ વસાહત વેપારી માર્ગો અને જળસ્ત્રોતોને કારણે ધીમેધીમે એક મહત્વની માનવ વસાહત તરીકે વિકસિત થઈ.

ઇતિહાસકારો અનુસાર આશાવલ વિસ્તાર પર ભીલ સમુદાયનો પ્રભાવ હતો અને અહીંના શાસક તરીકે રાજા આશાનો ઉલ્લેખ મળે છે. આ વર્ણન માત્ર લોકકથાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ વિવિધ ઐતિહાસિક સંદર્ભો અને પ્રાદેશિક ઇતિહાસમાં પણ તેની ઝલક દેખાય છે. ઘણાં ઇતિહાસનાં પુસ્તકોમાં એ ઉલ્લેખ મળે છે કે આશાવલ સાબરમતીના કિનારે એક પ્રારંભિક વસાહત હતી, જે આગળ ચાલીને મોટા રાજકીય પરિવર્તનોનું આધાર બની.

11મી સદીના અલ-બીરૂનીએ પોતાના ગ્રંથ અલ-હિન્દમાં આશાવલનો ઉલ્લેખ કર્યો છે. તેને પાટણથી (અણહિલવાડ) ખંભાત તરફના વેપારી માર્ગ પરના મહત્વના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવતું હતું. આ સમયે આ વિસ્તાર ભીલ રાજાઓના આધિપત્ય હેઠળ હતો અને તે ગુજરાતના પ્રારંભિક શહેરો પૈકીનું એક હતું. ઐતિહાસિક સ્ત્રોતો જેમ કે 14મી સદીના જૈન વિદ્વાન આચાર્ય મેરુતુંગના પ્રબંધચિંતામણિમાં આશાવલને ગામ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે સોલંકી રાજાઓના આગમન પહેલાંનું હતું. આ વસાહતનું નામ ‘આશાપલ્લી’માંથી વિકસિત થયું હતું, જે આશા ભીલના નામ પરથી આવ્યું. આ સમયે આ વિસ્તારમાં કોઈ મોટું શહેર નહોતું, પરંતુ તે વેપાર અને સ્થાનિક આદિવાસી હિંદુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. 

એ સમજવું મહત્વનું છે કે આશાવલને માત્ર એક વસાહત તરીકે જોવું ઇતિહાસ સાથે અન્યાય હશે. આ તે તબક્કો હતો જ્યારે ગુજરાતના આ ભૂભાગમાં સ્થાનિક સમુદાયોએ પોતાની સામાજિક અને આર્થિક રચનાઓને વિકસિત કરી. નદીના કિનારે વસવાને કારણે અહીં કૃષિ, પશુપાલન અને નાના સ્તરના વેપારનું સંતુલિત તંત્ર વિકસિત થયું, જેણે આ વિસ્તારને સ્થિરતા પ્રદાન કરી. આ જ સ્થિરતાએ આગળ આવનારા શાસકો માટે તેને એક વ્યૂહાત્મક અને વહીવટી કેન્દ્ર તરીકે યોગ્ય બનાવ્યું. 

સત્તાનું પરિવર્તન અને કર્ણદેવનું આગમન

11મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક આવે છે, જ્યારે ચાલુક્ય અથવા સોલંકી વંશના શાસક કર્ણદેવ સોલંકી આ વિસ્તારમાં પ્રવેશ કરે છે. તે સમયે સોલંકી વંશ ગુજરાતના રાજકીય પરિદ્શ્ય પર એક શક્તિશાળી સત્તા તરીકે ઉભરી ચૂક્યો હતો, જેની રાજધાની અણહિલવાડ (પાટણ) હતી. કર્ણદેવનું શાસન માત્ર વિસ્તારવાદી નહોતું, પરંતુ તે વહીવટી સુદૃઢીકરણ અને સાંસ્કૃતિક નિર્માણની દૃષ્ટિએ પણ મહત્વનું હતું.

ઐતિહાસિક વર્ણનો અનુસાર કર્ણદેવે આશાવલ વિસ્તાર પર નિયંત્રણ સ્થાપિત કર્યું અને અહીં એક સંગઠિત નગર વસાવ્યું, જેને ‘કર્ણાવતી’ કહેવામાં આવ્યું. આ માત્ર એક પ્રતીકાત્મક નામકરણ નહોતું પરંતુ એક નવા રાજકીય યુગની જાહેરાત હતી. સમકાલીન સોલંકી યુગનું સાહિત્ય એ તથ્ય તરફ સંકેત કરે છે કે કર્ણદેવે પોતાના શાસનકાળમાં નવા વિસ્તારોનો વિકાસ કર્યો અને તેમને વહીવટી રીતે સંગઠિત કર્યા.

કર્ણાવતીની સ્થાપના તે વ્યાપક પ્રક્રિયાનો એક ભાગ હતી જેમાં ભારતીય ઉપમહાદ્વીપના વિવિધ વિસ્તારોમાં રાજવંશો પોતાના અધિકાર ક્ષેત્રોને મજબૂત કરવા માટે નવા નગરોનું નિર્માણ કરતા હતા. આ પ્રક્રિયામાં માત્ર કિલ્લા કે વહીવટી મકાનો જ નહીં, પરંતુ આખી સામાજિક રચનાને પુનઃગઠિત કરવામાં આવતી હતી. કર્ણાવતી પણ આ જ પ્રકારનું એક નગર હતું, જ્યાં શાસન, ધર્મ, વેપાર અને સંસ્કૃતિ એકસાથે વિકસિત થયાં હતાં.

સોલંકી યુગનો ઉત્કર્ષ અને કર્ણાવતીની ભૂમિકા

સોલંકી કાળને ગુજરાતના ઇતિહાસમાં એક સ્વર્ણિમ યુગ તરીકે જોવામાં આવે છે અને કર્ણાવતી આ યુગનો એક મહત્વનો ભાગ હતો. આ સમયે ગુજરાતમાં સ્થાપત્ય કલા શિખર પર હતી, જ્યાં મંદિર નિર્માણ, વાવ (સ્ટેપવેલ) અને નગર નિયોજનમાં અનન્ય પ્રગતિ થઈ. આ તે સમય હતો જ્યારે રાજ્ય માત્ર રાજકીય એકમ નહોતું, પરંતુ સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ હતું.

ચાલુક્ય વંશના ગ્રંથો એ વાતને રેખાંકિત કરે છે કે સોલંકી શાસન દરમિયાન ગુજરાતમાં વ્યાપક સાંસ્કૃતિક ઉન્નતિ થઈ. કર્ણાવતી આ જ ઉન્નતિની શૃંખલામાં એવું એક સ્થળ હતું જ્યાં આ વિકાસ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રબંધચિંતામણિમાં મેરુતુંગ વર્ણવે છે કે કર્ણદેવે આશાવલમાં કર્ણસાગર તળાવ બનાવ્યું અને કર્ણેશ્વર દેવનું (શિવ મંદિર) નિર્માણ કર્યું. આ ઉપરાંત જયંતી માતા મંદિર અને અન્ય સ્થાપત્યો પણ વિકસાવ્યાં. કર્ણાવતી ઝડપથી ગુજરાતનું બીજું મહત્વનું કેન્દ્ર બની ગયું અને પાટણ (અણહિલવાડ પાટણ) પછીની રાજધાની તરીકે ઉભરી આવ્યું.

કર્ણાવતીના વિકાસમાં સોલંકીઓએ મંદિરો, તળાવો અને વેપારી માર્ગ વિકસાવ્યાં. આ સમયે કર્ણાવતી ગુજરાતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનું કેન્દ્ર હતું. ઐતિહાસિક સ્ત્રોતો જેમ કે ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસકારો રત્નમણિરાવ ભીમરાવ ઝોટે, હરિપ્રસાદ શાસ્ત્રી અને કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ પણ આ તથ્યોને સમર્થન આપ્યું છે.

આજે કર્ણાવતીના ભૌતિક અવશેષો એટલા સ્પષ્ટ રૂપમાં ઉપલબ્ધ નથી, જેટલા પાટણ અથવા મોઢેરા જેવા સ્થળોના છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ અથવા મહત્વ ઓછું હતું. ઇતિહાસમાં અનેક એવા નગરો રહ્યાં છે જેનું સ્વરૂપ સમય સાથે બદલાઈ ગયું, પરંતુ તેમની ઓળખ અને સંદર્ભ ઐતિહાસિક સ્ત્રોતોમાં જીવંત રહ્યાં. કર્ણાવતી પણ તે જ પ્રકારનું એક ઐતિહાસિક એકમ છે, જે પોતાના સમયમાં મહત્વનું હતું અને જેણે આગળ આવનારા શહેરનો પાયો તૈયાર કર્યો હતો.

કર્ણાવતીના સંદર્ભમાં ઇતિહાસકારો વચ્ચે એક રસપ્રદ વિમર્શ પણ જોવા મળે છે. કેટલાક વિદ્વાનો તેને એક પૂર્ણ વિકસિત નગર માને છે, જ્યારે કેટલાક તેને એક વહીવટી અથવા પ્રાદેશિક એકમ તરીકે જુએ છે. પરંતુ આ વિવાદ છતાં એક તથ્ય નિર્વિવાદ છે કે ‘કર્ણાવતી’ નામ સોલંકી કાળ સાથે જોડાયેલું છે અને આ વિસ્તારની ઐતિહાસિક ઓળખનો ભાગ રહ્યું છે.

સ્થાનિક પરંપરાઓ અને સાહિત્યમાં પણ આ નામની હાજરી એ સંકેત આપે છે કે આ માત્ર એક શાસકીય નામ નહોતું, પરંતુ સમાજમાં પણ તેની સ્વીકૃતિ હતી. આ અવિરતતા એ વાતને વધુ મજબૂત કરે છે કે કર્ણાવતી માત્ર એક ક્ષણિક નામ નહોતું, પરંતુ એક સ્થાયી ઐતિહાસિક ઓળખ હતી, જેને સમય સાથે દબાવી દેવામાં આવી, પરંતુ મિટાવી ન શકાઈ.

આશાવલ એક સ્થાનિક, જનજાતીય અને પ્રાકૃતિક સંસાધનો પર આધારિત વસાહત હતી, જ્યારે કર્ણાવતી એક સંગઠિત, રાજકીય અને સાંસ્કૃતિક રીતે વિકસિત નગર તરીકે ઉભરી આવ્યું હતું. આ પરિવર્તન માત્ર બાહ્ય નહોતું, પરંતુ તેણે તે વિસ્તારની સામાજિક રચના, આર્થિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક સ્વરૂપને પણ અસર કરી. છતાં નોંધવા જેવી વાત એ હતી કે કર્ણદેવનો ઈરાદો જૂના નામને ઉખાડી ફેંકવાનો નહોતો, કારણ કે તે સમયના સોલંકી યુગના સાહિત્યમાં કર્ણાવતીની સાથે આશાવલ નામ પણ જોડવામાં આવતું હતું. 

આશાવલ અને કર્ણાવતીનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે કે અમદાવાદની ઓળખ 15મી સદીથી શરૂ થતી નથી, પરંતુ તેનાથી અનેક સદીઓ પહેલાંથી વિકસિત થતી આવી છે. કર્ણાવતી તે ઐતિહાસિક ક્રમનો તે તબક્કો છે જ્યાં આ વિસ્તાર પોતાની ટોચ પર હતો અને જેણે આગળ આવનારા સમય માટે આધાર તૈયાર કર્યો હતો.

આ કથા માત્ર એક શહેરની નથી, પરંતુ તે અવિરતતાની છે જે ઇતિહાસમાં બની રહે છે, ભલે નામ બદલાઈ જાય અથવા સત્તા બદલાઈ જાય. કર્ણાવતી આ જ અવિરતતાનું પ્રતીક છે, જે ઇતિહાસના પાનાઓમાં આજે પણ જીવંત છે અને સમય-સમય પર પોતાની હાજરી નોંધાવતું રહે છે. 

કર્ણાવતીથી અમદાવાદ

14મી અને 15મી સદીનો સમયગાળો ભારતીય ઉપમહાદ્વીપમાં રાજકીય પરિવર્તનોનો સમય હતો. દિલ્હી સલ્તનતની શક્તિ નબળી પડતાં પ્રાદેશિક સલ્તનતોનો ઉદય થયો, જેમાં ગુજરાત સલ્તનત એક મુખ્ય શક્તિ તરીકે સામે આવી. આ પરિવર્તને માત્ર શાસન વ્યવસ્થાને જ નહીં, પરંતુ શહેરી રચના, વહીવટી કેન્દ્રો અને સાંસ્કૃતિક પ્રતીકોને પણ અસર કરી.

15મી સદીના પ્રારંભમાં ગુજરાતમાં મુજફ્ફરી વંશનું શાસન શરૂ થયું. આ વંશના સ્થાપક મુજફ્ફર શાહ પ્રથમ પછી તેના પૌત્ર અહમદ શાહ પ્રથમે રાજધાની પાટણથી ખસેડવાનો નિર્ણય કર્યો. 26 ફેબ્રુઆરી 1411એ સાબરમતી નદીના કિનારે માણેક બુરજ પર અમદાવાદનો કથિત પાયો નાખ્યો. આ સ્થળ કર્ણાવતી/આશાવલ જ હતું, પણ ઇતિહાસમાં અહમદ શાહે વસાવ્યું હોવાનું ઠોકી બેસાડાયું.

આ જ ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં અહમદ શાહ પ્રથમનો ઉદય થાય છે, જેણે 1411 ઈસ્વીમાં ગુજરાત સલ્તનતની રાજધાનીને સ્થાનાંતરિત કરીને એક નવી જગ્યાએ ખસેડી હતી, જે સ્થળ હતું કર્ણાવતી. આ પરિવર્તન માત્ર એક વહીવટી નિર્ણય નહોતું, પરંતુ સત્તાના કેન્દ્રીકરણ અને એક નવા રાજકીય પ્રતીકના નિર્માણનો પ્રયાસ પણ હતો.

‘Ahmedabad foundation history 1411’ અનુસાર અહમદ શાહે સાબરમતી નદીના કિનારે એક નવા શહેરનો પાયો નાખ્યો, જે આગળ ચાલીને ‘અમદાવાદ’ના નામથી ઓળખાયું. જોકે, આ ઇતિહાસમાં પણ ઝોલ જોવા મળે છે. કારણ કે આ સ્થળ પહેલેથી જ ઐતિહાસિક રીતે મહત્વનું હતું, કારણ કે અહીં આશાવલ અને કર્ણાવતી જેવા પૂર્વવર્તી કેન્દ્રો અસ્તિત્વમાં હતાં. સરળ ભાષામાં વાત કરીએ તો અહમદે કોઈ નવું શહેર વસાવ્યું ન હતું પણ પહેલેથી વિકસિત કર્ણાવતી શહેરને જ પોતાનું નામ ચોંટાડી દઈને આખો ઇતિહાસ ચોરી લેવાનો પ્રયાસ થયો હતો. બાદમાં આયોજનપૂર્વક કર્ણાવતી શહેરમાં એવા સ્થાપત્યો ઊભાં કરી દેવાયાં હતાં કે જેનાથી ભવિષ્યમાં એ સાબિત કરી શકાય કે આ ઇસ્લામી શાસન હતું.

એવું માનવું કે અમદાવાદ સંપૂર્ણપણે એક નવા સ્થળ પર વસાવવામાં આવ્યું હતું, તે ઐતિહાસિક રીતે સાચું નથી. વાસ્તવમાં આ શહેર એ જ ભૂભાગ પર વિકસિત થયું જ્યાં પહેલાં આશાવલ અને કર્ણાવતી જેવી વસાહતો અસ્તિત્વમાં હતી. તેનો અર્થ એ છે કે અહમદ શાહે એક સંપૂર્ણપણે નવું ભૂગોળીય એકમ નહોતું બનાવ્યું, પરંતુ એક પહેલેથી સ્થાપિત વિકસિત વિસ્તારને પોતાના નામ સાથે ક્રેડિટ ખાવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ પ્રક્રિયામાં જૂના નામ અને ઓળખ ધીમેધીમે ભૂંસવામાં આવી અને એક નવી ઓળખ સ્થાપિત કરવામાં આવી. આ ભારતીય ઇતિહાસમાં એક સામાન્ય પ્રક્રિયા રહી છે, જ્યાં નવા ઇસ્લામી શાસકો પોતાના શાસનની વૈધતા અને પ્રભાવ સ્થાપિત કરવા માટે શહેરોનું પુનઃનામકરણ કરતા રહ્યા છે અને તેને યોગ્ય સાબિત કરવા માટે તે જ શહેરોમાં અનેક ઇસ્લામી બાંધકામો પણ ખડકતા રહ્યા છે. પ્રયાગરાજનું અલ્હાબાદ પણ આ જ રીતે થયું હતું. મિરાત-એ-અહમદી જેવા ફારસી સ્ત્રોતો પણ એ વાતની પુષ્ટિ કરે છે કે અમદાવાદની સ્થાપના એક સંગઠિત શાહી પરિયોજના તરીકે કરવામાં આવી હતી, જેમાં કિલેબંધી, વહીવટી મકાનો અને મજહબી સંરચનાઓનો સમાવેશ થતો હતો. 

નામકરણની કથાઓનો ફેલાવો

‘અમદાવાદ’ નામ પાછળ પણ એક ઐતિહાસિક અને પ્રતીકાત્મક સંદર્ભ જોડાયેલો છે. જે-તે સમયથી એવું ફેલાવવામાં આવ્યું છે કે આ નામ સુલતાન અહમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જોકે કેટલીક ફેલાવાયેલી વાતોમાં એ પણ ઉલ્લેખ મળે છે કે ચાર ‘અહમદ’ના (સૂફી ફકીર/વ્યક્તિ) નામ સાથે આ શહેર જોડાયેલું હતું. ઘણાં પુસ્તકો આ વિષય પર પ્રકાશ પાડતાં કહે છે કે શહેરનું નવું નામકરણ સત્તા અને મજહબી-સાંસ્કૃતિક પ્રતીકોના સંયોજનનું પરિણામ હતું.

આ નામકરણ માત્ર એક ઔપચારિકતા નહોતી, પરંતુ એક સ્પષ્ટ રાજકીય સંદેશ પણ હતો કે આ શહેર હવે એક નવી સત્તાને આધીન છે અને તેની ઓળખ પણ તે જ અનુરૂપ હશે. આ પ્રક્રિયામાં પૂર્વવર્તી નામ ‘કર્ણાવતી’ ધીમેધીમે વહીવટી અને સાર્વજનિક વપરાશમાંથી આયોજનપૂર્વક દૂર કરી દેવામાં આવ્યું, જેથી આ નામની જગ્યાએ ‘અહમદ આબાદ- અહમદાબાદ’ (અમદાવાદ) નામ એટલું મજબૂત થઈ જાય કે ભવિષ્યમાં પણ તેને હટાવવા માટે સંઘર્ષ કરવો પડે અને આખરે થયું પણ એવું જ. આ નામ લોકબોલી અને સાહિત્યમાં એવી રીતે વણવામાં આવ્યું કે હવે નામ પરિવર્તન કર્યા બાદ પણ દાયકાઓ કે પછી સદીઓ સુધી અમદાવાદ નામ જીવતું રહેશે.

કર્ણાવતીનું ઇસ્લામીકરણ

કર્ણાવતી શહેરનું માત્ર નામ બદલી નાખવું પૂરતું નહોતું, આ વાત ઇસ્લામી શાસક પણ જાણતો હતો. તેથી તેણે આખા શહેરનું ઇસ્લામીકરણ કરવા પર ભાર આપ્યો હતો. તેણે એટલા તોતિંગ ઇસ્લામી સ્થાપત્યો ઊભા કરી દીધાં કે જેને દૂર કરવાં પણ મુશ્કેલ થઈ પડે અને નામ હટાવવા માટે પણ વિચાર કરવો પડે.

અહમદ શાહની મજહબી વિચારસરણી સ્પષ્ટ રીતે તેના સ્થાપત્યમાં દેખાય છે. તેણે કર્ણાવતીના મંદિરોને તોડીને તેમના પથ્થરોનો ઉપયોગ નવા શહેરના બાંધકામમાં કર્યો. સૌથી મહત્વનું ઉદાહરણ છે ભદ્રકાળી મંદિરનો વિનાશ. અહમદ શાહે આ હિંદુ મંદિરને તોડીને તેના સ્થાને જામા બનાવી. આ મસ્જિદના 100થી વધુ સ્તંભોમાં હજુ પણ હિંદુ કોતરણીઓ– કમળ, કુંડલિની જેવા સાપ, નૃત્યકારી અપ્સરાઓ અને ઘંટીઓ દેખાય છે. ભદ્રનો કિલ્લો પણ આ મંદિરના નામ પરથી જાણીતો બન્યો. મિરાત-એ-અહમદી અને અન્ય પર્શિયન સ્ત્રોતોમાં આ કાર્યવાહીને વિજયના પ્રતીક તરીકે વર્ણવવામાં આવી છે. અહમદ શાહે 1413-14માં પણ આશા ભીલના વંશજોને હરાવ્યા હતા, જેથી જૂની વસાહતને પૂરેપૂરી નિયંત્રણમાં લઈ શકે.

આ કાર્યવાહી માત્ર રાજકીય નહોતી, પરંતુ મજહબી વિજયની વ્યૂહરચના હતી, જેમ અન્ય ઇસ્લામી આક્રાંતાઓ કરતા હતા. કર્ણાવતીનો આંશિક વિનાશ કરીને નવું મોડેલ વસાવવામાં આવ્યું. આજે પણ અમદાવાદની જૂની વસ્તીમાં આ ઇતિહાસ છુપાયેલો છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ (2017) પણ આ જૂની વસ્તીને આધારે છે, પરંતુ તે હિંદુ વિરાસતને છુપાવી શકતું નથી.

અહમદ શાહના શાસનકાળમાં શહેરમાં વ્યાપક નિર્માણ થયું, જેમાં ઇસ્લામી કિલ્લા, મસ્જિદો અને અન્ય ઇસ્લામી સ્થાપત્ય સંરચનાઓનો સમાવેશ થતો હતો. ભદ્રા કિલ્લો, જામા મસ્જિદ અને અન્ય ઇસ્લામી સંરચનાઓ એ વાતનું પ્રમાણ છે કે આ શહેર માત્ર એક વહીવટી કેન્દ્ર નહોતું, પરંતુ એક મજહબી કેન્દ્ર તરીકે પણ વિકસિત કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાએ શહેરના સ્વરૂપને સંપૂર્ણપણે બદલી નાખ્યું. જ્યાં પહેલાંની વસાહતો સ્થાનિક અને પ્રાદેશિક શૈલીમાં હતી, ત્યાં હવે એક નવી ઇસ્લામી સ્થાપત્ય શૈલી સામે આવી, જે સલ્તનતી પ્રભાવને દર્શાવતી હતી.

આ પરિવર્તન માત્ર ભૌતિક નહોતું, પરંતુ તે એ વ્યાપક સંસ્કૃતિને બદલવાનો સ્પષ્ટ પ્રયાસ હતો, જે સત્તા પરિવર્તન સાથે આવે છે. શહેરનું નવું નામ, નવી સંરચનાઓ અને નવી વહીવટી વ્યવસ્થા- આ બધું મળીને એક નવી ઓળખનું નિર્માણ કરે છે અને તેના કારણે જૂની ઓળખ આપોઆપ ભૂંસાઈ જાય છે અને અમદાવાદના કિસ્સામાં એ જ થતું જોવા મળે છે.

ગુજરાત સુલ્તાનતના અંત પછી 1573માં મુઘલ સમ્રાટ અકબરે અમદાવાદ પર કબજો કર્યો. આ સમયે અમદાવાદ મુઘલ સામ્રાજ્યના ગુજરાત સુબાનું મહત્વનું કેન્દ્ર બન્યું. અકબર, જહાંગીર અને શાહજહાં જેવા મુઘલ શાસકોના સમયમાં શહેરે વેપાર, કલા અને સ્થાપત્યમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી. મુઘલ કાળમાં અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ઇન્ડિયા’ તરીકે વિકસવાનો પાયો નાખવામાં આવ્યો, કારણ કે તે કપાસ વેપાર અને વસ્ત્ર ઉદ્યોગનું હબ બન્યું. પરંતુ આ વિકાસ હિંદુ વિરાસતને ભૂંસીને થયો. અહમદ શાહના સમયના મંદિરોના અવશેષો પર પહેલાં ગુજરાત સલ્તન અને બાદમાં મુઘલોએ પણ તેમની સ્થાપત્ય શૈલી ઉમેરી, જેમ કે જામા મસ્જિદ અને અન્ય ઇસ્લામી ઇમારતોમાં હિંદુ કોતરણીઓ આજે પણ દેખાય છે.

મિરાત-એ-અહમદીમાં અલી મુહમ્મદ ખાને મુઘલ કાળનું વર્ણન કર્યું છે, જેમાં અમદાવાદને સમૃદ્ધ વેપારી શહેર તરીકે દર્શાવવામાં આવ્યું છે. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યના પતન સાથે અમદાવાદમાં અસ્થિરતા વધી. આ સમયે શહેરનું નામ અમદાવાદ જ રહ્યું, કારણ કે મુઘલો અને પછીના શાસકોએ હિંદુ મૂળને સ્વીકારવાને બદલે આક્રાંતાઓ અને મજહબી ભાઈઓના વિજયના પ્રતીકને જાળવી રાખ્યું. આ કાળમાં પણ કર્ણાવતીના અવશેષો- કર્ણસાગર તળાવ અને કર્ણેશ્વર મંદિરના સંકેતો છૂપાયેલા રહ્યા.

કર્ણાવતી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું?

આ સવાલ મહત્વનો છે કે શું ‘કર્ણાવતી’ નામ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું હતું અથવા તે કોઈક રૂપમાં જીવંત રહ્યું હતું. ઐતિહાસિક રીતે જોવામાં આવે તો વહીવટી સ્તરે ‘અમદાવાદ’ નામ સ્થાપિત થઈ ગયું, પરંતુ સ્થાનિક પરંપરાઓ અને ઐતિહાસિક સંદર્ભોમાં ‘કર્ણાવતી’નો ઉલ્લેખ સંપૂર્ણપણે સમાપ્ત થયો નહોતો. આ તે જ સ્થિતિ છે જે ભારતના અનેક અન્ય શહેરોમાં પણ જોવા મળે છે, જ્યાં સત્તાવાર નામ બદલાઈ જવા છતાં જૂના નામ સાંસ્કૃતિક સ્મૃતિમાં બની રહે છે. કર્ણાવતીનું નામ પણ આ જ પ્રકારે ઇતિહાસ અને પરંપરામાં જીવંત રહ્યું, ભલે તે વહીવટી રીતે વપરાશમાં ન રહ્યું હોય. 

સમય સાથે અમદાવાદ એક મુખ્ય શહેરી કેન્દ્ર તરીકે વિકસિત થયું, જેણે મુઘલ કાળ, મરાઠા કાળ અને અંતે બ્રિટિશ શાસન દરમિયાન પણ ઇસ્લામી ઓળખ જાળવી રાખી. આ તમામ કાળખંડોમાં ‘અમદાવાદ’ નામનો ઉપયોગ ચાલુ રહ્યો, જેથી આ નામ સ્થાયીપણે સ્થાપિત થઈ ગયું. તેમ છતાં ‘કર્ણાવતી’નો ઐતિહાસિક સંદર્ભ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. આધુનિક કાળમાં જ્યારે ઇતિહાસ, ઓળખ અને સાંસ્કૃતિક પુનઃસ્થાપના પર ચર્ચા થાય છે, ત્યારે આ નામ ફરીથી સામે આવે છે.

કર્ણાવતી નામ પાછું લાવવાની માંગ નવી નથી. 1990માં BJP-નિયંત્રિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિઝોલ્યુશન પાસ કર્યું હતું. 2018માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાનૂની અને અન્ય પાસાંઓ તપાસવાની વાત કરી હતી. 2023માં ABVP અને બજરંગ દળે કેમ્પેઈન ચલાવ્યું અને એપ્રિલ 2026માં વિશ્વ હિંદુ પરિષદના અશોક રાવલે વિડીયો સ્ટેટમેન્ટમાં AMC ચૂંટણી પહેલાં BJP મેનિફેસ્ટોમાં આ માંગ સામેલ કરવાની અપીલ કરી.

આ માંગ અલ્લાહાબાદને પ્રયાગરાજ, ઔરંગાબાદને સંભાજીનગર કરવા જેવા સિવિલાઈઝેશનલ કરેક્શનનો ભાગ છે. હિંદુ દૃષ્ટિએ અમદાવાદ નામ આક્રમક અહમદ શાહના વિજયને જીવંત રાખે છે, જ્યારે કર્ણાવતી સોલંકી રાજા કર્ણદેવના ગૌરવને પુનર્જીવિત કરે છે. પ્રબંધચિંતામણિ અને અન્ય જૈન-હિંદુ સ્ત્રોતો આ હિંદુ વારસાને સાબિત કરે છે.

યુનેસ્કોનો ડર અને વિરોધીઓના તર્કોને હિંદુ સમાજ સ્વીકારતો નથી, કારણ કે ઇતિહાસ સુધારવો એ અન્યાયને દૂર કરવાનું કાર્ય છે. વર્તમાન સમયમાં જ્યારે ભારત આત્મનિર્ભર અને સાંસ્કૃતિક પુનરુત્થાન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદને કર્ણાવતી બનાવવું એ ગુજરાત અને સમગ્ર હિંદુ સમાજ માટે ગૌરવની વાત છે. ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે નામ માત્ર શબ્દ નથી, તે અસ્મિતાનું પ્રતીક છે. આશાવલ-કર્ણાવતીની કથા હિંદુ વિજય અને ગૌરવની છે, જ્યારે અમદાવાદ આક્રમણની. સમય આવી ગયો છે કે આપણે આપણી વિરાસતને પાછી મેળવીએ. 

આ વિવાદ માત્ર એક નામ સુધી મર્યાદિત નથી, પરંતુ તે એ સવાલ સાથે જોડાયેલો છે કે કોઈ શહેરની ઓળખ તેના મૂળ ઐતિહાસિક સંદર્ભ સાથે કેટલી હદે જોડાયેલી હોવી જોઈએ અને તેને કેટલી હદે પુનઃસ્થાપિત કરી શકાય. અહમદ શાહના નામ પર ઠોકી બેસાડાયેલું અમદાવાદ આજે એક આધુનિક શહેર છે, પરંતુ તેની અંદર આશાવલ અને કર્ણાવતીની પરતો આજે પણ મોજૂદ છે. આ પરતો આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થતો નથી, તે માત્ર રૂપ બદલે છે અને સમય-સમય પર ફરીથી સામે આવે છે.

સંદર્ભ:

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં