Monday, October 7, 2024
More
    હોમપેજરાજકારણધારા 370નો ખાત્મો, ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા…: વડાપ્રધાન મોદીએ સંસદમાં ગણાવી 10 વર્ષની...

    ધારા 370નો ખાત્મો, ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા…: વડાપ્રધાન મોદીએ સંસદમાં ગણાવી 10 વર્ષની ઉપલબ્ધિઓ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે 40,000 કિલોમીટર રેલ્વે ટ્રેક ઇલેક્ટ્રિક કરી દેવામાં આવ્યો છે, કોંગ્રેસની ઝડપે તેમાં 80 વર્ષ લાગીજાત. તેમણે જણાવ્યું કે પાછલા 10 વર્ષમાં 17 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. કોંગ્રેસની ઝડપમાં 60 વર્ષ લાગી જાત.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણપર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અનેક લોકોએ ચૂંટણી લડવાનો હોંસલો જ છોડી દીધો છે અને અનેક લોકો લોકસભાની જગ્યાએ રાજ્યસભા જવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિએ 4 મજબૂત સ્તંભો તરફ આપણું ધ્યાન દોર્યું છે. આ સ્તંભો જેટલા મજબૂત, સંરક્ષિત અને સમૃદ્ધ હશે, આપણો દેશ પણ એટલો જ ઝડપી આગળ વધશે.

    આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસને 10 વર્ષ સુધી સારો વિપક્ષ બનવાનો અવસર મળ્યો હતો, પરંતુ તેઓ તેમાં વિફળ રહ્યા. તેમણે કોંગ્રેસ પર વિપક્ષના સારા અને હોંશિયાર લોકોને મોકો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પોતાના સિવાય બધાનું નુકસાન કર્યું છે. 10 વર્ષ પહેલા 2014માં ફેબ્રુઆરીમાં આવેલા અંતરિમ બજેટને રજુ કરતા સમયે નાણામંત્રીએ કહ્યું હતું કે GDPના મામલે ભારત દુનિયામાં 11માં ક્રમે છે.”

    પીએમ મોદીએ કહ્યું કે, તે સમયે પણ ગૌરવ-ગાન થયું હતું, હવે ભારત પાંચમાં નંબરે પહોંચી ગયો છે તો કુતર્ક આપવામાં આવે છે. વડાપ્રધાને યાદ અપાવ્યું કે તત્કાલીન નાણામંત્રીએ કહ્યું હતું કે આગલા ત્રણ દશકામાં ભારતની GDP અમેરિકા અને ચીન બાદ ત્રીજા નંબરે પહોંચી જશે. તેમણે કહ્યું કે ‘બ્રહ્માંડના સહુથી મોટા અર્થશાસ્ત્રી’ તે સમયે આમ કહી રહ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે 2044 સુધી જે લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, તે આગામી 5 વર્ષમાં આંબી જવાશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમના સમયમાં સંકલ્પ તો દૂર, આ લોકો સપનું જોવાનું સામર્થ્ય પણ ખોઈ ચુક્યા હતા.

    - Advertisement -

    નેહરૂ-ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે 40,000 કિલોમીટર રેલ્વે ટ્રેક ઇલેક્ટ્રિક કરી દેવામાં આવ્યો છે, કોંગ્રેસની ઝડપે તેમાં 80 વર્ષ લાગી જાત. તેમણે જણાવ્યું કે પાછલા 10 વર્ષમાં 17 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. કોંગ્રેસની ઝડપમાં 60 વર્ષ લાગી જાત. તેમણે આંકડા ગણાવતા કહ્યું કે સેનીટેશન કવરેજ તેમની સરકારમાં 40થી 100 ટકાએ પહોંચ્યું છે, જો કોંગ્રેસની ઝડપ હોત તો તેમાં 60-70 વર્ષ લાગી જાત અને તેની કોઈ ગેરેંટી પણ ન હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશના સામર્થ્ય પર ક્યારેય ભરોસો નહોતો કર્યો, જનતાને હંમેશા ઓછી આંકી. તેમણે આ દરમિયાન જવાહરલાલ નેહરૂના એક ભાષણનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતીયો જાપાન-યુરોપ-અમેરિકાવાળાની જેમ કામ નથી કરતા.

    વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે નેહરૂએ ભારતના લોકોને નીચું દેખાડતા કહ્યું કે વિદેશી લોકો અકળ અને મહેનતથી સફળ થયા છે, મતલબ કે તેઓ ભારતીયોને આળસુ અને ઓછી બુદ્ધિવાળા સમજતા હતા. તેમણે ઇન્દિરા ગાંધીની વિચારધારાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમણે પણ લાલ કિલ્લાથી 15 ઓગસ્ટે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ રીતે આ આપણી આદત છે કે કોઈ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ આપણે આત્મતુષ્ટિની ભાવનાથી ગ્રસિત થઈ જઈએ છીએ અને અસફળતાથી નાઉમ્મીદ થઈ જઈએ છીએ, લાગે છે કે આખા રાષ્ટ્રએ પરાજય ભાવના અપનાવી લીધી છે.

    તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધી દેશની જનતાનું યોગ્ય આકલન ન કરી શક્યા, પરંતુ તેમણે કોંગ્રેસનું સચોટ મૂલ્યાંકન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસનાશાહી પરિવારના લોકો દેશવાસીઓ વિશે પણ આવી જ વિચારસરણી ધરાવે છે. પીએમ મોદીએ N.N.D.I ગઠબંધનને ‘ભાનુમતી કા કુનબા’ ગણાવતા કહ્યું કે જ્યારે તેઓ એકબીજા પર વિશ્વાસ નથી કરતા તો તેઓ દેશ પર કેવી રીતે વિશ્વાસ કરશે? વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમે દેશની જનતાની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ.”

    રામ મંદિરનો ઉલ્લેખ

    તેમણે સ્વચ્છ ભારત, ઉજ્જવલા, આયુષ્માન ભારત, બેટી બચાઓ-બેટી પઢાઓ, સુગમ્ય ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવા જાહેર હિતનાં કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો, જે તેમનાં પ્રથમ કાર્યકાળમાં શરૂ થયાં હતાં અને એક અભિયાનમાં પરિવર્તિત થયાં હતાં. તેમણે GSTનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેણે કરવેરાની વ્યવસ્થા સરળ બનાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ કારણે જ બીજા કાર્યકાળની શરૂઆત જનતાનાં આશીર્વાદથી થઈ હતી, જે સંકલ્પોની પૂર્તિનો શબ્દ બની ગયો હતો. દેશ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યો હતો તે પૂરી થઈ.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે આપણે બધાએ આર્ટિકલ 370નો અંત જોયો. આ દરમિયાન તેમણે સંસદમાં મહિલાઓને અનામત આપતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’નો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે, દાયકાઓથી અટકી પડેલી યોજનાઓ સમયબદ્ધ રીતે પૂર્ણ થઈ છે. બ્રિટિશ શાસનના જૂના દંડાત્મક કાયદાઓની જગ્યાએ સરકાર ન્યાય સંહિતા લાવી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભગવાન રામ પોતાના ઘરે પરત ફર્યા એટલું જ નહીં, પરંતુ એક એવું મંદિર બનાવવામાં આવ્યું જે ભારતની મહાન સાંસ્કૃતિક પરંપરાને નવી ઉર્જા આપતું રહેશે.

    ગરીબો ગરીબીને હરાવી રહ્યા છે

    પીએમ મોદીએ કહ્યું કે જો ગરીબોને સાધન અને સંસાધન મળશે તો તેઓ ગરીબીને હરાવી દેશે અને તેમની સરકારે તે રસ્તો પસંદ કર્યો તો ગરીબોએ ગરીબીને હરાવી છે. તેમણે કહ્યું હતું કે, આજે 50 કરોડ ગરીબો પાસે બેંક ખાતું છે, 4 કરોડ ગરીબો પાસે પાકું ઘર છે જે તેમના સ્વાભિમાનને શક્તિ આપે છે, 11 કરોડ ગરીબોને નળમાંથી પીવાનું શુદ્ધ પાણી મળે છે, 55 કરોડ ગરીબોને આયુષ્માન કાર્ડ મળ્યા છે જેથી તેમને વિશ્વાસ છે કે ઘરમાં ગમે તેટલી બીમારીઓ આવે, મોદી બેઠા છે.

    કોંગ્રેસે કર્યું OBC નેતાઓનું અપમાન

    તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 80 કરોડ ગરીબોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવે છે. તેમણે અનાજની ખેતી કરતા 30 કરોડ ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ કારણથી તેઓ જી-20ના મહેમાનોની સામે ગર્વથી ઉત્તમ અનાજ પીરસે છે. તેમણે કહ્યું હતું કે, ખાદી કોંગ્રેસ ભૂલી ગઈ હતી, પરંતુ આજે ખાદીને મજબૂત કરવામાં આવી રહી છે, કારણ કે વણકરોનાં જીવન તેની સાથે જોડાયેલાં છે. તેમણે કોંગ્રેસ પર ઓબીસી સમાજ સાથે અન્યાયનો આરોપ લગાવતા કહ્યું કે, આ લોકોએ ઓબીસી નેતાઓનું અપમાન કર્યું છે.

    આ દરમિયાન વડાપ્રધાને બિહારના પૂર્વ સીએમ કર્પુરી ઠાકુરને આપવામાં આવી રહેલા ‘ભારત રત્ન’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને પદ પરથી હટાવવા માટે કેટ-કેટલું કરવામાં આવ્યું, કોંગ્રેસને અતિ પછાત વ્યક્તિ સહન ન થયા. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે કોંગ્રેસે કર્પૂરી ઠાકુરને વિપક્ષી નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો સરકારમાં ઓબીસીને લઇને સવાલો ઉભા કરે છે, ત્યારે પોતાના વિશે જણાવતા કહ્યું કે, “આ લોકોને ઓબીસી દેખાતા જ નથી.”

    આવનારા કાર્યકાળમાં 3 કરોડ ‘લખપતિ દીદી’ હશે- વડાપ્રધાન મોદી

    આ દરમિયાન તેમણે પૂછ્યું કે યુપીએના સમયમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી ‘રાષ્ટ્રીય સલાહકાર સમિતિ’માં કોઈ ઓબીસી હતા? તેમણે કહ્યું કે આવનારા કાર્યકાળમાં 3 કરોડ ‘લખપતિ દીદી’ હશે, જે ગ્રામીણ અર્થવ્યવસ્થાને બદલી નાખશે. તેમણે કહ્યું કે આજે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે ‘સુકન્યા સમૃદ્ધિ’ ખાતું ખોલાવ્યું છે કે નહીં. પહેલા ગર્ભવતી થવા પર નહી કરી શકે તેવી વાતો થતી હતી, હવે 36 અઠવાડિયાની સવેતન રજા છે અને તે પછી પણ રજાઓ મળે છે. તેમણે કહ્યું કે પહેલા મહિલાઓને પૂછવામાં આવતું હતું કે નોકરી કેમ કરવી છે, પતિનો પગાર ઓછો પડે છે? હવે મહિલાઓને પૂછવામાં આવે છે – તમારું સ્ટાર્ટઅપ સારું ચાલી રહ્યું છે, નોકરી મળશે?

    તેમણે કહ્યું કે પહેલા એવું કહેવામાં આવતું હતું કે ઘરના વડીલને બોલાવો, પરંતુ આજે ઘરના વીજળીના બિલથી લઈને પાણી અને ગેસ બધું જ મહિલાઓના નામે આવે છે, પરિવારની મુખિયા મહિલાઓ છે. તેમણે કોંગ્રેસ પર ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં કૃષિ માટે 25 હજાર કરોડ રૂપિયાનું બજેટ હતું, અમારી સરકારે 1.25 લાખ કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી. તેમણે કહ્યું કે અમે ખેડૂતો પાસેથી 18 લાખ કરોડ રૂપિયાના ડાંગર અને ઘઉંની ખરીદી કરી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે 1.25 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની દાળ અને તેલીબિયાંની ખરીદી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે પહેલીવાર માછીમારોને ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ મળ્યું છે. પ્રાણીઓને રોગોથી બચાવવા માટે 50 કરોડ રસી આપવામાં આવી છે. ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડિજિટલ ક્ષેત્ર યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન કરી રહ્યું છે. સસ્તા મોબાઈલ ફોન અને સસ્તા ઈન્ટરનેટ ડેટા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ દુનિયાની સૌથી ઓછી કિંમતો છે, જેના કારણે દેશમાં રેકોર્ડ ઉત્પાદન અને નિકાસ જોવા મળી રહી છે.

    પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 1000 નવા વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે, જેનાથી પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને એન્જિનિયર્સની જરૂર પડશે, એટલે કે, ઉડ્ડયન ક્ષેત્ર ભારત માટે એક મોટી નવી તક બનીને આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું બજેટ વધીને 44 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં