“અહીં કોઈએ ગોળી નથી ચલાવી. તે (સિપાહી સૌરભ દેશવાલ) (Saurabh Deshwal Murder) પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યો છે અને હવે પોલીસ અમને હેરાન કરી રહી છે. શું અમે તમને ગુનેગારો જેવા લાગીએ છીએ?” આ શબ્દો છે ગાઝિયાબાદમાં આવેલ નાહલ ગામના મુસ્લિમોના, જ્યાં હિસ્ટ્રીશીટર કાદિરને પકડવા ગયેલા SOGના સિપાહી સૌરભ દેશવાલની ગુંડાઓએ ઘેરીને હત્યા કરી હતી.
આ ઘટના 25 મે, 2025ના રોજ નાહલ ગામમાં બની હતી. ઑપઇન્ડિયા આ ઘટના બાદ 28 મે, 2025ના રોજ નાહલ ગામ પહોંચ્યું. અહીં અમને કાદિરના કેટલાક પડોશીઓ મળ્યા, જેમની સાથે વાતચીત થઈ. કાદિરની ચાર માળની કોઠીથી લગભગ 300 મીટરના અંતરે આવેલા તમામ મકાનો પર તાળાં લાગેલાં છે.
અહીં રહેતા લોકો તેમના સંબંધીઓ કે પરિચિતોના ઘરે ચાલ્યા ગયા છે. ભલે કાદિરના કેટલાક પડોશીઓએ કેમેરા સામે પોલીસની કાર્યવાહીમાં મદદ કરવાની વાત કરી, પરંતુ હકીકત એ છે કે આખા બજારમાં સન્નાટો છવાયેલો છે.
કાદિરની કોઠીથી લગભગ 200 મીટર પહેલાં અમે અહીંની મસ્જિદના ઇમામનો સંપર્ક થયો. ઘટનાથી પોતાને અજાણ ગણાવતા ઇમામ મોહમ્મદ ફકરુદ્દીને કહ્યું, “હું બહારથી આવું છું અને અહીં દોઢ વર્ષથી મસ્જિદમાં રહીને નમાઝ પઢાવું છું, પરંતુ ઘટના બાદ લોકો મસ્જિદમાં આવતા નથી.” ઇમામે કહ્યું કે જે થયું તે ખોટું થયું.
નાહલ ગામની 90% વસ્તી મુસ્લિમ
ઑપઇન્ડિયા ત્યારબાદ હિસ્ટ્રીશીટર કાદિરની ચાર માળની કોઠીની બહાર પહોંચી. અહીં ભારે પોલીસ બળ તૈનાત હતું. કેટલાક પોલીસકર્મીઓ આરામ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક ગસ્ત કરી રહ્યા હતા. કેટલાક કોઠી સામે ખુરશીઓ પર બેઠા હતા.
આ દરમિયાન કોઠીની સામે એક વૃદ્ધ ફતેહ મોહમ્મદ મળ્યા. તેમણે જણાવ્યું કે તેઓ બજારમાં છોલે-ભટુરેની દુકાન ચલાવે છે, પરંતુ આ ઘટના બાદથી દુકાન બંધ છે. કાદિર વિશે પૂછતાં તેમણે કહ્યું કે અમે કાદિરને નથી ઓળખતા, પરંતુ આ ઘટનામાં અમે કોઈને દોષી નથી માનતા.
ફતેહ મોહમ્મદે કહ્યું કે હવે પોલીસ હેરાન કરી રહી છે. તેમણે દાવો કર્યો કે પોલીસ નિર્દોષ લોકોને ઘરેથી ઉઠાવી રહી છે. તેમણે જણાવ્યું કે ગામમાં 90% મુસ્લિમ અને 10% બિન-મુસ્લિમ વસ્તી છે. અહીં અમારી ટીમને ટોપી પહેરેલો એક મુસ્લિમ યુવક મળ્યો, જે બાઇક પર બેઠો હતો.
તેણે પણ ફતેહ મોહમ્મદના દાવાને દોહરાવ્યો અને કાદિરને ઓળખવાનો ઇનકાર કર્યો. ઑપઇન્ડિયાને અહીં ઇરફાન નામના એક વૃદ્ધ મળ્યા, જેમણે જણાવ્યું કે કાદિર તેમનો ભત્રીજો છે અને તેણે સાત દિવસ પહેલાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રિપોર્ટરના સવાલથી ભડક્યો કાદિરનો પડોશી દુકાનદાર
ઑપઇન્ડિયાને કાદિરનો એક પડોશી દુકાનદાર પણ મળ્યો. તેણે ઘટના વિશે જાણકારી હોવાનો ઇનકાર કર્યો, પરંતુ પોલીસ પર આરોપ લગાવ્યા. તેણે દાવો કર્યો કે સૌરભ દેશવાલ પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યો છે. તેણે કહ્યું, “સૌરભ પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યો, શું અમે રાત્રે ગોળીઓ લઈને બેઠા હતા?”
In Ghaziabad, locals from the Muslim community are spreading rumours over Constable Saurabh Deshwal's murder. When @Keshavmalan93 questioned them, some turned aggressive and even got physical. pic.twitter.com/Li9sHgQWs7
— OpIndia.com (@OpIndia_com) June 1, 2025
તેણે અમારી ટીમ સાથે દુર્વ્યવહાર કર્યો. દુકાનદારે સવાલોથી ચીડાઈને અમને ધક્કો માર્યો અને હિંસક થવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ અમે 15-20 લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટાભાગના લોકો પોતાને ઘટનાથી અજાણ ગણાવીને આરોપી કાદિર વિરુદ્ધ કંઈપણ બોલવાથી બચતા રહ્યા.
સૌરભ દેશવાલના ગામમાં સન્નાટો
નાહલ, ગાઝિયાબાદથી નીકળ્યા બાદ ઑપઇન્ડિયાની ટીમ શામલીના બધેવ ગામ પહોંચી, જે સૌરભ દેશવાલનું ગામ છે. ગામમાં ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. બપોરના સમયે ખાલી પડેલી ગામની ગલીઓ સૌરભના બલિદાનનો શોક મનાવતી દેખાઈ રહી હતી.
ગામનો દરેક વ્યક્તિ આ હત્યાથી સ્તબ્ધ હતો. અહીં અમે ગામની વચ્ચોવચ્ચ બનેલા સૌરભ દેશવાલના ઘરે પહોંચ્યા. ત્રણ માળના અધૂરા મકાનમાં 10-15 લોકો ગમગીન બેઠા હતા. તેમની વચ્ચે જૂનો કુર્તો પહેરેલા (જેના પર ડાઘ હતા) પિતા ઉત્તમ કુમાર બેઠા હતા.
ઉત્તમ કુમારની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. દુઃખમાં ડૂબેલા પિતાને જોઈને લાગતું હતું કે તેમને હજી સુધી એ વિશ્વાસ નથી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. પૂછવા પર તેઓ કહે છે કે તે ખૂબ બહાદુર હતો. તેમને યોગી સરકાર પાસેથી ન્યાયની આશા છે.
બાજુમાં ખાટલા પર બેઠેલા સૌરભના ફૂઈના દીકરાની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેને કહ્યું કે સૌરભ ખૂબ મિલનસાર અને બહાદુર હતો. સૌરભના પરિવારે જણાવ્યું કે તે પોતાનો સમય ગાયોની સેવામાં વિતાવતો હતો. અહીં બેઠેલા એક અન્ય સંબંધી ઈચ્છે છે કે કાદિરને પણ એ જ સજા મળે જે વિકાસ દુબે અને અતીક અહમદને મળી હતી.
ઘરની અંદર બેઠેલા સૌરભની માતા અને પત્નીની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ હતી. સૌરભનું પોતાનું કુટુંબ વસે તે પહેલાં ઉજડી ગયું. તેની પત્ની બેહોશ જેવી હતી. સૌરભના લગ્ન 2020માં થયા હતા. તેની પત્ની અને માતામાં બોલવાની હિંમત પણ ન હતી. ઑપઇન્ડિયાએ તેમની સાથે વાત ન કરી.
સૌરભના ઘરેથી પાછા ફરતી વખતે એક મહિલાએ કહ્યું કે બધા આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ અને કાદિરના ઘર પર બુલડોઝર ચલાવવું જોઈએ. તમે ઑપઇન્ડિયાની આ ગ્રાઉન્ડ રિપોર્ટ નીચેની લિંક પર જોઈ શકો છો.
નોંધનીય છે કે આ મામલે પોલીસે કાદિર, તેના ભાઈ આદિલ સહિત અનેક ગુનેગારોને પકડી લીધા છે. સૌરભ દેશવાલના પરિવારને 50 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જોકે, તેમનો પરિવાર કહે છે કે તેમને તેમનો દીકરો પાછો જોઈએ છે.
– અનુરાગ મિશ્રા સાથે
આ લેખ મૂળ હિન્દીમાં પ્રકાશિત થયેલ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.