Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશશું છે હરિયાણાના બે ચકચારી આપઘાત કેસ, જેનાથી વિવાદમાં સપડાયો પોલીસ વિભાગ:...

    શું છે હરિયાણાના બે ચકચારી આપઘાત કેસ, જેનાથી વિવાદમાં સપડાયો પોલીસ વિભાગ: IPS પૂરન કુમારનું મૃત્યુ, ASI સંદીપ કુમારની આત્મહત્યા, SIT તપાસ અને FIR– તમામ વિગતો

    આ બંને ઘટનાઓ જો બૃહદ દૃષ્ટિકોણથી જોઈએ તો ભારતની પોલીસ વ્યવસ્થાની સંસ્થાગત અને વર્ષો-દાયકાઓ જૂની સમસ્યા પણ ઉજાગર કરે છે. જાતિગત ભેદભાવ, ભ્રષ્ટાચાર અને રાજનીતિક દબાણના આરોપો દર્શાવે છે કે વ્યવસ્થામાં કેટલા અને કેવા ફેરફારો એ સમયની માગ છે.

    - Advertisement -

    15 ઓક્ટોબરે,ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ખાતે હરિયાણાના એક વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરન કુમારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. PGIMERના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે યોગ્ય પ્રક્રિયા અનુસાર મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર આ પ્રક્રિયા લગભગ ચાર કલાક ચાલી અને તેની સંપૂર્ણ વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે બેલિસ્ટિક અને ફોરેન્સિક નિષ્ણાતો પણ હાજર હતા.

    પોસ્ટમોર્ટમ બાદ મૃતક અધિકારીના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. IPS અધિકારી પૂરન કુમારે 7 ઑક્ટોબરના રોજ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી, જે ઘટના ત્યારથી સતત ચર્ચામાં છે અને રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે કુમારના પરિવારે સુસાઇડ નોટમાં જે અધિકારીઓનાં નામ આપ્યાં છે તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી ઓટોપ્સી માટે સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો. આખરે બુધવારે સવારે તેમના પરિવારે સંમતિ આપી. પૂરન કુમારનાં પત્ની અને વરિષ્ઠ IAS અધિકારી અમનીત પી. કુમારે લેખિત નિવેદનમાં જણાવ્યું કે ચંદીગઢ પોલીસે પરિવારને ન્યાયી અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે પુરાવાઓ જાળવવા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે સમયસર ઓટોપ્સી જરૂરી હતી.

    મૃતદેહ પરિવારને સોંપ્યા બાદ ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. બપોરે 4 વાગ્યા પછી સેક્ટર 25ના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. IPS અધિકારી પૂરન કુમાર આ કેસમાં આત્મહત્યા કરનાર એકમાત્ર અધિકારી ન હતા. આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કુમારે પણ આત્મહત્યા કરી, જેના કારણે હરિયાણા પોલીસ પર મોટું સંકટ ઉભું થયું છે. ASI સંદીપ કુમાર IPS કુમારના પર્સનલ સિક્યોરિટી ઓફિસર (PSO) સાથે સંબંધિત એક કેસની તપાસ કરી રહ્યા હતા.

    - Advertisement -

    કેસની શરૂઆત અને વર્તમાન સ્થિતિ

    માત્ર એક અઠવાડિયાના સમયમાં જ IPS પૂરન કુમાર અને ASI સંદીપ કુમારના મૃત્યુએ હરિયાણાના વહીવટી અને રાજકીય ક્ષેત્રને હચમચાવી દીધું છે. જ્યાં IPS અધિકારીના પરિવારે તેમના મૃત્યુનું કારણ જાતિગત ત્રાસ અને અપમાન ગણાવ્યું, ત્યાં ASIની સુસાઇડ નોટ અને વિડીયોમાં તે જ અધિકારી અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચાર, ખંડણી અને ગેંગસ્ટરો સાથેના સંબંધોના આરોપો લગાવવામાં આવ્યા છે.

    ચંદીગઢ IG પુષ્પેન્દ્ર કુમારની આગેવાની હેઠળ બંને આત્મહત્યાઓની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવામાં આવી છે. હરિયાણા પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) શત્રુજીત કપૂરને રજા પર મોકલી દેવામાં આવ્યા છે જ્યારે રોહતકના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ નરેન્દ્ર બિજરનિયાની બદલી કરવામાં આવી છે. IPS પૂરન કુમારે તેમની સુસાઇડ નોટમાં આ બંનેનાં નામનો ઉલ્લેખ કર્યો હતો.

    ઘટનાની શરૂઆત 29 સપ્ટેમ્બરે થઈ હતી. 2001ની બેચના IPS અધિકારી વાય. પૂરન કુમારની રોહતક રેન્જના ઇન્સ્પેક્ટર જનરલના પદેથી સુનારિયા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં બદલી કરવામાં આવી હતી. આ બદલી અચાનક અને પૂર્વ સૂચના વિના થઈ, જેનાથી 52 વર્ષીય અધિકારી નારાજ થયા. બીજા દિવસે તેમણે ચાર્જ સોંપી દીધો અને એક અઠવાડિયાની રજા લીધી હતી. અહેવાલો અનુસાર પરિવારે આરોપ લગાવ્યો કે અધિકારી અચાનક બદલીથી વ્યથિત હતા અને તેમને સાઈડ કર્યા હોવાનું વિચારી રહ્યા હતા.

    PSO સુશીલ કુમારની અટકાયત અને ત્યારબાદની FIR

    1 ઓક્ટોબરે, જ્યારે IPS પૂરન કુમાર તેમના પર્સનલ સિક્યોરિટી ઓફિસર (PSO) સુશીલ કુમાર સાથે રોહતકથી ચંદીગઢ જઈ રહ્યા હતા ત્યારે ASI સંદીપ કુમાર સહિતની રોહતક પોલીસ ટીમે તેમની કાર રોકી હતી. PSOને ઔપચારિક વૉરન્ટ કે FIR વિના અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જ્યારે પૂરન કુમારે વિરોધ કર્યો ત્યારે તેમને કથિત રીતે ધમકી આપવામાં આવી કે હવે તેમને નિશાન બનાવવામાં આવશે.

    PSO કથિત રીતે તેમની સર્વિસ રિવોલ્વર ગાડીમાં જ ભૂલી ગયા હતા. અહેવાલો અનુસાર આ જ રિવોલ્વરથી પૂરન કુમારે આત્મહત્યા કરી હતી. આરોપ લગાવવામાં આવ્યો કે PSOની ઘણા સમય સુધી ગેરકાયદે અટકાયતમાં રાખીને પૂછપરછ કરવામાં આવી અને ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમના વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ ખોટું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું. દાવા મુજબ પૂરન કુમારે DGP શત્રુજીત કપૂર અને SP નરેન્દ્ર બિજરનિયાને વારંવાર ફોન કર્યા, પરંતુ તેમની મદદની અપીલોનો કોઈ જવાબ મળ્યો નહોતો.

    6 ઑક્ટોબરે PSO વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એક FIR નોંધવામાં આવી હતી. FIRમાં તેમના પર એક ઉદ્યોગપતિ પાસેથી 2.5 લાખની માંગણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસની તપાસમાં ASI સંદીપ કુમાર સામેલ હતા અને તેમણે તેની સાથે જોડાયેલા ફોનની વિગતો મેળવી હતી. અધિકારીઓએ પાછળથી જણાવ્યું કે FIR ઇરાદાપૂર્વક નોંધવામાં આવી હતી જેથી IPS અધિકારીને આડકતરી રીતે જોડીને ધરપકડ કરવા માટે સરકારી મંજૂરીની જરૂર ન પડે.

    IPS વાય. પૂરન કુમારની આત્મહત્યા અને તેમની સ્યુસાઇડ નોટ

    7 ઑક્ટોબરે IPS પૂરન કુમારે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને PSOની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેમના ખિસ્સામાંથી આઠ પાનાંની સ્યુસાઇડ નોટ અને એક પાનાની વસિયત મળી હતી. નોટમાં લખ્યું હતું કે સતત ત્રાસ, અપમાન અને PSO વિરુદ્ધ ખોટા કેસને કારણે તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે. તેમણે DGP કપૂર અને રોહતક SP નરેન્દ્ર બિજરનિયા સહિત દસથી વધુ વરિષ્ઠ IPS અધિકારીઓનાં નામ આપ્યાં, જેમના પર તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

    જ્યારે આ ઘટના બની ત્યારે તેમની IAS અધિકારી પત્ની અવનીત પી. કુમાર મુખ્યમંત્રી નયાબ સૈનીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ સાથે જાપાનમાં સત્તાવાર ફરજ પર હતાં. તેઓ 8 ઑક્ટોબરે ચંદીગઢ પરત ફર્યાં અને નોટમાં નામ આપેલા અધિકારીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને જાતિગત ત્રાસનો આરોપ મૂકતી ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. તેમણે ધરપકડ ન થાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

    FIR ભારતીય ન્યાય સંહિતા અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવી, જેમાં પાછળથી અવનીતની વિનંતી પર કલમ 3(2)(v) ઉમેરવામાં આવી હતી.

    ઑપઇન્ડિયાએ આ મામલે નોંધાયેલી FIRની નકલ મેળવી છે. FIR ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 3(5) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(1)(r) હેઠળ નોંધવામાં આવી હતી. FIR ચંદીગઢના પોલીસ સ્ટેશન સેક્ટર 11માં મૃત IPS અધિકારી વાય. પૂરન કુમારની પત્ની IAS અધિકારી અવનીત પી. કુમારની ફરિયાદ પર નોંધાઈ છે. ફરિયાદમાં હરિયાણાના DGP શત્રુજીત સિંઘ કપૂર અને રોહતક SP નરેન્દ્ર બિજરનિયાને આરોપી તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. આરોપ છે કે આ બંને અધિકારીઓએ સતત ત્રાસ, અપમાન અને જાતિગત ભેદભાવ કરીને તેમના પતિને આત્મહત્યા કરવા ઉશ્કેર્યા હતા.

    આ FIR પૂરનના લેપટોપમાંથી મળેલ સ્યુસાઇડ નોટના આધારે નોધવામાં આવી હતી. આ નોટમાં વર્ષો સુધી કથિત ત્રાસ અને ભેદભાવની વિગતો હતી. FIR અનુસાર મૃત અધિકારી અને તેમની પત્નીએ વારંવાર જાતિગત અપમાન, સેવાના લાભોનો ઇનકાર, જાહેર અપમાન અને લક્ષિત વહીવટી કાર્યવાહીની ફરિયાદો ઉઠાવી હતી. FIRમાં જણાવાયું કે IPS અધિકારીએ તેમની પત્નીને જાણ કરી હતી કે DGPના આદેશ હેઠળ તેમના સ્ટાફના સભ્ય તેમને ભ્રષ્ટાચારના ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. તથા DGP અને રોહતક SPને કરેલા તેમના ફોનનો કોઈ જવાબ મળ્યો નહોતો. આરોપ હતો કે PSO વિરુદ્ધ ખોટી FIR ઇરાદાપૂર્વક નોંધવામાં આવી હતી જેથી IPS અધિકારીને આડકતરી રીતે જોડીને મંજૂરી વિના ધરપકડ કરી શકાય, જેના કારણે અધિકારી નિરાશ થયા હતા.

    ફરિયાદમાં વધુમાં આરોપ લગાવાયો કે DGPએ અધિકારીના એન્યુઅલ પરફોર્મન્સ રિપોર્ટમાં જાતિગત ટિપ્પણીઓ કરી હતી, નવેમ્બર 2023માં તેમનું સરકારી વાહન પરત ખેંચી લીધું હતું, ગોપનીય માહિતી મીડિયામાં લીક કરી હતી અને અનામી ફરિયાદોને માન આપીને તેમને જાહેરમાં અપમાનિત કર્યા હતા. એવો પણ આરોપ હતો કે SPએ DGP સાથે ષડયંત્ર રચીને અધિકારીની વારંવારની વિનંતીઓને અવગણી હતી. અવનીત કુમારે જણાવ્યું કે તેમના પતિને પોલીસ વિભાગમાં પદ્ધતિસર એકલા પાડવામાં આવ્યા, માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને બદનામ કરવામાં આવ્યા. આ બધી બાબતોના કારણે તેઓ આત્મહત્યા કરવા ઉશ્કેરાયા હતા. તેમણે આરોપી અધિકારીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી અને જણાવ્યું કે તેમના હોદ્દાઓના આધારે તેઓ સાક્ષીઓ કે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.

    FIR અનુસાર સ્યુસાઇડ નોટમાં IPS વાય. પૂરન કુમારે તેમના મૃત્યુ પહેલાં ઉઠાવેલા ગંભીર આરોપોની યાદી આપી હતી. જેમાં નીચેની બાબતો સામેલ હતી.

    1. 2020માં જ્યારે અંબાલામાં એક મંદિરમાં જવા બદલ તેમની મજાક ઉડાવવામાં આવી હતી ત્યારે તેમની સાથે જાતિ આધારિત ભેદભાવ શરૂ થયો હતો અને ત્યારબાદની પોસ્ટિંગ દરમિયાન પણ ચાલુ રહ્યો.
    2. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ખોટી બદલીઓ, મંજૂર રજાઓમાં વિલંબ અને 2015થી બાકી પ્રમોશન અને બાકી રકમનો ઇનકાર કરીને પદ્ધતિસર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
    3. તત્કાલીન DGP શત્રુઘ્ન કપૂર દ્વારા થતું વારંવાર અપમાન, તેમણે બનાવેલ એન્યુઅલ પરફોર્મન્સ રિપોર્ટમાં કથિત રીતે જાતિવાદી ટિપ્પણીઓ અને જાહેરમાં તેમને અપમાનિત કરવા માટે જારી કરેલ રિપોર્ટ.
    4. નવેમ્બર 2023માં તેમનું સત્તાવાર વાહન પાછું ખેંચી લેવું અને વ્યક્તિગત અસુવિધા ઊભી કરવા માટે વહીવટી પ્રક્રિયાઓમાં છેડછાડ કરવી.
    5. તેમને બદનામ કરવા માટે ખોટી અને અનામી ફરિયાદો ફેલાવવી અને મીડિયામાં ગુપ્ત પત્રવ્યવહાર લીક કરવો.
    6. પંચકુલામાં સરકારી રહેઠાણ અંગે IPS અધિકારી કલા રામચંદ્રન દ્વારા ખોટું સોગંદનામું દાખલ કરવું, કથિત રીતે તેમની સાથે ભેદભાવ કરવો.
    7. નિવારણ માટે સ્પષ્ટ ભલામણો હોવા છતાં એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) સહિત વરિષ્ઠ અમલદારોને સુપરત કરાયેલી ઔપચારિક ફરિયાદો અને રજૂઆતોની અવગણના.
    8. તેમના ગુપ્ત પત્રો અને રજૂઆતોનો ઇરાદાપૂર્વક ગેરઉપયોગ કરવો, સેવા નિયમો હેઠળ ફરજિયાત સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવું અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું.
    9. DGPના નિર્દેશો હેઠળ PSOને બનાવટી ભ્રષ્ટાચાર કેસમાં ખોટી રીતે ફસાવીને આડકતરી રીતે તેમની ધરપકડ કરવાનો આરોપ.
    10. ઔપચારિક રીતે શરૂ ન કરાયેલ આંતરિક શિસ્ત બાબતો વિશે મીડિયામાં લીક દ્વારા જાહેર અપમાન.

    સ્યુસાઇડ નોટમાં અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ હવે ન્યાયની રાહ જોઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતા અને સતત ઉત્પીડનના ડરથી, તેમની પાસે જીવન સમાપ્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે નોંધ્યું કે તેમની સામેનો દ્વેષ ‘તેમની સાથે જ સમાપ્ત થવો જોઈએ.’

    પોતાના નિવેદનમાં અવનીત કુમારે પોતાના પતિને પ્રામાણિક અધિકારી ગણાવીને કહ્યું કે વર્ષોથી જાતિ આધારિત ભેદભાવ અને વહીવટી ઉત્પીડન બાદ આત્મહત્યા કરવા તેઓ મજબૂર થયા. તેમનું મૃત્યુ કોઈ સ્વયંભૂ ઘટના નહોતી, પરંતુ શક્તિશાળી અધિકારીઓ દ્વારા સતત પૂર્વગ્રહ અને સત્તાવાર ગેરવર્તણૂકનું પરિણામ હતું, જેમણે તેમના હોદ્દાનો ઉપયોગ તેમને નિરાશ કરવા અને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે કર્યો હતો.

    લેપટોપ અને ફોરેન્સિક તપાસનો વિવાદ

    IPS અધિકારીના મૃત્યુ બાદ SITએ તેમની સ્યુસાઇડ નોટની સત્યતા ચકાસવા માટે ફોરેન્સિક તપાસ માટે તેમના સત્તાવાર લેપટોપના ઍક્સેસની માંગ કરી હતી. જોકે, અવનીત કુમારે જણાવ્યું હતું કે પોલીસે 10 ઑક્ટોબરે લેપટોપનું ઍક્સેસ મેળવ્યું હતું, પરંતુ ચાર કલાક પછી પણ ડિજિટલ હેશ જનરેટ કરી શક્યા ન હતા. SITને લખેલા પત્રમાં તેમણે તપાસકર્તાઓ પર તેમના સહયોગને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે વધુ વિશ્લેષણ પહેલાં લેપટોપ ડેટાની સુરક્ષિત કૉપી પૂરી પાડવામાં આવે. ત્યારબાદ ચંદીગઢ પોલીસે કોર્ટમાં અરજી દાખલ કરીને પરિવારને ફોરેન્સિક ઇમેજિંગ માટે લેપટોપ સોંપવાનો નિર્દેશ આપવાની વિનંતી કરી હતી.

    બીજી આત્મહત્યા અને ASI સંદીપ કુમાર દ્વારા આરોપો

    IPS અધિકારીના મૃત્યુના એક અઠવાડિયા પછી 14 ઑક્ટોબરના રોજ PSO કેસની તપાસ કરી રહેલા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કુમારે રોહતક-પાણીપત રોડ પર એક ખેતર પાસે કથિત રીતે પોતાને ગોળી મારી લીધી હતી. તેમના મૃતદેહ સાથે ચાર પાનાની હસ્તલિખિત નોટ અને છ મિનિટનો વિડીયો સંદેશ મળી આવ્યો હતો. નોટ અને વિડીયો બંનેમાં સંદીપ કુમારે મૃત IPS અધિકારી અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચાર, જાતીય ગેરવર્તણૂક અને સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

    તેમણે દાવો કર્યો હતો કે પૂરન કુમારે જાતિના રાજકારણ દ્વારા સિસ્ટમ સાથે છેડછાડ કરી હતી અને પ્રામાણિક અધિકારીઓને દૂર કરીને પોતાની ટીમ નિયુક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે IPS અધિકારીએ લાંચ લીધી હતી, મહિલા પોલીસ અધિકારીઓને બદલીની ધમકી આપીને હેરાન કર્યાં હતાં અને ગુંડાઓ સાથે પણ સંબંધો જાળવ્યા હતા.

    ASI સંદીપ કુમારની નોંધ અને વિડીયો

    મૃત્યુ પહેલાં રેકોર્ડ કરાયેલા એક વિડીયોમાં સંદીપ કુમારે પોતાને સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહના અનુયાયી ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે તેઓ ‘સત્ય માટે પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે IPS અધિકારીએ જેમ્સ મ્યુઝિકના માલિક ગેંગસ્ટર રાવ ઇન્દ્રજીતને હત્યાના આરોપથી બચાવવા માટે ₹50 કરોડનો સોદો કર્યો હતો. રાવ ઇન્દ્રજીત અમેરિકામાં હોવાનું કહેવાય છે અને હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલો હતો, જે હરિયાણામાં અનેક હિંસક ઘટનાઓમાં સંડોવાયેલો છે. આ ઘટનાઓમાં ગાયક ફાઝિલપુરિયા પર હુમલો અને યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પાસે ગોળીબારનો સમાવેશ થાય છે.

    સંદીપ કુમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રોહતકના IG તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી પૂરન કુમારે તેમની જાતિના પોલીસકર્મીઓને પસંદ કર્યા અને એક ભ્રષ્ટ ગેંગ બનાવી જે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવતી હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મહિલા અધિકારીઓને હેરાન કરવામાં આવતા હતા અને ઓફિસમાં ભ્રષ્ટાચાર વ્યાપક હતો. ASIએ DGP શત્રુઘ્ન કપૂર અને SP નરેન્દ્ર બિજર્નિયાને પ્રામાણિક અધિકારીઓ ગણાવતાં કહ્યું કે IPS અધિકારીના મૃત્યુ પછી તેમને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું કે તેઓ ‘સિસ્ટમને જાગૃત કરવા’ માટે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે.

    ગેંગસ્ટર રાવ ઈન્દ્રજીત અને કથિત ભ્રષ્ટાચારના સંબંધો

    સંદીપ કુમારે પોતાની નોટમાં આરોપ લગાવ્યો છે કે રાવ ઈન્દ્રજીતે પૂરન કુમારના કાર્યકાળ દરમિયાન તપાસ હેઠળના એક હત્યા કેસમાં પોતાનું નામ સાફ કરવા માટે ₹50 કરોડ ચૂકવ્યા હતા. તેમણે એક દારૂના વેપારીની સંડોવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેણે IPS અધિકારીના PSO પર ₹2.5 લાખની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

    ASI એ દાવો કર્યો હતો કે IPS અધિકારીએ આ જ ભ્રષ્ટાચારની ફરિયાદમાં ખુલાસાના ડરથી પોતાના પરિવારના રાજકીય અને અમલદારશાહી હિતોનું રક્ષણ કરવા માટે પોતાનો જીવ લઈ લીધો હતો. સંદીપ કુમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે અવનીત પી. કુમારનું IAS અધિકારી તરીકેનું પદ અને તેમના પરિવારના પ્રભાવે તેમને તપાસથી બચાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ‘હરિયાણામાં IAS અધિકારીઓ વ્યાપક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.’

    સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનાં પગલાં અને પુરાવા

    SIT IPS અધિકારીના ફોન કોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરી રહી છે જેથી નક્કી કરી શકાય કે તેમણે તેમના મૃત્યુ પહેલાં કોની સાથે વાત કરી હતી. SITએ હરિયાણા પોલીસને પત્ર લખીને રોહતકમાં કસ્ટડીમાં રહેલ PSO સુશીલ કુમાર સામે નોંધાયેલી FIRનો સંપૂર્ણ રેકોર્ડ માંગ્યો છે. ટીમ તેમની અટકાયત અને ધરપકડમાં સામેલ તમામ કર્મચારીઓની પૂછપરછ કરવા માંગે છે. SIT પહેલાથી જ આ કેસમાં સામેલ અધિકારીઓની પૂછપરછ કરી ચૂકી છે, જેમાં રોહતક ઓફિસ સાથે જોડાયેલા IGના રીડર શ્યામ સુંદર અને ASI સુનિલનો સમાવેશ થાય છે.

    શ્યામ સુંદર રજા પર હોવાનું કહેવાય છે અને ASI સુનિલને ભિવાની ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સંદીપ કુમારની પણ તેમના મૃત્યુના થોડા સમય પહેલા SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે IPS કુમારનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેમના લેપટોપનું ફોરેન્સિક વિશ્લેષણ એ નક્કી કરવા માટે મહત્વપૂર્ણ રહેશે કે તેમણે સ્યુસાઇડ નોટ લખી હતી કે નહીં અને કોઈ ડિજિટલ મેનીપ્યુલેશન થયું છે કે નહીં.

    રાજકીય પ્રતિક્રિયાઓ અને નિવેદનો

    આ મૃત્યુએ વ્યાપક રાજકીય ધ્યાન ખેંચ્યું છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પરિવાર સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેમની બધી માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે. તેમણે ખાતરી આપી કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ભલે તેમનો હોદ્દો ગમે તે હોય. તેમણે IPS અધિકારીના પરિવારને ‘પોતાના’ ગણાવ્યા હતા. રાજ્ય સરકારે કહ્યું છે કે કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રી નાયબ સૈનીએ આ ઘટનાને ‘અત્યંત દુઃખદ’ ગણાવી અને કહ્યું કે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે.

    કોંગ્રેસ પાર્ટીએ પણ હસ્તક્ષેપ કર્યો છે. કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચંદીગઢમાં પરિવાર સાથે મુલાકાત કરી અને હરિયાણા સરકારને ‘આ તમાશો બંધ કરવા’ અને સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત અધિકારીઓની ધરપકડ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ કેસ અમલદારશાહીમાં દલિત અધિકારીઓ સાથે થતા વ્યવસ્થિત ભેદભાવને પ્રતિબિંબિત કરે છે.

    વિરોધાભાસ અને વણઉકેલાયેલા પ્રશ્નો

    બંને અધિકારીઓનાં નિવેદનો વચ્ચે ઘણી વિસંગતતાઓ છે. IPS અધિકારીના પરિવારનો આરોપ છે કે તેમની આત્મહત્યા જાતિ આધારિત ઉત્પીડનને કારણે થઈ હતી, જ્યારે ASIની નોટ તેમને ભ્રષ્ટ અને ચાલાક ગણાવે છે. હવે સુસાઇડ નોટ્સ અને વિડીયો બંનેની સત્યતા, FIR દાખલ થાય તે પહેલાં PSOની અટકાયતની કાયદેસરતા અને PSOના હથિયારની કસ્ટડી તપાસના કેન્દ્રમાં છે. ચંદીગઢ પોલીસે પુષ્ટિ આપી છે કે IPS અધિકારીના કોલ રેકોર્ડનું વિશ્લેષણ શરૂ થઈ ગયું છે, પરંતુ ઘણા અધિકારીઓની હજુ સુધી ઔપચારિક પૂછપરછ કરવામાં આવી નથી.

    પોલીસ તંત્રમાં ઊંડો સડો જેને ભારત અવગણી શકે નહીં

    આ બંને ઘટનાઓ જો બૃહદ દૃષ્ટિકોણથી જોઈએ તો ભારતની પોલીસ વ્યવસ્થાની સંસ્થાગત અને વર્ષો-દાયકાઓ જૂની સમસ્યા પણ ઉજાગર કરે છે. જાતિગત ભેદભાવ, ભ્રષ્ટાચાર અને રાજનીતિક દબાણના આરોપો દર્શાવે છે કે વ્યવસ્થામાં કેટલા અને કેવા ફેરફારો એ સમયની માગ છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓ હેરાનગતિ અનુભવતા હોય કે નીચલા સ્તરના અધિકારીઓ નૈતિક રીતે તૂટી જતા હોય તો અનુશાસન અને વિશ્વાસની અછત તરફ પણ સંકેત આપે છે. આ ઘટનાઓ માત્ર હરિયાણા નહીં પરંતુ સમગ્ર દેશમાં પોલીસ વ્યવસ્થામાં સુધારા તરફ સંકેત આપે છે.

    આત્મહત્યા ગંભીર મામલો છે. આપ કે આપના કોઈ પરિચિત આવા તણાવ હેઠળ હો તો ભારત સરકારની 24*7 મેન્ટલ સપોર્ટ હેલ્પલાઈન telemanas.mohfw.gov.inની મુલાકાત લઈ શકાય છે, અથવા 14416 પર કૉલ પણ કરી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં