ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલી કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં સામાન્ય રીતે રોગોની સારવાર અને સંશોધન થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં ફેલાઈ રહેલા ઇસ્લામી કટ્ટરપંથના કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બન્યા છે. એક હિંદુ મહિલા ડૉક્ટરને ‘લવ જેહાદ’માં ફસાવીને ડૉ. રમીઝુદ્દીન દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનનો મામલો સામે આવ્યા બાદ કટ્ટરપંથીઓના આયોજનબદ્ધ કાવતરાના પડદા એક પછી એક ખુલી રહ્યા છે.
તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર રમીઝ મલિકની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ તપાસ દરમિયાન રમીઝના મોબાઈલમાંથી ધર્માંતરણ સંબંધિત શંકાસ્પદ ચેટ્સ મળી આવી છે. આ ઉપરાંત વિવાદિત કટ્ટરપંથી ઇસ્લામી ઝાકિર નાઈકના અનેક વિડીયો પણ તેના ફોનમાંથી મળી આવ્યા છે. પોલીસને શંકા છે કે રમીઝ આ વિડીયોના માધ્યમથી ધર્માંતરણનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.
ડેટા રિકવરી દરમિયાન જાણવા મળ્યું છે કે રમીઝના સંપર્કમાં માત્ર પીડિતા જ નહીં, પરંતુ અન્ય કેટલીક હિંદુ યુવતીઓ અને મહિલા ડૉક્ટરો પણ હતી. તેના મોબાઈલમાંથી કેટલીક વાંધાજનક (અશ્લીલ) તસવીરો પણ મળી આવી છે. પોલીસ હવે એ તમામ મહિલાઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે જેમના નામ રમીઝની ચેટ લિસ્ટમાં સામે આવ્યા છે.
આ ઉપરાંત રમીઝના બેંક ખાતાઓમાંથી ₹5થી 7 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યાં છે. આ પૈસા ક્યાંથી આવ્યા અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો, તેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા તમામ ચેટ રેકોર્ડ્સ અને ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે જેથી મજબૂત પુરાવા એકત્ર કરી શકાય. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે શું રમીઝ કોઈ મોટા ધર્માંતરણ રેકેટનો હિસ્સો છે કે કેમ.
નોંધનીય છે કે આ આખી ઘટનામાં પીડિત મહિલાઓનું માનસિક અને શારીરિક શોષણ છુપાયેલું છે. રમીઝ જેવા કટ્ટરપંથીઓ દ્વારા જે રીતે વ્યવસ્થિત રીતે જાળ પાથરવામાં આવી હતી તે એક ગંભીર ષડયંત્ર તરફ ઈશારો કરે છે. આ કિસ્સામાં એવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓને સપા (સમાજવાદી પાર્ટી) અને બસપા (બહુજન સમાજ પાર્ટી) જેવા રાજકીય પક્ષોનું પણ છૂપી રીતે સમર્થન કે સંરક્ષણ મળતું રહ્યું છે.
શું હતો સમગ્ર મામલો
આ ઘટનાનાં મૂળ પીલીભીતમાં રહેલાં છે. રમીઝુદ્દીન અને તેના અબ્બા સલીમુદ્દીન મૂળ પીલીભીતના રહેવાસી હતા. ત્યારબાદ સલીમુદ્દીન ખટીમા જઈને સ્થાયી થયો અને તેણે પોતાની અટક બદલીને ‘મલિક’ કરાઈ લીધી. ત્યાં જઈને તેણે એક હોમિયોપેથિક મેડિકલ સ્ટોર ખોલ્યો અને તેના માધ્યમથી જ મહિલાઓ સાથે નિકટતા વધારવાનું શરૂ કર્યું. સલીમુદ્દીને 4 હિંદુ મહિલાઓ સાથે નિકાહ કર્યા અને તેમને મુસ્લિમ બનવા માટે મજબૂર કરી.
અહેવાલ મુજબ સલીમુદ્દીન વાસ્તવમાં પીલીભીતના એક કાઝીના સંપર્કમાં હતો અને દેવબંધમાં તેની અવરજવર રહેતી હતી. પરિવારની અંદર મઝહબી કટ્ટરતા વધતી ગઈ અને એ જ હિંદુઓ પ્રત્યેની નફરત તેના પુત્ર રમીઝુદ્દીન સુધી પહોંચી ગઈ. રમીઝુદ્દીન ભણવામાં તેજસ્વી હતો. વર્ષ 2012માં તેની પસંદગી આગ્રા મેડિકલ કોલેજમાં થઈ અને અહીંથી જ આ આખી ઘટનાએ એક નવો વળાંક લીધો.
આગ્રા મેડિકલ કોલેજમાં ‘ઇસ્લામિક મેડિકોઝ મીટ’: ધર્માંતરણનું કેન્દ્ર
KGMUમાં ડૉક્ટર રહી ચૂકેલા ભૂપેન્દ્ર સિંહ જણાવે છે કે, આ વાત 2012ની છે જ્યારે રમીઝે આગ્રાની એસ.એન. મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ લીધો હતો. તે સમયે ઉત્તર પ્રદેશમાં સપાની (SP) સરકાર આવી ગઈ હતી અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકોની હિંમત વધી ગઈ હતી. આગ્રા મેડિકલ કોલેજમાં ‘ઇસ્લામિક મેડિકોઝ મીટ’ નામે બેઠકો યોજાવા લાગી હતી. આ બેઠકોમાં મૌલાનાઓ અને સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને શીખવતા હતા કે હિંદુ છોકરીઓ સાથે કેવી રીતે નિકટતા વધારવી. ‘ઇસ્લામિક મેડિકોઝ’ નામનું એક વોટ્સએપ ગ્રુપ પણ હતું, જેમાં આ તમામ કટ્ટરપંથીઓ જોડાયેલા હતા.
ડૉક્ટર ભૂપેન્દ્રએ વધુમાં જણાવ્યું કે, “તે કોલેજમાં અનેક મુસ્લિમ ડૉક્ટરોએ હિંદુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. રમીઝના પણ ચાર-પાંચ નજીકના મુસ્લિમ મિત્રો હતા, જેઓ આ જ વિચારધારા સાથે કામ કરી રહ્યા હતા. KGMUમાં પણ તેનો એક મિત્ર છેલ્લા એક વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં લાગેલો છે.”
રમીઝને તેના પરિવાર તરફથી પણ પૂરો સહયોગ મળતો હતો. તેના ડબ્બા સલીમુદ્દીન તેને ધર્માંતરણ માટે સતત પ્રેરિત કરતા રહેતા હતા. એટલું જ નહીં, રમીઝુદ્દીન છોકરીઓને પ્રભાવિત કરવા માટે તેના અબ્બાની પરવાનગીથી ‘અમેરિકન ગાંજો’ મંગાવતો હતો. ત્યારબાદ તે પોતાની સેક્સ પાવરને ‘અલ્લાહની રહેમત’ ગણાવીને છોકરીઓને ભરમાવતો હતો.
KGMUનું ઝાકિર નાઈક કનેક્શન
હવે આગ્રાથી પરત આવીએ KGMU પર. ડૉક્ટર ભૂપેન્દ્ર જણાવે છે કે, 2004ની આસપાસ KGMUમાં કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ ફરાર ઇસ્લામિક કટ્ટરપંથી ડૉ. ઝાકિર નાઈકના સંપર્કમાં આવ્યા હતા. ધીમેધીમે કેમ્પસના કેટલાક ભાગોમાં લાંબી દાઢી રાખવી અને હિજાબ પહેરવો સામાન્ય બનવા લાગ્યું. આ જ સમયગાળામાં ઝાકિર નાઈકની વિચારધારાથી પ્રભાવિત કટ્ટરપંથીઓ હિંદુ છોકરીઓને ફસાવવા લાગ્યા હતા. કહેવાય છે કે આમાં BDSના (ડેન્ટલ) વિદ્યાર્થીઓ વધુ સક્રિય હતા.
ડૉક્ટર ભૂપેન્દ્રએ કહ્યું કે, “સપા-બસપાના શાસનકાળ દરમિયાન આ લોકોની હિંમત વધી. ત્રણ-ચાર વર્ષમાં આ જ વિદ્યાર્થીઓ સિનિયર બન્યા અને પોતે મજહબી પ્રવચનો (તકરીર) આપવા લાગ્યા. આ ગેંગ 2011-12 સુધી સક્રિય રહી.” તે જ સમયે આગ્રામાં પણ ‘ઇસ્લામિક મેડિકોઝ મીટ’ના નામે મુસ્લિમ મેડિકલ વિદ્યાર્થીઓને એકઠા કરી તેમનું બ્રેઈનવોશ કરવાનું શરૂ કરાયું. આગ્રા મેડિકલ કોલેજમાં મુસ્લિમ ડૉક્ટરો અને હિંદુ છોકરીઓના નિકાહની પેટર્ન વધુ જોવા મળવા લાગી હતી.
એ સ્પષ્ટ નથી કે KGMU અને આગ્રાનાં આ જૂથો એકબીજા સાથે જોડાયેલાં હતાં કે અલગ-અલગ કામ કરી રહ્યાં હતાં, પરંતુ એટલું ચોક્કસ છે કે મેડિકલ કોલેજોમાં મૌલાનાઓની અવરજવર ધીમેધીમે સામાન્ય થઈ ગઈ. છેલ્લા એક વર્ષથી બસ્તી મેડિકલ કોલેજમાં પણ મૌલાનાઓ આવવા લાગ્યા છે.
બુલંદશહેર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એક HOD પર મેડિકલ સાયન્સ ભણાવતી વખતે ‘હદીસ’ના ઉદાહરણો આપવાનો આરોપ લાગ્યો હતો, જેમને પાછળથી સાથી ફેકલ્ટીએ સમજાવીને અટકાવ્યા હતા. બુલંદશહેરમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને કારણે નમાઝની વ્યવસ્થા કરવા માટે પ્રિન્સિપાલ પર દબાણ પણ કરવામાં આવ્યું હતું, જોકે વિરોધ બાદ તે શક્ય બન્યું નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ એક પૂર્વ મેડિકલ કોલેજ પ્રિન્સિપાલ, જેઓ હાલ પૂર્વાંચલની એક કોલેજમાં પ્રિન્સિપાલ છે, તેઓ પોતાના જ એક મુસ્લિમ વિદ્યાર્થી સાથે લિવ-ઈનમાં રહી રહ્યા છે. તેમણે પોતાના પતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે અને મામલો હાલ કોર્ટમાં છે.
KGMUમાં વર્ષોથી ચાલી રહ્યો છે ધર્માંતરણ અને લવ જેહાદનો ખેલ
ડૉ. ભૂપેન્દ્ર જણાવે છે કે આજથી આશરે 10-15 વર્ષ પહેલાં પણ KGMU ધર્માંતરણનું એક મોટું કેન્દ્ર બનેલું હતું. તે સમયે સપા-બસપાની સરકારો હતી અને આસપાસની મસ્જિદોમાંથી મૌલાનાઓ અવારનવાર કેમ્પસમાં આવતા-જતા રહેતા હતા. બાદમાં યોગી સરકાર આવ્યા પછી ઘણા સમય સુધી સ્થિતિ શાંત રહી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ ગઈ છે.
તેઓ વધુમાં જણાવે છે કેટલીક મુસ્લિમ નર્સો આયોજનબદ્ધ રીતે હિંદુ નર્સો અને મુસ્લિમ સ્ટાફ વચ્ચે મિત્રતા કરાવે છે. ધીમેધીમે વાત શારીરિક સંબંધો સુધી પહોંચાડવામાં આવે છે અને પછી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે. KGMUના ગાંધી વોર્ડમાં નર્સિંગ સ્ટાફની એક મહિલાનું ધર્માંતરણ કરાવીને નિકાહ કરાવાયા હતા. અન્ય એક કિસ્સામાં પણ ધર્માંતરણ થઈ ચૂક્યું છે અને નિકાહની તૈયારીઓ હોવાનું કહેવાય છે.
આ જ રીતે માઇક્રોબાયોલોજી વિભાગમાં પણ એક કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાને એક મોટી ઉંમરના મુસ્લિમ કર્મચારી દ્વારા પોતાના પ્રભાવમાં લેવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ સામે આવ્યો છે. કહેવાય છે કે રમીઝની ગેંગ સાથે જોડાયેલા લોકો પણ આવી જ પ્રવૃત્તિઓમાં સામેલ છે.
તાજેતરમાં જ KGMUના એક ઇન્ટર્ન ડૉક્ટર મોહમ્મદ આદિલ પર નર્સિંગની વિદ્યાર્થિની સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. અગાઉ તેના અનેક હિંદુ યુવતીઓ સાથે સંબંધો હતા, જેમને બાદમાં તેણે છોડી દીધી હતી અને એક નાની ઉંમરની મુસ્લિમ નર્સિંગ વિદ્યાર્થિનીની નિકટ જતો રહ્યો હતો.
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, VCથી લઈને પ્રોફેસર સુધી: KGMUમાં કટ્ટરપંથના અનેક ચહેરા
આ મામલો માત્ર વિદ્યાર્થીઓ કે જુનિયર ડૉક્ટરો પૂરતો મર્યાદિત નથી. આરોપ છે કે KGMUમાં નીચેથી ઉપર સુધી એટલે કે VCથી (કુલપતિ) લઈને પ્રોફેસર સ્તર સુધી આ કટ્ટર વિચારધારાની અસર જોવા મળી રહી છે. પીડિતો પર આ કટ્ટરપંથીઓ કેવી રીતે દબાણ લાવે છે, તેનું ઉદાહરણ ડૉ. રમીઝનો કિસ્સો છે.
જ્યારે પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પિતા તે જ દિવસે વિભાગના વડા (HOD) સુરેશ બાબુ પાસે પહોંચ્યા હતા. પરંતુ આરોપ છે કે વિભાગના બે કટ્ટર ફેકલ્ટી સભ્યો ડૉ.સુમાયરાકયૂમ અને ડૉ.વાહિદઅલીએ મીટિંગમાં સુરેશ બાબુ પર દબાણ બનાવ્યું. ત્યારબાદ સુરેશ બાબુએ અન્ય ડૉક્ટરોને કહી દીધું કે ‘છોકરી માનસિક રીતે અસ્થિર છે અને છોકરો સારો છે.’
રેસિડેન્ટ ડૉક્ટરો પર એવું લખવા માટે દબાણ કરવામાં આવ્યું કે ‘છોકરીની હાલત ઠીક નથી’, પરંતુ ડૉક્ટરોએ આવું લખવાનો ઇનકાર કરી દીધો. પીડિતાના પિતાએ લાચારીમાં માત્ર એટલું જ કહ્યું હતું કે તે છોકરો તેમની દીકરીની સામે ન આવવો જોઈએ. તેમણે ચીફ પ્રોક્ટરની પણ મુલાકાત કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહીં.
આરોપ છે કે સુમાયરા કયૂમ અને વાહિદ અલી સીધી રીતે તે વિદ્યાર્થીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે સમગ્ર યુનિવર્સિટી વહીવટીતંત્ર આ મામલાને ટાળતું રહ્યું હતું. બાદમાં જ્યારે હિંદુ સંગઠનોનું દબાણ વધ્યું ત્યારે કુલપતિએ પોતાના વિશ્વાસુ લોકોની એક સમિતિની રચના કરી.
આ જ રીતે પ્રશાસન પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. એવો આક્ષેપ છે કે KGMUના VC (VC) સોનિયા નિત્યાનંદે નિયમોને બાજુ પર રાખીને એક મુસ્લિમ કોન્ટ્રાક્ટ કર્મચારીને પોતાના સલાહકાર બનાવી દીધા અને તેને ખોટી રીતે કાયમી પદ તથા પેન્શન પણ અપાવી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે આ જ સલાહકાર VC કાર્યાલયમાં બેસીને મુસ્લિમ કર્મચારીઓને રક્ષણ આપે છે.
માહિતી મુજબ, ક્રિટિકલ કેર વિભાગમાં પણ સપા સરકારના સમયમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ફેકલ્ટીની નિમણૂક કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ વિભાગમાં દરરોજ કોઈને કોઈ નિયમ તોડવામાં આવે છે. એવો આરોપ છે કે જ્યારે હિંદુ વિભાગાધ્યક્ષ (HOD) ફરિયાદના પત્રો કુલપતિ કાર્યાલયમાં મોકલે છે ત્યારે પેલો સલાહકાર તે પત્રોને કચરાપેટીમાં ફેંકી દે છે.
બીજેપીના પ્રવક્તા અને વકીલ પ્રશાંત ઉમરાવે પણ KGMUની VC ઓફિસ મુસ્લિમ તરફી હોવાનો દાવો કર્યો છે. પ્રશાંતે લખ્યું છે કે, “KGMUની વાઈસ ચાન્સેલર ઓફિસ મુસ્લિમોના સમર્થનમાં લાગેલી છે. જેહાદના મામલા હોય કે કટ્ટરપંથના, તમામમાં વાઈસ ચાન્સેલરે ખૂબ જ ઢીલું વલણ અપનાવ્યું છે.”
તેમણે વધુમાં લખ્યું કે, “એવી પણ માહિતી મળી રહી છે કે યુનિવર્સિટીના ક્રિટિકલ કેર વિભાગમાં કેટલાક કટ્ટરપંથી ડૉક્ટરો યુનિવર્સિટીને જાણ કર્યા વગર વિદેશ પ્રવાસ કરી આવ્યા અને કેટલાક મધ્ય એશિયાના દેશોમાં ઈન્ટરવ્યુ પણ આપી આવ્યા. પરંતુ જ્યારે હિંદુ વિભાગાધ્યક્ષે કાર્યવાહી માટે પત્ર લખ્યો, તો તેને કચરા પેટીમાં નાખી દેવામાં આવ્યો અને વાઈસ ચાન્સેલર ઓફિસે આ લોકો પર વિશેષ દયા દૃષ્ટિ બનાવી રાખી છે.”
દિલ્હી બ્લાસ્ટના આરોપી સાથે લવ જેહાદી રમીઝનું કનેક્શન
ડૉ. રમીઝનું કનેક્શન દિલ્હીમાં લાલ કિલ્લાની બહાર થયેલા બૉમ્બ બ્લાસ્ટના કેસમાં ધરપકડ કરાયેલા ડૉ. પરવેઝ અંસારી સાથે હોવાનું પણ સામે આવ્યું છે. આ બંનેએ એસ.એન. મેડિકલ કોલેજમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થિનીઓને ફસાવીને ધર્માંતરણનું નેટવર્ક તૈયાર કર્યું હતું. આ બંને જેહાદીઓ હોસ્ટેલમાં સાથે રહેતા હતા અને બંનેએ મળીને હિંદુ છોકરીઓને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે સાથે મળીને એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં અનેક મૌલાનાઓને પણ જોડવામાં આવ્યા હતા. જે પણ નવો મુસ્લિમ વિદ્યાર્થી કોલેજમાં આવતો, તેને આ લોકો પોતાના ગ્રુપમાં સામેલ કરી લેતા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, ધર્માંતરણના હેતુથી મેડિકલ વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરો પહેલા પોતાની સાથી વિદ્યાર્થિનીઓ સાથે મિત્રતા કરતા હતા. તેઓ તેમની દરેક ગતિવિધિ પર નજર રાખતા અને લેક્ચરથી લઈને લાઈબ્રેરી સુધી સતત તેમની સાથે રહેતા. ધીમેધીમે નિકટતા વધાર્યા બાદ તેમની વાંધાજનક વિડીયો ક્લિપ્સ બનાવી લેવામાં આવતી અને પછી તેના જ આધારે ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. એવું કહેવાય છે કે આ પદ્ધતિથી અનેક વિદ્યાર્થિનીઓ તેમની જાળમાં ફસાઈ ગઈ હતી.
જ્યારે KGMUમાં મજાર બની હતી
KGMUમાં સામે આવેલો લવ જેહાદનો આ કિસ્સો કોઈ અપવાદ નથી. આ સંસ્થા અગાઉ પણ કટ્ટરપંથ સાથે જોડાયેલા વિવાદોનું કેન્દ્ર રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ આવો જ એક ગંભીર મામલો સામે આવ્યો હતો, જ્યારે કેમ્પસમાં બનેલી એક ગેરકાયદેસર મજારને હટાવવાની કામગીરી હિંસામાં ફેરવાઈ ગઈ હતી.
વાસ્તવમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના નેત્ર વિભાગની (Ophthalmology Dept) પાછળ એક મજાર બનાવી દેવામાં આવી હતી, જેની આસપાસ ધીમેધીમે ગેરકાયદેસર વસાહત અને પાન-બીડી સહિતની અનેક અનધિકૃત દુકાનો ઊભી થઈ ગઈ હતી. વહીવટીતંત્ર દ્વારા આ અતિક્રમણ હટાવવા માટે ઘણી વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અતિક્રમણકારોએ જગ્યા ખાલી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે 26 એપ્રિલ 2025ના રોજ KGMU વહીવટીતંત્રે પોલીસ સાથે મળીને ગેરકાયદેસર કબજો હટાવવાની કાર્યવાહી શરૂ કરી. જેવી મજાર તોડવાની પ્રક્રિયા આગળ વધી ત્યાં હાજર ભીડે અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે હુમલાખોરોએ એક ડૉક્ટરને પકડી લીધા, જેના કારણે સમગ્ર કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી.
KGMUમાં આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે કેમ્પસની અંદર ગેરકાયદેસર અતિક્રમણ અને કટ્ટરપંથ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ સમયાંતરે કાયદો અને વ્યવસ્થા માટે પડકાર બનતી રહી છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, KGMUની આ વાર્તા કોઈ એક આરોપી કે એક ઘટનાની નથી. આ વર્ષોથી ચાલી રહેલી એ ગંદી અને સંગઠિત રમતની પરતો ખોલે છે, જેમાં લવ જેહાદ, ધર્માંતરણ, સંસ્થાગત સંરક્ષણ અને રાજકીય છૂપી સહાય એકસાથે જોવા મળે છે. જે મેડિકલ યુનિવર્સિટીનું કામ લોકોના જીવ બચાવવાનું છે, જો તે જ કટ્ટરપંથીઓનો અડ્ડો બની જાય તો તે સમાજ અને દેશ માટે ગંભીર ખતરો છે. વારંવાર સામે આવેલા કિસ્સાઓએ સાબિત કરી દીધું છે કે આ સમસ્યા ઉપરછલ્લી નથી પરંતુ મૂળ સુધી ફેલાયેલી છે.
યોગી સરકાર આ સમગ્ર મામલે ગંભીર છે અને પોલીસ તપાસમાં લાગેલી છે. આગામી સમયમાં વધુ નામો, ચહેરાઓ અને કડીઓ સામે આવશે. કટ્ટરપંથના આ ‘કેન્સર’ની જો સમયસર સર્જરી કરવામાં નહીં આવે તો તે આખી સિસ્ટમને ખોખલી કરી નાખશે. તેની સર્જરી જેટલી જલ્દી અને જેટલી કડક હશે, તેટલું જ ઉત્તર પ્રદેશ અને દેશના સ્વાસ્થ્ય માટે સારું રહેશે.


