હોમપેજગુજરાતગેરકાયદેસર ટ્રાન્સફરના કિસ્સામાં ખેડૂતોને 3 મહિનામાં જમીન પરત અને નાના વેપારીઓને રજિસ્ટ્રેશનમાંથી...

ગેરકાયદેસર ટ્રાન્સફરના કિસ્સામાં ખેડૂતોને 3 મહિનામાં જમીન પરત અને નાના વેપારીઓને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ: ગુજરાત વિધાનસભામાં પસાર થયેલાં બે બિલમાં શું છે?– સમજો

બજેટ સત્રમાં સરકારે બે બિલ પસાર કર્યાં. ખેતી અને વ્યાપાર સંબંધિત બિલોમાં સુધારા થયા.

- Advertisement -

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર 2026માં બે અત્યંત મહત્વપૂર્ણ અને ખેડૂતો તેમજ શ્રમયોગીઓ-વેપારીઓ માટે સુધારા બિલો પસાર થયાં છે. આ સુધારાઓ રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનના હક્કનું ઝડપી રક્ષણ આપશે અને શ્રમ ક્ષેત્રમાં આધુનિક લવચીકતા તેમજ મહિલા સશક્તિકરણને વેગ આપશે.

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949માં સુધારા

ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949ની કલમ 75 અને 75(એ)માં મોટા સુધારા સૂચવતું બિલ પસાર કર્યું છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરાયેલ આ બિલ ગૃહમાં સર્વાનુમતે મંજૂર થયું છે.

મંત્રીએ આ બિલને રાજ્યના ખેડૂતોના હિતોનું મજબૂત રક્ષણ કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “આ સુધારાથી જમીન વ્યવહારોમાં કાયદાકીય સ્પષ્ટતા આવશે અને ગેરકાયદેસર જમીન તબદીલી પર અસરકારક અંકુશ આવશે. ગેરકાયદેસર વેચાયેલી જમીન હવે માત્ર ત્રણ મહિનામાં મૂળ ખાતેદાર ખેડૂતને પરત મળશે.”

- Advertisement -

રાજ્યમાં હાલ ત્રણ અલગ-અલગ ગણોત કાયદાઓ અમલમાં છે.

  1. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-1948
  2. સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949
  3. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-1958

હવે આ આ સુધારા દ્વારા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અન્ય કાયદાઓ સાથે એકરૂપતા લાવવામાં આવી છે. હાલની વ્યવસ્થામાં કલમ-75 હેઠળ અનઅધિકૃત કબજો ખાલી કરાવવાની જોગવાઈ હતી, પરંતુ ગેરકાયદેસર તબદીલી માટે પુનઃસ્થાપન અને સરકાર હસ્તક નિહિત કરવાની સ્પષ્ટ પ્રક્રિયા નહોતી. કલમ-75(એ)માં બિનખેડૂત દ્વારા જમીન ખરીદવા પર જંત્રી કિંમતની ત્રણ ગણી દંડની જોગવાઈ હતી, પરંતુ દંડ ચૂકવવાની કોઈ સમયમર્યાદા નહોતી, જેથી ખેડૂતને જમીન પાછી મળવામાં વર્ષો લાગતાં હતાં.

નવા સુધારા હેઠળ મુખ્ય જોગવાઈઓ

આ કાયદો મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીની જમીનને રક્ષણ આપે છે. હવે નવા સુધારાથી ગેરકાયદેસર વેચાયેલી જમીન પર ઝડપથી કાર્યવાહી થશે. જો કોઈ જમીન ખોટી રીતે જેમ કે બિનખેડૂતને અથવા કાયદા વિરુદ્ધ વેચાઈ ગઈ હોય તો જિલ્લા કલેક્ટર આપમેળે તપાસ કરી શકે છે અથવા ખેડૂતે અરજી કરે તો તપાસ શરૂ થાય છે. તપાસમાં જો વેચાણ ગેરકાયદેસર જણાય તો કલેક્ટર માત્ર 3 મહિનાની અંદર જમીનને અસલી ખેડૂત એટલે કે મૂળ માલિકને પાછી આપવાનો આદેશ આપશે. ઉદાહરણ તરીકે જો કોઈની જમીન કોઈ બિનખેડૂતને ખોટી રીતે વેચાઈ ગઈ હોય તો તપાસ પછીના 3 મહિનામાં જ જમીન તેના વાસ્તવિક માલિકને પાછી મળી જશે.

જો 3 મહિનામાં જમીન પાછી ન આપવામાં આવે તો જમીન સરકારની થઈ જશે અને ખેડૂત પર કોઈ દેવું રહેશે નહીં. સરકાર તે જમીનને પછી શાળા, હોસ્પિટલ, રસ્તા જેવાં જાહેર કામો માટે વાપરી શકશે. જો ખેડૂત ન હોય તેવી વ્યક્તિ કે કંપનીએ ખેતીની જમીન ખરીદી હોય તો તેમને જમીનની હાલની જંત્રી કિંમતની 3 ગણી રકમ દંડ તરીકે માત્ર 1 મહિનામાં ભરવી પડશે. સાથે જ જમીનને અસલી ખેડૂતને પાછી આપવી પડશે. જો જમીનની જંત્રી કિંમત 10 લાખ રૂપિયા હોય તો બિનખેડૂતને 30 લાખ રૂપિયા દંડ ભરવો પડશે તથા જમીન પાછી આપવી પડશે. જો દંડ ન ભરે અથવા જમીન ન પાછી આપે તો જમીન સરકારની થઈ જશે.

આ સુધારાથી ગેરકાયદેસર વ્યવહારો પર અંકુશ આવશે, ખેડૂતોને ઝડપી ન્યાય મળશે અને વહીવટી એકરૂપતા સ્થાપિત થશે. જમીન ખેડૂત માટે માત્ર સંપત્તિ નહીં, પરંતુ આજીવિકાનો આધાર છે– આ સુધારો તેના રક્ષણમાં મોટું પગલું છે.

શ્રમ ક્ષેત્રમાં આધુનિક અને મહિલા-કેન્દ્રિત સુધારા: ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) બિલ

વિધાનસભાએ ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019માં સુધારા બિલ પણ સર્વાનુમતે પસાર કર્યું છે. આ બિલ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ સુધારા આધુનિક સમયની જરૂરિયાતો, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને મહિલા સશક્તિકરણને અનુરૂપ છે.

આ કાયદો દુકાનો, ઓફિસ, હોટેલ વગેરેમાં કામ કરતા લોકોના કામના કલાકો, રજિસ્ટ્રેશન અને સુરક્ષા વિશે છે. હવે નવા સુધારાથી વેપારને સરળ બનાવવામાં આવ્યો છે અને મહિલાઓને વધુ તકો મળશે. પહેલાં 10 કે તેથી વધુ કામદારોવાળી દુકાનોને રજિસ્ટ્રેશન કરવું પડતું હતું. હવે 20 કે તેથી વધુ કામદારોવાળી દુકાનો/સંસ્થાઓને જ રજિસ્ટ્રેશન કરવું પડશે. 20થી ઓછા કામદારોવાળી નાની દુકાનો, સ્ટાર્ટ-અપ્સ, નાના વેપારીઓને રજિસ્ટ્રેશનની જરૂર નથી– માત્ર ઓનલાઇન જાણ કરવાની રહેશે.

આ ઉપરાંત દરરોજ કામ કરવાના કલાકો 9થી વધારીને 10 કલાક કરાયા છે. એક સમયે સતત કામ કરવાના કલાકોમાં પણ 5થી વધારીને 6 કલાક કરવામાં આવ્યા છે. ઓવરટાઇમ (વધારાનું કામ) ત્રણ મહિનામાં 125થી વધારીને 144 કલાક કરાયા છે. જેનાથી દુકાનમાં ગ્રાહક વધુ આવે તો કર્મચારી 10 કલાક કામ કરી શકશે અને વધુ ઓવરટાઇમ કરીને વધુ કમાઈ કરી શકશે.

આ ઉપરાંત મહિલાઓને રાત્રિ 9 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ માલિકો મહિલાની સંમતિથી જ 9 વાગ્યા સુધી કામ કરાવી શકે છે. જો મહિલા 9 વાગ્યા સુધી કામ કરવા તૈયાર હોય તો માલિકે તેને આરામ કરવા માટે અલગ રૂમ (રેસ્ટ રૂમ), રાત્રે ઘરે લઈ જવા-લાવવાની વ્યવસ્થા (પિક-અપ અને ડ્રોપ), અલગ શૌચાલય, જાતીય સતામણીથી સંપૂર્ણ રક્ષણ અને મહિલાની ગરિમા અને સલામતીની ખાતરી પણ આપવી પડશે.

આ દરમિયાન મંત્રીએ કહ્યું કે આ સુધારાથી ઉત્પાદકતા વધશે, ગ્રાહક સુવિધા સુધરશે, નાના વેપારીઓને રાહત મળશે અને મહિલાઓની રોજગાર તકો વધશે. તેમણે કહ્યું કે આ ‘વિકસિત ભારત @2047’ અને ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ના વિઝન અનુરૂપ છે. આ બંને બિલો ગુજરાતને વધુ પ્રગતિશીલ, ન્યાયપૂર્ણ અને સમાવેશી બનાવશે. તેમણે જણાવ્યું કે આનાથી ખેડૂતોના હક્કો સુરક્ષિત થશે, શ્રમ ક્ષેત્રમાં લવચીકતા આવશે અને રાજ્યનો આર્થિક વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં