Thursday, July 18, 2024
More
  હોમપેજગુજરાતરસ્તા પરથી પસાર થઈ રહી હતી વાન, દરવાજો ખૂલી જતાં બે બાળકો...

  રસ્તા પરથી પસાર થઈ રહી હતી વાન, દરવાજો ખૂલી જતાં બે બાળકો નીચે પટકાયાં: વડોદરાનો વિડીયો વાયરલ, વાહનચાલક-માલિક બંને વિરુદ્ધ ફરિયાદ

  ગત 19 જૂનના રોજ વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનનો પાછળનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. દરવાજો ખુલી જતાં પાછળ બેઠેલી બે બાળકી રોડ પર પટકાઈ હતી. જેનો વિડીયો પછીથી વાયરલ થયો.

  - Advertisement -

  વડોદરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં શહેરની એક સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતાં બે બાળકો રસ્તા પર પટકાતાં જોવા મળે છે. જોકે સદનસીબે બેમાંથી એક પણ બાળકને ગંભીર ઈજા નહોતી પહોંચી. આ આખી ઘટના નજીકમાં લાગેલા એક ઘરના CCTVમાં કેદ થઈ ગઈ. હાલ આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતાં તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. પોલીસે વાનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે તો તેની પાસે ગાડી ચલાવવા માટે પાકું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે.

  મળતી માહિતી અનુસાર, ગત 19 જૂનના રોજ વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનનો પાછળનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. દરવાજો ખુલી જતાં પાછળ બેઠેલી બે બાળકી રોડ પર પટકાઈ હતી. બાળકીઓના પટકાતાં જ અન્ય બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. બીજી તરફ જે ઘરની નજીક બાળકીઓ પટકાઈ, તે ઘરના રહેવાસીઓ પણ બહાર દોડી આવ્યા હતા. લોકોએ બંને બાળકીઓને ઉઠાવીને સાઈડમાં બેસાડી હતી. પાછળ જ અન્ય બાળકો અને વાનચાલક પણ વાનમાંથી દોડી આવ્યા હતા.

  આ સમગ્ર ઘટના નજીકના એક ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ કલરની ઇકો ગાડી કેટલાક વિદ્યાર્થીઓને ઉતારીને સોસાયટીમાંથી પૂરપાટ પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક ગાડીનો પાછળનો દરવાજો ખુલી જાય છે અને તેમાંથી બે બાળકીઓ રસ્તા પર પટકાય છે. બાળકોને રસ્તા પર પટકાતાં જોઇને આસપાસના લોકો દોડી આવે છે અને તેમને ઉભા કરીને નજીકના ઘરમાં લઈ જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટનામાં બંનેમાંથી એક પણ બાળકીને ગંભીર ઈજા નથી પહોંચી. બંનેને સામાન્ય ઈજાઓ થઈ છે.

  - Advertisement -

  શાળા અને વાલીઓ બંને તકેદારી રાખે: પ્રફુલ પાનસેરિયા

  બીજી તરફ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે જે પણ ઘટનાઓ સામે આવી રહી છે, તેના પર પગલાં લેવાની અમારી ફરજમાં તો આવે જ છે. આ ઘટનામાં બાદ હું વિનંતી કરું છું કે બાળકોના વાલીઓ જાગૃત થાય, શાળાઓ દ્વારા વાહન મૂકવામાં આવે છે તે લોકો પણ કાળજી રાખે કે તેઓ જે વાહન ચલાવી રહ્યા છે તેમાં આઠ-દસ બાળકો નથી પરંતુ તેમના વાલીઓનું સર્વસ્વ છે. ગાડીઓ અને ગાડી ચલાવનાર બંને વ્યવસ્થિત રાખવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે શાળાઓ અને વાલીઓ તમામે તકેદારી રાખવી જોઈએ.

  ડ્રાઈવર પાસે કાચું લાઈસન્સ: મકરપુરા પોલીસ

  ઘટનામાં વાનચાલક યુવક પાસે પાકું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસે વાન માલિક અને વાનચાલક બંનેને રાઉન્ડઅપ કરી લીધા હતા. મકરપુરા પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, “ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે બાળકીઓ બેગ સાથે પટકાઈ હતી. ઘટનાની તપાસ કરતાં તે મકરપુરા તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીની હોવાનું સામે આવ્યું હતું.”

  વડોદરા પોલીસે જણાવ્યું કે “વિડીયો ગત 19 જૂન 2024નો હોવાનું પણ સામે આવ્યું છે. ઇકો ચાલકની ઉમર 23 વર્ષ છે અને તેની પાસે લર્નિંગ લાઈસન્સ છે. વાનચાલક અને વાનના માલિક વિરુદ્ધ IPCની કલમ 279 અને 336 અંતર્ગત તેમજ મોટર વ્હીકલ એક્ટ સંબંધિત કલમો અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં