હોમપેજગુજરાતકચ્છ: નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ...

કચ્છ: નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ, હિંદુ સંગઠનોની કાયદેસર કાર્યવાહીની માંગ

મામલો 11 ફેબ્રુઆરીનો છે. નખત્રાણાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની વર્ગખંડમાં હનુમાન ચાલીસાની પુસ્તિકા લઈને બેઠી હતી. દરમ્યાન શિક્ષિકાએ આવીને પુસ્તિકા ઝૂંટવી લીધી અને નીચે ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

- Advertisement -

કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક મુસ્લિમ શિક્ષિકાએ એક વિદ્યાર્થિની પાસેથી હનુમાન ચાલીસા ઝૂંટવી લઈને ફેંકી દેવાનો મામલો સામે આવ્યા બાદ આ મામલે વિવાદ સર્જાયો છે. હિંદુ સંગઠનો અને વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ શાળાએ શિક્ષિકાને ફરજમુક્ત કરી દીધાં હતાં, પરંતુ માંગ એ કરવામાં આવી રહી છે કે શાળા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરે. પરંતુ શાળા ગમે તે રીતે મામલા પર પૂર્ણવિરામ મૂકવા માંગી રહી છે.

મામલો 11 ફેબ્રુઆરીનો છે. કચ્છના નખત્રાણાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની વર્ગખંડમાં હનુમાન ચાલીસાની પુસ્તિકા લઈને બેઠી હતી. દરમ્યાન શિક્ષિકાએ આવીને પુસ્તિકા ઝૂંટવી લીધી અને નીચે ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છે કે જ્યારે તેમણે વર્ગખંડમાં જઈને પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે શિક્ષિકાએ વિદ્યાર્થિનીને ઠપકો આપીને હિંદુ ધર્મ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ પણ કરી હતી. ઉપરાંત આરોપ એ પણ છે કે ઘટના બાદ શિક્ષિકાએ વિદ્યાર્થિનીને ટોર્ચર કરીને શાળામાં જ એક વિડીયો પણ બનાવડાવ્યો હતો અને તેમાં તેની પાસે બોલાવડાવ્યું હતું કે શાળામાં આવી કોઈ ઘટના બની નથી.

- Advertisement -

આ મામલે પછીથી વિશ્વ હિંદુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે શાળાએ જઈને વિરોધ નોંધાવ્યો હતો અને એક આવેદનપત્ર શિક્ષણાધિકારીને પણ પાઠવીને શાળા વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી.

સંગઠનો અને વાલીઓના ઉગ્ર વિરોધ બાદ સેન્ટ ઝેવિયર્સ શાળાએ શિક્ષિકાને ફરજમુક્ત કરી દીધી હતી. પરંતુ સંગઠનોની માંગણી છે કે ઘટના શાળા પરિસરમાં બની હોવાથી આ મામલે શાળા આગળ આવીને કાયદેસરની કાર્યવાહી કરે.

શું કહી રહ્યાં છે સંગઠનો?

વિશ્વ હિંદુ પરિષદના કચ્છના વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “શાળાએ શરૂઆતમાં મુદ્દાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ભૂતકાળમાં પણ આ પ્રકારની નાની-મોટી ઘટનાઓ બની હતી પરંતુ કોઈને કોઈ રીતે શાળા બહાર આવવા દેતી ન હતી. આ વખતે પણ વિદ્યાર્થિની પાસે એક વિડીયો બનાવડાવીને તેને અને વાલીઓને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને બાળકનું ભવિષ્ય બગડી જશે તેવી ચીમકી આપીને મામલાને દબાવી દેવાયો પ્રયાસ થયો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજ બહાર આવી જતાં આખરે શાળાએ પગલાં લેવાની ફરજ પડી.”

ચંદુભાઈ અનુસાર સ્કૂલ અગાઉ પણ અમુક બાબતોને લઈને વિવાદમાં સપડાઈ ચૂકી છે. થોડા સમય પહેલાં શાળાનો એક શિક્ષક બાળકોને સ્પોર્ટ્સ એકેડમીમાં લઈ જવાનું કહીને તેમની પાસેથી પૈસા ઉઘરાવીને ફરાર થઈ ગયો હતો, જે મામલે પણ પોલીસ કાર્યવાહી થઈ હતી.

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓનું કહેવું છે કે નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે અને મિશનરીના લોકો અંતરિયાળ વિસ્તારોમાં જઈને લોકોને ધર્માંતરણ કરવા માટે ઉશ્કેરતા રહે છે. આ બધા વચ્ચે વિસ્તારની જ મિશનરી શાળામાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગણી છે.

શાળા શું કહી રહી છે?

આ મામલે જ્યારે ઑપઇન્ડિયાએ શાળાનો સંપર્ક કર્યો તો તેમણે શિક્ષિકાને ફરજમુક્ત કરી હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ હિંદુ સંગઠનો અને વાલીઓની કાયદેસરની કાર્યવાહીની માંગ પર કારણ આપવામાં આવ્યું કે શિક્ષિકા હવે શાળાનો ભાગ જ નથી તો કાર્યવાહી કરવા માટે શાળા બંધાયેલી નથી. ઉપરાંત શિક્ષિકાએ ધર્મ પર અપમાનજનક ટિપ્પણી કરી હોવાના આરોપોને એમ કહીને નકારવામાં આવ્યા કે શિક્ષિકા ગણિત-વિજ્ઞાનના વિષયો ભણાવતી હતી, તેમાં ધાર્મિક બાબતો ન આવે. જોકે હિંદુ સંગઠનો અનુસાર બાળકોનું કહેવું છે કે વિદ્યાર્થિની પાસેથી હનુમાન ચાલીસા ઝૂંટવતી વખતે શિક્ષિકાએ ટિપ્પણીઓ કરી હતી.

હાલ શાળાએ શિક્ષિકાને ફરજમુક્ત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે, પણ સંગઠનો-વાલીઓ માગ કરી રહ્યા છે કે આ મુદ્દે કાયદેસર કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે અને ફરીથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને વિદ્યાર્થીઓ-વાલીઓની ધાર્મિક ભાવનાઓનું સન્માન થાય તેની કાળજી રાખવામાં આવે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં