Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્યભરમાં મોરબીની દુર્ઘટનાનો શોક: મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઠેરઠેર સભાઓ યોજાઈ, તિરંગો અડધી...

    રાજ્યભરમાં મોરબીની દુર્ઘટનાનો શોક: મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઠેરઠેર સભાઓ યોજાઈ, તિરંગો અડધી કાઠીએ ફરકાવાયો

    રાજકોટ, વડોદરા, સુરત, જામનગર વગેરે મોટાં શહેરો તેમજ અન્ય નાનાં શહેરોમાં પણ મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે આજે (2 નવેમ્બર 2022) રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે રાજ્યભરમાં શોકસભા યોજી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 

    આજે સવારે અમદાવાદ ખાતે મહાનગરપાલિકા દ્વારા શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. સીએમ પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી દિવગંતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ ઉમેર્યું હતું કે, દુઃખના આ સમયમાં સમગ્ર ગુજરાત મોરબીના મૃતકોના પરિવારજનોની પડખે છે. 

    આ ઉપરાંત પણ અન્ય અનેક સ્થળોએ શાંતિપ્રાર્થના યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શાંતિ પ્રાર્થનામાં હાજર રહ્યા હતા અને મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જ્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ભાવનગર ખાતેની શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા હતા. 

    - Advertisement -

    આ સિવાય રાજકોટ, વડોદરા,  સુરત, જામનગર વગેરે મોટાં શહેરો તેમજ અન્ય નાનાં શહેરોમાં પણ મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    બીજી તરફ, રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હોવાના કારણે સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓ પર લાગેલા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યા હતા. શહેરોની કોર્પોરેશન કચેરીઓ, જિલ્લાનની કલેક્ટર કચેરીઓથી માંડીને તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરક્યો હતો. બીજી તરફ, કોઈ પણ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. 

    ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબર (રવિવાર) રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પરના સેંકડો લોકો પાણીમાં પટકાયા હતા. ત્યારબાદ રાહત-બચાવ કાર્ય તો શરૂ કરી દેવામાં આવ્યું હતું અને અનેક લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા, પરંતુ 135 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. 

    આ પુલ અંગ્રેજ શાસનના સમયમાં બન્યો હતો, જેનું રિનોવેશન કરવાનું કામ ‘ઓરેવા’ને સોંપવામાં આવ્યું હતું. ઘટના બાદ પોલીસે FIR દાખલ કરીને 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં ઓરેવાના મેનેજરો, કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકો, ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ સામેલ છે. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે ચાર આરોપીઓને પોલીસ રિમાન્ડ પર જ્યારે બાકીના પાંચને જેલમાં મોકલી આપ્યા હતા. આ મામલે સરકારે એક સમિતિની પણ રચના કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં