Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી દુર્ઘટના: આરોપીઓના કેસ ન લડવાનો વકીલોનો નિર્ણય, 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર,...

    મોરબી દુર્ઘટના: આરોપીઓના કેસ ન લડવાનો વકીલોનો નિર્ણય, 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર, પાંચ જેલમાં ધકેલાયા

    મોરબી અને રાજકોટ બાર એસોશિએશન દ્વારા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો, વકીલોએ મૌન રેલી કાઢી.

    - Advertisement -

    મોરબીની પુલ તૂટવાની દુર્ઘટના બાદ એક તરફ સરકારે તપાસ સમિતિ રચી છે તો બીજી તરફ સ્થાનિક પોલીસે FIR નોંધીને આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે આગળની કાયદાકીય કાર્યવાહી માટે કેસમાં આરોપીઓના કેસ ન લડવાનો મોરબી અને રાજકોટના વકીલોએ નિર્ણય લીધો છે. 

    રાજકોટ અને મોરબીના બાર એસોસિએશન દ્વારા એક પ્રસ્તાવ પાસ કરીને મોરબી દુર્ઘટનાના આરોપીઓના કેસ ન લડવા માટેનો અને કોર્ટમાં તેમનો પક્ષ ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ, આજે દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીના વકીલોએ કોર્ટ કચેરીથી ઝૂલતા પુલ સુધી મૌન રેલી કાઢી હતી. 

    દુર્ઘટના મામલે કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમને આજે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 આરોપીઓને 5 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી 2 ઓરેવા કંપનીના મેનેજરો છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ રિપેરિંગનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો હતો એ કંપનીના સંચાલકો છે.

    - Advertisement -

    30 ઓક્ટોબરના રોજ દુર્ઘટના ઘટ્યા બાદ 31 ઓક્ટોબરના રોજ આ મામલે એક FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. 

    પોલીસે ઓરેવા કંપનીના બે મેનેજરો અને રિપેરિંગ કોન્ટ્રાક્ટ કંપનીનું સંચાલન કરતા પિતા-પુત્રના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, કોર્ટે 5 નવેમ્બર શનિવારે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ક્લાર્કને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવ્યા છે. 

    આ કેસમાં ઓરેવા કંપનીના બે મેનેજરો દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ ક્લાર્ક મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી, સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ તેમજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર દેવાંગ અને પ્રકાશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. 

    ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબરની સાંજે મોરબીની મચ્છુ નદી ઉપર આવેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટના બાદ સરકારે સમિતિ બનાવીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ તપાસ પણ ચાલી રહી છે. પીએમ મોદીએ પણ ગઈકાલે મોરબીની મુલાકાત લઈને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં