Saturday, April 20, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતના મોઢેરાને પ્રધાનમંત્રી ઘોષિત કરશે ભારતનું પ્રથમ 24x7 સૌર ઉર્જાથી ચાલતું 'સોલાર...

    ગુજરાતના મોઢેરાને પ્રધાનમંત્રી ઘોષિત કરશે ભારતનું પ્રથમ 24×7 સૌર ઉર્જાથી ચાલતું ‘સોલાર વિલેજ’: ઘરોમાં વીજળીનું બિલ આવે છે શૂન્ય

    ગુજરાતના મોઢેરાનો ઉલ્લેખ થતાં જ સૂર્ય મંદિરની છબી ધ્યાનમાં આવે છે. મોઢેરાની આ ઓળખ 2022માં નવી ઊંચાઈ પામવા જઈ રહી છે. PM મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને દેશના પ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર કરશે. ગામની તમામ કામગીરી અને સૂર્ય મંદિરની તમામ પ્રવૃત્તિઓ સૌર ઉર્જાથી પ્રકાશિત થશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (9 ઓક્ટોબર) ગુજરાતના મોઢેરા ગામને, જે ચાલુક્ય શાસન દરમિયાન બનેલા સદીઓ જૂના સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે, દેશનું પ્રથમ 24×7 સૌર ઊર્જા સંચાલિત ‘સોલાર વિલેજ’ જાહેર કરવાના છે. પીએમ મોદી ગામમાં ₹3,900 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવાના છે.

    આધુનિક સમયમાં વિશ્વ વિખ્યાત મોઢેરાને નવી ઓળખ આપવા માટે સરકારે રૂ. 80.66 કરોડનો ખર્ચ કર્યો છે. મોઢેરાને સોલાર વિલેજ બનાવવા માટે સુજાનપુરા, મહેસાણા ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સૌર ઉર્જા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. તે સૂર્ય મંદિરથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મોઢેરાને ચોવીસ કલાક સોલાર પાવર આધારિત પાવર પ્રદાન કરે છે.

    આ પ્રોજેક્ટને ‘સોલરાઇઝેશન ઓફ મોઢેરા સૂર્ય મંદિર અને નગર’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીન ફાળવી છે. આજે પ્રધાનમંત્રી મોદી અહીં કાર્યક્રમમાં આવવાના છે.

    - Advertisement -

    ગામમાં દરેક ઘર પર રૂફટોપ

    મોઢેરાના તમામ 1300 ઘરો, જે સૌર ઉર્જાથી ચાલે છે, દરેકમાં એક કિલોવોટની ક્ષમતા સાથે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાઈ છે. આ સૌર પેનલ દ્વારા દિવસ દરમિયાન અને સાંજે BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે.

    મોઢેરાનું સૂર્ય મંદિર પણ સૂરજની શક્તિથી ઝળહળે છે

    વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરનું સૌર ઉર્જાથી ચાલતું 3-ડી પ્રોજેક્શન પ્રવાસીઓને મોઢેરાના સમૃદ્ધ ઇતિહાસની સમજ આપશે. આ 3D પ્રોજેક્શન દરરોજ સાંજે 7 થી 7.30 સુધી ઓપરેટ કરવામાં આવનાર છે.

    આ ઉપરાંત મંદિરના બ્યુટિફિકેશન તરીકે તેના પરિસરમાં સૌર ઉર્જાથી ચાલતી હેરિટેજ લાઇટિંગ પણ લગાવવામાં આવી છે. દર્શકો દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ મોહક લાઇટિંગનો આનંદ માણી શકે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે જેથી તેઓ મોઢેરા પહોંચ્યા પછી એક અલગ અનુભવ કરી શકે છે.

    ગામના દરેક ઘરમાં વીજળીનું બિલ શૂન્ય

    ગુજરાતની આ સફળતા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને ખુશી છે કે ગુજરાતે ફરી એકવાર સ્વચ્છ અને ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. અમે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી દ્વારા ભારતની 50% ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવાના વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

    બીજી તરફ મોઢેરા ગામના સરપંચ જતનબેન ડી ઠાકોર જણાવે છે કે “કેન્દ્ર-રાજ્યના આ પ્રોજેક્ટથી અમે ગ્રામીણ લોકો ખૂબ જ ખુશ છીએ. અગાઉ અમારું વીજળીનું બિલ 1 હજાર રૂપિયાની આસપાસ આવતું હતું પરંતુ હવે તે લગભગ શૂન્ય થઈ ગયું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં