Monday, May 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુઓને ધર્માંતરિત કરવા ગયેલા કેજરીવાલના મંત્રીનું ‘પરાક્રમ’ પોસ્ટરે ચડીને પોકારી ઉઠ્યું, ગુજરાતમાં...

  હિંદુઓને ધર્માંતરિત કરવા ગયેલા કેજરીવાલના મંત્રીનું ‘પરાક્રમ’ પોસ્ટરે ચડીને પોકારી ઉઠ્યું, ગુજરાતમાં ઠેરઠેર પોસ્ટરો લાગ્યાં: ફરી હિંદુ ધર્મ પ્રત્યે કેજરીવાલનાં બેવડાં ધોરણો ખુલ્લાં પડ્યાં

  કેજરીવાલ અને તેમના નેતાઓ ગુજરાતમાં આવીને હિંદુઓને રીઝવવાના ભરપૂર પ્રયાસો કરતા હોવા છતાં દિલ્હીમાં તેમના નેતાઓ પાર્ટીનો સાચો ચહેરો રજૂ કરી જ દે છે.

  - Advertisement -

  દિલ્હીમાં હજારો હિંદુઓનું ધર્માંતરણ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં કેજરીવાલના મંત્રીએ હાજરી આપ્યા બાદ અને સ્ટેજ પર ચડીને ‘હિંદુવિરોધી’ શપથ લીધા બાદ મુદ્દો ચર્ચામાં છે ત્યારે હવે ગુજરાતનાં વિવિધ શહેરોમાં ઠેકઠેકાણે કેજરીવાલનાં પોસ્ટરો લાગ્યાં છે. જેમાં કેજરીવાલની તસ્વીરો સાથે લખાણો લખવામાં આવ્યાં છે. 

  રાજકોટ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં આ પ્રકારનાં પોસ્ટરો જોવા મળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીરોમાં જોઈ શકાય છે કે બેનરોમાં અરવિંદ કેજરીવાલનાં માથે ટોપી પહેરેલા ફોટા સાથે ‘હું હિંદુ ધર્મને પાગલપન માનું છું, ‘હું શ્રાદ્ધ ક્રિયા કે પિંડદાન કરીશ નહીં’ અને ‘હું રામ-કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં’ જેવાં લખાણો લખવામાં આવ્યાં છે. 

  આ બેનરો ગઈકાલની એક વિવાદાસ્પદ ઘટના બાદ લગાવવામાં આવ્યાં છે, જેમાં દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ હિંદુઓ માટેના ધર્માંતરણ કાર્યક્રમમાં કેજરીવાલના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્રપાલ ગૌતમ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં તમામ હિંદુઓને દેવતાઓને ઈશ્વર ન માનવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી

  - Advertisement -

  આ ઉપરાંત, કેજરીવાલના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો અન્ય એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ આખા ભારતને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કરવાની અને 2025 સુધી 10 કરોડ હિંદુઓને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કરવાની વાત કરતા જોવા મળે છે. 

  અરવિંદ કેજરીવાલના મંત્રીનો આ વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. કારણ કે એક તરફ સામી ગુજરાત વિધાનસભા ચૂંટણીએ અરવિંદ કેજરીવાલ અને તેમની મંડળીના નેતાઓ પોતાને સવાયા હિંદુ દર્શાવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે અને ‘ટેમ્પલ રન’ શરૂ કર્યું છે, ત્યાં બીજી તરફ દિલ્હીમાં તેમના જ મંત્રી સ્ટેજ પર ચડીને હજારો હિંદુઓને ધર્માંતરિત કરાવવા માટેની શપથ લેતા જોવા મળ્યા છે. 

  ‘આપ’નાં બેવડાં ધોરણો પર સવાલો

  આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના બેવડાં ધોરણો પર પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે એક તરફ કેજરીવાલ અને તેમના નેતાઓ ગુજરાત આવીને મંદિરે-મંદિરે ફરી રહ્યા છે અને હિંદુઓને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ તેમની જ પાર્ટીના નેતા આ પ્રકારના હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં જઈને ‘હિંદુવિરોધી’ શપથ લેતા જોવા મળી રહ્યા છે. 

  ગુજરાત ચૂંટણી પહેલાં લગભગ દર દસ દિવસે ગુજરાત આવતા કેજરીવાલ સોમનાથ મહાદેવ મંદિરથી માંડીને દ્વારકાધીશના પણ દર્શન કરી આવ્યા છે. ઉપરાંત, ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે ‘ટેમ્પલ રન’ કરી રહ્યા છે. પરંતુ, આ બંને નેતાઓએ પણ ભૂતકાળમાં અનેક વખત હિંદુ આસ્થાઓ-પરંપરાઓની મજાક ઉડાડવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. 

  કેજરીવાલ ભૂતકાળમાં રામમંદિર વિશે વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે તો સ્વસ્તિક અને હનુમાનજીનું પણ અપમાન કરી ચૂક્યા છે. તેમની નાનીને ટાંકીને તેમણે કહ્યું હતું કે, કોઈની મસ્જિદ તોડીને રામ મંદિરમાં બિરાજમાન થઇ શકતા નથી. પરંતુ હવે તેમણે આ બધું મૂકીને હિંદુવાદી દેખાવા માટે ગુજરાત ભણી દોટ મૂકી છે. 

  બીજી તરફ, ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ ભૂતકાળમાં કથાઓમાં તાળી પાડનારાઓને હિજડા ગણાવી ચૂક્યા છે, તેમજ હિંદુ સાધુ-સંતો વિશે પણ ઘસાતું બોલી ચૂક્યા છે. પરંતુ હવે તેમણે એ બધું મૂકી દઈને ચૂંટણી સામે સનાતની દેખાવાનું શરૂ કર્યું છે. 

  જોકે, કેજરીવાલ અને તેમના નેતાઓ ગુજરાતમાં આવીને હિંદુઓને રીઝવવાના ભરપૂર પ્રયાસો કરતા હોવા છતાં દિલ્હીમાં તેમના નેતાઓ પાર્ટીનો સાચો ચહેરો રજૂ કરી જ દે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં