દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) છેલ્લા ઘણા સમયથી અતિક્રમણને હટાવવા માટે બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) ચાલી હતી. સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા તમામ મજહબી બાંધકામોને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા હતા. તેમાં અનેક મસ્જિદો, દરગાહો અને અન્ય પણ ઘણા મજહબી બાંધકામો સામેલ હતા. પરંતુ આ મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન બેટ દ્વારકામાં ઘાસના મેદાનોમાં છુપાયેલું, દટાયેલું એક નાનું હનુમાનજીનું મંદિર (Hanuman Temple) પણ મળી આવ્યું હતું. સ્થાનિકોએ કહ્યું હતું કે, મુસ્લિમ અતિક્રમણ વધતાં મંદિર બંધ કરી દેવાયું હતું. જોકે, હવે ગુજરાત પોલીસે ફરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરાવી છે.
जय बजरंगबली!! https://t.co/Z4oZ3TkTLM pic.twitter.com/tybTdFAfr8
— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2025
વિગતે વાત કરીએ તો બુલડોઝર કાર્યવાહી ચાલી રહી હતી અને તે દરમિયાન ઘાસના મોટા-મોટા જંગલોમાં એક દટાયેલું મંદિર દેખાયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે મંદિર હનુમાનજીનું હતું અને 150 વર્ષ પહેલાં ત્યાં હિંદુઓ પૂજાપાઠ કરતા હતા. અધિકારીઓએ સ્થાનિકોને પૂછતાં સામે આવ્યું હતું કે, મુસ્લિમોના ગેરકાયદે અતિક્રમણ અને અત્યાચારના કારણે મંદિરનું પતન થયું હતું અને તેને ત્યજી દેવાયું હતું. તેમાં રહેલી પૌરાણિક હનુમાનજીની મૂર્તિને પણ અન્ય મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસે મંદિરનું કરાવ્યું પુનઃનિર્માણ
ઘટનાનું સત્ય સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ આગળ આવે છે અને મંદિરના પુનઃનિર્માણની જવાબદારી ઉપાડી લે છે. જર્જરિત થયેલા તે મંદિરને ફરી મજબૂત બનાવવામાં આવે છે અને તેનું પુનઃનિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ હનુમાન જન્મોત્સવના (12 એપ્રિલ) પવિત્ર દિવસે સ્થાનાંતરિત કરાયેલી તે જ પ્રાચીન હનુમાનજીની મૂર્તિને પરત મંદિરમાં લાવવામાં આવે છે અને વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરીને મંદિરને હિંદુઓ માટે ખુલ્લુ મૂકવામાં આવે છે.
ગુજરાત પોલીસની આ કામગીરીની પ્રશંસા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું છે કે, ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ ફરીથી જીવંત થઈ રહ્યો છે. આ મંદિર બેટ દ્વારકાના બાલાપર ગામમાં ખૂલ્યું છે અને સ્થાનિકો હવે ત્યાં દર્શન-પૂજા કરવા પણ જઈ શકે છે.
નોંધનીય છે કે, બાલાપર ગામ ખાતે દરિયા કિનારે 12 ગેરકાયદેસર મજહબી દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાદ હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી અને તે જમીન પરના દબાણો વક્ફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. દાવા બાદ હાઇકોર્ટે તમામ દલીલો ફગાવી દીધી હતી. ત્યારપછી જઈને ગુજરાત સરકારના બુલડોઝર દ્વારકા પહોંચ્યા હતા અને તમામ મજહબી બાંધકામોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા.