Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતભારે વરસાદ વચ્ચે CM પટેલે યોજી સમીક્ષા બેઠક, સરકારના 2 મંત્રીઓ પહોંચ્યા...

    ભારે વરસાદ વચ્ચે CM પટેલે યોજી સમીક્ષા બેઠક, સરકારના 2 મંત્રીઓ પહોંચ્યા વડોદરા: રાહત-બચાવ કામગીરી સતત ચાલુ; 29 ઑગસ્ટે કચ્છ-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

    બુધવારે (28 ઑગસ્ટ) રાજ્ય સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચી ગયા હતા. અહીં મંત્રીઓએ શહેરમાં ટ્રક પર ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત, અધિકારીઓ સાથે બેઠક કરીને શહેરની હાલની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી.

    - Advertisement -

    પાછલા 4 દિવસોથી ગુજરાત ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. વડોદરા, જામનગર સહિતનાં શહેરોમાં ઠેકઠેકાણે પાણી ભરાયાં છે તો રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ખાસ્સું નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જેઓ ફસાયા હતા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. રાજ્યમાં NDRF-SDRFની ટીમો તહેનાત છે અને ખડેપગે છે. જોકે, હવે ધીમેધીમે જનજીવન સામાન્ય થવાના અણસાર છે, કારણ કે 29 ઑગસ્ટ માટે હવે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ રેડ એલર્ટ યથાવત રહેશે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સમીક્ષા બેઠક યોજી હતી.

    વડોદરામાં વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરનાં પાણી શહેરમાં ફરી વળ્યાં હતાં અને તેના કારણે શહેરના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. કાલાઘોડા બ્રિજથી માંડીને અન્ય પૉશ વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરમાં ઘણા વિસ્તારો એવા છે, જ્યાં એક માળ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ સ્થિતિ કપરી બની હતી, ત્યારબાદ અમુકનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. વડોદરાની આસપાસનાં અમુક ગામોમાં પણ પાણી ભરાયાં હતાં.

    2 મંત્રીઓ વડોદરા પહોંચ્યા

    સ્થિતિ જોઈને બુધવારે (28 ઑગસ્ટ) રાજ્ય સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચી ગયા હતા. અહીં મંત્રીઓએ શહેરમાં ટ્રક પર ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત, અધિકારીઓ સાથે બેઠક કરીને શહેરની હાલની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી અને રાજ્ય સરકાર તેમાં શું કરી શકે તે જાણ્યું. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “હાલમાં રાહત અને બચાવની કામગીરીને રાજ્ય સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે આર્મીની ત્રણ કંપનીઓ અને એનડીઆરએફ તથા એસડીઆરએફની વધુ ટુકડીઓ જરૂરી સંસાધનો દ્વારા વડોદરા મોકલવામાં આવી છે. જરૂરિયાત ના હોય તેવા નજીકના જિલ્લામાંથી પણ એનડીઆરએફને બોલાવવામાં આવી છે. આ કારણે બચાવની કામગીરી વધુ ઝડપથી થઇ શકશે.” 

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું હતું કે, “વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. 1200થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા એક લાખથી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.” 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી બેઠક

    બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહેલી બચાવ કામગીરીની સમીક્ષા માટે એક બેઠક યોજી હતી. બેઠકમાં વડોદરા શહેર તથા જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી સમગ્ર બેઠક અંગે માહિતી આપી હતી.

    બેઠકમાં CMને જણાવવામાં આવ્યું કે, પૂરમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ, પાણીના પાઉચ અને દવાઓ પહોંચાડવા માટે સરકાર કામ કરી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ સુવિધાને પણ ફરીથી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવાની ચર્ચા કરવામાં આવી હતી. જંતુનાશક દવાઓનો છંટકાવ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટેના ઉપાયો પણ સરકાર તાત્કાલિક ધોરણે શરૂ કરશે તેમ જણાવવામાં આવ્યું છે. 29 ઑગસ્ટથી આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

    કચ્છ-સૌરાષ્ટ્રમાં 29મીએ રેડ એલર્ટ

    ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન 29 ઑગસ્ટની સવાર સુધીમાં પાકિસ્તાન તરફ આગળ વધશે. બીજી તરફ, 29મીએ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવે કોઇ ચેતવણી નથી, જેથી વડોદરા શહેરને હવે રાહત મળશે તેમ જણાય રહ્યું છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની શક્યતા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં