Sunday, July 14, 2024
More
  હોમપેજરાજકારણગુજરાતમાં મોદી લહેર હજુ પણ યથાવત, સરવેમાં 26/26 બેઠકો ભાજપને મળવાનું અનુમાન:...

  ગુજરાતમાં મોદી લહેર હજુ પણ યથાવત, સરવેમાં 26/26 બેઠકો ભાજપને મળવાનું અનુમાન: 68% લોકોને ‘400 પાર’નો વિશ્વાસ, કોંગ્રેસના પુનરાગમનની કોઇ આશા નહીં

  સરવેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગુજરાતમાં મોદીલહેર યથાવત છે. સરવેમાં 26માંથી 26 બેઠકો ભાજપને ફાળે જશે તેવી પ્રબળ સંભાવના પણ દેખાઈ રહી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસને લઈને ગુજરાતીઓ સ્પષ્ટ થઈ ચૂક્યા છે કે, કોંગ્રેસ હવે પોતાના પગ પર ઊભી રહી શકશે નહીં.

  - Advertisement -

  લોકસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર બે દિવસ બાકી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. 7 મે, 2024ના રોજ ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. તેવામાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. ન્યૂઝ ચેનલોના સરવે પણ સામે આવી રહ્યા છે. ત્યારે ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ ચેનલે પણ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના લોકોનો મિજાજ જાણ્યો છે. સરવેમાં 26માંથી 26 બેઠક ભાજપને ફાળે જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

  ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ ચેનલે લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજ્યના લોકોનો મત જાણવાના પ્રયાસરૂપે સરવે હાથ ધર્યો હતો. 26 લોકસભા બેઠક પર લગભગ 3000 લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાં રાજકારણમાં અવારનવાર ચર્ચાતા રહેલા પાંચ મુદ્દાઓને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ સરવેથી જાણી શકાયું છે કે, પાંચ મોટા મુદ્દાઓ પર મોદી ભારે પડી રહ્યા છે. ગુજરાતની પહેલી અને છેલ્લી પસંદ મોદી છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 26માંથી 26 લોકસભા બેઠકો આ વખતે ભાજપને ફાળે જશે.

  ગુજરાતના ચાર ઝોનમાં શું છે સ્થિતિ?

  ગુજરાતના રાજકારણમાં આ વખતે અનેક વિવાદો પણ ઊભા થયા છે. એક તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપને ‘દેખાડી દેવા’ માંગે છે તો બીજી તરફ સરવેમાં ભાજપ 26 બેઠકો સાથે અવ્વલ આવતું દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા જેવી સીટો પર સોશિયલ મીડિયામાં ટક્કર જોવા મળી રહી છે, પરંતુ સરવે અનુસાર, ભાજપ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આ વખતે પણ ગુજરાતમાં મોદી લહેર દેખાઈ રહી છે. સરવેમાં 26/26 બેઠકો ભાજપને ફાળે જાય તેવું અનુમાન થઈ રહ્યું છે.

  - Advertisement -

  સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મતદાતાઓનો શું છે મિજાજ?

  લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું સ્થિતિ છે, તે વિશેની સરવેમાં વાત કરવામાં આવી છે. સરવેનો પ્રથમ સવાલ છે કે, ભાજપ 400 બેઠકો પાર કરશે કે કેમ? જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મતદાતા ખૂબ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ઝોનના 71% મતદાતાઓને વિશ્વાસ છે કે, ભાજપ આ વખતે 400 બેઠકો પાર કરશે. જ્યારે 29% લોકો કહી રહ્યા છે કે, 400 પાર ન પણ જઈ શકે.

  સરવેનો બીજો સવાલ હતો મોંઘવારીને લઈને. સૌરાષ્ટ્ર-કચ્છના 69% મતદાતાઓ અનુસાર, થોડી મોંઘવારી વધી છે, જ્યારે 31% લોકો કહી રહ્યા છે કે, મોંઘવારી વધી નથી. ત્યારબાદ સરવેનો ત્રીજો સવાલ રોજગારીને લઈને હતો. લોકોને પૂછવામાં આવ્યું હતું કે, વેપાર-ધંધા અને રોજગારી વધી છે કે કેમ? સવાલને લઈને કચ્છ-સૌરાષ્ટ્રના 58% લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે, રોજગારી વધી છે, જ્યારે 43% લોકોને લાગી રહ્યું છે કે, રોજગારી વધી નથી.

  આ સાથે જ મહત્વપૂર્ણ સવાલ એ પણ પૂછવામાં આવ્યો હતો કે, હવે કોંગ્રેસ કમબેક કરી શકશે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં 87% લોકોએ કહી દીધું છે કે, હવે કોંગ્રેસ ફરી જાગે તેવી કોઈ આશા દેખાઈ રહી નથી. જ્યારે 13% લોકોને હજુ પણ એ વિશ્વાસ છે કે, કોંગ્રેસ કમબેક કરશે.

  ઓવરઓલ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ-કચ્છની 71.25% જનતા ભાજપ સાથે મજબૂતીથી ઊભી છે અને નરેન્દ્ર મોદીને જ ત્રીજા ટર્મમાં વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 13.12% લોકોનું સમર્થન છે. ટૂંકમાં સૌરાષ્ટ્ર-કચ્છના લોકોની સ્પષ્ટ અને પ્રથમ પસંદગી ભાજપ અને મોદી છે.

  ઉત્તર ગુજરાત ઝોનની શું છે સ્થિતિ?

  ઉત્તર ગુજરાત ઝોનના મતદાતાઓને પણ સરવેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પહેલો પ્રશ્ન હતો કે, ઉત્તર ગુજરાતમાં વિકાસ થયો છે કે કેમ? જેના જવાબમાં 68% લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે, મોદી શાસનમાં ઉત્તર ગુજરાતનો વિકાસ થયો છે. જ્યારે 32% લોકોના મતે કોઈ જ વિકાસ થયો નથી. મોંઘવારીને લઈને ઉત્તર ગુજરાતના 68% મતદાતાઓ માને છે કે, મોંઘવારી વધી છે, જ્યારે 32% લોકો મોંઘવારી ન વધી હોવાનું કહી રહ્યા છે.

  સરવેનો ત્રીજો સવાલ વેપાર-ધંધા અને રોજગારીને લઈને પૂછવામાં આવ્યો હતો. જવાબમાં ઉત્તર ગુજરાતના 59% લોકો કહી રહ્યા છે કે, વેપાર-ધંધામાં પણ વિકાસ થયો છે અને રોજગારી પણ વધી રહી છે. જ્યારે 41% લોકોને રોજગારી દેખાઈ નથી. ચોથો સવાલ હતો કે, ભાજપ 400 પાર કરશે કે કેમ? તેના જવાબમાં 49% લોકો કહી રહ્યા છે કે, ભાજપ 400 પાર જશે, જ્યારે 51% લોકોને તે શક્ય લાગી રહ્યું નથી.

  જ્યારે કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની જેમ ઉત્તર ગુજરાત ઝોનના લોકો પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, હવે કોંગ્રેસનું કમબેક થઈ શકશે નહીં. આંકડા જોઈએ તો 85% લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે, હવે કોંગ્રેસનું કમબેક થઈ શકશે નહીં. જ્યારે 15% લોકોને હજુ પણ સંભાવના દેખાઈ રહી છે!

  શું છે મધ્ય ગુજરાતનું મૂડ?

  મધ્ય ગુજરાત ઝોનમાં પણ પાંચ પ્રશ્ન આધારિત સરવે હાથ ધરવામાં આવ્યો હતો. વિકાસના પહેલાં પ્રશ્ન પર જ 71% લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે, મધ્ય ગુજરાતનો વિકાસ થયો છે. જ્યારે 29% લોકોને વિકાસ દેખાયો જ નથી! મોંઘવારીને લઈને 70% લોકો માની રહ્યા છે કે, મોંઘવારી વધી છે. જ્યારે 30% લોકોના મતે મોંધવારી વધી નથી. વેપાર-ધંધા અને રોજગારીને લઈને મધ્ય ગુજરાતના 65% લોકો માની રહ્યા છે કે, રોજગારી અને વેપાર-ધંધા વધ્યા છે. જ્યારે 35% લોકોને રોજગારી દેખાઈ નથી.

  ભાજપ 400 પાર કરશે કે કેમ?- આ પ્રશ્નના જવાબમાં મધ્ય ગુજરાતના 78% લોકોને વિશ્વાસ છે કે, આ વખતે ભાજપ 400 પાર બેઠકો લાવી રહ્યું છે. જ્યારે 22% લોકોને તે શક્ય લાગી રહ્યું નથી. કોંગ્રેસના કમબેકને લઈને આખા ગુજરાતનો જે મૂડ છે, તે સરવેમાં દેખાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતના 88% લોકો કહી રહ્યા છે કે, હવે કોંગ્રેસ ફરી જાગવાની નથી. જ્યારે 12% લોકો વિશ્વાસ લગાવી રહ્યા છે કે, કોંગ્રેસ કમબેક કરશે.

  શું કહી રહ્યા છે દક્ષિણ ગુજરાતના લોકો?

  ભાજપના સીઆર પાટીલ, હર્ષ સંઘવી જેવા દિગ્ગજ નેતાઓના મતવિસ્તાર એવા દક્ષિણ ઝોનમાં શું સ્થિતિ છે તે સરવે દ્વારા સ્પષ્ટ થઈ છે. દક્ષિણ ગુજરાતના 70% લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે, વિકાસ થયો છે અને વધી પણ રહ્યો છે. જ્યારે 30% લોકોને જ વિકાસ દેખાઈ રહ્યો નથી. મોંધવારીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 66% લોકો માની રહ્યા છે કે, મોંઘવારી વધી છે. જ્યારે 34% લોકોને લાગી રહ્યું છે કે, મોંઘવારી વધી નથી.

  વેપાર-ધંધા અને રોજગારને લઈને દક્ષિણ ગુજરાતના 63% લોકો માને છે કે, રોજગારીની સાથે-સાથે વેપાર-ધંધામાં પણ વધારો થયો છે. જ્યારે 37% લોકોને લાગી રહ્યું છે કે, વેપાર ધંધો અને રોજગારી વધી નથી. મોદી સરકારના 400 પારના વિઝનને દક્ષિણ ગુજરાતીઓ વિશ્વાસ સાથે જોઈ રહ્યા છે. 77% મતદાતાઓને વિશ્વાસ છે કે, ભાજપ 400 પાર જશે. જ્યારે 23% લોકોએ તે અશક્ય લાગી રહ્યું છે.

  કોંગ્રેસના કમબેકને લઈને તો દક્ષિણ ગુજરાતીઓ પણ સ્પષ્ટ જ છે. તેમણે પણ કહી દીધું છે કે, કોંગ્રેસ કમબેક કરી શકશે નહીં. 89% લોકો માની રહ્યા છે કે, કોંગ્રેસનું કમબેક શક્ય નથી. જ્યારે 11% લોકોને હજુ પણ ભરોસો છે કે, કોંગ્રેસ કમબેક કરશે.

  ગુજરાતમાં મોદીલહેર યથાવત

  ચાર ઝોન અને 26 લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકો વડાપ્રધાન મોદી સાથે જોડાઈ ચૂક્યા છે. આખા ગુજરાતની વાત કરીએ તો 68% ગુજરાતીઓને લાગી રહ્યું છે કે, ગુજરાતમાં વિકાસ થયો છે અને તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. જ્યારે 32% લોકોને વિકાસ દેખાયો નથી! મોંઘવારીને લઈને 77% લોકો માની રહ્યા છે કે, મોંઘવારી વધી છે. જ્યારે 23% ગુજરાતીઓના મતે મોંઘવારી નથી વધી.

  વેપાર-ધંધા અને રોજગારીને લઈને 62% લોકો માની રહ્યા છે કે, ગુજરાતમાં વેપાર-ધંધાની સાથે રોજગારી પણ વધી છે. જ્યારે બાકીના 38% લોકોને વેપાર-ધંધા અને રોજગારીમાં કોઈ વિકાસ જોવા મળ્યો નથી. 68% ગુજરાતીઓએ વિશ્વાસ દર્શાવ્યો છે કે, ભાજપ આ વખતે 400 પાર બેઠકો જીતી રહી છે. જ્યારે 32% લોકોને તે શક્ય લાગી રહ્યું નથી. સાથે મહત્વની વાત તો તે છે કે, ગુજરાતની 87% જનતાએ સ્વીકારી લીધું છે કે, હવે કોંગ્રેસ કમબેક કરી શકશે નહીં. જ્યારે 13% લોકોને હજુ પણ કોંગ્રેસ પાસેથી અપેક્ષા છે.

  ટૂંકમાં ન્યૂઝ ચેનલના આ સરવેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગુજરાતમાં મોદીલહેર યથાવત છે. પાછલી બંને ચૂંટણીઓમાં ગુજરાતીઓએ 26માંથી 26 બેઠકો નરેન્દ્ર મોદીના નામે ભાજપને આપી હતી. હવે ફરી એક વખત તેનું પુનરાવર્તન થાય તેવી શક્યતાઓ છે. આ વખતે જોકે ક્ષત્રિય આંદોલનના કારણે સમાજનો એક વર્ગ ભાજપના વિરોધમાં છે, પરંતુ જમીન પર તેની કોઇ ખાસ અસર થતી જણાય રહી નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં