તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં નવસારીનું (Navsari) એક શિક્ષક દંપતી ભોળા હિંદુઓનું બ્રેઈનવોશ કરીને વિવાદાસ્પદ શપથ લેવડાવતું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ હિંદુઓમાં આક્રોશ વ્યાપી ગયો અને સ્થાનિક હિંદુ સંગઠનોએ ધર્માંતરણ (Religious Conversion) કરાવનારા શિક્ષક હોવાના કારણે તેમની પાસે ભણતાં હિંદુ બાળકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને બંને વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે હવે સંગઠનોના દબાણ બાદ નવસારી પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
FIR દાખલ કરવામાં આવી હોવાની નવસારી પોલીસે પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે, “નવસારીની સેવન્થ ડે શાળાના શિક્ષકોનો ધર્માંતરણ કરાવતો અને ધાર્મિક લાગણી દુભાવતો વિડીયો વાયરલ થયા બાદ AHP, બજરંગદળના કાર્યકર્તાઓએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299, 196 અને 54 મુજબ ગુનો નોંધી બંનેને રાઉન્ડ-અપ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.”
હિન્દુ સંગઠનોએ નવસારીના શિક્ષક અને તેની પત્ની વિરુદ્ધ ધર્મ પરિવર્તનના આરોપમાં કરી FIRની માંગ!
— Sagar Patoliya (@kathiyawadiii) November 29, 2024
નવસારીની સેવન્થ ડે સ્કૂલના શિક્ષકે તેની પત્ની સાથે ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. ઇસુને એકમાત્ર ભગવાન તરીકે જાહેર કરતી શપથ દર્શાવતા… pic.twitter.com/60bQWRBNyr
બાળકોની ચિંતા કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યું આવેદનપત્ર
પોલીસે FIR દાખલ કરીને મામલાની તપાસ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ને સોંપી છે, જેઓ હાલ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર, હાલ પોલીસે આ શિક્ષક દંપત્તિની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ સ્થાનિક હિંદુ સમાજના અગ્રણીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને ધર્માંતરણ કરાવી રહેલા શિક્ષક દંપતી પાસે ભણતાં બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરવાની માંગ કરી હતી.
આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સામાજિક કાર્યકર્તા કિરણ પુરોહિતનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, “વિડીયો વાયરલ થયા બાદ વિશ્વ હિંદુ પરિષદ, AHP, બજરંગદળ સહિતના હિંદુ સંગઠનો અને સ્થાનિક હિંદુઓમાં ચિંતા પ્રસરી હતી. ચિંતાનું મુખ્ય કારણ એ હતું કે ખ્રિસ્તી ધર્માંતરણનું રેકેટ ચલાવી રહેલું આ યુગલ શિક્ષક છે. આથી જ ઉગ્રતાથી તેમનો વિરોધ કરવામાં આવતાં અને FIRની માંગ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમારી માંગ છે કે શાળાની પણ તપાસ થવી જોઈએ અને ત્યાં આ પ્રકારની કોઈ ગતિવિધિ ચાલે છે કે કેમ તે તપાસવું જોઈએ.”
‘હિંદુ દેવી-દેવતા કો નહીં માનેંગે, ઈસુ હી પરમેશ્વર’ના લેવડાવતા હતા શપથ
નોંધવું જોઈએ કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તેમાં આ પતિ-પત્ની લોકોને એકઠા કરીને હિંદુ દેવી-દેવતાઓને ન માનવાના અને ઈસુને જ એકમાત્ર ઈશ્વર તરીકે સ્વીકારવાના શપથ લેવડાવતા જોવા મળ્યા હતા. વિડીયોમાં મહિલાને બોલતા અને સામેના લોકોને તેનો પુનરુચ્ચાર કરતા જોવા મળ્યા હતા. શપથમાં બોલાવવામાં આવી રહ્યું છે કે, “ઈશુ આ…..હમારે હિન્દુ ધર્મ મેં જો ભી દેવી-દેવતા હો, જો વાચા વાચી થી, હમ ઉસ વાચા કો ઇસુ કે નામ સે તોડ દેતે હૈ…ઈસુ હી જીવિત પરમેશ્વર હૈ….મારા ખાના, મારી પ્રીત, પ્રભુ યેશુ કો હી….હમ ઈસુ જીવિત પરમેશ્વર કો હી ભજેંગે, અબ તુ હી હમારા પરમેશ્વર હૈ..’
વિડીયો જૂનો, બારડોલીના કોઈ ગામનો: મહિલાએ માંગી હતી માફી
જોકે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વિડીયો શાળાનો નહીં પણ બારડોલી તાલુકાના એકાદ ગામમાં યોજાયેલી સભાનો છે અને 8-9 મહિના જૂનો છે. શાળાએ આ મામલે જણાવ્યું હતું કે, વિડીયોને તેમની શાળા સાથે સંબંધ નથી. જે પુરુષ છે તે તેમની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જોકે, કાર્યવાહી માટે ઉપરના સ્તરેથી આદેશની રાહ જોવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ મામલે વિવાદ થયા બાદ વિડીયોમાં દેખાતી મહિલા સરિતા નાસકરે એક વિડીયો બનાવીને માફી પણ માંગી લીધી હતી. તેણે કહ્યું હતું કે, તેનો આશય હિંદુઓની લાગણી દુભાવવાનો કે ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો ન હતો, પરંતુ તેમ છતાં જો હિંદુઓની લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે અને આગળથી એવું ન થાય તેની બાંહેધરી આપે છે. પરંતુ ત્યારબાદ પણ હિંદુ સંગઠનો કાર્યવાહીની માંગ પર અડગ રહ્યાં હતાં.