Monday, April 29, 2024
More
    હોમપેજદેશભારતમાંથી લુપ્ત થયેલી સરસ્વતી નદીના ગુજરાતમાંથી મળ્યા પુરાવા, સંશોધન કરતી ટીમ હરિયાણથી...

    ભારતમાંથી લુપ્ત થયેલી સરસ્વતી નદીના ગુજરાતમાંથી મળ્યા પુરાવા, સંશોધન કરતી ટીમ હરિયાણથી આવશે કચ્છ: નદીને પુનર્જીવિત કરવાની આશા

    સરસ્વતી નદીના સંશોધન અને તેના પુનર્જીવિત કરવાના પ્રયાસ પર બોર્ડના ઉપાધ્યક્ષ ધૂમન સિંઘે જણાવ્યું કે, સરસ્વતી નદી ફક્ત પવિત્ર નદી નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક વિરાસત છે.

    - Advertisement -

    પ્રાચીન સરસ્વતી નદીના સંશોધન માટે કામ કરતી સરસ્વતી હેરીટેજ વિકાસ બોર્ડને એક મોટી સફળતા મળી છે. બોર્ડને ભારતમાંથી લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વની ઓળખ આપતા પૂરાવા ગુજરાતમાંથી મળ્યા છે. રાજસ્થાન અને હરિયાણા બાદ હવે ગુજરાતમાં નદીના પુરાવા મળતા સંશોધન કરતી ટીમ હવે ગુજરાત આવશે.

    મળતી માહિતી પ્રમાણે ભારતમાં ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી અને કાળક્રમે લુપ્ત થયેલી સરસ્વતી નદીના પુરાવા ગુજરાતમાંથી મળ્યા છે. લુપ્ત થયેલી નદીને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ સાથે સંશોધન કરતી હરિયાણા સરસ્વતી ધરોહર વિકાસ બોર્ડની ટીમ તેની તપાસ માટે ગુજરાત આવશે. આ પહેલાં હરિયાણા અને રાજસ્થાનમાં નદીના પુરાવા મળ્યા હતા. જેનું સંશોધન કાર્ય ચાલુ હતું.

    હરિયાણા સરસ્વતી ધરોહર વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ ધૂમન સિંઘ કિરમિચની આગેવાનીમાં રીસર્ચ ઓફીસર ડો.દીપા, સલાહકાર જીએસ ગૌતમ અને ફાઈનાન્સ ઓફિસર સુરજીત સિંઘ સરસ્વતી નદીના પ્રવાસપથની અને પુરાવાની શોધ માટે કચ્છના રણ પ્રદેશમાં આવશે. સરસ્વતી નદીના સંશોધન અને તેના પુનર્જીવિત કરવાના પ્રયાસ પર બોર્ડના ઉપાધ્યક્ષ ધૂમન સિંઘે જણાવ્યું કે, સરસ્વતી નદી ફક્ત પવિત્ર નદી નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. અત્યાર સુધી દેશમાં જેટલી પણ જૂની સભ્યતાઓ મળી છે. તેમાંથી 70 ટકાથી વધુ સરસ્વતી નદીના લુપ્ત થયેલા ટ્રેક પર જ મળી છે. જેમાં આદિબદ્રીથી લઈ કુણાલ, બિરધાના, રાખીગઢ, કાલીબંગા, લોથલ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. આ બધીજ પૌરાણિક સભ્યતાઓ સરસવતી અને સિંધુ નદીના કિનારે જ મળી છે.

    - Advertisement -

    ધોળાવીરામાં પણ થશે સંશોધન

    તેમણે જણાવ્યુ કે, સંશોધન ટીમ કચ્છમાં જશે અને સરસ્વતી નદીના મળેલા પુરાવાની તપાસ કરશે. સાથે તેઓ દુનિયાની સૌથી જૂની સભ્યતા જ્યાં મળી આવી એવા ધોળાવીરામાં પણ સંશોધન કરશે. ધોળાવીરામાં મળેલી સભ્યતા 10 હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. તપાસમાં મળેલા પુરાવાને ટેસ્ટીંગ માટે વાદિયા ઇન્સ્ટીટયુટ દેહરાદુનમાં મોકલવમાં આવશે.

    વર્તમાનમાં લુપ્ત થયેલી સરસ્વતી નદીનો ઉલ્લેખ ઋગ્વેદ સહિત અનેક પ્રાચીન હિંદુ પુરાણોમાં જોવા મળે છે. જેમાં તેને ગંગા નદી કરતા પણ પ્રાચીન અને મોટી દર્શાવી છે. પરંતુ કાળક્રમે આ નદી પૃથ્વીના પેટાળમાં સમાઈ ગઈ. વૈદિક કાળમાં સરસ્વતી નદીનું અસ્તિત્વ આદિબદ્રીથી (બદ્રીનાથ) લઇ કચ્છના રણ સુધી હતું. આ નદી હિમાલયમાંથી નીકળી આજના હરિયાણા, પંજાબ, રાજસ્થાન, સિંઘ અને ગુજરાતમાંથી પસાર થઈ અરબી સમુદ્રને મળતી હતી.

    લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને તેના પ્રવાસપથના પુરાવા શોધવા માટે વિવિધ સંસ્થાઓ છેલ્લા 150 વર્ષોથી સંશોધન કરી રહી છે. દેશમાં અનેક સરકારોએ આ માટે પ્રયાસ કર્યા પરંતુ દરેકને નિષ્ફળતા મળી. ત્યારે આ વખતે ગુજરાતમાં તેના પુરાવા મળતા સંશોધન કરતા લોકોમાં નવી આશા પ્રગટી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં