Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતદીવની શાળામાં ‘ભારત માતા કી જય’ અને ‘જય હિન્દ’ના નારા લગાવવા બદલ...

    દીવની શાળામાં ‘ભારત માતા કી જય’ અને ‘જય હિન્દ’ના નારા લગાવવા બદલ બાળકો સાથે મારપીટની ફરિયાદ, પ્રિન્સિપાલ એડમન્ડ વિરુદ્ધ ફરિયાદ: VHPએ ઑપઇન્ડિયાને કહ્યું- વાલીઓમાં પણ ફાધરનો ડર

    ઘટના ગત 5 સપ્ટેમ્બરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાળામાં એક તરફ શિક્ષક દિવસ ઉજવાઈ રહ્યો હતો અને બીજી તરફ નિર્દોષ બાળકોને ઢોર માર મારવામાં આવ્યો.

    - Advertisement -

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવની એક અંગ્રેજી શાળામાં અમુક વિદ્યાર્થીઓને ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ના નારા લગાવવા બદલ ફાધરે માર માર્યાની ફરિયાદ બાદથી મામલો ચર્ચામાં છે અને હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં છે. શાળાના પ્રિન્સિપાલની ઓળખ એડમન્ડ મસ્કરેનીયસ તરીકે થઈ છે. આરોપ છે કે પ્રાર્થના સભા દરમિયાન બાળકોએ નારા લગાવતાં તેણે તેમને ફટકાર્યા હતા. ઘટના બાદ સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, વિરોધ બાદ મસ્કરેનીયસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    ઘટના ગત 5 સપ્ટેમ્બરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાળામાં એક તરફ શિક્ષક દિવસ ઉજવાઈ રહ્યો હતો અને બીજી તરફ નિર્દોષ બાળકોને ઢોર માર મારવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલ શરૂ થતાં પહેલાંની પ્રેયર બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. જેવું રાષ્ટ્રગાન પૂર્ણ થયું કે કેટલાંક બાળકોએ ભારત માતાના નામનો જયઘોષ કર્યો. તેમણે ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ના નારા લગાવ્યા હતા. આરોપ છે કે આ નારા સાંભળતા જ હેડમાસ્તર ભડકી ઉઠ્યા.

    અહેવાલમાં જણાવ્યા અનુસાર, તેમણે એક હરોળમાં ઊભેલાં ત્રણ બાળકોને એક તરફ લઈ જઈને ક્રૂર રીતે માર માર્યો હતો. મહત્વની વાત તો તે છે કે આરોપી પ્રિન્સિપાલને ચોક્કસ માહિતી નહોતી કે જયઘોષ કર્યો કોણે છે, પરંતુ છતાં ત્રણેય બાળકોને ઢોર મારવામાં આવ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપાલનો ‘ખૌફ’ શાળામાં એટલો છે કે તેમને આમ કરતા કોઈએ અટકાવ્યા પણ નહીં. સ્થાનિક સૂત્રો અનુસાર, આ ઘટનાને લઈને બાળકોનાં માતા-પિતા પણ મૌન છે, કારણ કે તેમને ડર છે કે જો તેઓ અવાજ ઉઠાવશે તો તેમનાં બાળકોને જ આગળ જતાં તેની અસર થશે.

    - Advertisement -

    હિંદુ સંગઠનોને જાણ થતાં જ મામલો સામે આવ્યો

    મહત્વનું છે કે 5 સપ્ટેમ્બરના રોજ ઘટેલી આ ઘટના આટલા દિવસ સુધી સામે ન આવી, પરંતુ જેવી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોને તેની માહિતી મળી કે તેમણે મુદ્દો ઉપાડી લીધો. દીવ વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં હિંદુ સંગઠનોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બાળકોને માર મારનાર હેડમાસ્તર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ દીવ વિશ્વ હિંદુ પરિષદનો સંપર્ક કર્યો હતો. જિલ્લા સંયોજક ભરતભાઈ સોલંકીએ જણાવ્યું કે, “અમારા દીવમાં નિર્મલા માતા અંગ્રેજી સ્કૂલ આવેલી છે. સ્કૂલમાં નિયમાનુસાર રાષ્ટ્રગાન થાય છે, પરંતુ ત્યાં પૂર્ણાહૂતિ બાદ ‘ભારત માતા કી જય’ કે અન્ય કોઈ જયઘોષ નથી કરાવવામાં આવતા. તેવામાં ગત 5 તારીખે જયારે શાળામાં શિક્ષક દિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે શાળાના કેટલાંક બાળકોએ ભારત માતાના નામનો જયઘોષ કરાવ્યો હતો.”

    ફાધરના ખૌફથી વાલી સહિત બધા મૌન

    તેમણે કહ્યું કે, “જેવું રાષ્ટ્રગાન પૂર્ણ થયું કે એક બાળકે ‘ભારત માતા કી જય’ કહ્યું, એટલે ફાધર તેને ઢસડીને લઈ ગયા અને તેને ઢોર માર માર્યો. બાળકે તેમ પણ કહ્યું કે તેણે કશું જ નથી કર્યું, તે છતાં તેને માર મારવામાં આવ્યો. બાદમાં તેમણે અન્ય બે બાળકોને પણ માર માર્યો. વાત અહીં જ ન અટકી. બાળકોએ પોતાનો કશો જ વાંક ન હોવાનું કહેતા ફાધરે તેમને કહ્યું હતું કે, જે બોલ્યું હોય તેને શોધી લાવો, નહિતર સાંજ સુધી ઘરે નહીં જવા દેવામાં આવે.”

    આગળ તેમણે જણાવ્યું, “અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થતાં જ અમે બાળકોની પૂછપરછ કરી તો તેમણે પુષ્ટિ કરી. અહીંની પરિસ્થિતિ એવી છે કે લોકો ફાધરથી ડરે છે. મોટાભાગની વસ્તી ગરીબ અને અશિક્ષિત છે, આથી તેઓ પણ ફરિયાદ કરતા ડરે છે કે ક્યાંક પ્રિન્સિપાલ તેમના બાળકને શાળામાંથી કાઢી ન મૂકે અને તેમનું ભવિષ્ય અંધકારમય ન થઇ જાય. ફાધરના ડરથી સ્કૂલનો અન્ય સ્ટાફ પણ તેમની સામે અવાજ ઉઠાવતા ડરે છે. પણ ઘટનાની ગંભીરતા જોતાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ આ મામલે આગળ આવ્યાં.”

    જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર, હિંદુ સંગઠનોએ મુદ્દો ઉઠાવ્યા બાદ ફરિયાદ

    ભરત સોલંકીના જણાવ્યા અનુસાર આ મામલે હિંદુ સંગઠનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને પ્રિન્સિપાલ એડમન્ડ મસ્કરેનીયસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. ઑપઇન્ડિયા પાસે આવેદન પત્રની નકલ ઉપલબ્ધ છે. બીજી તરફ કલેક્ટર દ્વારા પણ તેમને પોલીસ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ મામલે હિંદુ સંગઠનોએ અવાજ ઉઠાવતાં અંતે આરોપી પ્રિન્સિપાલ એડમન્ડ મસ્કરેનીયસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    દીવ પોલીસે આરોપી પ્રિન્સીપાલ એડમન્ડ મસ્કરેનીયસ વિરુદ્ધ NC ગુનો દાખલ કર્યો હતો. તેની વિરુદ્ધ BNSની કલમ 115 (2) તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 82 (1) મુજબ NC ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ દીવ પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થઇ શક્યો નહતો. વધુ માહિતી મળ્યે લેખને અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં