Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસતત બીજી વખત ભુપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતની કમાન, ધારાસભ્ય દળની બેઠકમાં નેતા...

    સતત બીજી વખત ભુપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતની કમાન, ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા: 12મીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે

    આજે ગાંધીનગર ખાતે ભાજપના તમામ 156 વિજેતા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં પૂર્વ નાણામંત્રી કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ચાલુ રહેશે તે લગભગ નક્કી હતું. હવે તેમના નામ ઉપર અધિકારીક મહોર મારી દેવામાં આવી છે. આજે ગાંધીનગરમાં મળેલ ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલને નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. હવે તેઓ આગામી 12 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ કરશે. 

    આજે ગાંધીનગર ખાતે ભાજપના તમામ 156 વિજેતા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં પૂર્વ નાણામંત્રી કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી, રમણ પાટકર અને મનિષા વકીલે ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ સર્વસંમતિથી ભુપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. 

    આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે આજે સાંજે ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે મુલાકાત કરીને શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માંટે નિમંત્રણ આપશે. આ ઉપરાંત, ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોને-કોને સામેલ કરવા તેની પણ ચર્ચા કરવામાં આવશે. 

    ભુપેન્દ્ર પટેલનો શપથગ્રહણ સમારોહ આગામી 12 ડિસેમ્બર (સોમવારે) ગાંધીનગરમાં યોજાનાર છે. કાર્યક્રમના ભવ્ય આયોજન માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ નવું મંત્રીમંડળ રચવા માટે પણ કવાયદ શરૂ કરવામાં આવી છે. જોકે, મંત્રીઓ સોમવારે જ શપથ લેશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. 

    આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થવા જઈ રહ્યા છે. જે બાબતની જાહેરાત પરિણામના દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જ કરી દીધી હતી. ઉપરાંત, તેમણે નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ પણ જાહેર કરી જ દીધું હતું. આજે અધિકારીક રીતે ભુપેન્દ્ર પટેલ ધારાસભ્ય દળના નેતા ચૂંટાઈ આવ્યા છે. તેમના શપથગ્રહણ સમારોહમાં ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 182માંથી ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો મેળવી હતી. કોંગ્રેસને 17 જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી. બાકીની 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારો અને એક બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં