7 ડિસેમ્બરના રોજ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) BAPSનો કાર્યકર સુવર્ણ મહોત્સવ (BAPS Karyakar Suvarna Mahotsav) યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં 30 દેશના સ્વયંસેવકો ભાગ લેવાના છે. આ એક દિવસીય કાર્યક્રમમાં 2000થી વધુ કાર્યકરોનું પરફોર્મન્સ પણ જોવા મળશે. કહેવાય રહ્યું છે કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવના છે. BAPSના આ મહોત્સવમાં લગભગ 1 લાખ કરતા પણ વધુ ભક્તો સામેલ થવા જઈ રહ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવા જઈ રહેલા BAPSના કાર્યકર સુવર્ણ મહોત્સવને લઈને તૈયારીઓ પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાતો હોવાથી સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. 1 વર્ષ અગાઉ યોજાયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોસત્વની માફક આ એક દિવસીય મહોત્સવમાં 600થી વધુ કાર્યકરોએ 5 દિવસના રોજના 4 કલાકની વ્યવસ્થા હાથ ધરી હતી. તે જ રીતે આ કાર્યક્રમમાં પણ સ્વયંસેવકોએ તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી છે.
આ મહોત્સવનું મુખ્ય કારણ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના કાર્યકાળના થયેલા ઉમદા કાર્યોને બિરદાવવાનું છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 30 દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર્યકરોને સન્માનિત પણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કાર્યક્રમ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિના દિવસે એટલે કે શનિવારે (7 ડિસેમ્બર) બપોરે 3 વાગ્યે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ દરમિયાન સ્ટેડિયમને પણ ખૂબ સારી રીતે શણગારવામાં આવશે.
છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જે બાદ આખરી ઓપ આપતા શુક્રવારે (6 ડિસેમ્બર) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિહર્સલ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તે સિવાય જરૂરી તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પાણીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા માટે હરિભક્તો સેવા પૂરી પાડવાના છે. આ ઉપરાંત દેશ અને દુનિયાભરના લાખો હરિભક્તો આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ જોઈ શકશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ પર ઉજવાઈ રહ્યો છે, જેના કારણે BAPS સંસ્થા સાથે સંકળાયેલા લોકો માટે આ કાર્યક્રમ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.