કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ચૂંટણીમાં કરેલા વાયદા પ્રમાણે મહિલાઓ માટે રાજ્યભરમાં ST બસમાં મુસાફરી નિઃશુલ્ક કરી દેવામાં આવી હતી. આ ‘શક્તિ યોજના’નો પછીથી કોંગ્રેસે બહુ સારું કામ કર્યું હોય એમ પ્રચાર પણ બહુ કર્યો. પરંતુ આ યોજનાના કારણે સરકાર પર એટલો બોજ પડ્યો કે કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) અને અન્ય ત્રણ નિગમો સતત ખોટનો ધંધો કરી રહ્યાં છે. એટલે જ તાજેતરમાં સરકારે બસનાં ભાડાં વધારવાનો નિર્ણય કર્યો હતો. હવે સમાચાર છે કે KSRTC એરિયર્સ, PF અને ઈંધણની ચૂકવણી માટે ₹624 કરોડની લૉન લેશે.
‘મની કન્ટ્રોલ’ના એક રિપોર્ટ અનુસાર, કર્ણાટકના ST નિગમે નાણાકીય સંસ્થાઓ અને કમર્શિયલ બેન્કો પાસેથી ₹623.8 કરોડની લૉન માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ મંગાવ્યાં છે. લૉન એક જ ઈન્સ્ટોલમેન્ટમાં લેવામાં આવશે અને સાત વર્ષના ગાળામાં ચૂકવણી કરવામાં આવશે.
રિપોર્ટમાં KSRTCના મેનેજિંગ ડાયરેક્ટરને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, લૉન રાજ્ય સરકારના આદેશથી લેવામાં આવી રહી છે. તમામ માર્ગ પરિવહન નિગમ કુલ ₹2000 કરોડની લૉન લેશે, જેનાથી PF અને ડીઝલ માટે ચૂકવણી કરીને હિસાબ ચૂકતે કરવામાં આવશે.
કર્ણાટકમાં કુલ ચાર ST નિગમ કાર્યરત છે. તમામ પર એરિયર્સના ભારની ગણતરી કરવામાં આવે તો રકમ ₹4800 કરોડ પર જઈને ઊભી રહે છે. સરકારે આ માટે ₹2000ની લૉન લેવાની મંજૂરી આપી છે. પરંતુ તમામ એરિયર્સ ક્લિયર કરવાં હોય તો નિગમોને હજુ વધારાની મદદની જરૂર પડશે.
અહેવાલ જણાવે છે કે, નવેમ્બર 2024 સુધીમાં તમામ નિગમો પર કુલ ₹6,330 કરોડની લાયબિલિટી હતી. જેમાં PF ફંડની બાકી નીકળતી રકમ, ગ્રેચ્યુઇટી, ફ્યુઅલ સપ્લાય એરિયર્સ અને પેન્શનનો સમાવેશ થાય છે. પરંતુ કૅશ હાથમાં ન હોવાના કારણે PF ફંડ ટ્રાન્સફર, પેન્શન અને અન્ય બાકી રકમની ચૂકવણી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાકી રકમની ચૂકવણી માટે PF એરિયર્સ માટે ₹2,901 કરોડ અને ફ્યુઅલ એરિયર્સ માટે ₹827.37 કરોડ મળીને કુલ ₹5,527 કરોડની જરૂર છે, જેમાંથી ₹3,728 કરોડ સરકાર પાસે માંગવામાં આવ્યા હતા.
કઈ રીતે ખોટ પાછળ શક્તિ યોજના કારણભૂત?
આ પરિસ્થિતિ પાછળ કર્ણાટક સરકારની ફ્રીબી યોજના ‘શક્તિ’ની મોટી અસર થઈ છે. કારણ કે મહિલાઓ માટે મુસાફરી મફત કરવામાં આવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની ટિકિટ કપાતી જ નથી. તેમના વતી ખર્ચ સરકાર ભોગવે છે. એક રીતે જોવા જઈએ તો કરદાતાઓના પૈસા જ જાય છે. જેટલી મહિલાઓની ઝીરો રૂપિયાની ટિકિટ કપાય તેનો હિસાબ ચારેય ST નિગમો સરકારને આપે છે અને સરકાર તેમને એટલા રૂપિયાની ભરપાઈ કરે છે. પણ તેમાં પણ નિગમોને જ નુકસાન થઈ રહ્યું છે.
ડિસેમ્બર, 2024માં કર્ણાટકના ટ્રાન્સપોર્ટ મંત્રી રામલિંગા રેડ્ડીએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, કર્ણાટકના ચાર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને શક્તિ યોજના પર નાણાં વિભાગ દ્વારા મળતા વળતરમાં ₹1,694 કરોડની ખોટ ખાવી પડી છે. વર્ષ 2023-24ના બજેટમાં કર્ણાટક સરકારે ચારેય કોર્પોરેશનને આ યોજના માટે ₹3,199 કરોડ ફાળવ્યા હતા. પરંતુ ડિસેમ્બર આવતાં સુધીમાં ટિકિટનો ખર્ચ તેનાથી વધી ગયો. જેથી તમામે સરકાર પાસેથી ₹1,694 કરોડ લેવાના થાય છે. જૂન 2023થી નવેમ્બર 2024 સુધીમાં આ યોજનાના કારણે ચાર કોર્પોરેશનને કુલ ₹6,543 કરોડનો ખર્ચ થયો હતો, જે બજેટની ફાળવણી કરતાં લગભગ બમણો છે.
જૂન 2023માં કોંગ્રેસ સરકારે યોજના લાગુ કર્યા બાદ બસમાં મુસાફરી કરનારી મહિલાઓની સંખ્યા વધી હતી અને ડિસેમ્બર 2023 સુધીમાં કુ 111,83,06,781 મહિલાઓએ બસ સેવાનો લાભ લીધો હતો. આ તમામની ટિકિટનો ખર્ચ ગણીએ તો એ ₹2,671 કરોડ જેટલો થાય છે. જ્યારે સરકારે આ ખર્ચની સામે નવેમ્બર 2023માં ચારેય નિગમોને માત્ર ₹1,669.45 કરોડ જ ચૂકવ્યા હતા.
મુસાફરોના ધસારાના કારણે નિગમના ખર્ચ પણ વધ્યા
બીજી તરફ, મુસાફરોનો ધસારો વધવાના કારણે નિગમોના ઑપરેશનલ ખર્ચ અને મેન્ટેનન્સમાં પણ વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને આવી યોજનોએ વધુ કપરી બનાવી દીધી છે. સરકારે પહેલાં બસનાં ભાડાં વધારી જોયાં, પણ તેમાં પણ મેળ ન આવ્યો તો હવે લૉન લેવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કોઈ પણ રાજ્યમાં મફતની યોજનાઓ કઈ રીતે અર્થતંત્ર માટે ઘાતક પુરવાર થઈ શકે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરકારોએ અમુક પ્રકારની યોજનાઓ ચલાવવી પડે છે એ વાત સમજાય છે અને ભારતમાં આવી ઘણી યોજનાઓ ચાલે જ છે અને સરકાર લાખો-કરોડોના ખર્ચ પણ કરે છે. પરંતુ આ પ્રકારની અમુક યોજનાઓ સ્પષ્ટ રીતે રાજકીય લાભો મેળવવા માટે અને મત મેળવવા માટે જ લાવવામાં આવતી રહી છે. કારણ કે મહિલાઓને બસમાં નિઃશુલ્ક મુસાફરી કરવામાં આવે તેનાથી લાંબાગાળે તેમના જીવનધોરણ પર કોઈ મોટો ફેર પડતો નથી. ન તો આ ટિકિટના દર મોટા હોય છે. તેમ છતાં કોંગ્રેસ સરકાર ચલાવી રહી છે.
પરિસ્થિતિ અહીં સુધી પહોંચ્યા પછી હજુ પણ કોંગ્રેસ યોજના પરથી પીછેહઠ કરી રહી નથી. જોકે હવે એક સમસ્યા એ પણ છે કે અહીંથી જો કોંગ્રેસ યોજના બંધ કરી દે તો ફજેતી થયા વગર રહે નહીં, કારણ કે જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યારે બહુ મોટા ઉપાડે શરૂ કરાઈ હતી. જો પાંચ વર્ષ યોજના ચાલુ રહી અને નિગમો ખોટ ખાતાં રહ્યાં તો લાંબાગાળે સરકારી તિજોરી પર મોટું જોખમ સર્જાશે.