‘લેખક’ ડૉ. કૌશિક ચૌધરીએ એક ફેસબુક પોસ્ટમાં મોહનદાસ ગાંધીની હત્યાના બે દાયકા પછી નીમાયેલા કપૂર કમિશનના રિપોર્ટને ટાંકીને દાવો કર્યો છે કે સ્વતંત્રતા પછી તરત હિંસક તખ્તાપલટ વડે દેશની લોકતાંત્રિક સરકારને ઉથલાવી દેવાનું ષડ્યંત્ર રચાયું હતું અને ગાંધીહત્યા તેનું પ્રથમ પગલું હતું. સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સરસંઘચાલક ગુરુ ગોળવલકર અને વિનાયક સાવરકરના પણ ઉલ્લેખ છે, જેનાથી સાબિત કરવાનો પ્રયાસ થયો છે કે આ ષડ્યંત્ર પાછળ આર.એસ.એસ અને હિંદુ મહાસભાના માણસો હતા.
આખી પોસ્ટને જે રીતે આકાર આપવામાં આવ્યો છે તેને જોતાં વાંચનારને પ્રથમ દૃષ્ટિએ લાગી શકે કે તમામ બાબતો ઐતિહાસિક તથ્યો અને પ્રમાણો સાથે લખવામાં આવી છે, પણ હકીકતે એવું નથી. અહીં અનેક વાતો સંદર્ભ વગર ઠોકી બેસાડવામાં આવી છે. અનેક તથ્યોનું ઇંગ્લિશમાં જેને ચેરીપીકિંગ કહેવાય એ થયું છે. મોટાભાગનો આધાર અમુક જુબાનીઓ પર રાખવામાં આવ્યો છે, જેને અંતિમ સત્ય માનીને નિષ્કર્ષ આપી દેવાયો છે. જ્યારે મજાની વાત એ છે કે રિપોર્ટમાં પણ આમાંની ઘણી બાબત નિષ્કર્ષમાં સમાવવામાં આવી નથી.
પોસ્ટમાં ડૉ. ચૌધરી શરૂઆત કમિશન કયા સંજોગોમાં રચાયું એ પૃષ્ઠભૂમિ આપવાથી કરે છે. અહીં પણ વાંચનારની સરળતા ખાતર એક નજર મારી લઈએ.
કમિશન અને ગઠન પાછળના સંજોગો
30 જાન્યુઆરી, 1948ના દિવસે નાથુરામ ગોડસેએ દિલ્હીમાં મોહનદાસ ગાંધીની હત્યા કરી. ત્યારબાદ આ હત્યાનો દિલ્હીના લાલ કિલ્લામાં કેસ ચાલ્યો, જે ‘રેડ ફોર્ટ ટ્રાયલ’ તરીકે જાણીતો છે. ટ્રાયલ બાદ કોર્ટે નાથુરામ અને નારાયણ આપ્ટેને દોષી ઠેરવીને ફાંસીની સજા ફટકારી. દત્તાત્રેય પરચુરે, મદનલાલ પાહવા, વિષ્ણુ કરકરે અને ગોપાલ ગોડસેને જેલની સજા થઈ. વિનાયક સાવરકરને દોષમુક્ત કરાયા.
ગોડસે અને આપ્ટેને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી અપાઈ. ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા ઑક્ટોબર 1964માં જેલમાંથી છૂટ્યા. તેમના માટે પુણેમાં એક સભાનું આયોજન થયું જેમાં બાળગંગાધર ટિળકના પૌત્ર ડૉ. જી. વી કેતકર હાજર હતા. તેમણે સભામાં કહ્યું કે ઘટનાના છ મહિના પહેલાં નાથુરામે ગાંધીહત્યાનો વિચાર તેમની સમક્ષ મૂક્યો હતો અને તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો.
કેતકરના આ વિધાન પછી મહારાષ્ટ્ર વિધાનસભા અને સંસદમાં હોબાળો મચ્યો અને શું તેમને ખરેખર જાણ હતી, શું તેમણે તેની જાણ શાસનવ્યસ્વથાને કરી હતી અને કરી હોય તો સરકારે શું પગલાં લીધાં હતાં– આ બાબતોની તપાસ માટે કમિશન રચવાની માંગ થઈ. સાંસદો અને પબ્લિકના પ્રેશરને વશ થઈને તત્કાલીન ગૃહ પ્રધાન ગુલઝારીલાલ નંદાએ સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ગોપાલ સ્વરૂપ પાઠકને તપાસ કરવા કહ્યું. તેમણે ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાની હતી. પણ તેઓ કેન્દ્રીય મંત્રી અને તત્કાલીન મૈસુર રાજ્યના ગવર્નર પણ હતા એટલે કમિશનની રચના ફરીથી થઈ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જીવનલાલ કપૂરને સોંપવામાં આવી.
21 નવેમ્બર, 1966ના દિવસે કપૂર કમિશને કામ હાથ પર લીધું હતું. 101 સાક્ષીઓ અને 407 સરકારી દસ્તાવેજો ચકાસ્યા બાદ સપ્ટેમ્બર 1969માં કામ પૂર્ણ થયું. ત્યારબાદ કમિશનનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો.
ટ્રાયલ કોર્ટ દ્વારા દોષમુક્ત થયેલા સાવરકરને ઢસડવાનો પ્રયાસ
આ રિપોર્ટને ટાંકીને ડૉ. ચૌધરીએ રિપોર્ટની સૌથી જાણીતી લાઇન છાપી છે, જે વિકિપીડિયાથી માંડીને અનેક સ્ત્રોત ઉપયોગમાં લઈ ચૂક્યા છે. ડૉ. ચૌધરી લખે છે: કપૂર કમિશનનો આખરી નિષ્કર્ષ આ શબ્દો સાથે આપવામાં આવ્યો કે, ‘આ તમામ તથ્યોને એકસાથે જોતાં સરવરકર અને તેમના જૂથ દ્વારા ગાંધીજીની હત્યાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું હતું તે સિવાયની બીજી કોઈ પણ થિયરી ટકી શકે તેમ નથી.’

કપૂર કમિશનના રિપોર્ટમાં અનેક ઠેકાણે ‘સાવરકરાઇટ્સ’ શબ્દનો ઉપયોગ થયો છે. હિંદુ મહાસભામાં સક્રિય સાવરકરની (ઉગ્ર) વિચારધારા સાથે સંકળાયેલા અમુક લોકો– આવા સંદર્ભમાં આ શબ્દ વપરાયો હતો. બીજા વૉલ્યુમના પાના નંબર 303 પર ઉપર કહ્યું એ વાક્ય જોવા મળે છે. પણ તેના બે જ પાનાં અગાઉ 301 પર કમિશનનો રિપોર્ટ ‘સાવરકરાઇટ્સ’ પર સમગ્ર ષડ્યંત્રનો દોષ નાખે છે. તેનાં બે જ પાનાં પછી શંકાની સોય સીધી સાવરકર પર મૂકી દેવામાં આવી છે. કમિશન બે પાનાંમાં એ નક્કી ન કરી શક્યું કે દોષી સાવરકર હતા કે સાવરકરથી પ્રેરાયેલા માણસો?
રિપોર્ટમાં સાવરકરના બે બૉડીગાર્ડ્સે બૉમ્બે પોલીસ સમક્ષ નોંધાવેલાં નિવેદનો ટાંકવામાં આવ્યાં છે, જેમાં તેમણે સાવરકર અને ગોડસે-આપ્ટે વચ્ચે જાન્યુઆરી 1948માં એક બેઠક થઈ હોવાનો દાવો કર્યો હતો. પણ શું કમિશને આ બંનેને સાક્ષી તરીકે બોલાવીને સ્વતંત્ર રીતે તેમની જુબાની નોંધી હતી? જવાબ છે– ના.
મૂળ વાત એ છે કે ગાંધીહત્યામાં સાવરકરનો હાથ હતો કે નહીં એ તપાસવાનું કામ કમિશનનું હતું જ નહીં. કારણ કે આ વિષય પહેલાં જ એક ક્રિમિનલ કોર્ટ નક્કી કરી ચૂકી હતી. તેનું ગઠન મૂળ એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે કરવામાં આવ્યું હતું કે શું કેતકરને ખરેખર છ મહિના પહેલાં ગોડસેના આવા કોઈ પ્લાન વિશે ખબર હતી? ખબર હોય તો તેમણે સરકારને જાણ કરી હતી? જાણ કરી હોય તો આ બાબતે કોઈ પગલાં લેવાયાં હતાં? સાવરકર છેક 1948માં એક કોર્ટ દ્વારા, ટ્રાયલને અંતે દોષમુક્ત થઈ ચૂક્યા હતા. છતાં રિપોર્ટમાં તેમને ઢસડવામાં આવ્યા.
આટલી માહિતી જાણીતી છે, પણ એક હકીકત જે ઓછી જાણીતી છે એ એ છે કે દેશની સુપ્રીમ કોર્ટે 2018ના એક આદેશમાં નોંધ્યું હતું કે કપૂર કમિશનના રિપોર્ટમાં માત્ર સામાન્ય અવલોકન લખી દેવાયું હતું, પરંતુ દેશની ક્રિમિનલ કોર્ટ તેમને નિર્દોષ છોડી ચૂકી છે એ હકીકત નકારી શકાય નહીં.
2018નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને સાવરકર પર લાગતા આરોપો પર પૂર્ણવિરામ
માર્ચ 2016માં મહારાષ્ટ્રના એક નાગરિક પંકજ ફડનીસે કપૂર કમિશનના રિપોર્ટમાંથી સાવરકરનો ઉલ્લેખ હટાવવાની માંગ કરતી એક અરજી બૉમ્બે હાઇકોર્ટમાં દાખલ કરી. પણ કોર્ટે એ અરજી નકારી દીધી. ત્યારબાદ ફડનીસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. ઑગસ્ટ 2017માં સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી.
કોર્ટે એક એમિકસ ક્યુરીની નિમણૂક કરી અને તેમને તમામ કેસ ફાઈલો, દસ્તાવેજો અને કમિશન રિપોર્ટનો અભ્યાસ કરીને રિપોર્ટ સુપરત કરવા માટે કહ્યું. એમિકસ ક્યુરીએ રિપોર્ટ જમા કર્યા પછી માર્ચ 2018માં જસ્ટિસ શરદ બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની બેન્ચે ચુકાદો આપ્યો.

ચુકાદામાં લખવામાં આવ્યું છે:
‘એમિકસ ક્યુરી તેમના અહેવાલમાં જણાવે છે કે આ નિષ્કર્ષ (સાવરકર વિશે કપૂર કમિશનના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે એ) સાવરકરના નિધન બાદ તારવવામાં આવ્યો હતો અને તેના માટે સાવરકર કે તેમના કોઈ પણ પ્રતિનિધિને તેમનો પક્ષ મૂકવાની તક આપવામાં આવી ન હતી. આ નિષ્કર્ષ એટલા માટે પણ અયોગ્ય છે કારણ કે એ હકીકત છે કે સાવરકરને ટ્રાયલ બાદ નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. એ વાતમાં કોઈ શંકા નથી કે આ ફાઈન્ડિંગથી સાવરકરની દોષમુક્તિને પડકારી ન શકાય. આ માત્ર એક ‘સામાન્ય અવલોકન’ કરવામાં આવ્યું છે, સંભવતઃ એટલા કારણોસર કે ગોડસે અને આપ્ટે એક તબક્કે સાવરકર સાથે સંકળાયેલા હતા. જેથી સાવરકરને નિર્દોષ ઠેરવવાના ક્રિમિનલ કોર્ટના નિર્ણય પર (કમિશનના રિપોર્ટની) કોઈ અસર થઈ શકે એમ નથી.”
સાવરકરવાળું અહીં પૂરું થયું. હવે તખ્તાપલટવાળું હાથ પર લઈએ.
તખ્તાપલટની થિયરી શું કમિશનના રિપોર્ટમાં છે? એક જુબાની સિવાય ક્યાંય નહીં
ડૉ. ચૌધરી આગળ લખે છે, ‘…પણ આ તપાસમાં સાવરકર સાથે સંઘ અને હિંદુ મહાસભાના લોકો દ્વારા ભારતની લોકશાહી સરકારના હિંસક તખ્તાપલટની પણ એક આખી યોજનાની માહિતી સામે આવી, જે વિશે તે સમયના સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદના પત્રોમાં જાણવા મળે છે. કપૂર કમિશનમાં એ બધા સબૂત અને ઘટનાઓને ફરી જોવામાં આવી જે તે સમયે બની હતી.’
શું કપૂર કમિશન કહે છે કે સંઘ અને મહાસભાએ ભારતની લોકતાંત્રિક સરકાર ઉથલાવવા માટે હિંસાની યોજના ઘડી હતી? ના. રિપોર્ટના નિષ્કર્ષમાં આવો કોઈ ઉલ્લેખ નથી. શું રિપોર્ટનો નિષ્કર્ષ કહે છે કે ગાંધીહત્યા પાછળ સંઘનો કે અન્ય કોઈ સંગઠનનો હાથ હતો? ના. તો આ બધું આવ્યું ક્યાંથી? અમુક જુબાનીઓ પરથી, અમુક ઇન્ટેલિજન્સ ઇનપુટમાં કહેલી વાતો પરથી અને બાકીનું અમુક ઘટનાઓના મિશ્રણથી.

વાસ્તવમાં ગાંધીહત્યા પછી નેહરુ, સરદાર વગેરેના પત્રોમાં આ વાત ચર્ચાઈ હતી. નેતાઓ આશંકા વ્યક્ત કરતા હતા કે બની શકે કે દેશના મોટા નેતાઓને મારીને દેશમાં લોકતાંત્રિક સરકાર ઉથલાવવાનું કાવતરું હોય શકે. પણ આ આશંકા માત્ર હતી. શું તેના કોઈ પુરાવા હતા? ના. પણ અહીં પોસ્ટમાં એ રીતે લખ્યું છે કે જાણે પત્રોમાં પુરાવા સાથે ચર્ચા થઈ હોય. હકીકત એ છે કે જે હતું એ બધું આશંકાના આધારે કહેવાયું હતું. સંઘ ખરેખર આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ હશે એવું બહાર આવીને કોઈએ કહ્યું ન હતું કે ન તેના પુરાવા હતા.
ડૉ. ચૌધરી આગળ અલવરનો ઉલ્લેખ કરીને કહે છે કે ત્યારે તે ભારત સરકાર વિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું હતું. હવે એ વાત સાચી કે રિપોર્ટમાં અલવરનો, ત્યાંની અમુક ગતિવિધિઓનો ઉલ્લેખ છે, પણ તેનાથી શું કમિશનના રિપોર્ટમાં એ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે તે સત્તાવિરોધી ગતિવિધિઓ કે તખ્તાપલટ માટેનું કેન્દ્ર હતું કે કોઈ રીતે ગાંધીહત્યાને અલવરમાં થતી ગતિવિધિઓ સાથે સીધો સંબંધ હતો. ફરીથી જવાબ છે– ના.
એ હકીકત છે કે અલવરમાં હિંદુ મહાસભાનું રાજકીય વર્ચસ્વ હતું અને ખરે ત્યાંના વડા પ્રધાન હતા. ગોડસે અને અન્ય અમુક સાથીદારોના સંપર્ક હતા એ વાત પણ સાચી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ ત્યાં નજર પણ રાખી રહી હતી. રિપોર્ટમાં આ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ અને CIDની નોંધ ટાંકવામાં આવી છે પણ એ રેકર્ડ્સ ઑફ સસ્પિશન તરીકે, ફાઈન્ડિંગ તરીકે નહીં. ફ્રન્ટિયર ગાર્ડનો પણ ઉલ્લેખ છે, પણ એ ઇન્ટેલ ઇનપુટ તરીકે. રિપોર્ટમાં ક્યાંય એ કહેવામાં આવ્યું નથી કે આ બધી ગતિવિધિઓ તખ્તાપલટ જેવા કોઈ ષડ્યંત્ર માટે થઈ રહી હતી.
તો આ નિષ્કર્ષ આવ્યો ક્યાંથી? પત્રકાર જે. એન સાહનીની જુબાની પરથી. જે. એન સાહનીને તે સમયના ભારતના ‘અત્યંત પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ પત્રકાર’ ગણાવીને ડૉ. ચૌધરી લખે છે કે તેમણે એક સાક્ષી તરીકે કમિશનને જણાવ્યું હતું કે સંઘ અને મહાસભામાં એક ગુપ્ત સંગઠન કામ કરે છે અને આ સંગઠનનો ઉદ્દેશ્ય માત્ર તોફાનો કરાવવાનો નહીં પણ દિલ્હીમાં અરાજકતા ફેલાવીને સત્તા કબજે કરવાનો હતો.

આગળ સાહનીને ટાંકીને કહેવામાં આવ્યું કે નેતાઓની હત્યા પછી સત્તાપલટો કરવા માટે નાગપુરમાં ગોળવલકર અને પૂનામાં ભોપતકરના નેતૃત્વમાં ચળવળ ચાલવાની હતી અને તેની પાછળ જેસલમેર, જોધપુર, અલવર, ભરતપુર, બરોડા અને ભોપાલ જેવા કેટલાક રાજાઓ અને સરદારો હતા. અને મહાત્માની હત્યાને તે દિશામાં પ્રથમ પગલું ગણવામાં આવતું હતું.
આગળ પણ સાહનીને ટાંકીને ઘણું બધું લખવામાં આવ્યું છે. પણ અહીં મૂળ વાત આવે છે. શું આ બધી બાબતોની સ્વતંત્ર રીતે કમિશને ખરાઈ કરી હતી? ના. કમિશને પણ આ વાતોને માત્ર સાહનીએ તેમના તથાકથિત વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પરથી કહેલી વાતો તરીકે જ પ્રકાશિત કરી હતી અને ક્યાંય નિષ્કર્ષમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આને કોઈ કોર્ટ કાર્યવાહી સાથે સરખાવીએ તો કોર્ટ બે પક્ષો ઉપરાંત સાક્ષીઓને સાંભળે છે. તેમની જુબાનીઓ નોંધાય છે. ત્યારબાદ કોર્ટનું કામ તેની ખરાઈ કરવાનું અને સામેના પક્ષનું કામ ઉલટતપાસ કરવાનું છે. અહીં સંઘને બોલાવીને આમાંના કોઈ આરોપની ખરાઈ કરવામાં ન આવી કે ન કમિશને પોતાની રીતે આગળ કશું કર્યું. માત્ર એક સાક્ષીની જુબાની તરીકે ઉલ્લેખ કરી દેવાયો. વિચારવા જેવી બાબત એ પણ છે કે જો ખરેખર આ વાતોમાં વજન હોત તો તત્કાલીન કોંગ્રેસ સરકાર સંઘ વિરુદ્ધ કાર્યવાહી કરવાથી પાછળ હટી હોત?

આગળ ગોળવલકરની ગાંધી વિશેની એક કથિત સ્પીચ ટાંકવામાં આવી છે. પણ અહીં પણ કમિશન પોતાની રીતે કશું જ કહેતું નથી અને ઇન્ટેલિજન્સ ઇનપુટને ટાંકીને જણાવે છે. ડૉ. ચૌધરી પોતે પણ સ્વીકારે છે કે પછીથી એક પણ સાક્ષી મળ્યો ન હતો જેણે કોઈ કોર્ટ કે કમિશન સામે એવું સ્વીકાર્યું હોય કે તેણે સરસંઘચાલકને આવું કહેતા સાંભળ્યા હતા.
જો આશય માત્ર જુબાનીઓનો જ આધાર લઈને નિષ્કર્ષ પર પહોંચી જવાનો હોય તો ગૃહ વિભાગના આંતરિક સુરક્ષા વિભાગના સચિવ આર. એન બેનર્જીએ કમિશન સમક્ષ આપેલા નિવેદનને પણ નોંધવું જોઈએ. એ પણ નોંધવાનું રહે કે બેનર્જી એક સરકારી અધિકારી હતા, જેમણે જે-તે સમયે થયેલી તપાસ, તેમને મળેલી સત્તાવાર જાણકારી અને અન્ય ફાઈલોના અભ્યાસના આધારે કમિશન સમક્ષ નિવેદન આપ્યું હતું, કોઈ પત્રકારની જેમ ‘વિશ્વસનીય સૂત્રો’ને ટાંકીને નહીં.
બેનર્જી કમિશન સમક્ષ સ્પષ્ટપણે જણાવે છે કે, ‘આરોપીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હોવાની કોઈ સાબિતી મળી નથી કે હત્યામાં સંઘનો કોઈ હાથ હોય તેવી પણ કોઈ વિગતો સામે આવી નથી.’ તેઓ આગળ કહે છે કે, ‘RSS મહાત્મા ગાંધી કે પછી કોઈ ટોચના કોંગ્રેસ નેતા વિરુદ્ધ કોઈ હિંસક પ્રવૃત્તિમાં સંડોવાયેલું હોવાના કોઈ પુરાવા નથી.’
પરંતુ સંઘને સંડોવનારાઓ ક્યારેય આ જુબાનીઓને મહત્ત્વ આપતા નથી કે ટાંકતા નથી.
વાત જ્યાં સુધી તખ્તાપલટની થિયરીની છે, તો મોટાભાગનો આધાર માત્ર એક જ જુબાની પર રાખવામાં આવ્યો છે અને તેને કમિશનના રિપોર્ટના ફાઈન્ડિંગ તરીકે રજૂ કરવામાં આવી છે. જ્યારે હકીકતે રિપોર્ટમાં ક્યાંય સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી. જો જુબાનીઓ ધ્યાને જ લેવાની હોય તો RSSને આરોપમુક્ત કરવામાં આવ્યું હતું એ પણ લેવી પડે, પણ તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. કારણ? સુજ્ઞ વાચક સારી રીતે જાણે છે!


