તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક કેસ સામે આવ્યો હતો, જેમાં જાતિવાદી એંગલ આપીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ રાજકારણ રમવાના પ્રયાસ કર્યા. પરંતુ જ્યારે FIRનો અભ્યાસ કરવામાં આવ્યો અને અન્ય જાણકારી મેળવવામાં આવી ત્યારે જુદી જ હકીકત સામે આવી.
25 ઑક્ટોબરના રોજ કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે એક પોસ્ટ કરીને લખ્યું કે UPના ગ્રેટર નોઇડામાં એક 17 વર્ષીય દલિત કિશોર અનિકેતની અમુક ‘ઊંચી જાતિના’ માણસોએ હત્યા કરી નાખી હતી. 24 ઑક્ટોબરના રોજ સારવાર દરમિયાન અનિકેતે દમ તોડી દીધો હતો. શમાએ લખ્યું, “દર એક-બે અઠવાડિયે ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં દલિતોની હત્યા કરવામાં આવી હોવાના સમાચારો આવતા રહે છે. નરેન્દ્ર મોદી અને તેમની ડબલ એન્જિન સરકાર દલિતોની સુરક્ષા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે.”

કોંગ્રેસ એકલી નહીં પણ આ ઘટનામાં જાતિવાદી એંગલ શોધવામાં અન્ય પાર્ટીઓ પણ લાઇનમાં છે. જેમાં UPના મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીનો પણ સમાવેશ થાય છે. પાર્ટીના મીડિયા સેલના અકાઉન્ટ પરથી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે ‘ઠાકુર’ સમુદાયના માણસોએ હત્યા કરી છે.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પણ એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે ‘દબંગ’ શબ્દનો ઉપયોગ કર્યો.

શું છે હકીકત? FIR શું કહે છે?
અહીં હકીકત થોડી જુદી છે. આ ઘટનામાં આરોપીઓ મીણા સમુદાયના છે, જે અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાં આવે છે, ‘અપર કાસ્ટ’ નહીં.
ઑપઇન્ડિયા પાસે આ કેસની FIR ઉપલબ્ધ છે. જે ઘટનાના બે દિવસ બાદ 17 ઑક્ટોબરના રોજ નોંધવામાં આવી હતી. ઘટનામાં ફરિયાદી મૃતક યુવકના કાકા છે. આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 191(2), 190, 115(2), 352, 109 અને 309(4) લગાડવામાં આવી છે અને ST/SC એક્ટની પણ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. પછીથી મૃત્યુ થતાં BNSની 103(2) પણ ઉમેરવામાં આવી હતી.
FIRમાં કૂલ 7 વ્યક્તિઓ સામે નામજોગ અને બાકીના 10-12 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર આરોપીઓનાં નામ છે– યુવરાજ, જીતુ, રચિત, ભારત, અંજીત, પવન અને સુનીત. તમામ એક જ વિસ્તારના રહેવાસીઓ છે અને તમામ મીના સમુદાયમાંથી આવે છે. જોકે FIRમાં જાતિનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ પોલીસે પછીથી આરોપીઓની જાતિ વિશે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર, એન્કેટ તેના ભાઈ અને મિત્રો સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ગયો હતો. તેઓ એક રોડ પર ઊભા હતા ત્યારે આસિફ નામનો એક યુવક આવ્યો અને કંઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયો. થોડા સમય પછી યુવરાજ, જીતુ, રચિત વગેરે 10-12 અન્ય શખ્સો સાથે ત્યાં આવ્યા અને લાઠી-દંડા વડે માર મારવાનો શરૂ કરી દીધો અને જાતિસૂચક ગાળો આપી.
અનિકેતને નિર્મમતાથી માર મારવામાં આવ્યો અને તેના મિત્રોને પણ વાગ્યું હતું. અનિકેત બેભાન હાલતમાં હતો. જ્યારે અમુક ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પછીથી અનિકેતને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને સારવાર શરૂ કરવામાં આવી.
મારપીટ દરમિયાન આરોપીઓએ અનિકેત સાથે આવેલા સુમિતની સોનાની ચેઇન અને આઇફોન આંચકી લીધાં હતાં. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ અનિકેત સાથે અગાઉ પણ મારપીટ કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટનાના બે દિવસ બાદ સુમિતને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ અનિકેતને બચાવી ન શકાયો અને 24 ઑક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો.
પોલીસે શું જણાવ્યું?
આ ઘટનામાં 19 ઑક્ટોબરના રોજ પોલીસે યુવરાજ મીણા અને જીતુ મીણાની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ 24 ઑક્ટોબરના રોજ રચિત અને અંકિતને પણ પકડી લેવામાં આવ્યા. બાકીના આરોપીઓને શોધવા માટે હાલ તપાસ ચાલી રહી છે.
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) October 25, 2025
પોલીસે પુષ્ટિ કરી કે આરોપીઓ મીણા સમુદાયમાંથી આવે છે. આરોપીઓ અને પીડિત વચ્ચે અગાઉ પણ કોઈ વાતે ઝઘડો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું, પરંતુ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
રાજકીય પાર્ટીઓ આ ઘટનામાં ‘એન્ગલ’ શોધી રહી છે અને તેને ‘દલિત વિ. સવર્ણ’ મુદ્દો બનાવવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હકીકત શું છે એ પોલીસ રેકોર્ડ્સ પરથી જાણવા મળે છે. આરોપીઓ મીણા સમુદાયના છે, જે ST કેટેગરીમાં આવે છે. જેથી ઓનલાઇન જે નરેટિવ ચલાવવામાં આવી રહ્યો છે તે સદંતર ખોટો છે.


