કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર પાયાવિહોણા દાવાઓ અને આરોપો સાથે સવાલો ઉઠાવ્યા બાદ કોંગ્રેસ ઇકોસિસ્ટમ સતત તેને સાચા ઠેરવવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે. તેના માટે હવે જૂઠાણાં અને ફેક ન્યૂઝનો સહારો પણ લેવાઈ રહ્યો છે. આશ્ચર્ય બિલકુલ નથી કે તેમાં અમુક સ્વઘોષિત પત્રકારો પણ સામેલ છે.
પુણ્ય પ્રસૂન બાજપેયી જેવા કથિત પત્રકારો અને કોંગ્રેસ ટ્રોલ અર્પિત શર્મા અને નેહા સિંઘ રાઠોડ વગેરે વારાણસી મહાનગરપાલિકા ચૂંટણીની એક જૂની મતદાર યાદી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે અને દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે રામકમલ દાસ નામની એક વ્યક્તિના 40-50 પુત્રો યાદીમાં નોંધાયેલા છે અને તમામનું સરનામું પણ એક જ છે.
બાજપેયીએ પોસ્ટ કરીને લખ્યું, “આ વારાણસી છે. 50 બાળકોના પિતાનું નામ રાજકમલ દાસ. સૌથી નાનો પુત્ર રાઘવેન્દ્ર 28 વર્ષનો. સૌથી મોટો પુત્ર બનવારી દાસ 72 વર્ષનો.” આ કટાક્ષભરી ટિપ્પણી કરીને એવું સાબિત કરવામાં આવી રહ્યું છે કે મતદાર યાદીમાં ગડબડ ગોટાળા કરવામાં આવ્યા છે.
ये वाराणसी है…
— punya prasun bajpai (@ppbajpai) August 12, 2025
50 बच्चों के पिता का नाम राजकमल दास..
सबसे छोटा बेटा राघ्वेन्द्र 28 साल का..
सबसे बड़ा बेटा बनवारी दास 72 साल का.. pic.twitter.com/6488ZBwIQr
અર્પિત શર્મા નામના એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો પ્રોપગેન્ડા ફેલાવ્યા કરતા યુવાને પણ આવો જ દાવો કરતી એક પોસ્ટ કરી અને કટાક્ષ કરતાં કહ્યું કે, ચિટિંગ કરવા માટે પણ અક્કલ જોઈએ. સાથે ‘વૉટચોરી’નો હૅશટેગ પણ વાપર્યો, જે કોંગ્રેસી કેમ્પેઈનમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
As per ECI’s voter list-
— Arpit Sharma (@iArpitSpeaks) August 10, 2025
Ramkamal Das has 42 kids, all male, youngest 35yrs & eldest 49yrs
In Bihar, Minta Devi’s age is 124 yrs but Oldest person alive in 2025 is aged 115 years.
Cheating karne ke liye bhi akal chahie??♂️ #VoteChori pic.twitter.com/HDDbHsspE3
આવા જ દાવા સાથે અન્ય ઘણી પોસ્ટ કરવામાં આવી છે. પરંતુ હકીકત કંઈક જુદી છે, જે આ દાવા કરનારાઓ જાણતા નથી અથવા જાણતા હોવા છતાં જાણીજોઈને અપપ્રચાર ફેલાવવા માટે, ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ લોકોની ઉશ્કેરવા માટે અવગણી રહ્યા છે.
હકીકત શું છે?
આ વાયરલ મતદાર યાદી જોવામાં આવે તો તે વારાણસીની 2023ની યાદી છે. તેમાં જે નામો લખવામાં આવ્યાં છે તેમાં ઘણાં નામોની પાછળ પિતાના નામમાં એક જ નામ લખવામાં આવ્યું છે– ‘રામકમલદાસ.’ તમામની ઉંમર જુદી-જુદી જણાવવામાં આવી છે. આ યાદીના આધારે પ્રશ્ન કરવામાં આવ્યા કે એક જ વ્યક્તિના આટલા પુત્રો અને આટલી ઉંમરની ગેપ કઈ રીતે હોય શકે?
અહીં હકીકત એ છે કે સ્વામી રામકમલદાસ વેદાંતી એ વારાણસીના એક રામજાનકી મઠના મહંત છે. તેમના આશ્રમમાં ગુરુ-શિષ્ય પરંપરાનું પાલન થાય છે. એટલે શિષ્યો તેમના આધ્યાત્મિક ગુરુને જ ‘પિતા’ માને છે અને આધિકારિક રેકોર્ડમાં પણ તેમનું જ નામ લખવામાં આવે છે. 2023માં મઠના સરનામે મહંત રામકમલદાસના કુલ 48 શિષ્યોની નોંધણી મતદાર યાદીમાં કરવામાં આવી હતી અને એ જ કારણ છે કે રામકમલદાસનું નામ પિતાની કૉલમમાં લખવામાં આવ્યું છે. આમાં નવાઈની વાત કોઈ નથી. ગુરુ-શિષ્ય પરંપરાનું પાલન કરતા આશ્રમો, મઠોમાં આ સામાન્ય છે અને કાયદાકીય રીતે પણ માન્ય છે.
ઉપરાંત, એ પણ નોંધવું રહ્યું કે. આ યાદી ચૂંટણી પંચની સામાન્ય મતદાર યાદી નથી પણ સ્થાનિક ચૂંટણી માટેની યાદી હતી. માર્ચ 2025માં ચૂંટણી પંચે આ બાબતની સ્પષ્ટતા પણ કરી હતી.
વર્ષ 2023માં પણ આ જ મુદ્દે મીડિયાએ સનસનાટી પેદા કરે તેવા અહેવાલો પ્રકાશિત કર્યા હતા, પણ તે સમયે પણ મઠના સંચાલકે સાચી વાત સમજાવી હતી અને જણાવ્યું હતું કે શિષ્યો જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે બાયોલોજિકલ પિતાને સ્થાને આશ્રમના મહંતનું નામ લખાવે છે. ત્યારબાદ જાગરણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મતદાર યાદી બિલકુલ સાચી છે અને તમામ શિષ્યો મઠમાં રહે છે.
ખાસ નોંધવાનું એ રહે કે સોશિયલ મીડિયા પર આ બધી પોસ્ટ ફરી એ સમયે જીવિત કરવામાં આવી રહી છે જ્યારે રાહુલ ગાંધીએ મચાવેલા હોબાળા બાદ વિપક્ષને ફરી એક મુદ્દો મળી ગયો છે, દેશની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવા માટે. કોઈ પણ રીતે રાહુલ ગાંધીની વાતો હકીકતમાં ખપાવવા માટે ઇકોસિસ્ટમ રાત-દિવસ એક કરી રહી છે. પરંતુ ફાવટ ન આવતાં હવે ફેક ન્યૂઝ, ખોટા દાવાની મદદ લેવામાં આવી રહી છે અને તેમાં હિંદુ પરંપરાઓને ટાર્ગેટ કરવામાં પણ છોછ અનુભવતા નથી!


