Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમ આદમી પાર્ટીના પોલની પોલ ખુલી ગઈ: જાતે જ પોલ બનાવી જાતે...

    આમ આદમી પાર્ટીના પોલની પોલ ખુલી ગઈ: જાતે જ પોલ બનાવી જાતે જ મતો આપ્યા!

    આમ તો આમ આદમી પાર્ટીએ ઘણી બેઠકો પર આ પ્રકારના સરવે કર્યા હતા, પરંતુ નવસારી વિધાનસભા બેઠક પર કાચું કપાતાં આખરે પોલ ખુલી ગઈ હતી

    - Advertisement -

    ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમજ પ્રાયોજિત અને બોગસ સરવેનું પ્રમાણ ફરી વધી રહ્યું છે. હવે સોશિયલ મીડિયા પર એપ્લિકેશન પણ આવી ગઈ છે જેના થકી કોઈ પણ વ્યક્તિ પોલ બનાવી શકે છે અને લોકોના મતો મેળવી શકે છે. ગ્રાઉન્ડ પર ખાસ પ્રતિસાદ ન મળતાં હવે આમ આદમી પાર્ટીએ માહોલ ઉભો કરવા માટે આવા સરવે ફરી શરૂ કર્યા છે. અને એ પણ સરવે માટે એપ્લિકેશનનો સહારો લેવામાં આવી રહ્યો છે. જોકે, ‘આપ’ના પોલની પોલ ખુલી જતાં નેતાઓએ શૅર કરેલી પોસ્ટ ડીલીટ કરી નાંખવી પડી હતી.

    આમ તો આમ આદમી પાર્ટીએ ઘણી બેઠકો પર આ પ્રકારના સરવે કર્યા હતા, પરંતુ નવસારી વિધાનસભા બેઠક પર કાચું કપાતાં આખરે પોલ ખુલી ગઈ હતી અને આમ આદમી પાર્ટીના નેતાઓએ શૅર કરેલી પોસ્ટ ડીલીટ કરી નાંખવી પડી હતી. 

    આમ આદમી પાર્ટી નવસારી શહેરના કાર્યકર્તાઓ દ્વારા એક એપ્લિકેશન ઉપર એક પોલ બનાવવામાં આવ્યો હતો અને જેની લિંક વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ શૅર કરવામાં આવી હતી. આ પોલનો વિષય એ હતો કે નવસારી વિધાનસભા બેઠક પર ચૂંટણી થાય તો કઈ પાર્ટીના ઉમેદવારને કેટલી બેઠકો મળે? 

    - Advertisement -
    બાદમાં પોસ્ટ ડિલીટ કરી નાંખવામાં આવી હતી

    આ પોલના વાયરલ થયેલા સ્ક્રીનશોટ મુજબ કુલ 638 મતો પડ્યા હતા. જેમાંથી 562 મતો આમ આદમી પાર્ટીના ઉમેદવારના ખાતામાં, 66 મતો કોંગ્રેસના ખાતામાં અને માત્ર 10 મતો ભાજપના ઉમેદવારના ખાતામાં પડ્યા હતા. જેની ટકાવારી અનુક્રમે 88.09%, 10.34% અને 1.57 ટકા થાય છે. 

    પોલના પરિણામો જોતાં પ્રથમ નજરે લાગે છે કે નવસારી વિધાનસભા બેઠક ઉપર પવન આમ આદમી પાર્ટીના પક્ષમાં છે અને જો આજે ચૂંટણી થાય તો ‘આપ’ના ઉમેદવાર જંગી બહુમતીએ જીત મેળવશે. જોકે, જ્યારે ‘આપ’ના આ પોલની પોલ ખુલી ત્યારે આ સમગ્ર ગતકડાં પાછળની હકીકત સામે આવી હતી. 

    વાસ્તવમાં, આ એપ્લિકેશન ઉપર પોલ બનાવતી વખતે મતો આપનાર વ્યક્તિઓની વિગતો સાર્વજનિક કરવી કે નહીં તેનો વિકલ્પ આપવામાં આવે છે. ઉપરાંત, એક વ્યક્તિ એક જ વખત મત આપી શકે તેવું સેટિંગ પણ થઇ શકે છે. જોકે, આ પોલ બનાવતી વખતે બંને વિકલ્પો પસંદ કરવામાં આવ્યા ન હતા. 

    આ પોલ નીચે મતો આપનારાની સંખ્યા જોવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, એક-બે નામો એવાં હતાં જેમણે એકસાથે અનેક વખત મતો આપ્યા હતા. જેના કારણે આપમેળે આમ આદમી પાર્ટીની ટકાવારી વધી ગઈ હતી અને અહીં સુધી પહોંચી ગઈ હતી. 

    સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે અમુક મતો બાદ Bhavin અને Savla આ બે નામો દ્વારા જ અઢળક મતો એકસાથે નાંખવામાં આવ્યા છે. જેની ગણતરી માંડવામાં આવે તો એ બે નામો જ 100-200 મતોનો આંકડો પાર કરી જાય તેમ છે. જોકે, આ અંગે અમુક યુઝરોએ આમ આદમી પાર્ટીના નેતાઓએ શૅર કરેલી પોસ્ટ ઉપર કૉમેન્ટ કરતાં આખરે આ પોસ્ટ જ ડીલીટ કરી દેવામાં આવી હતી.

    જોકે, આ એક પોસ્ટ ન હતી, આ ઉપરાંત પણ આ જ એપ્લિકેશન પર પાર્ટીએ અનેક પોલ બનાવી રાખ્યા છે. જેના પરિણામો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શૅર કરવામાં આવી રહ્યાં છે અને આ સરવેને ‘ગુજરાતનો સૌથી મોટો સરવે’ ગણાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનતી બતાવવામાં આવી હતી. પરંતુ આ એક કિસ્સા ઉપરથી આ પ્રકારના સરવેની વિશ્વસનીયતા કેટલી હશે તે કળવું મુશ્કેલ નથી.

    જોકે, ચૂંટણીઓ અગાઉ આવા સરવે આમ આદમી પાર્ટી માટે કોઈ નવી વાત નથી. થોડા સમયથી જ સક્રિય થયેલી પાર્ટીએ માહોલ બનાવવા માટે આવા જ સરવેનો સહારો લેવો પડે છે. આ અગાઉ પણ આમ આદમી પાર્ટી આવા પ્રાયોજિત સરવેનાં પરિણામો શૅર કરીને પોતાના કાર્યકર્તાઓમાં જોમ ભરવાના પ્રયત્નો કરી ચૂકી છે. જોકે, જે રીતે આમ આદમી પાર્ટીને માત્ર સોશિયલ મીડિયા પર જ થોડુંઘણું સમર્થન મળી રહ્યું છે તેને જોતાં આ વખતે પણ આમ આદમી પાર્ટીએ આવા સરવે પરથી જ સંતોષ માની લેવો પડશે એવું લાગે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં