હોમપેજદુનિયાપીએમ મોદીની મુલાકાત પહેલાં મલેશિયામાં હિંદુઘૃણા ફેલાવી રહ્યો છે ઝાકિર નાઈકનો સમર્થક:...

પીએમ મોદીની મુલાકાત પહેલાં મલેશિયામાં હિંદુઘૃણા ફેલાવી રહ્યો છે ઝાકિર નાઈકનો સમર્થક: કોણ છે મંદિરો વિરુદ્ધ અભિયાન ચલાવનારો મોહમ્મદ ઝમરી વિનોદ

મોહમ્મદ ઝમરી વિનોદની પ્રવૃત્તિઓ માત્ર મજહબી પ્રચાર પૂરતી સીમિત નથી, પરંતુ તે બે દેશો વચ્ચેના મજબૂત થતા રાજદ્વારી સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કરી રહી છે.

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7-8 ફેબ્રુઆરી 2026ની મલેશિયાની ઐતિહાસિક મુલાકાત પહેલાં મલેશિયામાં એક કટ્ટરપંથી ઇસ્લામી પ્રચારક મોહમ્મદ ઝમરી વિનોદ વિવાદોમાં આવ્યો છે. ઝાકિર નાઈકના આ કટ્ટર સમર્થકે પીએમ મોદીની મુલાકાત દરમિયાન અવરોધ ઊભો કરવા અને હિંદુ મંદિરો વિરુદ્ધ રેલીઓ યોજવાની ધમકી આપીને વાતાવરણ ગરમાવ્યું છે.

મોહમ્મદ ઝમરી વિનોદની પૃષ્ઠભૂમિ

41 વર્ષીય મોહમ્મદ ઝમરી વિનોદ મૂળ મલેશિયન તમિલ છે. તેનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો અને તેનું નામ વિનોદ કાલિમુથુ હતું. ઇસ્લામ સ્વીકાર્યા બાદ તે એક કટ્ટરવાદી પ્રચારક તરીકે ઉભરી આવ્યો છે. તે ભારતના ભાગેડુ ઝાકિર નાઈકનો કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેને મલેશિયાની સરકારે આશરો આપ્યો છે. વિનોદે અગાઉ જાહેરાત કરી હતી કે જો મલેશિયા સરકાર ઝાકિર નાઈકનું ભારત પ્રત્યાર્પણ કરશે, તો તે પોતાની મલેશિયન નાગરિકતા છોડી દેશે.

તેનો અપરાધિક ઇતિહાસ પણ સામે આવી ચૂક્યો છે. તે એવા કટ્ટરપંથી મુસ્લિમ જૂથોની સાથે ઉભો છે, જે એવો દાવો કરે છે કે મલેશિયામાં અનેક હિંદુ મંદિરો અને ધાર્મિકસ્થળો ‘ગેરકાયદેસર જમીન’ પર બનેલાં છે. આવા દાવા કરતા સંગઠનોમાં 141 NGOsનો સમાવેશ થાય છે.

- Advertisement -

PM મોદીની મુલાકાત અને રેલીની ધમકી

નોંધનીય છે કે 7-8 ફેબ્રુઆરી 2026ના રોજ PM મોદી મલેશિયાની મુલાકાતે છે, જેમાં વેપાર, રક્ષા, શિક્ષણ, પર્યટન, કનેક્ટિવિટી અને કૃષિ ક્ષેત્રે સહયોગ વધારવાની ચર્ચા થશે. ઑગસ્ટ 2024માં બંને દેશોએ સંબંધોને કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનું સ્તર આપ્યું હતું.

આ જ સમયે કટ્ટરપંથી ઝમરી વિનોદે 7 ફેબ્રુઆરીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “સરકારનાં પ્રોપગેન્ડા અને યુક્તિઓથી મૂર્ખ ન બનો. અમે ઘૂસણખોરો સામે લડીશું. આવતીકાલની રેલી 8 વાગ્યે સોગો કેએલ સામે થશે.” રેલી સાંજે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી નક્કી કરાઈ હતી.

આ રેલીમાં આશરે 141 જેટલી બિન-સરકારી સંસ્થાઓ (NGOs) સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર પર દબાણ લાવવાનો છે, જેથી કટ્ટરપંથીઓ જેને ગેરકાયદે ગણે છે એવા હિંદુ મંદિરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મલેશિયાના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે પોલીસ પ્રદર્શનના આયોજકોને મળીને તેમને રેલી રદ કરવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. મંત્રાલયે સુરક્ષા કારણોનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસને કારણે હાલ સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે.

ગૃહ મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે, “PM મોદીના પ્રવાસ દરમિયાન કોઈપણ જાહેરસભા કે પ્રદર્શનમાં ભાગ ન લેવો.” સરકારને આશંકા છે કે આ પ્રકારની રેલી દેશની સુરક્ષા અને સામાજિક સૌહાર્દને જોખમમાં મૂકી શકે છે.

મલેશિયા સરકારના પ્રવક્તા ફહમી ફઝીલે સ્પષ્ટ કર્યું છે કે, વડા પ્રધાન અનવર ઈબ્રાહિમ કોઈપણ ભોગે રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરશે નહીં, ખાસ કરીને એવા સમયે જ્યારે એક મહત્વપૂર્ણ વિદેશી નેતા (PM મોદી) મલેશિયાના પ્રવાસે આવી રહ્યા છે.

પ્રતિક્રિયાઓ અને વિરોધ

DAP સોશિયાલિસ્ટ યુથના (DAPSY) વડા વૂ કાહ લેંગોએ આ રેલી રોકવાની માંગ કરી અને કહ્યું કે ‘કુઇલ હરામ’ જેવા શબ્દો પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે કહ્યું કે મંદિરો દેશના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે અને આવી પ્રવૃત્તિઓ જાતિ-ધર્મ તણાવ વધારે છે.

પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટી (PPP) અને મલેશિયન ઇન્ડીયન કોંગ્રેસે (MIC) પણ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. મલેશિયા હિંદુ સંગમેં પણ આવા ભ્રામક નેરેટિવ ફેલાવનારાઓની નિંદા કરી અને સરકારને વારસાગત મંદિરોનું રક્ષણ કરવાની અપીલ કરી છે. આ સિવાય પુસત કોમાસ જેવા NGOsએ ઝમરીને મલેશિયાને ‘પાછળ ધકેલનારી’ ઝુંબેશ બંધ કરવાનું કહ્યું છે. ઉપરાંત PKR સભ્યો અને MP આરએસએન રાયરે પણ કાર્યવાહીની માંગ કરી છે. હિંદુ સમુદાય અને રાજકીય નેતાઓએ શાંતિપૂર્ણ રીતે ફરિયાદો નોંધાવીને રેલી રોકવાનો પ્રયાસ કર્યો છે.

ભૂતકાળની ધરપકડ અને કાર્યવાહી

આ પહેલા 2019માં પણ મોહમ્મદ ઝમરીની પોલીસે હિંદુઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે ધરપકડ કરી હતી. તેણે પોતાના ભાષણ દરમિયાન હિંદુ ધર્મ વિશે વાંધાજનક શબ્દો કહ્યા હતા, જેનાથી સામાજિક સૌહાર્દ બગડવાનું જોખમ ઊભું થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા 70 સેકન્ડના વિડીયોમાં ઝમરીએ હિંદુ ધર્મ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક નિવેદનો આપ્યા હતા.

આ મામલે તેની સામે અનેક ફરિયાદો નોંધવામાં આવી હતી. તેની વિરુદ્ધ પીનલ કોડની કલમ 298A (લોકોમાં વિભાજન અને નફરત ફેલાવવી) અને કોમ્યુનિકેશન એન્ડ મલ્ટીમીડિયા એક્ટ 1998ની કલમ 233 હેઠળ કેસ નોંધાયો હતો. તે સમયે હિંદુ સમુદાય અને NGOs દ્વારા 867 ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

નોંધનીય છે કે અવારનવાર હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપનારા ઝમરી સામે 890થી વધુ પોલીસ ફરિયાદો નોંધાયેલી છે. ડેમોક્રેટિક એક્શન પાર્ટીના (DAP) સાંસદ આરએસએન રાયરે થોડા દિવસો પહેલાં ગૃહમંત્રી સૈફુદ્દીન નાસ્યુશન ઇસ્માઇલ પાસે આ બાબતે જવાબ માંગ્યો હતો. રાયરે દાવો કર્યો હતો કે આ રીઢા ગુનેગાર વિરુદ્ધ અત્યાર સુધીમાં 890થી વધુ પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, તેમ છતાં તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

તેમણે પૂછ્યું હતું કે, “જ્યારે તેના નિવેદનો વારંવાર સમાજમાં તણાવ પેદા કરી રહ્યા છે તો અત્યાર સુધી તેની સામે કેસ કેમ ચલાવવામાં આવ્યો નથી?” આ ઉપરાંત માર્ચ 2025માં ફેસબુક પર મંદિર સંબંધિત એક પોસ્ટને કારણે ઝમરીની ધરપકડ કરવામાં આવી હતી. આ પોસ્ટ કુઆલાલંપુરમાં એક મંદિર હટાવીને તેની જગ્યાએ મસ્જિદ બનાવવા અંગેની હતી. તે જ મહિનાની શરૂઆતમાં ઝમરીએ ફેસબુક પર હિંદુ શ્રદ્ધાળુઓની ‘કાવડી’ (Kawadi) વિધિ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

હિંદુ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ

ભગવાન શિવનું અપમાન: માર્ચ 2024માં તેણે એક ટિકટોક વિડીયો દ્વારા ભગવાન શિવ અને અન્ય દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી હિંદુ સમુદાયની લાગણી દુભાઈ હતી. ત્યારબાદ મલેશિયન MP આરએસએન રાયરે કાર્યવાહીની માંગ કરી હતી અને કહ્યું હતું કે, “આ ટિપ્પણીઓ હિંદુ સમુદાય માટે અપમાનજનક છે.”

કાવડી વિધિની મજાક: માર્ચ 2025માં તેણે ફેસબુક પોસ્ટમાં હિંદુઓની પવિત્ર ‘કાવડી’ વિધિની મજાક ઉડાવતા કહ્યું હતું કે ભક્તો ‘ધૂણતા’ હોય તેવા લાગે છે. ઝમરીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, કાવડીની વિધિ કરનારા હિંદુ ભક્તો એવા દેખાય છે જાણે તેઓ કોઈ નશામાં હોય અથવા તેમનામાં કોઈ ભૂત આવી ગયું હોય.

ધાર્મિક અસહિષ્ણુતા: તે સતત હિંદુ મંદિરોને ‘કુઈલ હરામ’ (ગેરકાયદેસર) કહીને તોડી પાડવાની માંગ કરે છે.

‘થાઈપુસમ’ પર્વનું અપમાન: તાજેતરમાં જ ‘થાઈપુસમ’ પર્વ નિમિત્તે 31 જાન્યુઆરીએ રાત્રે 12 વાગ્યાથી 2 ફેબ્રુઆરી સવારે 3 વાગ્યા સુધી મફત ફેરી સેવાની જાહેરાત થયા બાદ તેણે હિંદુ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ ડેમોક્રેટિક એક્શન પાર્ટી સોશિયલિસ્ટ યુથના (DAPSY) સેપુતેહ પ્રમુખ ડિક્કેમ લૂર્ડેસે તેને આડેહાથ લીધો હતો. ડિક્કેમ લૂર્ડેસે કહ્યું હતું કે, “તમારું ઇસ્લામમાં ધર્માંતરણ એ તમારો વ્યક્તિગત નિર્ણય હોય શકે છે, પરંતુ તે ધર્માંતરણને હિંદુ તહેવારોની મજાક ઉડાવવા અને હિંદુ આસ્થાનું અપમાન કરવાનો પરવાનો (લાઈસન્સ) સમજવો એ ઘૃણાસ્પદ છે.”

ઝાકિર નાઈકના સમર્થનમાં નાગરિકતા છોડવા સુધીની જાહેરાત કરનાર ઝમરી એક એવા વૈચારિક નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે, જે મજહબી દબાણ દ્વારા રાજકીય દબાણ ઊભું કરવા માંગે છે. તેનો આક્રોશ એ વાતનું પ્રમાણ છે કે ભારત અને મલેશિયાના સંબંધોમાં જે મજબૂતાઈ આવી રહી છે તેનાથી કટ્ટરપંથી શક્તિઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે.

મોહમ્મદ ઝમરી વિનોદની પ્રવૃત્તિઓ માત્ર મજહબી પ્રચાર પૂરતી સીમિત નથી, પરંતુ તે બે દેશો વચ્ચેના મજબૂત થતા રાજદ્વારી સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કરી રહી છે. ભારત અને મલેશિયા જ્યારે સંરક્ષણ, વેપાર અને શિક્ષણમાં સહયોગ વધારી રહ્યા છે, ત્યારે આવા તત્વો પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં